Get The App

નકામી પણ કામની .

Updated: May 30th, 2026

GS TEAM

Google News
Google News
નકામી પણ કામની                                          . 1 - image

- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ

- 'દાદાનો ચાંદીનો હુક્કો' ભલે નકામો રહ્યો, પણ એમાંથી દાદાનું વ્યક્તિત્વ ઊભું થાય છે. વપરાશ અને ઉપયોગને આવકારનારા આપણે એનું મૂલ્ય ક્યાંથી સમજીએ?

આ પણે જેટલી તત્પરતાથી નવું વસાવીએ છીએ, એટલી ઉદારતા જૂનું છોડવામાં ધરાવતા નથી. જૂનું ગમે છે. એને કાઢી નાખવા માટે મન માનતું નથી. એટલે માળિયાં ભરાય છે. ઘરમાં ભંગારના કોથળા માળિયે ચડે છે. બાળકોનાં રમકડાંથી શરૂ કરી દાદાના તૂટેલા ચશ્માં, ઉતરેલાં કપડાં, જૂના ફોટા, દવાની બોટલ, કોથળી-કોથળા, જૂના પુસ્તકો, પત્રો, સિક્કા, દોરી, દોરા, સોય, સોયા, ખીલીઓ, સ્ક્રૂ, કટાઈ ગયેલી કાતર, કામ ન કરતું નેઈલકટર, તૂટેલું રિવેટ વગરની સાણસી, ટોયલી, જૂનાં માપિયાં, વજનિયાં, દોરીવાળાં ત્રાજવાં, ખંડિત થયેલા સુંડલા, સૂપડા, બંગડીઓ, તેનાં તોરણ, આભલાં, ઘોડિયાં, નેતરાં, ઘંટીનાં પડ, નાકાં તૂટેલા કપ, તિરાડ પડેલી રકાબી, આપણાં આલબમ, છૂટા પડેલા પાનાં, ફૂટેલા ફોટા, તૂટેલી ફ્રેમ, નકામી સાંકળ-મિજાગરાં, ભમરડાની જાર, આર વગરના ભમરડા, લખોટીઓ, સિક્કા - આવું તો કેટકેટલું મળે. ભંગારવાળો આવે, આપવાનું મન ના થાય. જીવ ના ચાલે. વૃદ્ધ માનસ તો એમ જ કહે ભાઈ! 'સંઘર્યો સાપ પણ કામ આવે' એ કહેવતના મૂળમાં લોભવૃત્તિ જ નથી પણ દીર્ઘદ્રષ્ટિ પણ હોય છે. સંવાદનાનો તંતુ પણ જોડાયેલો હોય છે. એક કરકસરિયો વાણિયો હતો. તે કામની અને નકામી ચીજો સંઘરતો. એને મન એમ કે કઈ વસ્તુનો ક્યારે ખપ પડે, એમ બધું સંઘરે. ઉનાળામાં પતિ-પત્ની અગાશી પર સૂતાં હતાં. સવારે ઊઠીને જુએ તો મરેલો સાપ પથારી પાસે પડેલો. 'કોણ નાખી ગયું હશે?' એમ વિચારી ગભરાયાં, પછી વાણિયાએ તો અગાશીના ખૂણામાં જ એને સંઘરી રાખ્યો. મરેલો સાપ કરડે નહિ, ભલે રહ્યો કહી વાણિયાએ રાખી મુક્યો એવામાં આવું બનેલું કે રાજાની એક કુંવરી નદીએ નહાવા ગઈતી, કિનારે કપડાં અને સોનાનો હાર મેલી ન્હાવા પડી, એટલામાં સમડી આવી તેનો હાર ઉપાડી ગઈ. રાજાને ખબર પડી. ઢંઢેરો પિટાવ્યો એક હજાર સોનામહોરનું ઇનામ રાખ્યું... એ દિવસે વાણિયો-વાણિયણ અગાશી પર સૂવા ગયેલાં અને સોનાનો હાર દેખાયો. એ હાર સમડી મુકી ગઈ ને મરેલો સાપ લઈ ગઈ. રાજાના ઢંઢેરા પ્રમાણે રાજાને હાર સુપ્રત કર્યો. રાજાએ વાણિયાને હજાર સોનામહોરનું ઇનામ આપ્યું. પતિ-પત્ની ખુશ થયાં. વાણિયાએ કહ્યું - 'સંઘર્યો સાપ પણ કામ આવે' ત્યારથી આ કહેવત ગુજરાતીમાં જાણીતી થઈ.

ગામડાના ઘરના માળિયે પડેલો 'રવૈયો' જોતાં જ, વાંકી વળી ગયેલી દાદી, ગોળીમાં રવૈયો નાખી દહીં ભાંગવા, વલોણી કરતી દાદી, ગામના સૌ કોઈને છાસ વ્હેંચતી દાદી, માખણ તાવતી દાદી, ઘી બનાવતી દાદી અને ઘી વાળા તપેલામાં લોટ બાફીને ખવરાવતી દાદી ભુલાતી જ નથી. રવૈયાની ફરતે એના અસ્તિત્વની મુદ્રા સચવાઈ છે. એ 'રવૈયો અને દાદી' બંનેને જાણે જોયા છે એ રવૈયાને કેવી રીતે ઘરવટો આપી ભંગારમાં આપે? એવું જ હાય ઘંટીનું, એવું જ ખલનું - મૂળે તો પથરા જ. પણ જીવતા પથરા. ખલમાં લસણની ચટણી બનાવતી બેની અને ઘંટીએ બેસી પ્રભાતિયાંની સાથે પોતાની જાતને દળી નાખતી માવડીને કેવી રીતે ભુલી શકાય? બધી જ સંઘરેલી વસ્તુઓ સાથે વ્યક્તિનો અનુબંધ હોય છે.

