Get The App

મડદાં બેઠાં કરવાનો ધંધો .

Updated: Aug 30th, 2025

GS TEAM

Google News
Google News
મડદાં બેઠાં કરવાનો ધંધો                              . 1 - image

- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

- આ સંતોની વાણી આજના આપણા જીવનને સ્પર્શે છે અને એ અર્થમાં આ કવિઓની વાણી એ અમુક સમયનું સત્ય નથી, પરંતુ સર્વ-સમયનું સત્ય છે 

યૂ રોપ, આફ્રિકા કે અમેરિકામાં ક્યાંય પણ ઘૂમી વળો, કિંતુ ક્યાંય તમને ભારત જેવી સંતપરંપરા નજરે પડશે નહીં. વિદેશોમાં સમાજસેવકો મળશે. ધર્મગુરુઓ મળશે, પરંતુ સંતો નહીં મળે !

મજાની વાત એ છે કે આપણી કોંકણી ભાષામાં ખ્રિસ્તી સંતકવિઓ મળે છે અને સિંધી ભાષામાં મુસ્લિમ સંતકવિઓ છે ! ગુજરાતી ભાષામાં ઘણા મુસ્લિમ ભક્તકવિઓ છે, તો મરાઠી ભાષામાં આખુંય વારકરી આંદોલન આ પ્રકારનું છે.

ભારતીય સંતકવિતા એ ધરતી પરની સૌથી વધુ ધર્મસહિષ્ણુ કવિતા કહેવાય. બીજું બધું છોડીને કરવામાં આવતી માનવતાની વાત અને અન્ય ધર્મ પ્રતિનો આદર દુનિયાભરના સાહિત્યની કોઈ કવિતામાં દીઠો નહીં જડે !

આ સંતોની પરંપરાનો વિચાર કરીએ તો એમાં અખો સોની હતો, નામદેવ દરજી હતા, ચોખમેલા મહાર હતા, કબીર વણકર હતા અને ગોરો કુંભાર હતો. આવી સર્વજાતિ સમાનતા એ આ સંતપરંપરામાં જોવા મળે છે. ક્યાંક કોઈ સંત ધર્મક્ષેત્રે જોવા મળતા સ્થાપિતોના વર્ચસ્વ પર પ્રહાર કરે છે, તો કોઈ વળી જાતિ અને વર્ણની સમાનતા પર આધારિત પરંપરાનું નિર્માણ કરે છે. મહારાષ્ટ્રના એકનાથ અને જ્ઞાનદેવ જેવા બ્રાહ્મણ કુળમાં જન્મેલા સંતો કે પછી બંગાળના ચૈતન્ય મહાપ્રભુ અને આસામના શંકરદેવ એ બધા ધર્મક્ષેત્રે પરિવર્તનનો શંખનાદ ફૂંકે છે, તો બીજી બાજુ મહારાષ્ટ્રમાં થયેલા નામદેવ, તુકારામ કે ચોખમેલા અથવા તો કર્ણાટકના લિંગાયત એવા બાસવા, અક્કા મહાદેવી અને અલ્લમ્મા પ્રભુ કે પછી રાધાસ્વામી આંદોલન સર્જતા સ્વામી દયાલસિંહ અને આનંદસ્વરૂપ એ માનવમાત્રની સમાનતા દર્શાવતી નવી પરંપરાની વાત કરે છે.

