Get The App

મોહ મરી ગયો, સ્વધર્મ સમજાઈ ગયો! .

Updated: May 30th, 2026

GS TEAM

Google News
Google News
મોહ મરી ગયો, સ્વધર્મ સમજાઈ ગયો!                                      . 1 - image

- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર

- સ્વધર્મના આચરણ પૂર્વે બે સિદ્ધાંતો જાણી લેવા જોઈએ. એક છે આત્માની અમરતા અથવા અખંડતા. આત્મા એ નિત્ય, સનાતન અને સર્વવ્યાપક છે

મ હાભારતમાં કહ્યું છે કે, 'નહિ માનુષાત્ પરતરં કિંચિત' એટલે આ સૃષ્ટિના મનુષ્યથી કશું શ્રેષ્ઠ નથી.' એની સામે આગમસૂત્રો કહે છે કે 'માણુસ્સે ખુ સુ દુલ્લહ' હે મનુષ્ય, મનુષ્ય થવું કઠિન છે. માત્ર જન્મથી જ માણસ માણસ બનતો નથી. એની ભીતરમાં ભાવના અને ઉપાસનાથી એણે એક બીજો માણસ સર્જવાનો છે. 

કેટલીક વ્યક્તિઓ માનવસ્વરૂપે જન્મે છે, પરંતુ એ એવું પ્રપંચમય અને અધમ જીવન ગાળે છે કે દાનવ બની જાય છે. કેટલીક વ્યક્તિઓ માનવરૂપે જન્મે છે અને પોતે જ મૂડી લઈને આવ્યા હોય તે મૂડી સાથે જ અવસાન પામે છે. 

કેટલીક વ્યક્તિઓ માનવ તરીકે જન્મે છે, પણ એ પછી સત્કર્મો કરીને આંતરિક સમૃદ્ધિની ખીલાવટ કરે છે. 

પોતાના હૃદયમાં મૈત્રી, કરુણા, મુદિતા, ક્ષમા, પરોપકાર જેવા ગુણોને વાવે છે અને ખિલવે છે. 

આ રીતે ધર્માનુભાવ વ્યક્તિને પતનમાંથી બચાવે છે અને ઉન્નતિ તરફ લઈ જાય છે. આવા ધર્મથી એના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવે છે. 

એની આસપાસનું જગત એનું એ જ રહે છે, સ્વજનો અને પરિચિતો પણ એ જ હોય છે, પરંતુ એની જીવનદ્રષ્ટિમાં પરિવર્તન આવે છે. એની નજરમાં સહિષ્ણુતા, સમભાવ અને સમન્વય એવા પ્રગટે છે કે સમગ્ર વિશ્વ સાથે એ મૈત્રીભાવનો અનુભવ કરે છે. 

પારકાની પીડા એ સમજી શકે છે અને પોતાની પ્રતિકૂળતાને એ અનુકૂળતામાં ફેરવી શકે છે. જીવનમાં આવતા દુ:ખો અને આપત્તિઓને સ્વીકારીને એનાથી ઉદ્વિગન બનવાને બદલે એને પાર જવાનો પુરુષાર્થ કરે છે. 

આમ ધર્મને પરિણામે એના હૃદયમાં ભાવનાઓનું અજવાળું ફેલાય છે. એના ચિત્તમાં પ્રસન્નતા વ્યાપી વળે છે અને એના જીવનના પ્રત્યેક કાર્યમાં આવો ધર્મ તાણાવાણાની માફક વણાઈ જાય છે. 

યુદ્ધભૂમિ કુરુક્ષેત્ર પર પોતાના બાંધવોનો જોઈને વિષાદગ્રસ્ત અર્જુન વિચારે છે કે આજે એને એના સ્વજનો સામે યુદ્ધ કરવાનું છે. 

આ પરિસ્થિતિમાં સ્વજનોના મમત્વથી ભ્રમિત થયેલા અર્જુનને શ્રીકૃષ્ણ એના સ્વધર્મનું સ્મરણ કરાવે છે. 

