Get The App

સહુ સૂતાં હોય એમ કાં લાગે? આપણામાંથી કોક તો જાગે!

Updated: Jul 31st, 2022

GS TEAM

Google News
Google News
સહુ સૂતાં હોય એમ કાં લાગે? આપણામાંથી કોક તો જાગે! 1 - image


- એકનજરઆતરફ - હર્ષલપુષ્કર્ણા

- પ્રસ્‍તુત લેખ સા‌હિત્‍યનો નથી. તત્ત્વજ્ઞાનનો પણ ન‌હિ. બલકે, એક એવા ભગીરથ સમુદ્રમંથન ‌વિશેનો છે, જે મનોમંથન માટે મજબૂર કરે છે

- નિષ્‍ણાતોની ભ‌વિષ્‍યવાણી મુજબ 2022 સુધીમાં વાન ટાપુ અલોપ થઈ જવાનો હતો, પણ તેને બદલે દ‌રિયાઇ કબરમાંથી તે આસ્‍તે આસ્‍તે બેઠો થયો.

જગતમાં ત્રણ પ્રકારના લોકો હોય છે. (૧) અવનવી સમસ્‍યાઓ પેદા કરનારા trouble makers/ ટ્રબલ મેકર્સ, (૨) જે તે સમસ્‍યાઓનું ‌પિષ્‍ટપેષણ કરવાના નામે ફીફાં ખાંડનારા અને (૩) પ્ર‌સિ‌દ્ધિના પડદા પાછળ રહીને મૂંગા મોઢે સમસ્‍યાઓનું સમાધાન લાવનારા trouble shooters/ ટ્રબલ શૂટર્સ. આ ત્રીજો વર્ગ બહુ નજીવો છે, પણ જગત તેમની ‌નિસ્‍વાર્થ કામગીરીઓને કારણે ટકી રહ્યું છે.

ત્રીજી કેટેગરીમાં આવતા કેટલાક ગુમનામ ‌હિરોને અગાઉ પ્રસ્‍તુત કટારમાં સમયાંતરે ‌શા‌બ્‍દિક સલામી આપી હતી. આ વખતે વધુ એક સેલ્‍યૂટ પ્ર‌સિ‌દ્ધિના પડદા પાછળ રહી ગયેલા એ મહેનતકશ લોકોને જેમણે માતા કુદરતના અ‌વિરત તેમજ ‌બિનશરતી માતૃપ્રેમનું ઋણ ચૂકવવામાં પોતાની જાત ઘસી નાખી.

ત‌મિલ નાડુ અને શ્રીલંકા વચ્‍ચે ઘૂઘવતા મન્‍નારના અખાતમાં વાન નામનો વીસેક હેક્ટરનો ટચૂકડો, અમાનવ ટાપુ દ‌રિયામાં ડૂબી રહ્યો હોય તેનાથી સરેરાશ ભારતીયને ‌નિસ્‍બત ખરી? આમ તો કશી ન‌હિ. કારણ કે વીસ હેક્ટરનું ક્ષુલ્‍લક ક્ષેત્રફળ ધરાવતો ટાપુ ભારતના નકશા પર રહે તોય શું અને ન રહે તો પણ શો ફરક પડવાનો હતો?

અલબત્ત, ફરક તો પડવો જોઈએ. છતાં નથી પડતો તે માટે પેલી સંકુ‌ચિત ‌વિચારસરણી જવાબદાર છે, જે અનુસાર ‌માનવજાતે સમગ્ર પૃથ્‍વીને પોતાના એકલાની જાગીર સમજી છે. આ સ્‍વાર્થી અ‌ભિગમનાં ડાબલાં આંખેથી ઉતારી દો ત્‍યારે સમજાય કે પૃથ્‍વીના એકાદ ભૌગો‌લિક ખૂણે મનુષ્‍યનો ભોગવટો ભલે ન હોય, પરંતુ મનુષ્યેતર જીવો માટે તે સ્‍થળ કાયમી આવાસ છે. આ હકીકત મન્‍નારના અખાતમાં આવેલા વાન ટાપુના સંદર્ભે સમજવા જેવી છે.

