- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ
- દરેક જીવના હૃદયમાં ઈશ્વર વસવાટ ધરાવે છે. એ માણસ ભલે પછી ગમે એટલો ક્રૂર હોય કે નિષ્ઠુર!
પાં ચ પ્રકારના યજ્ઞો વિશે ગતાંકથી ગોષ્ઠિ માંડી હતી. ભૂતયજ્ઞા, મનુષ્યયજ્ઞા, પિતૃયજ્ઞા, દેવયજ્ઞા અને બ્રહ્મયજ્ઞા. આમાંના સર્વપ્રથમ ભૂતયજ્ઞા અંગે વિસ્તારપૂર્વક જાણકારી મેળવી. શ્રીલલિતાસહસ્ત્રનામમાં કહ્યું છે, 'મૂલપ્રકૃતિર્-અવ્યક્તા વ્યક્તાવ્યક્તસ્વરૂપિણી'. પંચમહાભૂતથી બનેલી આ સૃષ્ટિમાં જે ગોચર પ્રકૃતિ છે, તે તો સાક્ષાત્ મહાદેવી છે; પરંતુ સાથોસાથ જે અગોચર પ્રકૃતિ છે, તે પણ દેવી મા જ છે! મૂળ પ્રકૃતિ વ્યક્ત અને અવ્યક્ત એમ બંને છે... અર્થાત્ જેને શબ્દોમાં વ્યાખ્યાયિત કરી શકાય, નજરોથી જોઈ શકાય, કાનોથી સાંભળી શકાય અને ઈન્દ્રિયો વડે અનુભવી શકાય એ પ્રકૃતિ ઉપરાંતની જે અવ્યક્ત પ્રકૃતિ છે, તે પણ જગતજનની સ્વયં જ છે. આથી, સમસ્ત સંસારને એમનું લીલાક્ષેત્ર માનીને માત્ર સાક્ષીભાવ સાથે જીવન જીવવું એ આધ્યાત્મિકતાની ખરી પરિભાષા છે. જગત મિથ્યા છે, પરંતુ નાટકમાં ભજવાતાં પાત્રોની માફક સત્યતાના બોધ સાથે જીવન જીવવાની વ્યાખ્યા શાસ્ત્રોએ આપી છે.
ભૂતયજ્ઞા પશ્ચાત્ દ્વિતીય
યજ્ઞા છે : મનુષ્યયજ્ઞા. ઘર પર પધારનારા અતિથિનું સન્માન અને સમાજમાં આપણી આસપાસ વસવાટ ધરાવતાં લોકો સાથે સદ્વ્યવહાર એ મનુષ્યયજ્ઞાનો પાયો છે. પ્રમાણમાં આ થોડુંક કપરું કાર્ય છે કારણ કે મોટાભાગના લોકોને પોતાની આસપાસના લોકોમાં કોઈ રસ નથી હોતો. એ પછી કાર્યક્ષેત્રની વાત હોય કે પરિવારની!
અહીં એક પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે જ્યારે આપણી આસપાસના લોકો ભૂલ આચરે ત્યારે તેને ટપારવાને બદલે એ ભૂલો પ્રત્યે આંખ આડા કાન કરવા જોઈએ? કે પછી એ વ્યક્તિને યોગ્ય માર્ગ પર લાવવા માટે જે જરૂરી હોય એ કરવું જોઈએ ? વ્યવસાયિક દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો પણ ઘણાં બધા નોકરિયાતો અને ધંધાદારીઓને 'ફર્મનેસ/સ્ટ્રોંગનેસ' (કડકાઈ) અને 'ઈન્સલ્ટ' (અપમાન) વચ્ચેનો તફાવત ખબર નથી હોતો. ઉદાહરણ તરીકે, તમે કોઈ ધંધો લઈને બેઠાં છો અને ધારી લો કે તમારા હાથ નીચે અમુક માણસોની ટુકડી કામ કરે છે. તેમની પાસેથી ધાર્યું કામ કઢાવવા માટેનાં બે વિકલ્પો હોય છે : ક્યાં તો એક પ્રોફેશનલ બૉસ બનીને કડક શબ્દોનો પ્રયોગ કરવો અથવા તો પછી સામેવાળી વ્યક્તિનું અપમાન કરી નાખવું !
