- સરદાર @150-હસિત મહેતા
- ગોધરાના કાર્યકાળ વખતે અને ત્યારપછી બોરસદ કોર્ટમાં તબદીલ થયા ત્યારે પણ, વલ્લભભાઈ ઘણીવાર દાહોદકોર્ટમાં જઈને પોતાની વકીલાતનો વિસ્તાર કરતાં રહ્યાં હતા
- દાહોદ રેલ્વે સ્ટેશન અને ગોધરા કોર્ટ
વ લ્લભભાઈનો બે વર્ષનો ગોધરા-વકીલાત-કાળ ઘણાં સંઘર્ષો સાથેસાથ કેટલીક તોફાન-મસ્તીઓ માટે પણ યાદગાર હતો. અહીં તેમના લગ્નસંસારનો આરંભ થયો હતો, એટલે વધુ નાણાં રળવા માટે તેમણે માત્ર ફોજદારી કેસો જ હાથમાં લેવા માંડયા હતા. કારણ કે તે જમાનામાં ફોજદારી કેસોનો નિકાલ તાત્કાલિક કરવામાં આવતો હતો. વળી ગોધરામાં વિઠ્ઠલભાઈએ પ્રસ્થાપિત કેટલી ફોજદારી પ્રેક્ટિસનો સીધો લાભ પણ એમને મળ્યો હતો.
યુવાનીની પચ્ચીશીએ પહોંચેલા વલ્લભભાઈના ગોધરાનિવાસ સમયે તેમની જાહેરજીવનમાં લોકસેવા કરવાની કે દેશસેવા માટે જીવન ન્યોચ્છાવર કરી દેવાની ભાવનાનો અણસાર પણ આવે તેમ ન હતો. એ વખતે તેમની જીવનનેમ માત્ર ને માત્ર ધનપ્રાપ્તિ જ હતી. એ માટે સફળ વકીલ થવું હોય તો ફોજદારી કેસો માટે જરૂરી ઝડપ અને વિચક્ષણ વ્યવહારજ્ઞાન કેળવ્યાં વગર છૂટકો નહોતો. વલ્લભભાઈ તેમાં ખૂબ પાવરધા હતા. ઊંડુ વ્યવહાર જ્ઞાન, માનવ સ્વભાવની સૂક્ષ્મ પરખ, સાક્ષીઓની ઉલટ તપાસની અજબ કુનેહ અને પુરાવાઓ સામે પુરાવાઓનો છેદ ઉડાડી દેવાની કુશળતાએ વલ્લભભાઈને ગોધરામાં ફોજદારી વકીલ તરીકે સફળ થવામાં વાર લગાડી નહોતી.
ગોધરાના કાર્યકાળ વખતે અને ત્યારપછી બોરસદ કોર્ટમાં તબદીલ થયા ત્યારે પણ, વલ્લભભાઈ ઘણીવાર દાહોદકોર્ટમાં જઈને પોતાની વકીલાતનો વિસ્તાર કરતાં રહ્યાં હતા. દાહોદ પંચમહાલ જિલ્લાના પાટનગર સમું નગર હતું. ઘણુંખરું આદિવાસીઓ અને મધ્યમ કક્ષાના સામાન્યજનોવાળું દાહોદ એ સમયે સારા અને સફળ વકીલોની ખોટ અનુભવતું હતું. જેનો લાભ વલ્લભભાઈને મળ્યો હતો.
દાહોદની કોર્ટમાં અવારનવાર જવાનું થતું હોવાથી વલ્લભભાઈ ઘણીવાર ત્યાંના નારણદાસ વૈદ્યને ઘરે રહેતા હતા. આ નારણદાસ જોડે એમને ગાઢ મિત્રતા બંધાઈ હતી, તેથી તેમની સાથે કેટલાંક તોફાન અને ટીખળની છૂટ પણ વલ્લભભાઈ લેતાં હતા. ૧૯૦૧-૦૨ના એ વર્ષો વિત્યાં પછી ૪૦-૪૫ વર્ષે અચાનક નારણદાસનો તેમની સાથે પત્ર-ભેટો થયો, ત્યારે તેમણે વલ્લભભાઈના આવા એક તોફાની વર્તનને યાદ કરાવતાં ૨૭-૯-૧૯૪૮ના પત્રમાં લખ્યું કે....
