Get The App

'ગમતાનો કરીએ ગુલાલ' .

Updated: May 31st, 2026

GS TEAM

Google News
Google News
'ગમતાનો કરીએ ગુલાલ'                                       . 1 - image

- સોશિયલ મીડિયા અને સામાજિક જીવનમાં ગમેલી ચીજ, પ્રવાસ કે અનુભૂતિ બધા સમક્ષ વહેંચીએ તો છીએ પણ તેનો આશય બધાને હેતથી રંગવાનો હોય છે ખરો?

- હોરાઈઝન-ભવેન કચ્છી

- 'જીવનના બે રંગમંચ છે. દર્શકો સમક્ષના આગળના મંચ પર અભિનય થતો હોય છે અને પાછળના મંચ પર વેદના, તનાવ, હરિફાઈ, ગોસીપ અને અભિનયથી વિપરીત જીવન અને  મેક અપ વગરનો ચહેરો હોય છે'

ગુ જરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ મકરંદ દવેની એ પાવનકારી પંક્તિ 'ગમતાનો કરીએ ગુલાલ' જ્યારે પણ કાને પડે, ત્યારે હૃદયમાં એક પરમ સંતોષ, ઉદારતા અને વહેંચણીના પવિત્ર આનંદની છોળો ઉછળે છે. ગુલાલ એટલે ઉત્સવ, ગુલાલ એટલે હળવાશ, ગુલાલ એટલે બીજાના ગાલ પર આદરપૂર્વક લગાડાતો હેતનો રંગ. કવિનો મૂળ ભાવ કેટલો ઉમદા હતો! 'મને જે ગમ્યું છે, જે અમૃત મેં ચાખ્યું છે, જે સૌંદર્ય મેં માણ્યું છે, એ માત્ર મારું થઈને ન રહેતા એ જગત આખાનું બને.'

પીડા આપતો ગુલાલ 

પરંતુ, સમયનું ચક્ર એવું ફર્યું છે કે આજે ૨૧મી સદીના ડિજિટલ યુગમાં અને ભૌતિકવાદી સામાજિક માળખામાં આ પંક્તિનો આત્મા જ રોળાઈ ગયો છે. આજે આપણે 'ગમતાનો ગુલાલ' તો કરીએ છીએ, પણ એ ગુલાલ પ્રેમનો નથી, એ ગુલાલ તો અહંકારની રાખ છે, દેખાડાની ધૂળ છે અને બીજાની આંખોમાં નાખવાની શૂળ  છે! સોશિયલ મીડિયાના યુગમાં 'શેરિંગ' (Sharing) નો અર્થ 'વહેંચવું' મટીને 'બતાવવું' અથવા 'ચિડવવું' થઈ ગયો છે.

કવિ મકરંદ દવે જ્યારે 'ગમતાનો કરીએ ગુલાલ' કહે છે, ત્યારે તેમની પાછળ ભારતીય ઉપનિષદોની વિચારધારા કામ કરતી હોય છે. ઉપનિષદ કહે છે : 'તેન ત્યક્તેન ભુંજીથા' (ત્યાગીને ભોગવો). તમારી પાસે જે શ્રેષ્ઠ છે, તેને જગત ચરણોમાં ધરી દો.

'ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ,

ગમતાનો કરીએ ગુલાલ...

આ પંક્તિનો અર્થ એ હતો કે સુખની લાગણી તમારા સુધી સીમિત ન રાખો તેને  વહેંચો. પણ આજે સોશિયલ મીડિયા પર  ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે વોટ્સએપ સ્ટેટસ પર જ્યારે કોઈ મોંઘી હોટલની કોફી કે શોપિંગ , વિદેશ પ્રવાસના ફોટા કે મોંઘી કારની ચાવીનો ફોટો મૂકવામાં આવે છે, ત્યારે તેની પાછળનો આશય 'મેં માણેલા આનંદને વહેંચવાનો' નથી હોતો, પણ 'જુઓ મારી પાસે શું છે જે તમારી પાસે નથી!' એ સાબિત કરવાનો હોય છે.

