- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
- રાજસ્થાનના રાજવી પરિવારમાં જન્મેલા અનંતજીતે સ્કીટ તરીકે ઓળખાતી ઓછી જાણીતી શૂટિંગની ઈવેન્ટમાં વૈશ્વિક સ્તરે આગવી ઓળખ ઉભી કરી છે
ભા રતીય ખેલાડીઓ હવે પરંપરાગત રમતોમાં વૈશ્વિક સ્તરે આગવી પ્રતિભાનો ચમકારો દેખાડી રહ્યા છે. હોકીમાં એક સમયે અજેયકૂચ સાથે આખા વિશ્વ પર પ્રભુત્વ ધરાવતા ભારતે આશરે અડધી સદી સુધીના અંધારપટનો અંત આણવાની શરુઆત ઓલિમ્પિકમાં કાંસ્ય સફળતા મેળવવાની સાથે કરી દીધી છે. તેની સાથે સાથે ચેસ જેવી પ્રાચીન ભારતીય રમતમાં પણ હવે યુવા ખેલાડીઓ તેમની કુશળતા થકી આગવી કમાલ કરી રહ્યા છે. આ બંનેની સાથે સાથેે હવે નિશાનેબાજીની અત્યંત મુશ્કેલ સ્પર્ધામાં પણ ભારતીય પ્રતિભાના ચમકારાથી દુનિયાના ભલભલા નિશાનેબાજોની આંખો અંજાઈ જાય છે. ઓલિમ્પિક રમતોત્સવમાં નિશાનેબાજીની રમત જ એક એવી રમત છે કે, જેમાં ભારતના ચંદ્રકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.
નિશાનેબાજીમાં ભારતના પ્રભુત્વને વધુ સુદ્રઢ કરવામાં અનંતજીત સિંઘ નાકુરા પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. રાજસ્થાનના રાજવી પરિવારના વંશજ એવા ૨૭ વર્ષના અનંતજીત સિંઘે કઝાકિસ્તાન ખાતે યોજાયેલી એશિયા ખંડની નિશાનેબાજીની સ્પર્ધામાં ઓછી જાણીતી સ્કીટ ઈવેન્ટમાં સુવર્ણચંદ્રક હાંસલ કરવાની સાથે આગવો ઈતિહાસ આલેખી દીધો હતો. છેલ્લા કેટલાક વર્ષોથી વૈશ્વિક સ્પર્ધામાં શાનદાર દેખાવ છતાં થોડા માટે ચૂકી જનારા અનંતજીત સિંઘે આખરે એશિયન ચેમ્પિયનશિપમાં વ્યક્તિગત સુવર્ણચંદ્રક જીતનારા ભારતીય નિશાનેબાજ તરીકેની આગવી સિદ્ધિ મેળવી લીધી છે.
અનંતજીતની કારકિર્દીનો આ સિનિયર કે જુનિયર સ્તરનો સૌપ્રથમ વ્યક્તિગત સુવર્ણચંદ્રક છે, જે વરસોની મહેનત અને સંઘર્ષની ફલશ્રુતિ સમાન છે. ભારતને એશિયન ચેમ્પિયનશિપના ઈતિહાસમાં ૨૦૧૯ પછી પહેલીવાર સ્કીટની ઈવેન્ટમાં વ્યક્તિગત સુવર્ણચંદ્રક હાંસલ થયો હતો. અનંતજીત અગાઉ ૨૦૧૯માં અંગદ વીર સિંઘ બાજવાએ આવી સિદ્ધિ હાંસલ કરી હતી. અનંતજીતે કઝાકિસ્તાનમાં સ્વર્ણિમ સફળતા હાંસલ કરવાની સાથે સાથે ગોલ્ડન હેટ્રિક પણ પૂર્ણ કરવામાં સફળતા મેળવી છે. અગાઉ ૨૦૨૩માં યોજાયેલી નિશાનેબાજીની એશિયન ચેમ્પિયનશિપમાં અનંતજીત સિંઘ પુરુષોની ટીમ ઈવેન્ટમાં અને દર્શના રાઠૌર સાથે મિક્સ ટીમ ઈવેન્ટમાં સુવર્ણ સફળતા મેળવી ચૂક્યો હતો. હવે તેની સિધ્ધિઓના સરતાજમાં વધુ એક સોનેરી પિચ્છ ઉમેરાયું છે.
