- શોધ-સંશોધન-વસંત મિસ્ત્રી
- ભારતની પ્રાણાયામની પદ્ધતિને આધુનિક વિજ્ઞાનનું સમર્થન મળ્યું છે, ત્રણ વખત પ્રાણાયામ કરવાથી યાદશક્તિ વધે છે...
આ પણાં ઋષિમુનીઓએ વર્ષો પહેલાં જણાવ્યું હતું કે ધીમા પ્રાણાયમથી યાદશક્તિ વધારી શકાય. હવે સઘર્ન કેલિફોર્નિઆ યુનિવર્સિટીના વૈજ્ઞાનીઓના સંશોધન મુજબ જો તમે ૧ થી ૫ ની ગણત્રી સાથે શ્વાસ અંદર લો અને એટલી જ ગતિથી શ્વાસ બહાર કાઢો તો એલ્ઝેમર રોગથી બચી શકો છો.
યાદશક્તિ ઘટવાની આ સ્થિતિ જીવન શૈલી, જનિનિક અને પર્યાવરણના પરિબળો જેવા અનેક સંજોગોથી સર્જાય છે. મગજમાં અસામાન્ય પ્રોટીન બંધાય છે જેથી પ્લાક અને ગૂંચળા બને છે જે મગજના કોષોના કાર્યોમાં ખલેલ પહોંચાડે છે. જો કે આ રોગ હજી સંપૂર્ણપણે સમજાયો નથી.
વૈજ્ઞાનિકો આ રોગ માટે એમાઈલોઈડ બીટા નામના રસાયણને જવાબદાર ગણે છે. આ રસાયણ જો લોહીમાંથી નીકળી ના જાય તો તે યાદશક્તિ ઘટાડે છે.
પ્રાણાયમથી આ રોગનું સંતુલન થઈ શકે એમ યોગગુરૂઓ સમજાવે છે.
આ પ્રકારનું પ્રાણાયમ દિવસમાં ૩ વખત ૨૦-૨૦ મિનિટ માટે કરવું. આ પ્રકારના ધીમા શ્વસનથી તમે રસાયણનું પ્રમાણ ઘટાડી શકો છો. આ સંશોધનના મુખ્ય વૈજ્ઞાનિક મેથરના સૂચન મુજબ જો હાર્ટરેટ વેરિએબિલિટી એક્સરસાઈઝ સાથે જો નિયમિત ધીમા શ્વસનની ક્રિયા કરવામાં આવે તો પ્લાઝમા એમાઈલોઈડ બીટાની માત્રા ઘટે છે અને તમારી યાદશક્તિ બરકરાર રહે છે. તમને અલ્ઝાઈમરના લક્ષણો યાદ છે ને ? શબ્દો વાંચવામાં મુશ્કેલી, ચીજ વસ્તુઓ કે ચહેરો ઓળખવામાં મુશ્કેલી, નવી માહિતી ભૂલી જવી, કાર્યક્ષમતામાં ઘટાડો, નિર્ણય ના લઈ શકાય, સમસ્યાનું સમાધાન ના થઈ શકે... શું આવું જીવન જીવી શકાય ? તો હવેથી દરરોજ ૧ કલાક ધીમા પ્રાણાયમ માટે ફાળવો.
હવે તમને અલ્ઝાઈમર થયો છે કે નહિ એ કેવી રીતે સમજાશે ? એ તો તમારા લક્ષણોને આધારે ડૉક્ટર જ નક્કી કરી તમારી સારવાર કરશે. આ અલ્ઝાઈમર ડિમેન્શીઆનું જ એક સ્વરૂપ છે.
અલ્ઝાઈમરનો દર્દી જમવાનું ભૂલી જાય છે અથવા એવું વિચારે છે કે તેણે જમી લીધું છે. આવા દર્દીને સમતોલ આહાર આપો. શાકભાજી, ફળો, હોલ ગ્રેઈન્સ, ઓછા ફેટવાળી ડેરી પ્રોડક્ટસ, વધુ આપો. ચરબીવાળો ખોરાક ઘટાડો, રિફાઈન્ડ શુગર ઘટાડો પણ પાછળના તબક્કામાં ભૂખ ના લાગે તો શુગર ઉમેરી શકાય. વધુ સોડિયમવાળો ખોરાક ટાળો. મીઠુ (સોલ્ટ) ઓછું કરો. વધુ પાણી, ફળોના રસો, સૂપ, મિલ્કશેક અને સ્મુધી આપો. ચાલવાનું ગાર્ડનિંગ, કે ડિશ વોશિંગ જેવું હળવું કામ આપો.
અલ્ઝાઈમરનો દર્દી જમવા બેસે ત્યારે ખોરાકને પ્લેટથી અલગ સમજી શકતો નથી તેની દ્રષ્ટિ ખોરવાયેલી હોય છે. એથી સફેદ પ્લેટ વાપરો. ટેબલ મેટ સાદી રાખો. સાથે જમો. ધીમે ધીમે જમાડો. તમે નાના હતા ત્યારે તેમણે એમજ કર્યું હતું. હવે તેઓ બાળપણમાં છે એટલે તમે સાચવો. અલ્ઝાઈમર સારો થતો નથી, બે પ્રકારની દવા જ રોગના ચિન્હોને મેનેજ કરી શકે છે. (૧) મેમાન્ટાઈન (૨) કોલિનેસ્ટરેઝ ઈનહિબિટર. ડૉક્ટરની સલાહ આવકાર્ય.