આ સંત પરંપરાએ ભારતીય ધર્મશાસ્ત્રોમાં રહેલા ગહન તત્ત્વજ્ઞાનને પોતાના અનુભવના પાત્રમાં કસીને જનભાષામાં જનસામાન્ય સુધી વહેવડાવ્યું. ભક્તિ આંદોલને મૃતપાય બનેલા ભારતીય જીવનનું ધર્મની નાડીમાં ચેતન ધબકતું રાખ્યું અને એને સમગ્ર દેશને આપ્લાવિત કર્યું. આ ભક્તિ કવિતા એ માત્ર શ્રુત પરંપરા નથી, એ કોઈ આર્કાઇવ્ઝ નથી, ભૂતકાલીન દસ્તાવેજ નથી, પરંતુ આજના કવિઓ, અનુભવીઓ અને અધ્યાત્મરસિકો પણ એમાંથી ખોબે ખોબે આચમન કરતા હોય તેવી એ કવિતા છે. ભારત પર વિદેશીઓનાં આક્રમણો થયાં. વિધર્મીઓએ પોતાના ધર્મને બળથી અને કળથી લાદવાની કોશિશ કરી. આ સમયે હિંદુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિના રક્ષણનું કાર્ય સંતોએ કહ્યું, એમ મનાય છે. આ અતિ જાણીતી વાત હકીકતમાં સાવ નિરાધાર છે. પરધર્મી સંસ્કૃતિ સામે સ્વધર્મ અને સંસ્કૃતિને બચાવવાના ભગીરથ પ્રયાસ રૂપે આજ સુધી આ ભક્તિ આંદોલનને જોવામાં આવ્યું છે, પરંતુ સમગ્ર દેશમાં વ્યાપેલા ભક્તિ આંદોલનના હાર્દને તપાસીએ તો એમ લાગે છે કે આ ભક્તિ આંદોલનમાં મુસ્લિમ ધર્મ પર, મુસ્લિમ સંસ્કૃતિ પર, ઇસ્લામ પર કે મુસલમાનો પર સીધો પ્રહાર કરતાં કાવ્યો મળતા નથી. આથી એમ લાગે છે કે હકીકતમાં તો હિંદુ ધર્મમાં વ્યાપેલી રૂઢિચુસ્તતા, જડ બની ગયેલા ક્રિયાકાંડો, વર્ણ, જ્ઞાતિ અને જાતિના ભેદની સામેનો આ જનસામાન્યનો સાહજિક અવાજ હતો. અધ્યાત્મના આકાશમાં સંપ્રદાય અને મતમતાંતરો ઓગળી જાય છે. જાતિ અને વર્ણના ભેદો પીગળી જાય છે. નરસિંહ હોય કે નાનક હોય એ બધા એક જ વાત કરે છે 'હરિ કો ભજે, સો હરિ કા હોઈ.' આમ સંતકવિતા એ કોઈ એક પરંપરા કે સંપ્રદાયવિશેષની કવિતા બનવાને બદલે સર્વધર્મની કવિતા બની રહી છે. ક્યાંક તો બે ધર્મોનો સમન્વય સાધવામાં આવ્યો છે. જેમ કે શીખ ધર્મમાં હિંદુ અને મુસ્લિમ બંને પરંપરાનું સંમિશ્રણ અનુભવાય છે તો એ જ રીતે સૂફી પરંપરામાં ઇસ્લામ અને ભક્તિ બંનેનો 

સુમેળ છે. આ સંતોએ વર્ણ, જાતિપ્રથા અને બ્રાહ્મણોના ચડિયાતાપણાનો વિરોધ કર્યો છે, એ જ રીતે વચ્ચે કોઈ ધર્મગુરુને સ્થાપવાને બદલે એમણે સીધેસીધું ઈશ્વરને સંબોધન કર્યું છે. લિખિત પરંપરાને બદલે મૌખિક પરંપરા પર ઝોક આપ્યો. આનું એક કારણ એ પણ ખરું કે મૌખિક પરંપરાથી વધુને વધુ લોકો સુધી પહોંચી શકાય અને એની અનુભવવાણી કંઠોપકંઠ જળવાય. એક બીજી પણ વાત છે કે લિખિત પરંપરા સુધી પહોંચવું સામાન્ય માનવીને માટે શક્ય નહોતું. ઈ.સ. ૧૭૬૭માં 'યોગશિષ્ઠ' ગ્રંથની હસ્તપ્રત એ સમયના ચારસો રૂપિયાની કિંમતે મળતી હતી તેવો ઉલ્લેખ છે.

વળી આ પરંપરામાં સંસ્કૃતને બદલે પ્રાદેશિક ભાષાઓ અને બોલીઓમાં સર્જન થયું. આને કારણે આ ભારતીય ભાષાઓ સમૃદ્ધ થઈ અને બાળકને પહેલો પરિચય સંસ્કૃતને બદલે નરસિંહના પ્રભાતિયાં, મીરાંનું પદ કે તુકારામના અભંગથી થવા લાગ્યો.

આ સંતોએ એ સમયની ભાષાનો સમર્થ ઉપયોગ કર્યો. તુકારામ જેવા તો કહે છે કે, 'અમારી પાસે શબ્દશક્તિ છે અને એનાથી લડીશું.' જ્ઞાનેશ્વરની જ્ઞાનેશ્વરી, નરસિંહની ગુજરાતી જેવી સંતકવિતાએ ભાષાવિકાસમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.

