Get The App

સિદ્ધયોગી મહાવતાર બાબાજીએ શ્યામાચરણ લાહિડીને આપ્યું રહસ્યમય ક્રિયાયોગનું જ્ઞાન

Updated: May 30th, 2026

GS TEAM

Google News
Google News
સિદ્ધયોગી મહાવતાર બાબાજીએ શ્યામાચરણ લાહિડીને આપ્યું રહસ્યમય ક્રિયાયોગનું જ્ઞાન 1 - image

- અગોચર વિશ્વ-દેવેશ મહેતા

- આપણે કદી મળ્યા નથી તો તમને મારા નામની કેવી રીતે ખબર પડી? તે યોગીએ હસીને કહ્યું - તમે મને નથી ઓળખતા, પણ હું તમને ઓળખું છું. હું તમારા વિશે બધું જ જાણું છું...

 'ક્રિયા ઈશ્વર સુધી પહોંચવાનો હવાઈ-માર્ગ છે. જે સાધક નિષ્ઠાપૂર્વક આ માર્ગનું અનુસરણ કરે છે તે ધીરે ધીરે કર્મબંધનથી મુક્ત થઈ પોતાની અંદર રહેલી દિવ્ય ચેતનાની અનુભૂતિ કરે છે.'

 'જ્યારે શ્વાસ શાંત થઈ જાય છે ત્યારે મન શાંત થઈ જાય છે અને જ્યારે મન શાંત થઈ જાય છે ત્યારે આત્મા એના શાશ્વત પ્રકાશમાં પ્રગટ થવા લાગે છે.'

 'ઈશ્વરને કેવળ દૂર રહેલા મંદિરો કે પર્વતોમાં ના શોધો તે તમારા પોતાના હ્ય્દયની મૌન ગુફામાં નિવાસ કરે છે અને સાચા ધ્યાન દ્વારા અનુભવ કરાવવાની રાહ જુએ છે.'

 'આધ્યાત્મિક ઉન્નતિ વાદ-વિવાદ કે ચમત્કારોના પ્રદર્શનથી નથી થતી, પણ વિનમ્ર સાધના, હ્ય્દયની પવિત્રતા અને ઈશ્વરની સાથે નિયમિત આંતરિક સંયોગથી થાય છે.'

 શ્યામાચરણ લાહિડી (લાહિડી મહાશય)

 'ગહન ધ્યાન કરો કેમ કે આત્માની સ્થિરતામાં અમરત્વનું દ્વાર રહેલું છે.'

 'જો પ્રત્યેક શ્વાસ જાગરુકતાથી ભરેલા હોય તો તે જ ઈશ્વરની તરફ આગળ વધવાનું એક-એક પગલું બની જાય છે.'

 'સાચા ગુરુ શિષ્યને પોતાના બંધનમાં નથી રાખતા, તે એની અંદર રહેલી અનંત ચેતનાને જાગૃત કરે છે.'

- યોગિરાજ મહાવતાર બાબજી

શ્યામાચરણ લાહિડી ઓગણીસમી સદીના ઉચ્ચ કોટિના સાધક હતા જેમણે ગૃહસ્થાશ્રમમાં હોવા છતાં અનેકવિધ યોગસિદ્ધિઓ પ્રાપ્ત કરી લીધી હતી. તેમનો જન્મ બંગાળના નદિયા જિલ્લાની પ્રાચીન રાજધાની કૃષ્ણનગરની પાસે આવેલા ધુરણી નામ ગામમાં એક બ્રાહ્મણ કુટુંબમાં લગભગ ૧૮૨૫/૨૬માં થયો હતો. લાહિડી મહાશય એમના કુટુંબ સાથે નદિયાથી કાશી આવ્યા હતા. તેમણે વેદાન્ત, સાંખ્ય, વૈશેષિક, યોગદર્શન, ગીતા વગેરે વિશે દાર્શનિક વ્યાખ્યા, સમજૂતી પ્રગટ કરી હતી. એમની વિશેષતા એ હતી કે ગૃહસ્થ માનવી પણ યોગાભ્યાસ દ્વારા ચિર શાંતિ પ્રાપ્ત કરી યોગના ઉચ્ચતમ શિખર પર આરુઢ થઈ શકે છે.