સફેદ-બદામી રેતીના ઢૂવા તરીકે દ‌રિયામાંથી ડોકાતો વાન ટાપુ અમાનવ છે. જો  કે, સેંકડો વર્ષોથી ત્‍યાં ત‌મિલ નાડુના મછવારાની આવનજાવન રહી છે. વાન ટાપુનો દ‌રિયો અત્‍યંત સમૃદ્ધ મત્‍સ્‍યસૃ‌ષ્‍ટિ ધરાવે છે. ભારતના સાગરકાંઠે થતી ૨,૨૦૦ પ્રકારની માછલીઓ પૈકી ૨૩% વેરાઇટી ત્‍યાં જોવા મળે છે. આ ઉપરાંત ‌૩૦૦ સ્‍પી‌સિસના કરચલા તથા ૪૦૦ જાતના મૃદુકાય જીવો માટે વાન ટાપુનો દ‌‌રિયો નૈસ‌ર્ગિક આવાસ છે. આ ખજાનો મેળવવા માટે ત‌મિલ નાડુના મછવારા ‌વર્ષોથી વાન ટાપુની મુલાકાત લેતા હતા. માછીમારી વખતે દ‌રિયો તોફાને ચડે ત્‍યારે ટાપુની નાનીશી ભૂ‌મિ મછવાઓ માટે તત્‍પુરતું આશ્રયસ્‍થાન બનતી.

■■■

આ ક્રમ વર્ષો સુધી ચાલ્યો અને બીજાં કેટલાંય વર્ષ ચાલતો રહ્યો હોત તો કશું ખોટું નહોતું. ડખો પેલા પ્રથમ પ્રકારના એટલે કે સમસ્‍યા પેદા કરનારા ટ્રબલ મેકર્સે ઊભો કર્યો. વાન ટાપુની આસપાસના દ‌રિયામાં આવેલા વૈ‌વિધ્‍યપૂર્ણ અને વ્‍યાપક પરવાળા (કોરલ) પર કેટલાક લો‌ભિયાઓની નજર બગડી. પો‌લિપ નામના સૂક્ષ્‍મ સજીવો દ‌રિયાના પાણીમાં ભળેલો કે‌લ્‍શિયમ (ચૂનો) છૂટો પાડી તેના વડે અવનવા આકારના પરવાળા તૈયાર કરતા હોય છે. લાલ, કેસરી, પીળો, લીલો, ભૂરો વગેરે જેવા આકર્ષક રંગો અને ‌ચિત્ર‌વિ‌ચિત્ર ‌ડિઝાઇનના પરવાળા જુઓ તો એમ જ લાગે કે કોઈ કુશળ માળીએ દ‌રિયામાં મસ્‍ત બગીચો બનાવ્યો! બાય ધ વે, જગતનું સૌથી મોટું બાંધકામ ચીનની દીવાલ નથી, બલકે ઓસ્‍ટ્રે‌લિયાની ગ્રેટ બે‌રિઅર રીફ કહેવાતી પરવાળા શૃંખલા છે. છીછરા દ‌રિયાની નીચે તે ૩,પ૦,૦૦૦ ચોરસ ‌કિલોમીટરમાં ફેલાયેલી છે. બેપગા માણસની ઇજનેરી ‌વિદ્યાને પો‌લિપ કહેવાતા પાંચ ‌મિ‌લિમીટરના બારીક આ‌ર્કિટેક્ટે ક્યાંય ઝાંખી પાડી દીધી છે.

વાન ટાપુ ફરતે પો‌લિપની અનેક પેઢીઓએ વર્ષો સુધી પરવાળાના ચણતરનું કામ કરતા રહીને સરસ મજાની રચના કરી હતી. દુર્ભાગ્‍યે તે કૃ‌તિ મનુષ્‍યની આંખે ચડી. પરવાળામાં ભારોભાર ચૂનો હોય. બલકે, પ્‍યોર ચૂના વડે જ તે બનેલા હોય. ‌સિમેન્‍ટ, કાચ, રોડ માટેનો એસ્‍ફાલ્‍ટ વગેરેની બનાવટમાં ચૂનાનો વધુ-ઓછા અંશે ઉપયોગ થાય. આથી ત‌મિલ નાડુમાં કાર્યરત એ ક્ષેત્રોને ચૂનો પૂરો પાડવા માટે ખા‌ણિયા લોબીએ મન્‍નાર અખાતના પરવાળા પર રીતસર તવાઈ ઉતારી. દ‌રિયામાં ગોતાખોરોને મોકલી તેમને પરવાળા તોડી લાવવાનું કામ સોંપવામાં આવ્યું. જાણે વાડીમાંથી રીંગણાં તોડી લાવવાનાં ન હોય!