આંગણું, ઓસરી ઓરડાના લીંપણની આખી પ્રક્રિયા યાદ આવે છે. તેની ઉપર પડેલી ઓકળિયુંમાં દેખાય છે એ લીંપણ કાઢી નાખી ટાઈલ્સ જડી દેવાથી ગામમાં પ્રતિષ્ઠા ભલે વધે પણ સંવેદનાની કંગાલિયત મનમાં ઉધઈની જેમ પ્રવેશી જાય છે તેનું શું? ખાટલા કાઢી નાખી પલંગ વસાવાનો મોહ જાગ્યો છે પણ ખાટલામાં આવતી ઊંઘ... ખાટલો ભરવાની કારીગરી, કાવાં, વાણ, પાંગથ, જીવાદોરીનો ક્યાં કોઈને ખ્યાલ છે! 

શણના કોથળા ચોમાસામાં છત્રીનું અને શિયાળામાં ધાબળીનું કામ કરે જ છે. આપણે ભંગાર કહીને જેને રદબાતલ કરવા માંગીએ છીએ તે સ્થૂળ દેહે આકારરૂપે ભલે રદબાતલ થાય, પણ એનું એક ભાવજગત હોય છે. જેમ નવી વસ્તુઓ ઘરમાં આવે એટલે જૂની વસ્તુઓ બહુધા તો માળિયે જતી રહેતી હોય છે. એકવાર ઘર સાફ કરતાં, માળિયામાંથી એક થેલી ભરીને ઢાંકણાં જ નીકળ્યાં... કાચની શીશીઓનાં ઢાંકણાં, ડબ્બા ડબલીનાં ઢાંકણાં, લોટના ડબ્બાનાં ઢાંકણાં બધા જ વણ ખપનાં પણ કેમ રાખી મેલ્યાં હશે તે સમજાયું નહિ... વરસો જૂનાં ઢાંકણાં બતાવી બાને પૂછ્યું - 'આને સંઘરવાનો કોઈ અર્થ?' બા કહે - 'ભઈ સંઘર્યો સાપેય કામ આવે, ઢાંકણાંએ આયખું કાઢ્યું.' સામી દલીલ કરી કહ્યું - 'આ તો બધાં જ નકામાં છે...' 'ભૈ એને ફેંકી દેતાં જીવ ચાલતો નથી, તમે એ જ રમીને મોટા થયા છો. તેમાં તમારું બાળપણ છે.' તૂટેલી બેગ, તૂટેલાં માટલાં, તૂટેલાં ચપ્પલ, શીશીઓ અને ઢાંકણાં, કાચની બંગડીઓ, ગાભા, તૂટેલી ફ્રેમો, કાચના ટુકડાને માળિયું સાચવે એ ખરું પણ માળિયામાં જીવનનો ભૂતકાળ સૂતેલો હોય છે. માળિયામાં જૂની પેઢી પોઢેલી હોય છે. એ બધો કાટમાળ નીચે ઉતારી પસ્તીવાળાને બોલાવી, આપતાં, પેલી ઢાંકણાંવાળી થેલીનો ઢગલો કર્યો... બા આવ્યાં - એમાંથી એક ખાસ ઢાંકણું તેમણે ઉપાડી લીધું - 'આ ઢાંકણું તો દવાનું માપ છે.' ભંગાર ફેંકી દેવામાં આપણે માનીએ છીએ, પણ જૂની પેઢીનાં માણસો એની સાથે ભાવ સંવેદનથી જોડાયેલાં હોય છે. તેમણે સંઘરેલી દરેક ચીજ ઉપર સમયની અને સંવેદનની છાપ પડેલી હોય છે. સ્મરણો રણકે છે એ વસ્તુઓ પરથી... એ ફેંકી દેવાની વસ્તુઓમાંથી વ્યક્તિઓ જીવતી થાય છે... ભંગારનું પણ કેટલું બધું મહત્વ હોય છે? ભંગારની બધી જ વસ્તુઓમાંથી સમયની સુવાસ અને સ્મરણનો અવાજ આવતો હોય છે... આપણે એ ફેંકી દેવાની વસ્તુ સમજીએ એ વાત અલગ છે પણ એમાં અતીતનો ખજાનો હોય છે. 'દાદાનો ચાંદીનો હુક્કો' ભલે નકામો રહ્યો, પણ એમાંથી દાદાનું વ્યક્તિત્વ ઊભું થાય છે. વપરાશ અને ઉપયોગને આવકારનારા આપણે એનું મૂલ્ય ક્યાંથી સમજીએ?