શ્રીકૃષ્ણ શિષ્ય અર્જુનના મનોઘડતર અને વિચારઘડતરનું આવશ્યક કાર્ય કરી રહ્યા હતા. કર્મ, અકર્મ, સકામ કર્મ અને નિષ્કામ કર્મ વિશે જે દ્વિધાઓ પ્રવર્તતી હતી, એની અર્જુનને સ્પષ્ટતાની જરૂર જણાઈ. આથી જ પોતાના શુભચિંતક અને માર્ગદર્શક શ્રીકૃષ્ણ પાસેથી એ કર્તવ્ય કર્મનો ત્યાગ નહીં કરવાની અને ફળની પ્રાપ્તિની ચિંતામાંથી મુક્ત રહીને કર્મ કરવાની વાતને સમજે છે. 

શ્રીકૃષ્ણ એને યોગદશા સ્વીકા૨વાનું કહે છે અને યોગદશામાં રહી કર્મ કરનારનાં સઘળાં કર્મ પ્રભુના કર્મ બને છે એમ કહે છે. એ પછી કર્મયોગની આધારભૂત વ્યાખ્યા આપ્યા બાદ કર્મમાં યજ્ઞાભાવની મીમાંસા કરે છે અને તેઓ અર્જુનને કહે છે કે, 

'હે ધનંજય, તારે યુદ્ધ કરવાનું છે. પગ વાળીને બેસવાનું નથી. ધર્મ માટે, સ્વાભિમાનની રક્ષા માટે, સત્ય અને ન્યાયનાં મૂલ્યોનું જતન કરવા માટે તારે લડવાનું છે.' એ પછી કહે છે કે, 'ભગવાન સાથે યુક્ત' અને વિષયો સાથે 'અયુક્ત' મનુષ્ય સમત્વના સોમરસનું પાન કરે છે અને એના બધા જ કર્મ સ્વસ્થતા, તટસ્થતા અને અવિષય અવસ્થામાં હોવાથી પરમ આનંદાનુભૂતિ પામે છે.' 

માનવીની પ્રકૃતિ, મન, વૈરાગ્ય અને અભ્યાસ વિશે અર્જુનને ઉપદેશ આપ્યા બાદ શ્રીકૃષ્ણ સ્વધર્મ અને સ્વભાવની માર્મિક વિવેચના કરી છે. સ્વભાવ અને સ્વધર્મ અભિન્ન રીતે જોડાયેલા છે. જેવો સ્વભાવ, તેવો સ્વધર્મ. માણસ સ્વભાવ પ્રમાણે સ્વધર્મને અનુસરે છે. ચારેય વર્ણની રચના કર્મ ૫૨, સ્વભાવ ૫૨ આધારિત છે, જન્મ ૫૨ નહીં. 

અને આ વાતના નિષ્કર્ષ રૂપે શ્રીકૃષ્ણ એને કહેવા માગે છે, પાર્થ, તારો આધારભૂત સ્વભાવ ક્ષત્રિયનો છે. યુદ્ધ કરવું એ તારો સ્વધર્મ છે, તું તારો સ્વધર્મ બજાવ. યુદ્ધ કર.' 

યુદ્ધમાં સ્વજનોને હણીને કોઈનું ય કલ્યાણ અર્જુન જોતો નથી, ત્યારે અર્જુનને શ્રીકૃષ્ણ કહે છે કે દરેક વ્યક્તિએ સ્વધર્મનું આચરણ કરવું જોઈએ. માનવી મોહગ્રસ્ત બનીને પોતાના કર્તવ્યથી ભાગવા કોશિશ કરે છે. 

અર્જુન પણ મોહગ્રસ્ત બનીને મહાભારતના યુદ્ધમાંથી પાછા ફરવાનું વિચારે છે. 

ત્યારે એનો સ્વધર્મ તો યુદ્ધપ્રવૃત્ત થવાનો હતો. શ્રીકૃષ્ણ એને રણમેદાન પર સ્વધર્મની સમજ આપે છે. 

દરેક વ્યક્તિનો પોતાનો ધર્મ હોય છે. આ ધર્મ એટલે હિંદુ ધર્મ, ઈસ્લામ ધર્મ કે ખ્રિસ્તી ધર્મ નહીં, પરંતુ આ સ્વધર્મ એટલે એનું સ્વભાવપ્રાપ્ત અને અપરિહાર્ય એવું કર્તવ્ય છે. 

