- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ
આપણે જીવન માત્ર જીવતા નથી પણ ભૂખાળવા ઉપભોક્તા બની બધું જ બેહદ વાપરીએ, વેડફીએ અને સ્વાહા કરીએ છીએ.
- વિકી રોબીન
હવે આપણી માટે વસ્તુઓ, વિચારો કે વિગતો ખોરાક બની ગયા છે. હવે બસ આવો ઓડકાર પણ આવતો નથી. સુક્ષ્મને પામતા નથી તેથી સ્થૂળને જડબેસબાક પકડી લઈએ છીએ. યુવલ નોઆ હરારી તેના 'નેક્સસ' નામના ગ્રંથમાં આર્જેન્ટીનાના વિશ્વવિખ્યાત સર્જક જોર્જ લુઈ બોર્જેસની એક કાલ્પનિક કથા ટાંકે છે. (ઓન એક્સાકટીટયુડ ઈન સાયન્સ).
એક પ્રાચીન સામ્રાજ્ય હતું. તેના સમ્રાટને તેના સામ્રાજ્યના દરેક ઇંચનો નકશો જોઈતો હતો. તે નકશાની સંપૂર્ણતા માટેની તેની ઘેલછાને લીધે ધીમે ધીમે નકશા વધતા જ ગયા અને પછી તો નગર નાનું થતું ગયું-નકશાઓ જ નકશાઓ. આ પ્રોજેક્ટના ખર્ચાઓના લીધે સમ્રાટ અને સામ્રાજ્ય ગરીબી અને ભૂખમરાને લીધે ખતમ થયા-માત્ર અસંખ્ય નકશાઓ વધ્યા-બચ્યા. આજે પણ પશ્ચિમના રણમાં નકશાઓના અવશેષો ઠેબે ચડે છે. સામ્રાજ્ય ખોવાયું, માત્ર વિગતો વધી.
કદાચ, કોઈ પણ વાસ્તવિકતાને સંપૂર્ણતાથી કે સમગ્રતાથી રજૂ કરી શકાય નહીં, તેવો આગ્રહ કે પ્રયાસ બાલિશ છે. નકશા ક્યારેય પણ નગર બની શકે નહીં. આપણો આજનો ડેટાનો આગ્રહ આવો જ નથી...? માર્જન સત્રાપી કહે છે કે આજનું ખરું યુદ્ધ પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનું નથી પણ ડહાપણ અને મૂર્ખતા વચ્ચેનું છે. જ્ઞાન વધે છે ત્યારે તેનું સપ્રમાણ અજ્ઞાન પણ વધે છે. સ્માર્ટ ફોનવાળા બધાજ સ્માર્ટ હોય છે તે તથ્યોનું અતિ-સામાન્યીકરણ છે. વર્ચ્યુઅલ-ડિજીટલમાં એન્ગેજ રહે છે તે બૌદ્ધિકો જ હોય છે તે અધૂરું સત્ય છે. યેલ યુનિ. ના કોમ્પ્યુટર વૈજ્ઞાનિક એક ખતરનાક સવાલ પૂછે છે-આખી સભ્યતાને, 'જો આપણો આ માહિતી-યુગ હોય તો આજે બધા લોકો શેનાથી માહિતગાર છે? વિડીયો ગેમ્સથી?'
આપણે યાંત્રિક કામો મશીનને એટલે આપીએ છીએ કે આત્મવાન, પડકારરૂપ, આનંદદાયક સર્જનાત્મક કામો આપણે કરી શકીએ. કમનસીબે આપણે ડિનર ઝોમેટોમાં મંગાવીએ છીએ અને તેને લીધે બચેલો સમય તેની ગતિવિધિને આપણા ફોનમાં ટ્રેક કરવામાં વિતાવીએ છીએ. સમય બચાવવો સારી વાત છે પણ ક્યાં વાપર્યો એ પણ પૂછવા જેવો પ્રશ્ન છે. આજે અનેક દેશોમાં મા-બાપ પોતાનાં નાનાં બાળકોને સેન્સરવાળા વસ્ત્રો કે શુઝ પહેરાવે છે. જેથી તે મોનીટર કે ટ્રેક થાય. આવા ટ્રેકિંગ અને મોનીટરિંગમાં જીવનનું અચાનકપણું અને વિસ્મય આપણે ખોઈ નાખ્યા. મશીનને કામ એટલે આપવાનું છે કે આપણે ઉસ્તાદ રાજન-સાજન મિશ્રાનો રાગ સાંભળી શકીએ કે સરોવરની સમાંતર સૂર્યાસ્તે ચાલી શકીએ. કામ માત્ર ઉત્પાદન નથી આપણને રૂપાંતરિત કરતી પ્રક્રિયા પણ છે. આપણે અન્ય ગ્રહોની ખોજ સહેલી છે તેથી નથી કરતા પણ પડકાર છે તેથી કરીએ છીએ. એલ્વીન ટોફલર એક વિદ્રોહી વાત કરે છે. તે કહે છે કે આજે ૨૧મી સદીમાં નિરક્ષર એ લોકો નથી જે વાંચી-લખી શકતા નથી. પણ એ લોકો છે જેને લર્નિંગ આવડે છે પણ અન-લર્નિંગ નથી આવડતું. અન-લર્નિંગ પણ લર્નિંગનો જ અનિવાર્ય હિસ્સો છે, જે ભૂલવા જેવું નથી.