તમારો નોકરિયાત માણસ ભૂલ કરે અથવા તેનાથી કામમાં કોઈક ગંભીર ક્ષતિ રહી જાય, ત્યારે તેને 'મૂર્ખ', 'ગધેડો', 'નકામો' વગેરે જેવાં સંબોધનો આપવા એ અપમાનજનક ઘટના છે; પરંતુ કડક શબ્દોમાં (અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યા વગર) શાંત ચિત્તે તેને ભૂલ સુધારવા માટે પ્રેરણા આપવી એ યોગ્ય માર્ગ છે. 'લાતોં કે ભૂત બાતોં સે નહીં માનતે' જેવી કહેવતોનો સધિયારો લેવાને બદલે માનવતાભર્યો અભિગમ રાખવાથી પ્રત્યેક માણસ 'મનુષ્યયજ્ઞા' સંપન્ન કરી શકે છે. કહેવાનો અર્થ એ છે કે દરેક પરિસ્થિતિમાં જીભ ઉપર નિયંત્રણ રાખીને માણસની ગરિમાનું ધ્યાન રાખવું અને તેને ઉતારી ન પાડવો એ પણ એક પ્રકારની સાધના જ છે, જેને ઋષિ-મુનિઓએ શાસ્ત્રોમાં 'મનુષ્યયજ્ઞા' તરીકે વ્યાખ્યાયિત કરી.
સ્મરણ રહે, દરેક જીવના હૃદયમાં ઈશ્વર વસવાટ ધરાવે છે. એ માણસ ભલે પછી ગમે એટલો ક્રૂર હોય કે નિષ્ઠુર! માણસે સ્વધર્મ અને કર્મનું સ્મરણ રાખીને સભ્યતાપૂર્ણ વ્યવહાર દાખવવો એ જ સાત્ત્વિક જીવન છે. અહીં મોહનદાસ કરમચંદ ગાંધીની માફક 'કોઈ એક ગાલ પર થપ્પડ્ મારે, તો બીજો ગાલ ધરી દેવો જોઈએ' જેવી સૂફિયાણી સલાહ આપવાનો કોઈ ઈરાદો નથી. આ સલાહ પ્રેક્ટિકલ પણ નથી! નમ્ર અથવા વિવેકી હોવાનો અર્થ 'પગલૂંછણિયું' બની જવું એ ન હોઈ શકે, એ અહીં યાદ રાખવું ખૂબ જરૂરી બની જાય છે.
આ પ્રકારે નિરંતર 'સ્વ'ની સાથોસાથ જેટલું બની શકે, એટલું 'સમાજ'નું ધ્યાન રાખવાથી મનુષ્યયજ્ઞા અવિરતપણે ચાલતો રહે છે. મનુષ્યયજ્ઞાને જીવનમાં ધારણ કરી ચૂકેલો માણસ આસપાસની પરિસ્થિતિ અથવા લોકોથી દુ:ખી થયા વિના સ્થિતપ્રજ્ઞા અવસ્થામાં નિર્લેપ રહીને જીવી શકે છે. તેને અપમાન અને સમ્માનથી પછી કંઈ લાગતું વળગતું નથી. ન ગમતાં માણસોથી દૂર થઈ જવાનો માર્ગ અપનાવીને તે સતત દયા અને કરૂણાભાવ સાથે જિંદગી જીવી જાણે છે.
શેષ ત્રણ યજ્ઞો - પિતૃયજ્ઞા, દેવયજ્ઞા અને બ્રહ્મયજ્ઞા વિશે આવનારા સપ્તાહોમાં જાણીશું.


