- વિન્ડો સીટ-ઉદયન ઠક્કર
પ દ્મભૂષણ ભીષ્મ સાહની (૧૯૧૫-૨૦૦૩) ની હિંદી ટૂંકી વાર્તા 'ચીફ કી દાવત' (બોસની પાર્ટી)નો સંક્ષેપ માણીએ.
આજે મિસ્ટર શામનાથને ઘેર બોસ માટેની પાર્ટી હતી. તેમને અને પત્નીને શ્વાસ લેવાની ફુરસદ નહોતી. પાંચ વાગતાં સુધીમાં લગભગ બધી તૈયારી થઈ ગઈ. ખુરશીઓ,મેજ, ટિપોય,નેપકિન, ફૂલ, બધું વરંડામાં પહોંચી ગયું. ડ્રિંક્સની વ્યવસ્થા બેઠકના ખંડમાં હતી. ફાલતુ સામાન કબાટની પાછળ અને પલંગની નીચે છુપાવી દેવાયો. ત્યાં તો શામનાથને ફડકો પડયો : મા-નું શું કરવું? શ્રીમતીજી બોલ્યાં, 'પાછળ એમની બેનપણીને ત્યાં મોકલી દઈએ, ભલે રાત રોકાતાં.' શામનાથે થોડી પળો વિચાર્યું, 'એ ડોસીની આવનજાવન આપણા ઘરે ફરી ચાલુ નથી કરવી. માંડ બંધ કરાવ્યું છે. માને કહીએ કે જમીને પોતાની ઓરડીમાં ઘૂસી જાય, મહેમાનો આવે તે પહેલાં જ.' શ્રીમતીજી બોલ્યાં, 'એમનાં નસકોરાં વરંડામાં બધાંને સંભળાશે તેનું શું?' શામનાથે ફેંસલો સંભળાવ્યો, 'મા, અમે પહેલાં બેઠકમાં બેસીશું. ત્યારે તું વરંડામાં રહેજે. પછી અમે વરંડામાં આવીએ ત્યારે તું રસોડાના રસ્તે બેઠકમાં પહોંચી જજે. તારે સૂવાનું નથી. નસકોરાં દૂરથી સંભળાય છે.' મા લજવાઈ ગઈ, 'શું કરું બેટા, બીમારી પછી નાકથી શ્વાસ લેવાતો નથી.' શામનાથે ખુરશી ચીંધીને માને બેસવાનું કહ્યું. 'એમ નહિ. ટાંગ નીચે રાખ, આ કંઈ ખાટલો નથી! અને ચાખડી નથી પહેરવાની. એક દિવસ હું બહાર ફગાવી દઈશ ચાખડી. બંગડીઓ હોય તો પહેરી લેજે.' 'ક્યાંથી લાવું બંગડી, બેટા? તું તો જાણે છે, બધાં ઘરેણાં તારા ભણતર પાછળ વેચાઈ ગયાં.' શામનાથને જાણે તીર લાગ્યું, 'ત્યારે તો હું સાહેબ થઈ શક્યો છું. મહેણાં ન માર. આપ્યું તે કરતાં બમણું લઈ લેજે પાછું!' 'મારી જીભને આગ લાગે બેટા, તારી પાસેથી લઉં? આ તો અમથું મોંમાંથી નીકળી ગયું.'
પાર્ટીમાં રોનક જામી હતી. અમેરિકન સાહેબને વ્હીસ્કી પસંદ આવી હતી અને મેમસાબને સોફા-કવરની ડિઝાઇન. સાડા દસ વાગ્યા. સૌ ભોજન લેવા વરંડા તરફ ચાલ્યાં. એકાએક શામનાથ થીજી ગયો. મા ખુરશી પર પગ ચડાવીને ઝોકે ચડી હતી. નસકોરાં જોરથી બોલતાં હતાં. સરી પડેલા પલ્લુને કારણે અરધી ટાલ દેખાતી હતી. શામનાથને થયું, માને ઓરડીમાં ધકેલી દે. દેશી અફસરોની સ્ત્રીઓ હસવા લાગી. ત્યાં સાહેબ બોલ્યા, 'પુઅર ડિયર!' મા ઝબકીને જાગી, ઊભી થઈ ગઈ. તેના હાથ-પગ કાંપવા લાગ્યા. સાહેબે શેક હેન્ડ કરવા હાથ લંબાવ્યો. 'મા, હાથ મેળવ.' જમણા હાથમાં માળા હતી. માએ ડાબો હાથ લંબાવ્યો. સાહેબે હાથ પકડીને વારંવાર હલાવ્યો, 'હાવ ડુ યુ ડુ?' સાહેબ બોલ્યા, 'મા ગામડાની છે, તો નાચ- ગાન પણ જાણતી હશે.' મા જાણતી નહોતી. પણ શામલાલે કડક અવાજમાં ફરમાવ્યું, 'કશું ગા!' માએ ગાવું પડયું, જૂનું લગ્નગીત. સાહેબની તાળીઓથી ઘર ગૂંજવા લાગ્યું. શામનાથની ખીજ હવે ગર્વમાં બદલાઈ ગઈ. માએ તો પાર્ટીમાં રંગ લાવી દીધો! 'પંજાબના ગામડાઓની હસ્તકલા કેવી હોય?' શામલાલ લળીને બોલ્યો, 'ફૂલપત્તીનું ભરતકામ. મારી મા તમને બનાવી આપશે.'