આ સંતકવિઓ ઘણો લાંબો પ્રવાસ કરતા હતા. આને પરિણામે કેટલાક સંતકવિઓ દ્વિભાષી કે ત્રિભાષી પણ છે. મીરાં, કબીર, નાનક, નામદેવ, દયારામ, વિદ્યાપતિનાં કાવ્યો બે ભાષાઓમાં પ્રાપ્ત થાય છે. વળી સતત પ્રવાસ કરતા હોવાથી સાંજે ગામને પાદર સંતમંડળી ભેગી થતી અને સહુ કોઈ પોતાની અનુભવવાણી કહેતા, આથી જૈન સંતકવિઓમાં પણ હિંદુ યોગની પરિભાષા મળે છે, એટલે કે ધર્મના ભેદો ભૂંસાઈ જતા એ વાણી સર્વજનસ્પર્શી બનતી હતી. આ સંતોનું તો એક જ કામ હતું 'દલ દરિયામેં ડૂબકી દેના, મોતી લેનાં ગોતી.'

આ સંતવાણીમાં જીવન, સાહિત્ય અને અધ્યાત્મનો એવો ત્રિવેણીસંગમ સધાયો કે મહાત્મા ગાંધીજી, વિનોબા ભાવે, મહાદેવ ગોવિંદ રાનડે, સાને ગુરુજી, ડો. આંબેડકર, ગાડગે મહારાજ, સાધુ વાસવાણી જેવા અનેક મહાનુભાવો, કવિઓ અને અધ્યાત્મજિજ્ઞાસુઓ પર એનો પ્રભાવ પડયો. શિક્ષિત અને શિક્ષણની તક નહીં મેળવનારા સહુ કોઈને માટે આ સંતવાણી પ્રેરણાસ્થાન બની રહી.

આ સંત કવિતા એ તો નરસિંહ મહેતાએ કહ્યું તેમ 'અઢારે વરણ જેને વ્હોરવાને આવે એવું રામનામનું ભરપૂર વસાણું છે.' આ એવી સાધના છે કે જેને ગુરુમુખી કહી છે. અશિક્ષિતોને માટે પણ એ સરળ અને સહજ છે, પણ મૂળે તો સંતનો 'બાવન બાહેરો' અનિર્વચનીય અનુભવ છે. આ 'બાવન બાહેરો' એટલે બાવન અક્ષર દ્વારા સમગ્ર નામસૃષ્ટિ બને છે અને આ નામસૃષ્ટિ સાથે રૂપસૃષ્ટિ સંકળાયેલી છે એટલે આ નામરૂપાત્મક જગતની બહારની આ વાત છે. સાંખ્યની એક પરંપરામાં પ્રકૃતિને બાવન તત્ત્વોની માનવામાં આવી છે, તેથી આ એની બહારની વાત આ સંતોએ કહી છે અને એને કારણે જ ઘણી વાર એમણે એમનો અનુભવ કે દર્શન તેઓ સાંકેતિક ભાષા કે અવળવાણી દ્વારા બતાવે છે.

કેટલાકને તો ગુરુ પાસેથી પ્રભુભજન કરવાની પ્રક્રિયા પામવાની હોય અને એ ગુરુ માત્ર અધિકારીને જ જ્ઞાન આપે છે. આ સંતમાર્ગ એક યોગપ્રક્રિયા છે. એને 'શબ્દસૂરતયોગ' કહીને વર્ણવવામાં આવ્યો છે.

આ કવિતા એ મધ્યકાલીન સમયની કવિતા છે. કેટલાક માને છે કે વિધર્મી આક્રમણ સામે બચાવ રૂપે આ સંતવાણી પ્રગટી છે, પણ તે સાચું નથી. હકીકતમાં તો ભારતીય સંસ્કૃતિના તેજોવધને કારણે સંતકવિતા જન્મી નથી, બલ્કે ભારતીય સંસ્કૃતિની તેજવૃદ્ધિનું આ કારણ છે. અને આથી જ આ કવિતા આત્મરક્ષા કે પ્રતિરક્ષા માટે નહીં, પણ સામાજિક જીવનની સુધારણા અને અધ્યાત્મ જીવનની ઊર્ધ્વતા કાજે રચાયેલી છે.