સ્કીટની ઈવેન્ટમાં ખરા અર્થમાં જેને નિશાનેબાજી કહેવાય તેની ઘણી નજીકની છે. જોકે આ ઈવેન્ટમાં નિશાનેબાજીની તીક્ષ્ણ દ્રષ્ટી, ધીરજની સાથે સાથે સમયસૂચકતાની આકરી કસોટી થતી હોય છે અને તેના જ કારણે સ્કીટની રમતમાં જૂજ પણ વિશિષ્ટ પ્રતિભા ધરાવતા ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા જોવા મળે છે અને અનંતજીત સિંઘ તેમાં માહેર છેે. ખુલ્લા મેદાનમાં યોજાતી સ્કીટની ઈવેન્ટમાં ખેલાડીથી લગભગ ૫૦ થી ૭૦ મીટર દુર વારાફરતી બંને તરફથી માટીના બનાવેલા ટાર્ગેટને હવામાં ઉછાળવામાં આવે છે. આશરે ૧૦૦ કિમી પ્રતિ કલાકથી હવામાં ઉછાળવામાં આવતા ટાર્ગેટને ખેલાડીએ વારાફરતી વિંધી નાંખવાના હોય છે અને તેના આધારે સ્કીટની ઈવેન્ટના વિજેતાનો નિર્ણય લેવામાં આવે છે. અત્યંત મુશ્કેલ લાગતી આ રમતમાં અનંતજીત આગવી સિદ્ધિઓ હાંસલ કરી ચૂક્યો છે.
એશિયન ચેમ્પિયનશિપમાં તેને ત્રણ જુદી-જુદી સ્પર્ધામાં સ્કીટની ઈવેન્ટનો સુવર્ણચંદ્રક મળ્યો છે. આ ઉપરાંત ગત વર્ષે કુવૈતમાં યોજાયેલી વર્લ્ડ શોટગન ચેમ્પિયનશિપમાં તેણે વ્યક્તિગત અને ટીમ - એમ બંને વિભાગની સ્પર્ધામાં રજત સફળતા હાંસલ કરી હતી. જે ભારતીય નિશાનેબાજીના ઈતિહાસ માટે અત્યંત મહત્વની છે. નિશાનેબાજીની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં આગવું મહત્વ ધરાવતી નિશાનેબાજીના વર્લ્ડ કપની ફાઈનલ સ્પર્ધામાં પણ અનંતજીતે કાંસ્ય સફળતા હાંસલ કરી છે. નિશાનેબાજીની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વર્ષ દરમિયાન જુદા-જુદા દેશોમાં યોજાતી વૈશ્વિક સ્પર્ધાઓને વર્લ્ડ કપ તરીકે ઓળખવામાં આવે છેે અને તેમાં સારો દેખાવ કરનારા એલિટ ખેલાડીઓની એક સ્પર્ધા વર્ષના અંતે યોજાય છે - જે વર્લ્ડ કપ ફાઈનલ્સ તરીકેની ઓળખ ધરાવે છે.
ભારતીય નિશાનેબાજીને નવી ઊંચાઈ પર પહોંચાડવા માટે સખત મહેનત કરી રહેલા અનંતજીતને આ શોખ તેના પરિવાર તરફથી વારસામાં મળ્યો છે. રાજસ્થાનના ઉદયપુરમાં જન્મેલો અનંતજીત સિંઘ ટોંક વિસ્તારમાં આવેલા રાજવી પરિવારનો વંશજ છે. તેને પરિવારમાં બધાને નિશાનેબાજીનો શોખ. પિતા દલપતસિંઘ નાકુરા પણ એક અચ્છા સ્કીટ ઈવેન્ટના નિશાનેબાજ હોવાથી નાનકડા પુત્રને લઈને શૂટિંગ રેન્જમાં જતા અને, ત્યાં પ્રેક્ટિસ કરતાં. આમ, પિતાના પગલે અનંતજીતે પણ હાથમાં બંદૂક પકડી. પિતા-પુત્ર નિશાનેબાજી કરવા માટે દરરોજ ૧૩૦ કિલોમીટરનો પ્રવાસ ખેડીને નિશાનેબાજીની પ્રેક્ટિસ માટે જતાં.