ઈ.સ. ૧૯૭૦થી શરૂ થયેલો પરવાળા ‌વિનાશનો ક્રમ બહુ લાંબો ચાલ્યો. વર્ષે લગભગ ૨પ,૦૦૦ ટન જેટલા પરવાળા તોડીને ‌વિ‌વિધ ઔદ્યોગિક એકમોને પહોંચતા કરાયા. આવા અ‌વિચારી પગલાનું પ‌રિણામ શું આવી શકે તેની દરકાર સુધ્‍ધાં કોઈએ ત્‍યારે કરી ન‌હિ. ઘણા વખત બાદ ૨૦૦૧માં સરકારે પરવાળાને વાઇલ્‍ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ નામની કલમ હેઠળ સુરક્ષાછત્ર પૂરૂં પાડ્યું, પણ ત્‍યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. આ રીતે...

■■■

પૃથ્‍વીના સજીવો માટે કુદરતે રચેલી અદૃશ્‍ય ફૂડ ચેઇનના અંકોડા એકબીજા સાથે બહુ ગાઢ રીતે સંકળાયેલા છે. એકાદ અંકોડો તૂટે ત્‍યારે આખેઆખી ચેનના ભૂકા બોલી જતા હોય છે. વાન ટાપુના કેસમાં એમ જ બન્‍યું. પરવાળા ગાયબ થયા, એટલે તેમની ઇર્દ‌ગિર્દ કોલોની બનાવીને વસતા મૃદુકાય જીવોનો આવાસ ‌છિનવાતા વસ્‍તીમાં પુષ્‍કળ ઘટાડો થયો. મૃદુકાય જીવો પર નભતી માછલીઓની તથા કરચલાની સંખ્‍યા પણ પાંખી બની. માછલીઓની હગાર વળી seagrassપ્રકારના દ‌રિયાઈ ઘાસ માટે ખાતરનું કામ કરતી. આ નૈસ‌ર્ગિક ફ‌ર્ટિલાઇઝર મળતું ઓછું થયું ત્‍યારે ઘાસનો સાથરો સંકેલાવા લાગ્યો. આ બધો બદલાવ એવો હતો કે જે સમુદ્રસપાટી નીચે થયેલો હોવાથી જલદી ધ્‍યાન પર આવે તેમ નહોતો.

પરંતુ એક મોટું પ‌રિવર્તન જળસપાટી ઉપર આવ્યું, જેના પ્રત્‍યે ધ્‍યાન ખેંચાવું સ્‍વાભા‌વિક હતું. ઈ.સ. ૧૯૭૦ સુધી વાન ટાપુનું ક્ષેત્રફળ ૨૦.૮ હેક્ટર હતું. પરવાળારૂપી કુદરતી દીવાલ હટી જતાં ટાપુ તરફ સમુદ્રી મોજાંનું અ‌તિક્રમણ એટલું બધું થયું કે ૨૦૧પમાં ટાપુની ફક્ત ૧.પ૩ હેક્ટર સપાટી દ‌રિયાની બહાર ડોકાતી હતી. સાતેક વર્ષમાં એટલે કે ૨૦૨૨ સુધીમાં એ દ્વીપ જળસમા‌ધિ લઈ લે તેવી પૂરેપૂરી શક્યતા જણાતી હતી.

■■■

જગતના પેલા ત્રણ પ્રકારના મનુષ્‍યો પૈકી પ્રથમ એટલે કે ટ્રબલ મેકર્સે સમસ્‍યા ઊભી કરી. બીજા પ્રકારના એટલે કે ‌વિશ્લેષકોએ તે સમસ્‍યાનું ‌પિષ્‍ટપેષણ કરીને ટાઇમ પાસ કર્યો. હવે હરકતમાં આવવાનો વારો ટ્રબલ શૂટર્સનો હતો. ‌પૃથ્‍વીના ચહેરા પરથી એક ટાપુ અદૃશ્‍ય થઈ જાય અને તે ભેગું સમુદ્રી જીવોનું સરનામું પણ ભૂંસાઈ જાય એ તેમને મંજૂર નહોતું. આથી ડૂબતા ટાપુને ઉગારી લેવાનું તેમણે બીડું ઝડપ્યું. આ ભગીરથ કાર્યમાં ‌ગિલ્‍બર્ટ મેથ્‍યૂસ નામના ત‌મિલ ‌ખ્રિસ્‍તી શખ્‍સનો ફાળો અહીં ખાસ નોંધવો પડે. ત‌મિલ નાડુની સુગંથી દેવદાસન મરીન ‌રિસર્ચ ઇ‌‌િન્‍સ્‍ટટ્યૂટના તેઓ જીવ‌વિજ્ઞાની ‌હતા. સ્‍કૂબા ડાઇ‌વરનો પોષાક ધારણ કરીને તેમણે વાન ટાપુની આસપાસના દ‌રિયામાં સેંકડો ડૂબકીઓ લગાવી. રેતાળ પેટાળ ફંફોસતા માલૂમ પડ્યું કે seagrassપ્રકારના ઘાસની ચાદર લગભગ ૪પ ચોરસ ‌કિલોમીટર જેટલી સંકોચાઈ ચૂકી હતી. સમુદ્રી જીવોના ‌નિષ્‍ણાત હોવાના નાતે ‌ગિલ્‍બર્ટ પામી ગયા કે વાન ટાપુના દ‌રિયાને મત્‍સ્ય સૃ‌ષ્‍ટિથી અગાઉ જેવો ધબકતો કરવો હોય તો સૌ પહેલાં ઉજ્જડ ત‌ળિયામાં ઘાસની લીલોતરી ખીલવવી જોઈએ.