શ્યામાચરણ ૧૮૫૧માં બ્રિટિશ સરકારના સૈનિક એન્જિનિયરિંગ વિભાગમાં એકાઉન્ટન્ટ પદ પર નિયુક્ત થયા હતા. તે પછી ઘણી જગ્યાએ તેમની બદલીઓ થયા બાદ તેમની બદલી દાનાપુર થઈ. એક દિવસ ઓફિસ ગયા ત્યારે પાછી ખબર પડી કે એમની બદલી રાનીખેત થઈ છે. આખા કુટુંબને કાશીમાં રાખીને તે એકલા રાનીખેત  આવ્યા. ત્યાં ઓફિસનું કામ પૂરું કર્યા પછી જ્યારે સમય મળે ત્યારે હિમાલયની સુંદરતા નિહાળવા કેટલાય માઈલ પગપાળા ચાલી કાઢતા હતા.

આ દિવસો દરમિયાન એક દિવસ એવો આવ્યો જેણે તેમનું જીવન પરિવર્તન કરી દીધું. એ દિવસે એમના આધ્યાત્મિક ઉદયનો સૂર્યોદય થયો અને અંત:કરણમાં મહાન ગુરુએ દિવ્ય પ્રકાશ પાથરવાનો પ્રારંભ કર્યો. તે દ્રોણગિરિ પહોંચ્યા ત્યાં એમને લાગ્યું કે કોઈ એમનું નામ લઈ એમને બોલાવી રહ્યું છે. તે નજીક ગયા અને જોયું તો તે કોઈ દૈદીપ્યમાન યોગી પુરુષ હતા. તેમણે પ્રણામ કર્યા અને કહ્યું - 'આપણે કદી મળ્યા નથી તો તમને મારા નામની કેવી રીતે ખબર પડી? તે યોગીએ હસીને કહ્યું - તમે મને નથી ઓળખતા, પણ હું તમને ઓળખું છું. હું તમારા વિશે બધું જ જાણું છું. એટલું જ નહીં, ૪૦ વર્ષથી તમારી જ રાહુ જોઉં છું. મેં જ તમને રાનીખેતથી અહીં બોલાવ્યા છે.' આ સાંભળી શ્યામા પ્રસાદ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા.

એ જ વખતે તે યોગીએ શ્યામાચરણના કપાળના મધ્યમાં જ્યાં આજ્ઞાચક્ર આવેલું છે ત્યાં પોતાના અંગૂઠાથી સ્પર્શ કર્યો. એ સાથે શ્યામાચરણના ભૂતકાળના દ્વાર ખૂલી ગયા. તેમના પૂર્વજન્મની સ્મૃતિઓ ઉદ્દઘાટિત થવા લાગી. અત્યારે તે બરાબર એ જ જગ્યાએ ઊભા હતા જ્યાં પૂર્વજન્મમાં તે ધ્યાનમાં અને સમાધિમાં બેસી તપશ્ચર્યા કરતા હતા! તેમના આસન, કમંડળ, માળાને પણ તે ઓળખી ગયા. જે યોગીએ એમના કપાળમાં બન્ને ભૃકુટિની વચ્ચે આજ્ઞાચક્ર પર સ્પર્શ કર્યો હતો તેમને પણ તે ઓળખી ગયા. તે તેમના પૂર્વજન્મના ગુરુ હતા. તે પછી તે યોગીએ શ્યામાચરણને નદીના કિનારે જઈને બેસવાનું કહ્યું. થોડીવાર પછી કોઈનો પગરવ સંભળાયો. એક બ્રહ્મચારી પાસે આવ્યા અને એક સૂતરાઉ ધોતિયું આપીને કહ્યું - 'આ પહેરીને મારી સાથે ચાલો. પરમ ગુરુ તમારી રાહ જુએ છે.' શ્યામાચરણે એ પ્રમાણે કર્યું અને તેની સાથે સાથે જવા લાગ્યા. સારા એવા આગળ ગયા પછી તેમણે જોયું તો આકાશમાં ઉજ્જવળતા છવાઈ ગઈ હતી. તેમણે બ્રહ્મચારીને પૂછ્યું - 'સૂર્યોદય થઈ ગયો? બ્રહ્મચારીએ કહ્યું -  'ના, અત્યારે તો મધ્ય રાત્રિનો સમય છે. આ સૂર્યોદયનો પ્રકાશ મહા ગુરુદેવે સર્જેલા મહેલમાંથી આવે છે.' થોડે આગળ ગયા બાદ તેમણે સુવર્ણનો મહેલ જોયો. તેમણે કહ્યું - આ મહેલમાં થોડીવાર પછી તમારો દીક્ષા સમારોહ થશે. ગુરુદેવ તમને દીક્ષા આપશે, જેનાથી તમારા પૂર્વના બધા કર્મબંધનો દૂર થઈ જશે.

