- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ
સમકાલિન જીવનનું સૌથી વધુ દુ:ખદ પાસુ એ તો છે; સમાજની ડહાપણ જીવવાની જે ગતિ છે તેનાથી અનંત ગણી ઉતાવળે વિજ્ઞાન જ્ઞાન એકઠું કરી લે છે. - ઇઝાક અસીમોવ
આપણે ઓન-લાઈન અવતરણો-કાવ્યો-કથનો જોઈને રાજી થઈ જઈએ છીએ. જગત સુંદર બની ગયું છે તેમ લાગે પણ રૂબરૂ સૌને મળીએ ત્યારે ભ્રમ દૂર થઈ જાય છે. કદાચ આપણા યુગનું ચાલક બળ સત્ય, સૌન્દર્ય, શુભ નથી પણ ઓળખ, સતા અને અહંકાર છે. આજે શબ્દોનું બળ તેને જીવવા માંથી નહીં પણ તેને સાંભળનારાની સંખ્યાઓમાંથી આવે છે. સર્જનની શ્રેષ્ઠતાનો આધાર તેની સત્વશીલતા નથી પણ બ્લુ ટીક્સ છે. સૌને શિખર પર- ઊંચાઈ પર એટલે નથી ચડવું કે તે દૂર સુધી જોઈ શકે પણ તેને બધા જોઈ શકે તે માટે ચડવું છે, સૌ તેને નોંધી લે કે જોઈ લે તે માટે ચડવું છે. શિખરની બે સમસ્યાઓ છે; ત્યાંથી અન્ય શિખરો નજરે ચડે છે અને ખીણ નથી દેખાતી. શિખર પરથી અન્ય સાથેના સંવાદ અને સમભાવની સંભાવના પણ ઘટી જાય છે. ખરો આનંદ ત્યારે પ્રગટે છે જ્યારે શિખરનો અનુભવ હોય તે વ્યક્તિ સૌ સાથે ખીણ વચ્ચે આવી રહે છે.
કદાચ, આપણે સૌ 'ઇન્ફો-સ્ફીયર'માં ડૂબી રહ્યા છીએ. આપણે જીવનને નિરંતર મન-બુધ્ધિ-તર્ક-વિચાર અને શબ્દોથી જ જોયા અને સમજ્યા કરીએ છીએ. આપણે શબ્દાળુ બની ગયા છીએ. આપણે ટેકનોલોજીને સાંભળીએ છીએ તેટલું જીવનને નથી સાંભળતા. નિરંતર પરફોર્મર મોડમાં જીવીએ છીએ તેથી થાકીએ છીએ. અને હા જીવનથી અને જીવંતથી વેગળા રહીએ છીએ. સુક્ષ્મ અર્થોમાં સર્ફીંગ વેબ પણ દિવા-સ્વપ્નો જ છે. આપણે ટેક્સ્ટ લખવા-વાંચવામાં વ્યસ્ત છીએ. મોટા ભાગે ઉધાર વિચારો અને ઉછીના શબ્દોમાં સાંજ પાડીએ છીએ. આપણું મલ્ટી-ટાસ્કીંગ આપણી એક વિચાર, એક કામ પ્રત્યેની એકાગ્રતા અને નિષ્ઠા પણ ઝૂંટવી લે છે. અલગોરિધમનું સાનિધ્ય કે સામીપ્ય પ્રેમ-પ્રેમી-પ્રેમિકાથી પણ વધારે મૂલ્યવાન બની ગયું છે.
સ્ટીવ જોબ્સનો આઈ-ફોન, આઈ-પોડ, અને આઈ-મેકનો 'આઈ'(હું) ખુબ વિસ્તરી ગયો છે હવે તેને પૃથ્વી નાની પડે છે. તેમની માટે 'આઈ' એટલે ઇન્ટરનેટ, ઈન્ડીવિડયુઅલ, ઇન્સ્ટ્રક્ટ, ઈન્ફોર્મ અને ઈન્સ્પાયરનો આઈ. તેમના જીવનની એક વિસ્મયકારક વાત તેમનો જીવન કથાકાર નોંધે છે. 'તેઓ દરરોજ સાંજે પરિવારના સભ્યો સાથે ડીનર માટે બેસતા. ત્યારે તેઓ સૌ ઇતિહાસ, પુસ્તકો અને અલકમલકની વાતો કરતા પણ કોઈ આઈપેડ-આઈફોન હાથમાં ન લેતું.' વિશ્વભરના વિચારકો અને બૌદ્ધિકોને તેમનો આ એક અદ્દભુત સંદેશો છે. તેઓ કહેતા કે 'કેળવણીમાં જે અયોગ્ય છે તેનો ઉકેલ કે સમાધાન ટેકનોલોજીથી નહીં લાવી શકાય.'