આ કાર્ય કંઈ રાતોરાત તો થઈ ન શકે. પ્રથમ ચરણમાં ‌ગિલ્‍બર્ટે seagrassના અનેક રોપા મેળવ્યા. ત‌મિલ નાડુના કાંઠેથી બોટમાં બેસીને વાન ટાપુ જવું, ત્‍યાં પહોંચીને મરજીવાનો પોષાક ધારણ કરવો અને ડૂબકી લગાવી ઘાસના રોપા રેતાળ ત‌ળિયામાં વ્‍યવ‌સ્‍થિત રીતે વાવી દેવાનો ક્રમ ‌ગિલ્‍બર્ટ, તેમના મદદનીશો મહાલક્ષ્‍મી ભૂપ‌તિ અને અરા‌થિ અશોક માટે ‌રો‌જિંદો બન્‍યો. રોજના આઠેક કલાક તેઓ સમુદ્રમાં ઘાસનો બગીચો ઊભો કરવા પાછળ પસાર કરવા લાગ્યા.

કોઈ કામ સેવાભાવે પણ કર્યા પછી બદલામાં વખાણના કે આભારના બે શબ્‍દો મળે તે મનુષ્‍યની સ્‍વભાવગત અપેક્ષા હોય. ‌ગિલ્‍બર્ટ મેથ્‍યૂસ, મહાલક્ષ્‍મી ભૂપ‌તિ અને અરા‌થિ અશોક જે સેવા કરી રહ્યા હતા તેના બદલામાં માનવજાત તેમને થેન્‍ક યુ! જેવા શબ્‍દો કહેવાની નહોતી, જ્યારે ‌બિચારા મૂક સમુદ્રી જીવો કહી શકે તેમ નહોતા. ટૂંકમાં, એ ‌ત્રિપૂટી થેન્‍કલેસ જોબ કરી રહી હતી. નામ-દામની અપેક્ષા ‌વિના કરાયેલું ભગીરથ કાર્ય આખરે રંગ લાવ્‍યું—અને તે પણ પાછો લીલો! વાન ટાપુની ચોપાસ દ‌રિયાના પેટાળમાં લીલી જાજમની સુંદર ‌બિછાત થઈ. વધુ પાંચેક મ‌હિના વીત્‍યા પછી તેમાં મૃદુકાય જીવો અને માછલીઓ તરતી જોઈને ‌ગિલ્‍બર્ટ મેથ્‍યૂસ, મહાલક્ષ્‍મી ભૂપ‌તિ અને અરા‌થિ અશોકનાં કાળજાં કેવાં ઠર્યાં હશે તેનું અનુમાન આપણે તો શું કરી શકીએ?

■■■

એક સમસ્‍યાનું સમાધાન થયું. હવે બીજીનો વારો હતો. મતલબ કે મન્‍નારના અખાતમાં ડૂબી રહેલી વાન ટાપુની નાનીશી દુ‌નિયાને ‘થોડી સી તો ‌લિફ્ટ કરા દે...’ જેવા નુસખાની જરૂર હતી. આ કાર્ય માટે સુગંથી દેવદાસન મરીન ‌રિસર્ચ ઇ‌‌િન્‍સ્‍ટટ્યૂટના ત‌મિલ ‌ખ્રિસ્‍તી ‌ડિરેક્ટર એડવર્ડ પેટરસન આગળ આવ્યા. દ‌રિયાનું અ‌તિક્રમણ અટકાવવા તેમણે વાન ટાપુને કૃ‌ત્રિમ પરવાળાની ‌કિલ્લેબંધી પૂરી પાડવાનો પ્‍લાન તૈયાર કર્યો. ‌સિમેન્‍ટ-કોં‌ક્રિટના સેંકડો વજનદાર પાળા છીછરા દ‌રિયાના ત‌ળિયે ગોઠવી દેવાય તો ટાપુ તરફ ધસી આવતાં મોજાંને તે તોડી નાખે. મોજાંનું જોર હણાઈ જતાં સરવાળે ટાપુ પોતાની ગુમાવેલી જમીન પાછી મેળવે.

