Get The App

સ્કવેર કટ - અધીર અમદાવાદી

Updated: May 30th, 2026

GS TEAM

Google News
Google News
સ્કવેર કટ - અધીર અમદાવાદી 1 - image

= બંને એક બીજાની ઈર્ષા કરે છે, તો સુખી કોણ પરણેલા કે કુંવારા?

- મુકેશ મહેતા, સુરત

- છૂટાછેડાવાળા.

= પિતા અને પુત્ર વચ્ચે કેવા સંબંધ હોવા જોઈએ?

- નયનભાઈ પટેલ, ભરૂચ 

- ઘર જેવા.

= તમને 'વર્ક ફ્રોમ હોમ' મળે તો તમારી પત્નીનું શું રિએક્શન હોય?

- જયોતિ દેસાઈ,  અંકલેશ્વર

- ભયંકર.

= કોની સલાહ લેવાય?

- ક્ષિતિજ જાની, અમદાવાદ  

- સાળાની.

= 'જીવ તાળવે ચોંટી ગયો' કહે છે તે તાળવે જ કેમ ચોંટે છે? 

- અરુણા સુતવાની, પૂણે

- ડાચું ખુલ્લુ રહી ગયું હોય એટલે ઉપર જ ચોંટે.

= પૈસા કમાવવાની માથાકૂટમાંથી મુક્ત કેવી રીતે થવાય?

- પ્રમિત શાહ, ધોળકા 

- કાંડ કરીને અથવા પ્રકાંડ બનીને.

= જીવનમાં ગર્લફ્રેન્ડનું કેટલું મહત્વ છે?

- શૌનક દેસાઈ, સુરત  

- જેટલું બટાકા પૌઆમાં કોથમીરનું. 

= ચર્ચિલે કહ્યું હતું કે હું દેશનો વહીવટ પિંઢારાઓના હાથમાં સોંપું છું, આજે આ વાત સાચી લાગે છે?

- જ્યોતિષ પાઠક, વડોદરા 

- ટીકા કરતાં પહેલાં એ જુઓ કે ચર્ચિલના દેશની હાલત અત્યારે કેવી છે! 

= પ્રેમિકા કહે છે કે મોબાઈલ વિના મારો હાથ ખાલી લાગે છે, શું કરું?

- ચેતન ત્રિવેદી, અમદાવાદ 

- બીજી શોધો.

= સોળે સાન અને વીસે વાન, તો ચોવીસે શું હોવું જોઈએ?

-  પી. એમ. જોષી, નેત્રામલી (ઈડર)

- પાન. પરમેનન્ટ એકાઉન્ટ નંબર.

= વૈતરું એટલે શું?

- પ્રકાશભાઈ મકવાણા, રાજકોટ 

- બળદ દ્વારા બૉસે અપાયેલ કામનું કરવું.

= આજકાલ માણસ કેમ બહુ ગરમ થઈ જાય છે?

- ધીરજ રબારી, ડેર, પાટણ 

- મગજનું રેડીએટર લીક હશે.

= જો પેટ્રોલ ૫૦૦ રૂપિયે લીટર થઈ જાય તો ગુજરાતી માણસ સૌથી પહેલાં શું કરે?

- યશપાલસિંહ ટી. વાઘેલા, થરા

- સાયકલ બનાવવાની ફેક્ટરી નાખે.

= અમેરિકા-ઇરાન યુધ્ધના લીધે અહીં ટામેટાના ભાવ વધે?

- જીત મહેતા, અમદાવાદ 

- કવિ છો તમે? 

= તમે દરેક સવાલનો ઉડાઉ જવાબ કેમ આપો છો?

- યોગેશભાઈ આર. જોશી, હાલોલ

- મારો સ્વભાવ થોડોક ઉડાઉ ખરો. બાપુજી કહેતા.

= મારે પેલા તમારી પાસેથી રૂ.૧૦,૦૦૦/- લેવાના બાકી છે તે યાદ છે ને ?

- મમતા વ્યાસ, અમદાવાદ 

- અગિયાર દેશોની બેન્કો ઉઘરાણી કરે છે, એવો પરચુરણ ગણવાનો અમારી પાસે ટાઈમ નથી. 

= લગ્ન પહેલાના અને બાદના સપનામાં શો ફેર?

- ઘનશ્યામ ભરુચા, વિરાર 

- ભય નામના તત્વનો.   

= આ પાણીપુરીવાળાને દરેક બહેનો ભૈયા જ કેમ કહેતી હોય છે?

- નેહા સોની, વડોદરા.

- પુરુષો શંકા ન કરે એટલે. હાચ્ચે! 

= સરસ બનવું કે સરળ બનવું સારું? - હર્ષદ ચૌધરી, પાલનપુર 

- બનવાનું? જેવા છીએ એવા રહેવાનું. 

= 'નીટ'માં ચીટ, શું કહેશો એન.ટી.એ.ને?

 - ફારૂક દેસાઈ, અમરેલી

- પરીક્ષામાં ફેલ થઈ. નેશનલ ટેસ્ટિંગ એજન્સી. 

= સ્ત્રી શા માટે પુરુષ સમોવડી થવા માંગે છે? પુરુષ ક્યાં સ્ત્રી સમોવડીઓ થઈ શકે છે!

 - અમિત શૈવ, છોટા ઉદેપુર 

-  જીન્સ પહેરવા. પુરુષ સાડી પહેરવાની મહેચ્છા નથી ધરાવતો.