શિક્ષણ કરે છે સમૂળી ક્રાંતિ .
- આજકાલ-પ્રીતિ શાહ
- એક સમયે ઉઘાડા પગે અને ફાટેલા કપડાંમાં સ્કૂલે જતી એંજેલિન મુરીમિરવા આજે અનેક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ઍવૉર્ડ ધરાવે છે
પ્ર તિ વર્ષ પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવાય છે. શિક્ષક અને શિક્ષણ પરિવારમાં અને સમાજમાં કેવું પરિવર્તન આવે છે, તેનું એક ઉત્તમ ઉદાહરણ એંજેલિન મુરીમિરવા છે. ૧૯૮૦માં આફ્રિકાના ઝીમ્બાબ્વેના દેન્હેરે ગામમાં ખેડૂત પિતાને ત્યાં એંજેલિનનો જન્મ થયો. ગામમાં મોટાભાગના પરિવારોને બે ટંક ભોજન મેળવવું મુશ્કેલ હતું. તેમાં શિક્ષણની પ્રાથમિકતાની તો વાત જ ક્યાંથી હોય? એમાંય વળી છોકરીઓ માટે શિક્ષણ મેળવવું મુશ્કેલ હતું, પરંતુ એની માતાની ઇચ્છા હતી કે એંજેલિન શિક્ષણ મેળવે. એંજેલિન મુરીમિરવા પ્રાથમિક સ્કૂલે જવા લાગી. બાળપણના મોજમસ્તીના દિવસોને બદલે ખુલ્લા પગે, ફાટેલા કપડે સ્કૂલે જવું પડતું તે તેને બિલકુલ ગમતું નહીં. ઘણીવાર તો એક પેન્સિલ મેળવવા માટે કોઈનું કામ પણ કરવું પડતું. એંજેલિન ભણવામાં હોશિયાર હતી અને દરેક પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થતી હતી. એંજેલિન પ્રાયમરી બોર્ડમાં પોતાના ગામમાં જ નહીં, પરંતુ જિલ્લામાં પ્રથમ આવી. તે સમયે આફ્રિકામાં કેંફેડ (કેમ્પેન ફોર ફિમેલ એજ્યુકેશન), ઝિમ્બાબ્વે નામના સંગઠને છોકરીઓના શિક્ષણ દ્વારા ગરીબી નિવારણનો કાર્યક્રમ શરૂ કર્યો હતો. આ સંગઠનના કાર્યકરે ઘરે આવીને એંજેલિન મુરીમિરવાને આગળ અભ્યાસ કરવા પ્રોત્સાહન આપ્યું અને કહ્યું કે એ જો આગળ અભ્યાસ કરવા ઇચ્છે તો હાઈસ્કૂલ સુધીની ફી, યુનિફોર્મ, પુસ્તકો, હોસ્ટેલમાં રહેવાની સગવડ - આ તમામ ખર્ચ આ સંગઠન કરશે. પરિવારમાં તો ચોતરફ આનંદ છવાઈ ગયો, પરંતુ કેટલાક લોકોએ એના માતા-પિતાને કહ્યું કે, 'આ ગોરા લોકો તમારી દીકરીને લઈ જશે અને તમારું સર્વસ્વ છીનવાઈ જશે.'
પરંતુ માતા એની પુત્રીને આગળ અભ્યાસ કરવા મક્કમ હતી. તેણે એંજેલિનને હોસ્ટેલમાં રહીને ભણવા માટે હિંમત અને પ્રોત્સાહન પૂરાં પાડયાં. એંજેલિન હોસ્ટેલમાં રહેવા લાગી, પરંતુ જ્યારે જ્યારે તે ભોજન કરવા બેસતી, ત્યારે ત્યારે તેના મનમાં સતત એક અપરાધભાવ રહેતો કે ઘરના લોકો પાસે ખાવાનું હશે કે નહીં? પરંતુ તેનું લક્ષ્ય આગળ વધવાનું હતું. ૧૯૯૮માં હાઈસ્કૂલનું શિક્ષણ પૂરું કર્યું, ત્યારે તે કેમ્ફેડની મદદથી ચારસો વિદ્યાર્થિનીઓએ અભ્યાસ પૂર્ણ કર્યો હતો, તેમાંની તે એક હતી. આટલો અભ્યાસ કરનારી પોતાના ગામની એ પ્રથમ છોકરી હતી. આ ચારસો છોકરીઓએ પોતપોતાના ગામમાં જઈને જોયું તો ત્યાં રહેતી છોકરીઓમાં કોઈ બદલાવ આવ્યો નહોતો. બાળવિવાહનો ભોગ બનેલી અને નાની ઉંમરમાં માતા બની ગયેલી તેમજ બેરોજગારી અને શોષણનો ભોગ બનેલી જોવા મળી.