'આજે ૪૫ વર્ષ એક જૂના સંબંધને યાદ કરીને આપને મુબારકબાદી આપવાનું મન થઈ આવ્યું અને આ પત્ર લખવા પ્રેરાયો. હું ન ભૂલતો હોઉં તો સંવત ૧૯૫૮માં ્રઈ.સ.૧૯૦૨ૃ આપ ગોધરા ખાતે પ્રેક્ટિસ કરતા હતા. તે પ્રસંગે એક કેસ માટે શ્રી તુલસીભાઈ બૅરિસ્ટર અને આપને મેં રોકેલા. હું ત્યારે દાહોદ ્રપંચમહાલૃ, ખાતે રહેતો હતો અને આપને મારે ત્યાં ્રદાહોદૃ ત્રણેક દિવસ રોકાવાનું થયેલું. ત્યારે તમે તોફાનમાં સળગતી બીડીનો ગલ મારા હાથ ઉપર ચાંપી દીધેલો તેની નિશાની હજી પણ છે, અને આ નિશાની તો હવે આપની કીંમતી યાદ બની છે. પછી તો આપ વિલાયત ગયા અને પરત આવ્યા. ત્યાર બાદ દાહોદ ખાતે ત્રણેક વખત આપની મુલાકાતનો લાભ મળેલો અને હવે હું તો મારી વૈદકીય પ્રવૃત્તિથી ફારગ થઈને હાલ વડોદરા ખાતે વાનપ્રસ્થ જીવન ગાળું છું. અને આપે તો જીવનના અનેક તડકાછાંયા અનુભવ્યા પછી આપને ઈશ્વરકૃપાથી આ સ્થાન પરથી ખૂબ જ સફળતાપૂર્વક દેશનું શાસન કરતા જોઉં છું ત્યારે મને અપાર આનંદ થાય છે. દેશને છિન્નભિન્ન કરવા સારું અંગ્રેજોએ બિછાવેલી જાળને આપે આપની વિશિષ્ટ શક્તિથી તોડીફોડીને એક સંયુક્ત હિંદનું નવસર્જન કર્યું છે.....ભારતમાતાની વધુ ને વધુ સેવા કરવા પરમકૃપાળુ પરમાત્મા આપને આરોગ્યથી ભરપૂર એવાં-ખૂબ લાંબા- વર્ષો અર્પી દીર્ઘાયુ બનાવે. પ્રભુ આપનું મંગળ કરે.' લિ. શુભેચ્છક, નારાયણદાસ ભગવાનદાસ વૈદ્યના જયહિંદ.'
નારણદાસ વૈદ્યના આ ઐતિહાસિક પત્રનો વલ્લભભાઈએ નવી દિલ્લીથી તેમને તા. ૮-૧૦-૧૯૪૮એ જે જવાબ વાળ્યો, તેમાં પોતાના આ જૂના તોફાનોના સ્મરણોનો સ્વીકાર કરતાં લખ્યું કે.....
'તમારો તા. ૨૭-૯-૧૯૪૮નો કાગળ મળ્યો હતો. ૪૫ વર્ષ ઉપરનાં જૂનાં સ્મરણો તમારા કાગળથી તાજાં થયા. દાહોદની કોર્ટનો એ કેસ મને હજી બરાબર યાદ છે. તમે દાહોદ છોડી વડોદરે આવી વાનપ્રસ્થદશા ભોગવી રહ્યાં છો એ તમારા કાગળથી જાણ્યું. તમારી ઉંમર ૭૮ વરસની થઈ એ જોતાં તમારા હસ્તાક્ષરમાં ઉંમર માલૂમ પડતી નથી, એટલે તમારી શરીર-સંપત્તિ ઘણી જ સારી હોય તેમ લાગે છે..... હું તો ઘણીયે ઈચ્છા કરું છતાં જે પ્રવૃત્તિમાં પડયો છું તેમાંથી છુટાય તેમ નથી. તમારા જેવા અસંખ્ય માણસો ઈચ્છે છે કે મારાથી છૂટા થવાય જ નહીં. એટલે હું જેટલું ખેંચાય તેટલું ખેંચી રહ્યો છું. તમારા જેવા અસંખ્યોની ભલી લાગણીથી અને ઈશ્વરકૃપાથી ચાલ્યા કરે છે.'
લિ. વલ્લભભાઈના વંદે માતરમ્'