પ્રત્યેક વ્યક્તિ સ્વજીવનના કર્તવ્યનો વિચાર કરે છે. આ એનો સ્વધર્મ બને છે. એવું બને કે વ્યક્તિ જેમ જેમ વિકાસ સાધતી જાય છે, તેમ તેમ એની દ્રષ્ટિ બદલાતી જાય છે. એની ધર્મભાવનામાં પરિવર્તન આવતું જાય, એ યુવાનીમાં ધર્મ પ્રત્યે જેવી દ્રષ્ટિ રાખતો હોય તેવી દ્રષ્ટિ વૃદ્ધાવસ્થામાં ન પણ રહે. 

આનું કારણ છે કે આંતરિક વિકાસ સાધતી પ્રત્યેક વ્યક્તિ અનુભવથી જીવતી હોય છે અને એટલે એના ધર્મ પણ બદલાતા આવે છે. એનો આ સ્વધર્મ એણે સતત બજાવવાનો હોય છે. મોહ, આસક્તિ કે મમત્વને કારણે એ આ સ્વધર્મ ચૂકી જાય છે. 

જેમ દરેક વ્યક્તિને જન્મદાત્રી માતા મળેલી હોય છે. તેમ પ્રત્યેક વ્યક્તિને સ્વધર્મ પ્રાપ્ત હોય છે. માતા ગમે તેવી હોય, તો પણ તે માતા જ રહે છે, બીજી કોઈપણ સ્ત્રી ગમે તેવી હોય તો પણ એને માતાનું સ્થાન આપી શકતા નથી. આ જ રીતે પોતાનો સ્વધર્મ એ જ વ્યક્તિનો આધાર હોય છે. ક્યારેક કોઈ બીજો ધર્મ સરળ લાગે કે ક્યારેક કોઈ બીજા ધર્મનું આકર્ષણ થાય, પરંતુ વ્યક્તિએ પોતાના ધર્મને છોડવો જોઈએ નહીં. કોઈનો ભવ્ય મહેલ જોઈને આપણી ઝૂંપડી કદાચ તુચ્છ લાગે તો પણ એ ઝૂંપડી બાળી નાખવી જોઈએ નહીં. જો એ બાળી નાખે તો એને કશો આધાર રહે નહીં. 

આથી વ્યક્તિએ ક્યારેય સ્વધર્મને છોડવો જોઈએ નહીં. વિનોબાજી કહે છે તેમ સૂરજનું અજવાળું ગમે, સૂર્યપ્રકાશથી પોષણ થાય, સૂર્યને વંદન પણ થાય. 

પરંતુ આને કારણે વ્યક્તિ પૃથ્વી ૫૨નો નિવાસ છોડીને જો સૂર્ય પાસે જવા જાય, તો તે બળીને ખાખ થઈ જાય. પરધર્મ ભલે સૂરજ જેવો હોય, તો પણ એનાથી દૂર રહીને સ્વધર્મનું આચરણ કરવાનું છે. 

સ્વધર્મના આચરણ પૂર્વે બે સિદ્ધાંતો જાણી લેવા જોઈએ. એક છે આત્માની અમરતા અથવા અખંડતા. આત્મા એ નિત્ય, સનાતન અને સર્વવ્યાપક છે. લુહારની એરણ જોઈ છે ને! એના પર લુહાર હથોડાથી ટીપે તો લોખંડમાં ફેરફાર થાય છે, પણ એરણને કશું થતું નથી. એ જ રીતે આત્મા સ્થિર, નિત્યનૂતન અને સનાતન છે અને એવા આત્મતત્ત્વને કોઈ શસ્ત્ર મારી શકતું નથી, અગ્નિ બાળી શકતું નથી કે પાણી ભીંજવી શકતું નથી. એ જ રીતે બીજી બાબત દેહની ક્ષુદ્રતા જાણવાની છે. જે આત્માની અમરતા અને દેહની ક્ષુદ્રતા જાણે છે તે જ પોતાના સ્વધર્મને યોગ્ય રીતે બજાવી શકે છે. એ સ્વધર્મને આશ્રયે જ આગળ વધી શકે છે અને તેથી જ શ્રીમદ્ ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણને અર્જુન ઉત્તર આપે છે કે 'મોહ મરી ગયો છે અને સ્વધર્મનું ભાન થયું છે.'