આ પરિસ્થિતિ જોઈને એંજેલિન મુરીમિરવાએ એ ચારસો છોકરીઓ સાથે મળીને કેંફેડની સહાયથી કેંફેડ એસોસિયેશનની સ્થાપના કરી અને ઝીમ્બાબ્વેમાં એ એસોસિયેશનની ચરપર્સન બની. તેને લાગ્યું કે આ એસોસિયેશન દ્વારા તેને કેંફેડ સાથે પોતાના વિચારોના આદાનપ્રદાનની તક મળશે અને એ રીતે ગ્રામીણ ક્ષેત્રોમાં છોકરીઓના અભ્યાસમાં પરિવર્તન લાવી શકશે. ૨૦૧૮માં ઑક્સફર્ડમાં યોજાયેલા સ્કોલ વર્લ્ડ ફોરમમાં કેંફેડની સહાયથી ચારસો વિદ્યાર્થિનીઓએ કેવી રીતે અભ્યાસ કર્યો અને હવે કેંફેડ એસોસિયેશન દ્વારા તેઓ કેવી રીતે શિક્ષણનું કામ કરી રહ્યા છે, તેની વાત કરી. એંજેલિન કેંફેડમાં સ્વયંસેવક તરીકે જોડાઈ અને કેંફેડ ઝીમ્બાબ્વેની પ્રથમ નેશનલ એક્ઝીક્યુટીવ ડિરેક્ટર બની. ઉત્તર અમેરિકામાં વસતા કેંફેડના ઘણા સમર્થકોએ 'હાફ ધ સ્કાય' પુસ્તક દ્વારા એંજેલિન વિશે અને તેના કામ વિશે જાણ્યું.
કેંફેડે એંજેલિન સાથે રહીને તેનું કામ ઘાના, ઝામ્બિયા, ટાંઝાનિયા અને મલાવી સુધી વિસ્તાર્યું અને તે પશ્ચિમ આફ્રિકા રીજીયોનલ એક્ઝીક્યુટીવ ડિરેક્ટર બની. તેણે લર્નર ગાઈડ પ્રોગ્રામ, સોશિયલ ઈન્ટરેસ્ટ પ્રોગ્રામ જેવા પ્રોગ્રામ શરૂ કર્યા. કેંફેડ એસોસિયેશન દર વર્ષે હજારો બાળકોને પ્રાથમિક અને હાઈસ્કૂલમાં અભ્યાસ કરવા માટે સહાય કરે છે. તેઓ લૈંગિક સમાનતા, આર્થિક વિકાસ, ટકાઉ વિકાસ અને જલવાયુ પરિવર્તન ક્ષેત્રે સ્ત્રી કેળવણી દ્વારા પરિવર્તન લાવવાનો પ્રયાસ કરે છે. વિઝન-૨૦૩૦ અંતર્ગત તે આફ્રિકાના ગ્રામ્ય વિસ્તારની લાખો છોકરીઓને સ્કૂલે મોકલવા માગે છે. સ્નાતક બનેલાને રોજગારી અને નેતૃત્વ પૂરા પાડી પછીની પેઢી માટે મેન્ટોર બનાવવા માગે છે. આ સંસ્થા આફ્રિકાની દરેક છોકરીને દરેક પ્રકારની મદદ કરી રહી છે. મહિલા શિક્ષણ ક્ષેત્રે એવી ક્રાંતિ કરી છે કે આજે શિક્ષણ સાથે ત્રણ લાખથી વધુ મહિલા જોડાયેલી છે. નોબલ પારિતોષિક વિજેતા મલાલા યુસુફજાઈ કહે છે કે સ્વસ્થ સમાજ માટે છોકરીઓના શિક્ષણનું ઘણું મહત્ત્વ છે, પરંતુ તેમાં ઘણા અવરોધો આવે છે. એંજેલિને આવી વંચિત છોકરીઓને મક્કમતાથી અને અસરકારક રીતે શિક્ષણ આપીને બહુ મોટું કામ કર્યું છે.
