- અંતરનેટની કવિતા-અનિલ ચાવડા
લોગઈન :
હજી ચોમાસુ કેટલું છે છેટું?
થાય છે કે મોઢેથી માસ્કને ફગાવીને
વ્હાલા વરસાદ તને ભેટુ,
એવું તો ધોધમાર ખાબકે કશુંક્
ભલે છાંટે ને છાંટે છોલાઉં
તંગ થઈ ગયેલા આ તળિયાં તૂટે ને
હુંય ભડભડભડ એમાં ભીંજાઉં
સાચું કહું? આ વખતે મોડું પડે તો
એને મારી દઉં પાંચ-સાત ફેંટુ!
હજી ચોમાસુ કેટલું છે છેટું?
આ વર્ષે આંખ એવી કેટલી હશે?
કે જેનું રહી જાશે ચોમાસું કોરું!
સૂની પડેલી કંઈક પાંપણની પછવાડે
થાતું કે મેઘધનુષ દોરું!
અથવા તો એમ થાય વીજળીની
પાસે હું ચિતરાવું વાદળીનું ટેટુ!
હજી ચોમાસુ કેટલું છે છેટું?
- કૃષ્ણ દવે
મે મહિનાનો અંત આવે એટલે ધરતી કોઈએ તપતા તવા પર મૂકી હોય એવી થઈ જાય. બપોરના રોડ જોતા લાગે ડામર નહીં, લાવારસ ઊકળે છે. પવન પણ પવન ન રહેતા ગુસ્સે ભરાયેલા લુહાર જેમ ભઠ્ઠીની અંદરથી સળગતો શ્વાસ બહાર ફેંકતો લાગે. પાણી પણ જાણે ઠંડક નહીં, થાક આપતું લાગે. ગાયો છાંયો શોધતી ફરે, કૂતરાં જીભ કાઢીને હાંફતા રહે, ચકલીઓ ગાયબ થઈ જાય, અને વૃક્ષો સુધ્ધાં લાગે જાણે પૂછી રહ્યાં છે, 'હવે ચોમાસું કેટલું છેટું છે?'
ઉનાળામાં સૌથી વરવો કદાચ તડકો નહીં, ચોમાસાની પ્રતીક્ષા હોય છે. પ્રતીક્ષા કાયમ કપરી જ હોય છે, એ પ્રેમની હોય કે ઘૃણાની, કોઈના આવવાની હોય કે વિદાયની. એમાંય જ્યારે વ્યક્તિના આવવાનો સમય નજીક આવતો જાય ત્યારે પ્રતીક્ષા દરિયાનાં મોજાંની જેમ મનમાં ઊછળવા લાગે છે. મે મહિનાની પૂર્ણતા અને જૂનની શરૂઆત, ચોમાસાની પ્રતીક્ષામાં વધારે ઉનાળાતી હોય છે, તેનો તોર તપીને તગતગી ઊઠતો હોય છે. એવા સમયે ઉનાળો વેઠતો દરેક જીવ મનોમન કદાચ એમ જ બોલતો હોય છે કે હવે ચોમાસાને કેટલી વાર?
કવિ કૃષ્ણ દવેએ ચોમાસાની પ્રતીક્ષાની 'આહ' અને 'ઉકળાટ' નિરૂપ્યાં છે. ઉનાળાના આકરા તાપથી તપ્ત થઈ ઊઠેલો સામાન્ય માણસ બહાર નીકળે તો મોઢા પર માસ્ક, માથે ટોપી, હાથમાં ગ્લવ્ઝ, પગમાં મોજાં, માથે છત્રી... ન જાણે શું શું કરે છે. ક્યારેક તો એમ પણ થાય કે સહેજ ઝરમર પણ થઈ જાય તો આ બધાં આવરણ ફગાવીને વરસાદને ભેટી પડીએ.