પિતાના માર્ગદર્શનમાં જ તૈૈયારી કરી રહેલા અનંતજીતને શ્રેષ્ઠતાના શિખર સુધી પહોંચવું હતુ અને આ માટે તે કલાકોના કલાકો સુુધી શૂટિંગ રેન્જમાં અભ્યાસ કરતો. ધન અને વૈભવની વચ્ચે ઉછરેલા અનંતજીતની સાથે જિંદગીની ઘણી આકર્ષક બાબતો હતી, જેમાં તે સમય આપી શકે તેમ હતો. આમ છતાં, તેણે શૂટિંગ પર પસંદગી ઉતારી. પિતાના સીધા જ માર્ગદર્શન હેઠળ તેણે માત્ર ૧૪ વર્ષની ઉંમરે સ્થાનિક સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરુ કર્યું.
સ્કીટ જેવી નિશાનેબાજીની અત્યંત મુશ્કેલ ઈવેન્ટમાં અનંતજીતની કુશળતા અત્યંત પ્રભાવશાળી હતી. યુવા વયે જ રાષ્ટ્રીય સ્તરની જુનિયર સ્પર્ધાઓમાં આગવો ચમકારો દેખાડી દેનારા અનંતજીતને ભારતની જુનિયર નિશાનેબાજીની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું. આગવો આત્મવિશ્વાસ અને પિતાની સખત તાલીમને સહારે તૈૈયાર થયેલા અનંતજીતે ૨૦૧૪માં સંયુક્ત આરબ અમીરાતના અલ-ઐનમાં યોજાયેલી જુનિયર એશિયન ચેમ્પિયનશિપમાં માત્ર ૧૬ વર્ષની ઉંમરે રજતચંદ્રક જીતી લીધો હતો. કારકિર્દીના પહેલા જ આંતરરાષ્ટ્રીય ચંદ્રકે તેના જુસ્સાને વધાર્યો અને તે પછીના વર્ષે તેણે વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં જર્મનીના સુહલ ખાતે કાંસ્ય સફળતા હાંસલ કરી હતી.
આખરે ૧૮ વર્ષની ઉંમરથી અનંતજીત સિંઘે સિનિયર શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાનું શરુ કરી દીધું અને ઘરઆંગણેે યોજાયેલી નેશનલ ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક જીતવાની સાથે ભારતીય ટીમમાં પણ સ્થાન મેળવી લીધું. ભારતીય નિશાનેબાજીની સાથે જોડાયેલા વિદેશી કોચિસના અદ્યતન અને વૈજ્ઞાનિક ઢબના માર્ગદર્શનની તેની રમતમાં ઔર નિખાર આવ્યો, આમ છતાં સુવર્ણચંદ્રક તેેનાથી થોડો દૂર જ રહેવા પામ્યો હતો.
છેલ્લે ૨૦૨૨માં યોજાયેલી એશિયન ગેમ્સમાં અનંતજીત સિંઘે સ્કીટની વ્યક્તિગત સ્પર્ધામાં રજત અને ટીમ ઈવેન્ટમાં કાંસ્ય ચંદ્રક હાંસલ કર્યો હતો. વર્ષ ૨૦૨૪ના પેરિસ ઓલિમ્પિકમાં અનંતજીત અને માહેશ્વરી ચૌહાનની જોડીએ સ્કીટની મિક્સ ટીમ ઈવેન્ટમાં છેક ચંદ્રકની નજીક પહોંચવા સુધીની સફર ખેડી હતી, અલબત્ત, તેઓ થોડા માટે ચૂકી ગયા અને ચોથા ક્રમે રહ્યા હતા. અલબત્ત, અન્ય સ્પર્ધાઓમાં રજત અને કાંસ્ય સફળતાના સિલસિલાને તેણે આખરે એશિયન ચેમ્પિયનશિપમાં વ્યક્તિગત સુવર્ણચંદ્રક જીતવાની સાથે તેણે તેની પ્રતિભાનું પ્રમાણ પણ રજુ કરી દીધું છે. હવે આગામી સમયમાં તે સ્કીટ ઈવેન્ટમાં ભારતને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ છે.