એક સમયે ઉઘાડા પગે અને ફાટેલા કપડાંમાં સ્કૂલે જતી એંજેલિન મુરીમિરવા આજે અનેક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ઍવૉર્ડ ધરાવે છે અને કેંફેડના સી.ઈ.ઓ. તરીકે કાર્યરત છે. આ બધા માટે તે તેમની માતાનો હંમેશા આભાર માને છે.
પ્રતિભા ખીલવતી પહચાન
આકાશ ટંડન કહે છે કે ઊઠો અને આગળ વધતા રહો, કારણ કે નક્કી કરેલું લક્ષ કોઈ પણ અવરોધ કરતાં મોટું છે
ક્યા રેક મોટા પરિવર્તનનો પ્રારંભ નાના કામથી થાય છે અને તે પણ રાતોરાત બનતું નથી તેવો અનુભવ દિલ્હીના આકાશ ટંડનનો છે. દિલ્હીમાં ઈન્કમટેક્ષ અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ઑફિસ તેમજ લુટિયન્સની ભવ્યતાથી થોડે દૂર એક નાળું આવેલું છે અને તેની બીજી બાજુ દસ હજારથી વધુ લોકો ઝૂંપડપટ્ટીમાં રહે છે. જ્યાં બાળપણ મજૂરી કે બીમારીમાં પસાર થઈ જાય છે. આ જગ્યાએ આકાશ ટંડનની સ્ટ્રીટ સ્કૂલ પહચાન આવેલી છે. નોઈડાની કોન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ કર્યા પછી ગુરુનાનક ઇન્સ્ટિટયૂટ ઑફ ટૅક્નૉલૉજીમાંથી એન્જિનિયરીંગમાં ડિગ્રી હાંસલ કરી. કૉલેજકાળ દરમિયાન તેઓ સમાજમાં પરિવર્તન આવે તેવા કામોમાં સક્રિય રીતે ભાગ લેતા. અનેક સામાજિક કાર્યો કરતા હતા એ દરમિયાન તેમને એવું લાગ્યું કે જે કંઈ કામ કર્યું, તે અલ્પકાલીન નીવડયું. પોતાના સીમિત સમય અને સંસાધનો સાથે એવું કંઈક કરવું કે જેનો સ્થાયી પ્રભાવ હોય. શિક્ષણ એક એવું ક્ષેત્ર છે કે તે જીવનને સ્થાયી રૂપે બદલી શકે છે. માર્કેટિંગ અને કોર્પોરેટ ક્ષેત્રે કામ કરતાં આકાશ ટંડને એક દિવસ આ ગંદા નાળામાં ઝૂંપડપટ્ટીનાં બાળકોને રમતા જોયા. તેઓ તેને સ્વિમિંગ પુલ માનીને નહાતા હતા. તેના જોખમથી અજાણ બાળકો મસ્તી કરીને આનંદ માણતા હતા. આકાશે બાળકોને કહ્યું કે આ પાણી નથી, ઝેર છે, ત્યારે બાળકો હસી પડયા અને અહીં જ તેમણે તેમની સ્ટ્રીટ સ્કૂલ 'પહચાન' શરૂ કરી. તેમણે નજીકમાં આવેલા વાલ્મીકિ મંદિરના ઓટલા પર નોટબુક અને શેતરંજી સાથે ચાર દીવાલ વિનાની સ્કૂલ 'પહચાન' ૨૦૧૫માં શરૂ કરી. આકાશે મૂક દર્શક બની રહેવાને બદલે પોતાના જેવી જ વિચારસરણી ધરાવતા તેના ચાર મિત્રોને સાથે લીધા. આમ પાંચ સ્વયંસેવકો અને દસ બાળકો સાથે આ સ્કૂલ શરૂ થઈ. શનિ-રવિમાં ચાલતી આ સ્કૂલમાં એક મહિનામાં વીસ બાળકો જોડાયા. અહીં બાળકોને માત્ર અભ્યાસ જ કરાવવામાં નથી આવતો, પરંતુ નિયમિત રીતે સ્વાસ્થ્ય અને આંખોની તપાસ કરવામાં પણ આવે છે. માનસિક સ્વાસ્થ્ય પર વિશેષ ભાર મૂકીને મનોવૈજ્ઞાનિક પરામર્શન કરવામાં આવે છે.
