આજનું રાશી ભવિષ્ય .
- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ
- 'અંજુ, તને ખબર છે આજના મારા ભવિષ્યમાં પણ લખ્યું છે કે, ગમતી વ્યક્તિ સાથે મિલન મુલાકાત થાય.' - અચલે અંજલીનો હાથ પ્રેમથી પસવારતા કહ્યું...
'સ્ને હી-સ્વજન સાથે મુલાકાત ફળે, આકસ્મિક ખર્ચ આવી જાય, નોકરીયાત વર્ગને સારું, ઈચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થવાથી આનંદ રહે.'
અચલ તો છાપામાં તેનું આજનું રાશી ભવિષ્ય વાંચીને ઉછળી પડયો. અચલ તો મલકાતો મલકાતો ઘરની બહાર નીકળ્યો અને ખિસ્સામાંથી ફોન કાઢયો અને નંબર ડાયલ કર્યો.
'હેલ્લો... અંજુ આજ સાંજનું ફિક્સ છે ને... તું વિચારી લેજે... પછી તારા ઘરે લોચા ન પડે.' - અંજલીએ જેવો ફોન ઉપાડયો કે, અચલ બોલવા લાગ્યો.
'હા... બધું ફિક્સ છે. તું બસ ટાઈમસર આવી જજે નહીંતર ફિલ્મ ચાલુ થઈ જશે.' - અંજલીએ કહ્યું.
'હા.. ભાઈ હા... ટાઈમસર આવી જઈશ. તું રેડી રહેજે. હું તારી ઓફિસમાં અંદર નહીં આવું. મને થોડું ઓકવર્ડ ફીલ થાય છે.' - અચલે હસતા હસતા કહ્યું.
'સારું... હવે ઓફિસ જા તો વહેલા નીકળી શકાય.. ફોન મુક.. બાય... લવ યુ.' - અંજલીએ કહ્યું.
'બાય... લવ યુ અંજુ' - અજયે પણ કહ્યું અને તેના ચહેરા ઉપર ફુલગુલાબી સ્મિત દોડી આવ્યું. ફોન ખિસ્સામાં સેરવીને તે પગથિયા ઉતરતો હતો ત્યાં જ વિનુ સામે મળ્યો.
'વિનુ, બાજુમાં નંદાકાકીને ચાવી આપી છે. તારી ભાભી આવવાની છે. ઘર હવે એકદમ ચકાચક કરી રાખજે. કાલે થોડો વહેલો આવજે મારે થોડા વધારે કામ છે.' - અચલે બધી જ વાત કરી અને વિનુ તેની સામે જોતો રહ્યો.
'ભલે. તમને લાગે ઈ ઠીક.' - વિનુ આટલું બોલીને હસતા હસતા પગથિયા ચડી ગયો.
આખો દિવસ અચલે ઓફિસમાં કામ કર્યું પણ તેના ચહેરા ઉપર જાણે કે અનોખો આનંદ છવાયેલો હતો. સાંજે છ થયા અને અચલ ઊભો થયો, પોતાના મેનેજર પાસે ગયો અને વાત કરીને ઓફિસની બહાર નીકળી ગયો.
શાહપુર મેટ્રો સ્ટેશન પહોંચી, ત્યાંથી થલતેજની ટિકિટ લીધી અને થલતેજ પહોંચી ગયો. બહાર આવીને તેણે ખિસ્સામાંથી ફોન કાઢીને મેસેજ કર્યો અને તરત જ રિપ્લાય પણ આવ્યો એટલે અચલ પાછો મલકાઈ ગયો.
પાંચ-સાત મિનિટમાં તો અંજલી બહાર આવી ગઈ. સાંજે સાત વાગ્યાનો શો હતો. બંને સામે છેડે પીવીઆરમાં પહોંચી ગયા અને ફિલ્મ જોવા ગોઠવાઈ ગયા. રોમેન્ટિક ફિલ્મની સાથે સાથે તેમનો પણ રોમાન્સ ચાલતો હતો.
'અંજુ, તને ખબર છે આજના મારા ભવિષ્યમાં પણ લખ્યું છે કે, ગમતી વ્યક્તિ સાથે મિલન મુલાકાત થાય.' - અચલે અંજલીનો હાથ પ્રેમથી પસવારતા કહ્યું.
'મને પણ વિશ્વાસ નથી કે હું આવું પગલું ભરી રહી છું. જે હશે તે થઈ પડશે. મને એક જ ચિંતા છે.' - અંજલીએ કહ્યું.
'તને કઈ ચિંતા છે. કંઈ ગંભીર બાબત છે.' - અચલ થોડો બઘવાઈ ગયો.
'તું આ રાશી ભવિષ્ય જોવાનું ક્યારે બંધ કરીશ. તેમાં લખ્યું હોય એવું આપણા જીવનમાં થાય એવું નથી હોતું.' - અંજલીએ કહ્યું અને હસી પડી. અચલ પણ હસી પડયો.