મકરંદભાઈએ કહ્યું છે તેમ 'મડદાં બેઠાં કરવાનો' આ સંતોનો ધંધો હતો. પરંપરામાં પુરાઈને આપણે બંધિયાર બની જઈએ અને આપણું ચૈતન્ય શબવત્ થઈ જાય તેવી પરિસ્થિતિ હોય, ત્યારે આ સંતોએ નવી જ્યોત જગાડીને સમાજને જગાડયો છે. એમણે સમાજને નૈતિકતા આપી, સ્થગિતતાનો વિરોધ કર્યો, પોતાના જ મત, પંથ કે ધર્મમાં રહેલી ત્રુટિ અને દોષોને નિર્ભયપણે દર્શાવ્યા. આને કારણે આ કવિતાએ ભારતીય સમાજને પંથ, સંપ્રદાય કે ધર્મની સહિષ્ણુતા આપી. એણે રૂઢિગ્રસ્તતા, સ્થૂળતા, આડંબર, મિથ્યાત્વ કે જડતાને દૂર કરવા પ્રયત્ન કર્યો, તો એની સાથે ધર્મમાંથી અંધશ્રદ્ધા, એકાંગીતા અને ધર્મઝનૂન દૂર કરવાનો પ્રયત્ન કર્યો.

ધર્મમાં અધર્મ પ્રવેશે ત્યારે એ ધર્મયાત્રા સ્મશાનયાત્રામાં ફેરવાઈ જાય છે અને આથી જ સંતો ધર્મતત્ત્વ વિશે સતત શોધન કરતા રહ્યા. વિશ્વભરમાં રચાયેલી કવિતા સ્વધર્મના ગુણગાન ગાય છે, ત્યારે રામ અને રહીમને એક ગણનારા આનંદઘન કે ગોવિંદ અને કેશવને પોકાર પાડતા કબીર ભારતીય પરંપરામાં જ મળે છે. વિશ્વકવિતામાં સર્વધર્મ-સમભાવની વાત માત્ર ભારતીય સંત કવિતામાં જ મળે છે.

આ સંતોની વાણી આજના આપણા જીવનને સ્પર્શે છે અને એ અર્થમાં આ કવિઓની વાણી એ અમુક સમયનું સત્ય નથી, પરંતુ સર્વ-સમયનું સત્ય છે અને આથી ભારતીય પરંપરા જ્યાં સુધી જીવંત રહેશે ત્યાં સુધી સંત કવિઓની દર્શનમય વાણી જીવંત રહેશે.

ક્ષણનો સાક્ષાત્કાર

અમેરિકાની મહાન કવયિત્રી એમિલી ડિકિન્સન એના જીવનકાળ દરમિયાન બહુ ઓછી પ્રસિદ્ધ હતી, પરંતુ એના અવસાન બાદ એની કૃતિઓ પ્રગટ થતાં આજે અમેરિકાનાં કવિતા સાહિત્યમાં એ ઘણું ઊંચું સ્થાન ભોગવે છે. એમહર્સ્ટમાં એ એકલવાયી જિંદગી જીવતી હતી. ઘર અને બગીચો એ જ એની દુનિયા હતી, પણ જગતને જોવાની એની પાસે જે દ્રષ્ટિ હતી એવી ભાગ્યે જ કોઈની પાસે હતી.

એના જીવનકાળ દરમિયાન એનો એક પત્ર અને દસ કવિતા પ્રગટ થયા હતા. એ પછી બીજી અઢારસો કવિતા પ્રગટ થઈ. એની આ કવિતામાં સમાજ, પ્રકૃતિ, અધ્યાત્મ, સૌંદર્યશાસ્ત્ર, મૃત્યુ અને અમરત્વ જેવાં વિષયો આલેખ્યા છે. ભલે, એ એકલવાયી જિંદગી જીવતી હતી, શ્વેત વસ્ત્રો જ પહેરતી હતી અને પાછળનાં સમયમાં તો એના બેડરૂમમાંથી બહાર પણ નીકળી નહોતી. તેમ છતાં એની અંતદ્રષ્ટિએ એને મહાન કવયિત્રી બનાવી.

એમિલી ડિકિન્સને ભલે આ ભૌતિક જગતને ખૂબ મર્યાદિત રીતે નિહાળ્યું હતું, કિંતુ એની પાસે એવી આંતરિક દ્રષ્ટિ હતી કે જેણે જિંદગીને ઘણી નજીકથી જોઈ હતી. આ અંતદ્રષ્ટિની ઓળખ મેળવીએ. જ્યાં તમે બહારના કોલાહલને બદલે ભીતરને સાંભળવા પ્રયાસ કરશો અને ત્યાં સમય જતાં મધુર સંગીત સંભળાશે.