પાંચ દિવસ પોતાનું કામ કરે છે અને બે દિવસ તેઓ પહચાનને ફાળવે છે. આજે પહચાન નોઈડામાં ઘણા વ્યવસાયિક કેન્દ્રો ચલાવે છે અને સોળસોથી વધારે વિદ્યાર્થીઓને કમ્પ્યૂટરનું નિ:શુલ્ક શિક્ષણ આપે છે. તેના માટે છસો સ્વયંસેવકો કામ કરે છે. તેઓ દર અઠવાડિયે અઢીસો-ત્રણસો જેટલા નવા લોકોને મળે છે અને તેમની સાથે ચર્ચાઓ કરીને આયોજન કરે છે. આ સ્કૂલ વ્યક્તિગત દાન, ક્રાઉડફંડિંગ અભિયાન તથા સી.એસ.આર.થી ચાલે છે. તેમાં કોઈને ન વેતન આપવાનું છે કે નથી તેની કોઈ ઑફિસ! તે કહે છે કે આ કોઈ બ્રાંડ નથી, પણ મૉડેલ છે. દસ વર્ષમાં દિલ્હીની ઝૂંપડપટ્ટીના પાંચ હજાર બાળકોએ શિક્ષણ મેળવ્યું છે. નિ:શુલ્ક શિક્ષણને પ્રોત્સાહન આપવા અને પ્રદાન કરનારા સમર્પિત લોકોના સમૂહની આ પહેલ છે. જોકે કોઈ પણ એન.જી.ઓ. ચલાવવાનું કામ સહેલું નથી. બધા લોકોને ખુશ રાખવાનું અસંભવ છે, પરંતુ તમારું કામ બોલે છે, ત્યારે આનંદ થાય છે.
શરૂઆતમાં તેમની સાથે જોડાયેલો દીપક નામનો વિદ્યાર્થી ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતો હતો. બારમા ધોરણમાં ૮૬ ટકા અને અર્થશાસ્ત્રમાં ૯૩ ટકા માર્ક મેળવીને આજે તે દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. અહીં ત્રણ વિભાગ પાડીને શિક્ષણ આપવામાં આવે છે. જે બાળકો સ્કૂલમાં છે અને મદદની જરૂર છે. જે બાળકોએ સ્કૂલ છોડી દીધી છે, પરંતુ ફરી અભ્યાસ કરવા માગે છે અને ત્રીજો વર્ગ જેઓ સ્કૂલમાં ગયા જ નથી તેનો છે. અહીં અભ્યાસની સાથે નૃત્ય, ચિત્ર, ચર્ચા, વાર્તા સંભળાવવી ઉપરાંત ડિજિટલ સાક્ષરતા અને કોડિંગ શીખવવામાં આવે છે. સ્વયંસેવકો દ્વારા સંચાલિત સ્કૂલ કોર્પોરેટ ટીમની શિસ્તથી કામ કરે છે. દસ શિક્ષણ સહાયક એક કેન્દ્રપ્રમુખને પોતાનો સાપ્તાહિક અહેવાલ આપે છે. અહીં ઈન્ટર્ન તરીકે જોડાયેલા સેવકો માનવસંસાધન, ડિઝાઈન, ડિજિટલ મીડિયા અને પાઠયપુસ્તકો સંભાળે છે અને તે પણ કોઈ પણ પ્રકારના વેતન વિના! સ્વયંસેવકો પાંચ પાંચ બાળકોને અભ્યાસ કરાવે છે. આજે પંચોતેર કૉલેજોના આઠ હજાર ઈન્ટર્ન પહચાન સાથે કામ કરે છે. આ બધા પછી પણ સૌથી મોટો અવરોધ માતા-પિતાનો છે. ખાસ કરીને છોકરીઓને સ્કૂલે મોકલવા માટે સમજાવવા સંઘર્ષ કરવો પડે છે. અમે દુનિયા નહીં બદલી શકીએ, પરંતુ કોઈકની દુનિયા બદલી શકીશું એવા હેતુથી શરૂ થયેલ પહચાન શિક્ષણના મૌલિક અધિકાર પર ભાર મૂકે છે અને શીખવાની ઇચ્છા રાખનાર દરેક બાળકને શિક્ષણ સુલભ બનવું જોઈએ તેમ માને છે. આપણને વિશેષાધિકાર મળ્યો છે, તો આપણા સંસાધનો જે વંચિત છે તેમાં વહેંચવા જોઈએ એમ માનનાર આકાશ ટંડન કહે છે કે ઊઠો અને આગળ વધતા રહો, કારણ કે નક્કી કરેલું લક્ષ કોઈ પણ અવરોધ કરતાં મોટું છે.