ધ્યાન ખેંચવાનો ધ્યેય 

આજના યુગમાં સૌથી કિંમતી વસ્તુ 'ધ્યાન' ખેંચવાની છે. લાઈક્સ, કોમેન્ટ્સ અને વ્યુઝ એ આજના માણસના અહંકારનું પોષણ કરતા નવા વિટામિન્સ છે. કવિનો ગુલાલ મફત હતો, નિ:સ્વાર્થ હતો; આજનો ડિજિટલ ગુલાલ 'લાઇક્સ'ના વેપાર માટે છે.

આજે સોશિયલ મીડિયા પર કોઈ પોતાની હકીકત નથી બતાવતું. દરેક વ્યક્તિ પોતાના જીવનનું એડિટેડ, ફિલ્ટર કરેલું અને બેસ્ટ વર્ઝન જ પ્રદર્શિત કરે છે. આને મનોવિજ્ઞાનની ભાષામાં 'ક્યુરેટેડ લાઈફ' કહેવાય છે.

બીજાની નજરે 

પ્રખ્યાત લેખક એલેન ડી બોટોન તેમના પુસ્તક 'Status Anxiety' માં લખે છે કે, 'આધુનિક સમાજમાં માણસને પોતાની નજરમાં ઊંચા આવવા કરતાં બીજાની નજરમાં ઊંચા દેખાવાની ચિંતા વધુ હોય છે.'

આજે કોઈ કપલ વેકેશન પર જાય ત્યારે શક્ય છે  ૨૪ કલાકમાંથી ૨૩ કલાક ઝઘડતું હોય કે તેઓનો અહમ ઘવાયો હોય એટલે મોં ફુલાવી ફરતા હોય  પણ જેવી કેમેરાની ક્લિક સંભળાય એટલે અરસપરસ વળગીને એવું સ્મિત આપશે જાણે જગતના સૌથી સુખી યુગલ તેઓ જ છે. જે દુ:ખ, જે ખાલીપો અંદર છે, તેને છુપાવવા માટે બહાર સુખનો ભપકો કરવો પડે છે.

જ્યારે  આવી ભ્રામિક પોસ્ટ જોઈએ છીએ, ત્યારે તેને  જોનાર  વ્યક્તિ ડિપ્રેશનમાં સરી પડે છે. તેને થાય છે, 'બધા જ મજા કરે છે, બસ એક હું જ રહી ગયો છું.' મકરંદ દવેનો ગુલાલ માણસને હળવો કરતો હતો, મુક્ત કરતો હતો; આજનો સોશિયલ મીડિયાનો ગુલાલ સામેવાળાના મનમાં લઘુતાગ્રંંથિ  ઊભી કરે છે.

સામાજિક જીવનમાં પણ..

દંભ માત્ર ડિજિટલ સ્ક્રીન સુધી સીમિત નથી, તે આપણા વાસ્તવિક સામાજિક મેળાવડાઓમાં પણ કેન્સરની જેમ ફેલાઈ ગયો છે. લગ્નો, પાર્ટીઓ, કે મરણોત્તર ક્રિયાઓમાં પણ હવે 'ગમતાનો ગુલાલ' યુક્તિપૂર્વકનો દંભ બની ગયો છે.

ઘણા લોકો સામાજિક વર્તુળોમાં પોતાની જાતને બહુ સંસ્કારી, 

કલાપ્રેમી કે વાચક તરીકે પ્રસ્થાપિત કરવા મથતા હોય છે. તેઓ પ્રખ્યાત પુસ્તકોના નામ બોલશે, ફેન્સી આર્ટ ગેલેરીની મુલાકાત લેશે, પણ એ બધું જ માત્ર સોશિયલ સ્ટેટસ જાળવવા માટે હશે. આપણને  કલામાં રસ નથી, પણ  એવું લોકોને દેખાડી પ્રભાવિત કરવાનો ધ્યેય હોય છે. 