ફિલ્મ જોઈને બંને બહાર આવ્યા ત્યારે વરસાદ શરૂ થઈ ગયો હતો. રાતના દસ વાગ્યા હતા. બંને તેમની ગમતી રેસ્ટોરાંમાં ગયા અને સરસ મજાનું ડિનર કરીને નીકળ્યા. અચલ કેબ કરીને અંજલીને ઘરે મુકી આવ્યો અને પછી પોતાના ઘરે આવીને ઉંઘી ગયો.
સવારે દસ વાગ્યે વિનુએ આવીને બેલ માર્યા ત્યારે તેની આંખ ખુલી. સોનેરી સપનાં જોઈને જાગ્યા બાદ આંખો ચોળતો ચોળતો અચલ દરવાજો ખોલવા આવ્યો.
'સાહેબ, તમ તો ઘરકોમ કરવાનું કેતોતો ને હજી હુઈ રહ્યા છો... તમેય તાણ ખરા છો.' - વિનુએ આવતાવેંત કહ્યું.
'એ વિનિયા... તારું કામ કર. જા ચા બનાય આપણા બંને માટે ત્યાં સુધી હું ફ્રેશ થઈ જાઉં.' - અચલ એટલું કહીને બાથરૂમમાં ગયો અને વિનુ રસોડામાં ગયો. થોડીવાર પછી અચલ તૈયાર થઈને બહાર આવ્યો અને બંનેએ ચા પીધી.
'સાંભળ, વિનુ સોમવારે મારા લગ્ન છે. બધી જ તૈયારીઓ કરવાની છે. બેડરૂમ પહેલાં સાફ કરી દે. પછી ડ્રોઈંગરૂમ કરી દે. આ જૂનું ટીવી તું લઈ જજે, મેં તારી ભાભી માટે નવું ટીવી મંગાવ્યું છે. અંદર પડયો તે પલંગ પણ તું લઈ જશે. આવતીકાલે નવો ડબલબેડ આવી જશે.' - અચલે કહ્યું અને વિનુ મલકાઈ ગયો.
વિનુએ તો આદેશ પ્રમાણે કામ કરવા માંડયું અને રાત સુધીમાં ઘર ચકાચક કરીને નીકળી ગયો. અચલ ફરી વિચારોએ ચડયો. રાત્રે ઘરમાં જે હતું તે ખાઈ લીધું અને આનંદથી ઉંઘી ગયો. બીજા દિવસે સવારે ફરી વિનુએ જગાડયો.
નિત્યક્રમ પ્રમાણે અચલ નહાવા ગયો અને વિનુએ ચા બનાવી. બંનેએ ચા પીધી અને અચલ છાપુ લઈને બેઠો. વિનુ ઘરના કામ કરવા લાગ્યો.
'આપનું સપ્તાહ સારું રહે. મિલન-મુલાકાતનો યોગ છે. ઘરમાં નવી વ્યક્તિનું આગમન થાય. કોર્ટ-કચેરીના કામમાં સંભાળવું. આકસ્મિક મોટો ખર્ચ આવી જવાની શક્યતાઓ છે, વાહન ચલાવવામાં સંભાળવું. અતિવિશ્વાસથી નુકસાની ન આવે તેનું ધ્યાન રાખવું. એકંદરે સપ્તાહના અંતે સારું રહે.'
આ વાંચીને અચલને થોડી રાહત થઈ. આવતું અઠવાડિયું પણ સરસ જવાનું છે. સોમવારથી તો તેણે ઓફિસમાં દસ દિવસની રજા રાખી લીધી હતી. તેથી સવારે માત્ર કોર્ટમાં જ જવાનું હતું.
વિનુ પરવાર્યો એટલે કરિયાણું મગાવી લીધું, જુનો સામાન જે આપવાનો હતો તે આપી દીધો. આ દરમિયાન તેણે વિનુને સોનાની ચેઈન અને વીંટી બતાવ્યા જે તેણે અંજલી માટે બનાવડાવ્યા હતા. આ દરમિયાન નવું ટીવી આવી ગયું અને નવો ડબલબેડ પણ આવી ગયો. વિનુએ તેને આવતીકાલે આ ટીવી લગાવવાનું અને ડબલબેડ શણગારી દેવાની સુચના આપી દીધી.
વિનુ જુનો સામાન લઈને જતો રહ્યો અને અચલ પોતાના પરચુરણ કામ પતાવવા બહાર ગયો અને રાત્રે આવીને ઉંઘી ગયો.
સવારે સરસ મજાનો નવો કુર્તો અને પાયજામો પહેરીને સજ્જ થઈને અચલ ફેમિલી કોર્ટ પહોંચી ગયો. વકીલે તેમને ૧૨ વાગ્યાનો સમય આપ્યો હતો.
