- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર
- મૌન એટલે માત્ર વાચિક મૌન નહીં, સાચું મૌન તો વાચિક મૌન, વૃત્તિઓનું મૌન અને મનનું મૌન સધાતાં થાય છે. મૌન એટલે શબ્દનો અભાવ નહીં, પણ વિચારનો અભાવ છે
માણસ સતત એના જીવનમાં રચ્યોપચ્યો રહે છે, ભૌતિકતામાં ડુબેલો રહે છે, શબ્દોનાં વ્યવહારોથી વીંટળાયેલો રહે છે - આ બધામાંથી બહાર આવીને એ સહેજ ઊંચું જુએ તો એને મૌનનો અહેસાસ થાય
ક લ્પના કરો કે કોઈ ધર્મ ઇશ્વરનું નામ વારંવાર લેવાની મનાઇ ફરમાવે ખરો ? આ જગતનાં ધર્મોમાં યહૂદી ધર્મોમાં એક એવો નિયમ છે કે કોઈએ ઇશ્વરનું નામ વૃથા લેવું નહીં. એનો અર્થ એ કે ઇશ્વરને સંબંધી ન હોય એવી કેટલીય બાબતોમાં વ્યક્તિ ઇશ્વરને આડે લાવતો હોય છે. ક્યારેક તો સવાલ જાગે કે ઇશ્વરે માણસને બનાવ્યો છે કે માણસે ઇશ્વરને બનાવ્યો છે ? એનું કારણ એ કે માણસ ઇશ્વરનું નામ લઇને ઘણી બનાવટ કરતો હોય છે. પરિણામ શું આવ્યું ? પરિણામ એ આવ્યું કે ઇશ્વરના નામમાં જે દિવ્યતા અને ભવ્યતા હતી એ ખોવાઈ ગઈ.
એક બાળકને પ્રશ્ન કરવામાં આવ્યો કે ઇશ્વર ક્યાં વસે છે ? ત્યારે બાળકે જવાબ આપ્યો કે ઇશ્વર થાકેલા માનવીમાં વસે છે.
નિશાળના શિક્ષકને આશ્ચર્ય થયું. એણે પૂછ્યું કે કઇ રીતે ? તો બાળકે જવાબ વાળ્યો કે જ્યારે મારા પપ્પા કે મમ્મી થાકી જાય છે, ત્યારે એમને કંઇ કામ માટે ઊઠવું પડે છે, ત્યારે દરેક વખતે 'હે ઇશ્વર !' એમ બોલે છે.
આમ શબ્દોના પુનરાવર્તનથી માનવી બીજાને જ નહીં, પરંતુ પોતાની જાતનેય દગો દેતો હોય છે.
રામકૃષ્ણ ઉપનિષદમાં આને વિશે ઘડાનો દાખલો આપવામાં આવ્યો છે. ઘડામાં પાણી ભરતી વખતે, ઘડો ભરાઈ જાય નહીં ત્યાં સુધી અવાજ થાય છે. ભરાઈ ગયા પછી કશો અવાજ થતો નથી. શાસ્ત્રોનું બાહ્ય દ્રષ્ટિથી અધ્યયન કરનારાઓ બહુ બોલ્યા કરે છે. જ્ઞાની લોકો મૌન ધારણ કરીને ઇશ્વરમાં ચિત્ત પરોવી રાખે છે.
એક વાર શ્રી સહજાનંદ સ્વામીને મળવા માટે દિનાનાથ ભટ્ટ નામના સંસ્કૃતના પ્રકાંડ પંડિત આવ્યા. એમની પંડિતાઈ આગળ ભલભલા પાણી ભરે. શ્લોકો તો એટલા બધા મોઢે કે ગણ્યા ગણાય નહીં. એમની સાથે વાદવિવાદમાં ઊતરવાનું કોઈનું ગજું નહીં.
આવા પંડિતનો શ્રી સહજાનંદ સ્વામીએ આદર કર્યો અને એમને પૂછ્યું,
'આપ તો સંસ્કૃતના પ્રકાંડ શાસ્ત્રી છો. આપની વિદ્વત્તાનાં સઘળે વખાણ થાય છે. આપની યાદશક્તિ પણ અજોડ છે એક પ્રશ્ન પૂછું ?'