અંદરથી ખાલી 

 જે વ્યક્તિ  અંદરથી ખાલી  છે, તે જ બહારથી અમીર હોવાનો દેખાડો કરે છે. સાચો આનંદ હંમેશા શાંત હોય છે. તેને કોઈ ઢંઢેરો પીટવાની જરૂર નથી હોતી. સૂર્ય ક્યારેય પ્રેસ કોન્ફરન્સ કરીને નથી કહેતો કે 'હું ઉગ્યો છું, જુઓ મારો પ્રકાશ!' ફૂલ ખીલે છે ત્યારે તેની સુગંધ આપોઆપ ફેલાય છે, તે કોઈ પોસ્ટર નથી લગાવતું.

આજે આપણી પાસે અંદરનું સુખ નથી. હૃદય ખાલી છે, એટલે એ ખાલીપાને ભરવા માટે આપણે બાહ્ય આડંબરનો આશરો લઈએ છીએ.

ભગવદ્ ગીતાનું જ્ઞાન 

ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ ત્રણ પ્રકારના ગુણો વર્ણવે છે : સાત્વિક, રાજસિક અને તામસિક.

સાત્વિક ગુલાલ : જે મકરંદ દવેનો હતો. નિ:સ્વાર્થ, પવિત્ર, અપેક્ષાવિહીન.

રાજસિક ગુલાલ : આજનો દેખાડો. અહંકારને સંતોષવા માટે, કીર્તિ મેળવવા માટે કરાતો ગુલાલ.

તામસિક ગુલાલ : બીજાને નીચા દેખાડવા, કોઈને ઈર્ષાની આગમાં બાળવા માટે કરાતો નકારાત્મક પ્રચાર.બીજાની ચિંતા અને તનાવ વધારવાના ઈરાદાથી થતો સંવાદ.

આજે આપણો ગુલાલ સાત્વિક મટીને રાજસિક અને તામસિક બની ગયો છે. છે.

નાટયશાસ્ત્રથી સમજ  

સમાજશાસ્ત્રી અર્વિંગ ગોફમેને   'Dramaturgy'' (નાટયશાસ્ત્ર) પુસ્તકમાં અદ્ભૂત થિયરી આપી છે.  તેઓ કહે છે કે આખો સમાજ એક સ્ટેજ છે. માણસના જીવનમાં બે સ્ટેજ હોય છે.  રંગમંચની આગળનો ભાગ અને   રંગમંચની પાછળનો ભાગ.

આજે માણસ ફ્રન્ટ સ્ટેજ એટલે કે રંગમંચની આગળના ભાગમાં જ્યાં દર્શકો તેઓને નિહાળતા હોય છે ત્યાં  સતત અભિનય કરે છે. જયારે  બેક સ્ટેજ પર ઈર્ષા, એકલતા, હરીફાઈ, ગોસીપ, તનાવ અને ફ્રન્ટ સ્ટેજ પર  ઉમદા જીવનના અભિનય કરતા વિપરીત બેક સ્ટેજમાં ઘટિયા સ્તરના  જીવનનો  માહોલ હોય છે.

અનુભૂતિનું પ્રદુષણ 

ગુજરાતી સાહિત્યના આધુનિકતાવાદી વિવેચક અને લેખક સુરેશ જોશીએ તેમના નિબંધોમાં ઘણી વાર 'અનુભૂતિના પ્રદૂષણ' વિશે લખ્યું છે. તેઓ કહેતા કે માણસ જ્યારે પોતાની સાચી અનુભૂતિને શબ્દો કે દેખાડાના વ્યાપારમાં મૂકે છે, ત્યારે એ અનુભૂતિ તેની ગરિમા ગુમાવી બેસે છે.