સમય પસાર થતો હતો, બાર વાગ્યા, એક વાગ્યો, બે વાગ્યા, ત્રણ વાગવા આવ્યા પણ અંજલીના કોઈ સમાચાર નહોતા. અંજલીનો ફોન બંધ હતો. અચલે ફોન કરીને પ્રાચીને પૂછયું તો પ્રાચીને પણ કંઈ ખબર નહોતી. અચલ હવે ચિંતામાં આવી ગયો. વકીલ તેને બોલાવતા હતા પણ અંજલી આવી નહોતી. આખરે સાંજે છ વાગી ગયા પણ અંજલી આવી નહીં.
અચલ રીક્ષા કરીને પોતાના ઘર તરફ જવા નીકળ્યો ત્યાં જ તેના મોબાઈલમાં મેસેજ આવ્યો. તેણે જોયું તો અંજલીનો મેસેજ હતો.
'અચલ મને માફ કરજે. શનિવારે આપણે ડીનર કરતા હતા ત્યારે મમ્મીના મામાનો પરિવાર ત્યાં હતો. તેઓ આપણને જોઈ ગયા હતા. તેમણે મમ્મીને કહ્યું અને ભાંડો ફુટી ગયો. મમ્મીએ મને આત્મહત્યાની ધમકી આપી છે. હું તેને છોડીને નહીં આવી શકું. મને કાયમ માટે ભુલી જજે અને શક્ય બને તો મને માફ કરી દેજે. મારો ફોન કાયમ બંધ હશે તો ફરી વાત કરવાનો કે મળવાનો પ્રયાસ ન કરતો પ્લીઝ.'
અચલ ડઘાઈ ગયો. તેને કંઈ સમજાતું જ નહોતું. સાવ બેહાલ થયેલો અચલ ઘરે પહોંચ્યો ત્યાં પોલીસ આવેલી હતી, નંદાકાકી અને મનસુખ કાકા ઊભા હતા. ઘર ખુલ્લું હતું.
'બેટા, પેલો વિનિયો હાથફેરો કરી ગયો લાગે છે. તેનો ફોન બંધ આવે છે. અમે બહારથી આવ્યા તો સાંજે તારું ઘર ખુલ્લું હતું. અમે અંદર જોયું તો કોઈ નહોતું. તારી તિજોરી ખુલ્લી હતી, તે નવું ટીવી મંગાવ્યું તે પણ નહોતું, ઘરની કેટલીક વસ્તુઓ પણ ગાયબ હતી. અમે પોલીસને બોલાવી અને તને ફોન કર્યો પણ તે
ઉપાડયો નહોતો.' - મનસુખ કાકાએ કહ્યું.
'જે થયું તે, હવે સાચવજે. મેં તને વિનિયાને રાખવાની ના પાડી હતી. એક કામ કર, આવતીકાલથી અમારી રેખાને જ કામ ઉપર રાખી લેજે. ઘરની વિશ્વાસુ છોકરી તો ખરી. મારા ઘરે આવે પછી તારા ઘરે કામ કરી જશે. તું ચિંતા ના કરીશ.' - નંદાકાકી બોલ્યા.
અચલે ઘરમાં જઈને જોયું તો ખરેખર નવું ટીવી નહોતું, તિજોરીમાંથી સોનાની ચેઈન અને વિંટી ગાયબ હતા. રોકડ રકમ પણ વિનિયો લઈ ગયો હતો. અચલ રડવાની તૈયારીમાં હતો પણ તેણે હિંમત રાખી અને પોલીસ સાથે વાત કરી અને કેસ ન કરવાનું કહ્યું. બધા જતા રહ્યા અને અચલ નિસ્તેજ ચહેરે સોફા ઉપર આવીને ફસડાયો. પીડા, આઘાત અને વિશ્વાસઘાતના થાકમાં તે ક્યારે ઉંઘી ગયો તેને પોતાને જાણ ન રહી.
સવારે આંખ ખુલી ત્યારે ડોરબેલ વાગતો હતો. તેણે દરવાજો ખોલ્યો તો નંદાકાકી અને એક છોકરી ઊભા હતા.
'લે બેટા, તારી ચા. આ રેખા છે... આજથી તારા ઘરે કામ કરશે. તું જરાય ચિંતા ન કરીશ. ભગવાન બધું સરખું કરી દેશે. નસીબમાં લખ્યું હોય તો ભોગવવું જ પડે.' - નંદાકાકી આટલું બોલીને જતા રહ્યા. રેખા ઘરમાં આવીને ઘર અવેરવા લાગી અને અચલ નિસ્તેજ ચહેરે સોફા ઉપર ગોઠવાયો. સામે ટીપાઈ ઉપર જુનું છાપું ખુલ્લું પડયું હતું. તેમાં રાશી ભવિષ્યમાં લખ્યું હતું,
'નવી વ્યક્તિનું આગમન થાય, કોર્ટ-કચેરીમાં સાવધાન. અતિ આત્મવિશ્વાસથી નુકસાન ન થાય તે જોવું.'
અચલ રાશી ભવિષ્ય વાંચીને રડમસ ચહેરે હસી પડયો.