કવિ જણાવે છે કે આકરો ઉનાળો ઝીલીને શરીર એટલું નબળું પડી ગયું છે કે છાંટો સુધ્ધાં પડે તો છોલાઈ જાય, પણ ભલે છોલાતું, ચોમાસા, તું વરસ. ઉનાળામાં શેકાઈ ગયેલાં પગનાં ને મનનાં તળિયા ભલે તૂટે, ચોમાસામાં લીલુંછમ નહીં, ભલે ભડબડ બળતા અગ્નિ જેમ ભીંજાવું પડે, પણ હવે વરસ. ના વરસે તો, કવિ તેને પાંચસાત 'ફેંટુ' મારવા સુધી ગુસ્સે ભરાઈ જાય છે. આવું થવાનું કારણ કપરી પ્રતીક્ષા, બીજું શું?
આખો ઉનાળો નીચું જોઈને ચાલનારો માણસ, જેવું ચોમાસું નજીક આવે કે ઉપર જોવાની શરૂઆત કરી દે છે. ઘેરાતાં વાદળો તેના મનમાં આશા બંધાવે છે. ચોમાસાનું આગમન નજરોને ઉન્નત બનાવી દે છે. એક નાનું વાદળ સુધ્ધાં અનેક લોકોની નજરમાં ચમક લાવી દે છે.
કેટલી અજીબ વાત છે! ચોમાસું પૂરેપૂરું ખાબકી જાય, પછી તે આપણને ખૂંચે. પછી આપણને એમ થાય કે કપડાં ભીંજાયા, રસ્તામાં પાણી ભરાઈ ગયાં, કાદવ-કીચડ થયાં, ટ્રાફિક વધી ગયો, વગેરે... પરંતુ કાળઝાળ ઉનાળો સહન કરવાનો થાય ત્યારે એ જ ચોમાસા માટે ટળવળીએ. માણસ મૂળે ગરજુ પ્રાણી છે. તેને મતલબનું બધું ખપે છે. મતલબ પત્યા પછી તે ભગવાનને પણ પૂજવાનું બંધ કરી દે છે, તો બીજાની તો શું કરવાની!
સાચું કહીએ તો ઉનાળો માણસને વરસાદની કિંમત શીખવે છે. સતત સુખ મળે તો એની મજા ક્યાં રહે? જો આખું વર્ષ ચોમાસું જ રહે તો કદાચ માણસ વરસાદનું આટલું મહત્ત્વ ન સમજે. તરસ જ પાણીની મહત્તા સમજાવે છે. પ્રતીક્ષા જ મિલનની મીઠાશ વધારે છે. કદાચ એટલે જ કુદરત પહેલાં ધરતીને તાપમાં શેકે છે, પછી પાણી મોકલે છે.
જીવનમાં પણ કદાચ આવું જ હોય છે. ક્યારેક એવો સમય પણ આવે છે કે જ્યારે બધું જ સૂકાઈ જાય છે. વાત કરવાની ઇચ્છા ન રહે. હસવાનું મન ન થાય. દિવસો ધૂળ જેવા લાગે. પછી અચાનક કોઈ માણસ, કોઈ કવિતા, કોઈ મુલાકાત વરસાદ બનીને આવે. બધું ફરી ભીનું થઈ જાય. એટલે જ વરસાદને લોકો પ્રેમ સાથે જોડે છે. કારણ કે વરસાદ આવે ત્યારે દુનિયા થોડી વધુ જીવંત લાગે છે. આ જીવંતતાની ઝંખના માટે જ પશુ, પંખી, મનુષ્ય બધાનું મન બોલી ઊઠતું હશે, હવે ચોમાસાને કેટલી વાર?
લોગઆઉટઃ
સહેજ માટીની ગંધ, સહેજ ભીનો સંબંધ,
સહેજ વાદળિયાં ગીતો ગવરાવ,
આવ, ચોમાસા જલદીથી આવ
- અજ્ઞાત