'પૂછો, જરૂર પુછો.' શાસ્ત્રી દીનાનાથ ભટ્ટને થયું કે સ્વામીજી એમની પરીક્ષા કરવા માગે છે.
શ્રી સહજાનંદ સ્વામીએ પૂછ્યું.
'આપને કેટલા શ્લોકો મોઢે છે?'
પંડિત દીનાનાથ ભટ્ટે જવાબ વાળ્યો,
'પૂરા અઢાર હજાર ! કહો તો અત્યારે જ ગાઈ સંભળાવું.'
શ્રી સહજાનંદ સ્વામી કહે,
'મારે એ શ્લોકો સાંભળવા નથી, પરંતુ તમારી પાસેથી એ જાણવું છે કે આ અઢારે હજાર શ્લોકોમાંથી કેટલા શ્લોકો તમને મોક્ષ આપવામાં સહાયરૂપ બનશે ?'
પંડિત તો ઊંડા વિચારમાં પડી ગયા. એમણે આજ સુધી શ્લોકનો વિચાર કર્યો હતો, મોક્ષનો નહીં. આથી એમણે કહ્યું,
'ઓહ ! સ્વામીજી, એની તો મેં ક્યારેય ગણતરી કરી જ નથી. એવો હિસાબ તો કદી મેં માંડયો જ નથી.'
'તો પછી આટલા બધા શ્લોકો યાદ રાખવાનો અર્થ શો ? એમ તો પોપટ પણ ક્યાં શ્લોક નથી બોલતા ? જે શાસ્ત્ર મુક્તિ ન અપાવે તેનો અભ્યાસ કરવાથી શો લાભ ? એનાથી કંઇ આત્માનું કલ્યાણ ઓછું થાય ?'
વિદ્વત્તાના સાગરસમા પંડિત દીનાનાથ સ્વામીને નમી પડયા. એમણે વિદ્વત્તાપૂરી કરી તી, પણ તેનો મર્મ સ્વામીજી પાસેથી મળ્યો. શ્લોકનો વિચાર કરનાર શબ્દની ઉપાસના કરે છે. મોક્ષનો વિચાર કરનાર મૌનનની ઉપાસના કરે છે. શબ્દને સમજવા માટે એટલી તૈયારીની જરૂર નથી, જેટલી તૈયારીની જરૂર મૌનને સમજવા માટે જરૂરી હોય છે. શબ્દને એક સીમા છે. શબ્દ તોડે છે, મૌન જોડે છે. જે વાત શબ્દથી બોલાતી નથી, તે મૌનથી કહેવાય છે. મૌનની વાણી - સાયલન્ટ કૉમ્યુનિકેશન એક જુદી જ બાબત છે. જીવનનું સઘળું અનુસંધાન મૌનમાં છે.
શબ્દથી ઘણું ઘણું કહીએ છીએ. છતાં અવ્યક્ત રહી જાય છે. જ્યારે મૌનમાં બધું જ વ્યક્ત થાય છે, કશુંક અવ્યક્ત - શેષ રહેતું નથી, શબ્દ જ્યાં વ્યર્થ જાય છે ત્યાં મૌન સાકાર બને છે. આકારની જ્યાં સીમા હોય છે, ત્યાંથી જ નિરાકારનો પ્રારંભ થાય છે.
આ મૌન એટલે માત્ર વાચિક મૌન નહીં, સાચું મૌન તો વાચિક મૌન, વૃત્તિઓનું મૌન અને મનનું મૌન સધાતાં થાય છે. મૌન એટલે શબ્દનો અભાવ નહીં, પણ વિચારનો અભાવ છે. માનવીનું મન જ્યારે તરંગહીન બને છે, ત્યારે એનું અનંત સાથેનું સંધાન થાય છે.
મનને અને મૌનને વિલક્ષણ સંબંધ છે. ભગવદગીતામાં શ્રીકૃષ્ણ કહે છે કે આત્મામાં મન પરોવી न किंचिस्त्रपि किंचयेत् -
બીજા કશાનું ચિંતન કરવું નહીં.
આજે માનવીના જીવનમાં જુદા જુદા સૂરની ભીડ જામી છે. ચિત્ર વિચિત્ર વાજિંત્રમાંથી નીકળતા વિવિધ સૂરોએ કોઈ મધુર સંગીત પેદા કરવાને બદલે કોલાહલ ઊભો કર્યો છે, ત્યારે સૂર વિનાના સંગીતની જરૂર છે, શબ્દ વિનાની વાણીની જરૂર છે. વિચાર વિનાના મનની જરૂર છે.