સોશિયલ મીડિયાની પોસ્ટમાં જાણે વાચકોને સુંદર દ્રશ્ય કે વાતનું તમને રસપાન કરાવું છું તેવો ડોળ કરી મોટાભાગે તો ઘણી  વ્યક્તિ પોતાની કોઈ બડાશ કે સિદ્ધિ જ ઉમેરી દેતી  હોય છે.

ગંભીર પરિણામો

સંબંધોમાં કૃત્રિમતા : આજે મિત્રો એકબીજાને મળીને આનંદ નથી લેતા, પણ 'અમે મળ્યા' એનો ફોટો મૂકીને દુનિયાને બતાવે છે. સંબંધોનો આધાર પ્રેમ મટીને 'સોશિયલ સ્ટેટસ' બની જાય છે. જુઓ મારા જન્મદિને સમાજના કેવા પ્રભાવી વ્યક્તિ વિશેષ આવ્યા તેના ફોટા મુકતી વખતે ખરેખર આત્મીય પ્રેમ કરનારા હાંસિયામાં ધકેલાઈ જતા હોય છે.

માનસિક રોગોનો વિસ્ફોટ : સતત બીજાના 'સુખી' જીવનની પોસ્ટ્સ જોઈને યુવા પેઢી ડિપ્રેશન, એન્ઝાયટી અને હીનતાભાવનો શિકાર બની રહી છે. આપણને ખબર જ નથી પડતી કે સામેવાળો જે ગુલાલ ઉડાડી રહ્યો છે તે નકલી છે.

માનવીય સંવેદનાઓનું અનાથ થવું : જ્યારે દુ:ખ પણ લાઈક્સ મેળવવાનું સાધન બની જાય (દા.ત. હોસ્પિટલના બેડ પરથી સેલ્ફી મૂકવી), તેવા કૃત્રિમ સમાજ તરફ આપણે ધકેલાઈ ગયા છીએ.

શુદ્ધ ગુલાલની વાત 

જો આ દંભી માનસિકતામાંથી બહાર નીકળવું હોય, તો આપણે મકરંદ દવેના મૂળ મર્મને ફરીથી આત્મસાત કરવા 'મોજમાં રહેવું, મોજમાં રહેવું, અણભે ભેદમાં રહેવું...' પંક્તિઓ જીવનમાં અપનાવવી પડશે.

ખાનગીપણાનો આનંદ : દરેક સુંદર પળને દુનિયા સામે જાહેર કરવી જરૂરી નથી. કેટલીક ક્ષણો એટલી પવિત્ર હોય છે કે તેને હૃદયની તિજોરીમાં જ બંધ રાખવી જોઈએ. પ્રવાસનો, ભોજનનો કે પ્રેમનો સાચો આનંદ કેમેરા વગરનો હોય છે.

ડિજિટલ ડિટોક્સ : સોશિયલ મીડિયાના વળગણમાંથી મુક્ત થઈને વાસ્તવિક માણસોને મળવું, તેમની સાથે હૃદયપૂર્વક વાત કરવી. કોઈ અપેક્ષા વગર, કોઈ ફોટો પાડયા વગર કોઈની મદદ કરવી.

સ્વયંની સ્વીકૃતિ : આપણે જેવા છીએ, જ્યાં છીએ ત્યાં ખુશ રહેતા શીખવું પડશે. જ્યારે અંદરનું સુખ સજીવન થશે, ત્યારે બહારના દેખાડાના પોકળ ગુલાલની જરૂર નહીં રહે.

જ્ઞાન પોસ્ટ 

જો  આપણે કોઈ એક હતાશ વ્યક્તિના જીવનમાં પણ સાચી આશાનો રંગ ભરી શકીશું, તો સમજો કે તે રંગ તમારા અને હતાશ વ્યકિતના ગાલ પરનો ગુલાલ બની ચુક્યો છે.