આ યોજનામાં એડવર્ડ પેટરસનને મદ્રાસની ઇ‌ન્‍ડિયન ઇ‌ન્‍સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલો‌જિનો ટે‌ક્નિકલ તથા ત‌મિલ નાડુ સરકારનો આ‌ર્થિક સહયોગ મળ્યો. રૂ‌પિયા પચ્‍ચીસ કરોડના ખર્ચે અઢી બાય અઢી મીટરના કુલ ૧૦,૬૦૦ પાળા ‌વાન ટાપુથી લગભગ ૨પ૦ મીટર છેટે ગોઠવવામાં આવ્યા. આ મજબૂત ‌કિલ્‍લેબંધી આક્રમક મોજાંની નાકાબંધી કરવા લાગ્યા.

■■■

સમય વીત્‍યો. અગાઉ જણાવ્‍યું તેમ ૨૦૧પમાં વાન ટાપુની ફક્ત ૧.પ૩ હેક્ટર ભૂ‌મિ સમુદ્રની બહાર ડોકાતી હતી. ‌સિમેન્‍ટ-કોં‌ક્રિટના પાળાએ દ‌રિયાને જાણે પાછળ ધકેલી દીધો હોય તેમ ૨૦૨૦ ટાપુની ખુલ્‍લી જમીનનું ક્ષેત્રફળ ૩.૦૬ હેક્ટરે પહોંચ્‍યું. ‌નિષ્‍ણાતોની ભ‌વિષ્‍યવાણી મુજબ ૨૦૨૨ સુધીમાં વાન અલોપ થઈ જવાનો હતો, પણ તેને બદલે દ‌રિયાઈ કબરમાંથી તે આસ્‍તે આસ્‍તે બેઠો થયો.

આ દેખીતો ફરક તો જાણે ચમત્‍કા‌રિક હતો, પરંતુ વધુ મોટો ચમત્‍કાર તો જળસપાટીની નીચે થયેલો. ‌સિમેન્‍ટ-કોં‌ક્રિટના પાળા પર છીપલાં, લીલ, શેવાળ તથા મૃદુકાય જીવોએ ધામાં નાખ્‍યાં. બારીક પો‌લિપ સજીવોએ પાળા પર ચૂના વડે પરવાળા બનાવવાનું શરૂ કર્યું. ‌વિ‌વિધ વેરાઇટીની માછલીઓ તથા કરચલાં વડે સમુદ્રસૃ‌‌ષ્‍ટિ ફરી ધબકતી થઈ. આ સજીવોનો કુદરતી આવાસ વર્ષો પહેલાં ટ્રબલ મેકર સ્‍વભાવના અ‌વિચારી મનુષ્‍યે ‌છિનવી લીધો હતો. વર્ષો પછી ટ્રબલ શૂટર ‌ફિતરતના સંવેદનશીલ મનુષ્‍યે તેમની ઘરવાપસી કરાવી આપી. જગતમાં ‌ગિલ્‍બર્ટ મેથ્‍યૂસ એન્‍ડ કંપની જેવા જાગૃત મનુષ્‍યો છે, માટે જ તે જીવવા લાયક સ્‍થળ બની રહ્યું છે. એકવીસમી સદીના સમુદ્રમંથનનો આ પ્રસંગ ‌નિરાંતે ‌વિચારવા બેસો તો મનોમંથનનો ‌વિષય છે. બે લીટીમાં તેનો સારાંશ ક‌વિવર શ્રી વેણીભાઈ પુરો‌હિતની કાવ્‍યપં‌ક્તિમાં મળી રહે છે,

(આપણામાંથી) કોઈ જાગે કે કોઈ ના જાગે... કોઈ શું જાગે?

તું જ જાગ્યો, તો તું જ જા આગે... આપણામાંથી તું જ જા આગે!■

Tags :