તે મહેલમાં પ્રવેશ્યા ત્યારે તેમણે જોયું કે પૃથ્વી પર મળતા તમામ રત્નોથી એ મહેલ બનાવવામાં આવેલો છે. એ રત્નોના પ્રકાશથી જે તેજ નીકળી રહ્યું હતું એનાથી જ એમને સૂર્યોદયનો ભાસ થયો હતો. મહેલમાં અનેક મહાયોગીઓ અને સંતો હાજર હતા. કેટલાય શિષ્યો દિવ્ય મંત્રોચ્ચાર કરી રહ્યા હતા. એ બધાની મધ્યમાં એક દૈવી આસન પર ગુરુના પણ ગુરુ, દિવ્ય તેજથી ઝળહળતા મહાયોગિરાજ, સાંબ સદાશિવના અવતાર એવા મહાવતાર બાબાજી બિરાજમાન હતા. મહાવતાર બાબાજીએ એમના મસ્તક પર હાથ ફેરવ્યો અને કહ્યું - 'શ્યામાચરણ, હવે તમારી આંખો બંધ કરી દો અને ધ્યાનસ્થ થઈ જાઓ.' ધ્યાનાવસ્થામાંથી જાગ્યા બાદ તેમને મહાવતાર બાબાજીએ ક્રિયાયોગનું રહસ્યમય જ્ઞાન આપ્યું. એ પછી આઠ દિવસ સુધી રોજ ત્યાં આવવાનું કહ્યું. મહેલમાંથી બહાર નીકળી વખતે તેમણે પાછળ વળીને જોયું તો પેલા મહાયોગીઓ અને મહાવતાર બાબા એકાએક અંતર્ધાન થઈ ગયા હતા. થોડે આગળ ગયા પછી જોયું તો એ મહેલ પણ અદ્રશ્ય થઈ ગયો હતો. આઠ દિવસ સુધી શ્યામાચરણ અહીં આવતા રહ્યા. તે વખતે પાછો મહેલ, યોગીઓ અને બાબાજી આવિર્ભૂત થઈ જતા. બાબાજી તેમને ધ્યાન અને ક્રિયાયોગના ગૂઢ રહસ્યમય વિશિષ્ટ જ્ઞાન આપતા. છેલ્લે તેમના મસ્તક પર હાથ મૂકી એમના પર શક્તિપાત કરી એમને મહાન સિદ્ધ યોગી બનાવી દીધા હતા. તેમના શિષ્ય બન્યા સ્વામી યુક્તેશ્વર ગિરિ. સ્વામી યુક્તેશ્વર ગિરિના શિષ્ય બન્યા પરમહંસ યોગાનંદ જેમણે આખા વિશ્વમાં ક્રિયાયોગનો પ્રસાર કર્યો.