આજે બહારનો અપરંપરા સંસાર મનમાં ઊભરાયા કરે છે. નાની નાની બાબતમાં માનવીને ઝીણું કાંતવાની ટેવ પડી ગઈ છે. તુચ્છ વિષયોમાં એનું મન કરોળિયાની માફક જાળું રચીને ગૂંથાઈ જાય છે. એ કથા સાંભળવા જાય છે, ત્યારે એને ઊંઘ આવે છે, પરંતુ પલંગ ઉપર સુવા જાય છે ત્યારે ફિકર અને ચિંતાથી અનિદ્રાના રોગથી પીડાય છે. મન અનેક દિશામાં દોડે છે.
એને દિશાહીન કરવાની જરૂર છે. મન વિચારશૂન્ય બને ત્યારે જ મૌન જાગે છે. અત્યારનો સમાજ કે વિજ્ઞાન એ માનવા માટે તૈયાર નથી કે માનવી વિચાર વગર જીવી શકે, પરંતુ જીવનની પરાકાષ્ઠા તો આ જ છે. વિચારશૂન્ય જીવન એટલે પરમ ત્યાગની ભૂમિકા. ઇચ્છા માત્રનું વિલીનીકરણ. આ સાધના કઠિન છે, પણ આ જ મૌન કહો તો મૌન અને સમાધિ કહો તો સમાધિ.
મનને બધી બાબતમાં માપસર બનાવવાની જરૂર છે. મૌનમાં સૌથી મોટો અવરોધ મન નાખે છે. આથી જ મૌન એટલે અમન (no mind) ની અવસ્થા, આવા આંતરિક મન માટે અંદરના અને બહારના જીવન વચ્ચે સમીકરણ રચાવું જોઇએ.
માનવી આજે આસપાસ જુએ છે, પરંતુ ઊંચે જોતો નથી. મહાન સંત મન્સૂરને ફાંસી મળતી હતી. જગત અને ભગતને બન્યું છે જ ક્યાં ? સત્યના આશકને સદાય શૂળીએ ચઢવું પડયું છે.
મન્સૂર ફાંસી પર ચઢતો હતો, પણ સાથોસાથ ખડખડાટ હસતો હતો.
મન્સૂરના વિરોધીઓ અપશબ્દો બોલ્યા, પથ્થરો વીંઝ્યા પણ મન્સૂરનો તો એક જ જવાબ - ખડખડાટ હાસ્ય !
ફાંસી આપનારો જલ્લાદ પણ વિચારમાં પડયો, આ તે કેવો આદમી ! એણે કેટલાયને ફાંસીએ ચડાવ્યા હતા, કોઇને ધૂ્રજતા જોયા હતા, કોઇને કરગરતા જોયા હતા, કોઈ મોતના ભયથી બેબાકળા, તો કોઈ સૂનમૂન જોયા હતા.
એણે મન્સૂરને પૂછ્યું, 'મેં ઘણાને ફાંસીને માંચડે ચડાવ્યા, પરંતુ તારા જેવો કોઈ દીઠો નથી. અલ્યા, આટલું ખડખડાટ હસે છે શા માટે ?'
મન્સૂરે કહ્યું, 'પ્યારા જલ્લાદ, તને ખબર નથી ? મારો વિજય થયો છે.'
જલ્લાદ કહે, 'તારો વિજય? વિજય શાનો ? તને તો મોત થયું છે.'
મન્સૂરે કહ્યું, 'જોને, આખી જિંદગી મેં લોકોને ઊંચે જોવાનું કહ્યું. આજ ફાંસીના ફંદે લટકતા મન્સૂરને જોવા માટે એમને કેટલું ઊંચે જોવું પડે છે.'
માણસ સતત એના જીવનમાં રચ્યોપચ્યો રહે છે, ભૌતિકતામાં ડુબેલો રહે છે, શબ્દોનાં વ્યવહારોથી વીંટળાયેલો રહે છે - આ બધામાંથી બહાર આવીને એ સહેજ ઊંચું જુએ તો એને મૌનનો અહેસાસ થાય. (ક્રમશ:)