અરધી રાતે ખાઈ-પીને મહેમાનો ગયાં. મા પોતાની ઓરડીમાં દીવાલને અઢેલીને છતને ફાટી આંખે નિરખતી હતી. ઓરડીમાં ધસી આવીને શામલાલ માને ભેટી પડયો, 'ઓ અમ્મી, તુમને તો રંગ લા દિયા! સાહબ તુમસે ઇતના ખુશ હુઆ..' માએ કહ્યું, 'બેટા, મને હરદ્વાર મોકલી દે, ક્યારની કહી રહી છું.' શામનાથ ગુસ્સે થયો, 'દુનિયા શું કહેશે? કે બેટો માને સાચવી ન શક્યો? અને સાહેબને ભરતકામ કોણ કરી આપશે?' 'મારી આંખો રહી નથી બેટા, તું બીજા કોઈ પાસે બનાવડાવી લેજે.' ''મા, તું મને દગો દઈને જતી રહેશે? સમજતી નથી, સાહેબ ખુશ થશે તો મારો પગાર વધારશે!' 'ખરેખર? તો હું બનાવી દઈશ બેટા, જેમ તેમ કરીને.' માનું કરચલિયાળું મુખ ખીલવા લાગ્યું. તે બેટાના ઉજ્જ્વળ ભવિષ્યની કામના કરવા લાગી, અને મિસ્ટર શામનાથ લથડતા પગે પોતાના ઓરડા ભણી ચાલ્યા.
લેખકે શામનાથની આગળ ખાસ 'મિસ્ટર' મૂક્યું છે. આ માણસને દેશી ઢબછબ પ્રત્યે ઘૃણા છે, તે અંગ્રેજ (કે અમેરિકન) લાટસાહેબ બનવા માગે છે. 'ફાલતુ સામાન કબાટની પાછળ અને પલંગની નીચે છુપાવી દેવાયો.' જો માને પણ પલંગની નીચે છુપાવી શકાતે તો મિસ્ટર શામનાથ અચકાતે નહિ. માની ઇચ્છાને ધરાર અવગણવામાં આવે છે : તેને બેનપણી સાથે હળવા-મળવા દેતાં નથી, બીજા દીકરાને ઘેર જવા દેતાં નથી, હરદ્વાર જવા દેતાં નથી. શામનાથને ઇચ્છા થાય છે કે નસકોરાં બોલાવતી માને ઓરડીમાં ધકેલી દે. તે ચાખડી ફગાવી દેવાની વાત એવા ઊંચા સ્વરે કરે છે જાણે માને પણ ફગાવી દેવાની હોય. અહીં મા પ્રત્યે સૂગનો ભાવ દેખાય છે. મા કોઢનો દાગ હોય તેમ તેને સંતાડવાની કોશિશો કરાય છે. માએ બેટાના ભણતર ખાતર ઘરેણાં વેચી દીધાં, પછી શામનાથે એક અમસ્તી બંગડી યે અપાવી નથી. આટઆટલાં અપમાનો સહ્યાં પછી યે મા બેટાના પગારવધારા ખાતર અધદેખતી આંખે ભરતકામ કરવા તૈયાર થઈ જાય છે. અહીં માનો અપત્યપ્રેમ દેખાય છે, સાથે ભારતના પિતૃસત્તાક સમાજનું વરવું રૂપ પણ દેખાય છે.
આ વાર્તા પરથી સુન્દરમ્નું કાવ્ય 'બાનો ફોટોગ્રાફ' યાદ આવે. બા યૌવને વિધવા થયેલી, પેટે ચાર છોકરાં, સાસુ-સસરાના આશ્રયે રહી, જિંદગી આખી વૈતરું કર્યું. તેને બે ભાઈઓ ફોટો પડાવવા સ્ટુડિયોમાં લાવ્યાં. ફોટોગ્રાફરે સૂચના આપી, 'બા,સુખી દિવસોને યાદ કરીને મોં હસતું રાખો.' ત્યારે કાવ્યનાયક કહે છે:
અને બા હસતી કેવું
જોવાને હું ફર્યો જહીં
બોરશું આંસુ એકેક
બાને નેત્ર ઠર્યું તહીં
ચિડાયો ચિત્ર લેનારો
'બગડી પ્લેટ માહરી'
પ્લેટ શું જિંદગીઓ કૈં
બગડી રે હરિ,હરિ!


