Get The App

એપોલો-13નું દંતકથા-સર્જન : Houston, we've had a problem!

Updated: Aug 30th, 2025

GS TEAM

Google News
Google News
એપોલો-13નું દંતકથા-સર્જન : Houston, we've had a problem! 1 - image


- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી

ક લ્પના કરો કે એક ઝાંખો બ્લેક એન્ડ વાઈટ ફોટો તમારા હાથમાં છે. ફોટોગ્રાફમાં ૭૦નો દાયકો સમય દબાવીને સ્થિર થઈ ગયો છે. ચિત્રમાં એક અવકાશયાન દેખાઈ રહ્યું છે. જેનું કદ ગામડાના ગેરેજથી મોટું નથી. અવકાશયાન પૃથ્વીથી બે લાખ માઇલ દૂર શાંતિથી જાણે કે તરી રહ્યું છે. તેના બાહ્ય શરીર ઉપર વિસ્ફોટના ઘા સ્પષ્ટ દેખાઈ આવે છે. એક સ્થાને, ચંદ્ર મોડયુલના એક ભાગમાં ત્રણ અવકાશયાત્રીઓ ભેગા થયા છે. અંતરીક્ષ યાન ઉપર શબ્દો કોતરાયેલા છે. મિશન એપોલો- ૧૩. અમેરિકનો આમ પણ ૧૩ના આંકડાના અશુભ માને છે. જાણે તેમની માન્યતા સાચી પડવાની હોય તેમ, એપોલો ૧૩ મિશન ઉપર અણધારી આફત આવી ચૂકી હતી. આ આફતમાંથી બહાર નીકળવાનું કામ જેમ્સ 'જીમ' લોવેલ જુનિયરે કર્યું હતું.  આ દંતકથા બની ગયેલા નાસાના અમૂલ્ય અંતરિક્ષયાત્રી, જેમ્સ 'જીમ' લોવેલ જુનિયરનું ૭ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ, ૯૭ વર્ષની વયે અવસાન થયું છે. વિજ્ઞાન જગતે માત્ર એક અવકાશયાત્રી જ ગુમાવ્યા નથી, પરંતુ અશક્યને શક્ય બનાવવાની દુર્લભ કળાના જાણનારને ગુમાવ્યા છે. આ ક્ષણે એક સવાલ ચોક્કસ થાય કે 'બધું જ ખોવાઈ ગયું હોય ત્યારે, અવકાશની માઇક્રો ગ્રેવીટી અને શૂન્યતામાંથી તેમણે કેવી રીતે માર્ગ શોધ્યો હશે?

જીવનની અંતિમ લડાઈ

જેમ્સ 'જીમ' લોવેલ જુનિયરનું સૌથી ખૂબ જ જાણીતું મિશન એટલે એપોલો-૧૩.  જે એપ્રિલ ૧૯૭૦માં થયું. લોવેલ આ મિશનના કમાન્ડર હતા. ચંદ્ર તરફ જતા સમયે અવકાશયાનના આક્સિજન ટૅન્કમાં વિસ્ફોટ થયો, જેના કારણે સમગ્ર મિશન જોખમમાં મુકાયું. એન્જિનિયરિંગની ખામી હોવા છતાં, લોવેલ અને તેમના સાથી યાત્રીઓ જૉન સ્વિગર્ટ અને ફ્રેડ હાઇસે અદ્દભુત ધૈર્ય, કુશળતા અને ટીમવર્ક દર્શાવીને પૃથ્વી પર સુરક્ષિત  પાછા ફર્યા હતા.  તેમના મિશનનો સંદેશ Houston, we've had a problem! આખા વિશ્વ માટે યાદગાર બની ગયો હતો. અપોલો ૧૩ અકસ્માત બાદ લોવેલે અવકાશયાત્રા છોડી દીધી હતી. એપોલો ૧૩ નાસાનું ત્રીજું માનવસહિત ચંદ્ર મિશન હતું, જે ૧૧ એપ્રિલ, ૧૯૭૦ના રોજ લોન્ચ થયું હતું.

એપોલો ૧૩નાં અંતરિક્ષયાત્રીઓ ચમત્કાર કરીને અભૂતપૂર્વ અકસ્માત અને સમસ્યામાંથી કેવી રીતે  જીવન મરણનો જંગ જીતી બતાવે છે. એ વાત જાણવી હોય તો, સૌ પ્રથમ એપોલો-૧૩ અવકાશયાનની રચના સમજવી પડે. જેનું કમાન્ડ મોડયૂલ ઓડિસી, એક શંકુ આકારની કેપ્સૂલ હતી. જે ૧૯૬૦ના દાયકાની ઈજનેરીની એક અજાયબી ગણાય. તેની સાથે એક બીજું મોડયુલ પણ જોડાયેલું હતું. જેને સર્વિસ મોડયૂલ કહે છે. તે એક નળાકાર પાવરહાઉસ જેવું હતું. જેમાં બે ઓક્સિજન ટેન્ક, ફ્યુઅલ સેલ્સ અને રોકેટ એન્જિન લાગેલ છે. ચંદ્રનું એક ત્રીજું મોડયુલ મોડયૂલ પણ હતું. એક્વેરિયસ. જે ચંદ્રની સપાટી ઉપર ઉતારવાનું હતું. ૧૩ એપ્રિલ, ૧૯૭૦ના રોજ, રાત્રે ૧૦:૦૭ વાગ્યે, મિશનના ૫૫ કલાક અને ૫૫ મિનિટે, સર્વિસ મોડયૂલની ઓક્સિજન ટેન્ક નંબર-૨માં એક ખરાબ થર્મોસ્ટેટન  કારણે પેદા થયેલો એક તણખો, વિનાશક વિસ્ફોટનું કારણ બની ગયો. આ વિસ્ફોટે ઓક્સિજન ટેન્ક નંબર-૨ને ફાડી નાખી.તેની જોડિયા ટેન્કને પણ નુકસાન પહોંચાડયું. જેના કારણે ઓક્સિજન, વીજળી અને પાણી જેવા મહત્વના સંસાધનો અંતરીક્ષમાં ફેંકાઈ ગયા. કમાન્ડ મોડયૂલ (ઓડિસી) સાથે ઘાયલ થયેલું સર્વિસ મોડયુલ જોડાયેલું હતું. જે યાનની મુખ્ય શક્તિ અને જીવન-ટકાવનારી સિસ્ટમો પૂરી પાડતું હતું. 

કટોકટીમાંથી વિજય

એપોલો-૧૩નું ચંદ્ર પર ઉતરાણનું મિશન રદ કરવામાં આવ્યું હતું. છતાં પૃથ્વી પર પાછા ફરવા માટે ચંદ્રના ગુરુત્વાકર્ષણનો ઉપયોગ કરવો પડે તેમ હતો. અંતરીક્ષયાત્રીઓની ટીમે એક્વેરિયસના એન્જિનનો ૩૯-સેકન્ડ ઉપયોગ કરીને અને ચંદ્રનાં ગુરુત્વાકર્ષણનો ઉપયોગ કરીને,  અંતરીક્ષયાનને એક શક્તિશાળી 'સ્લિંગશોટ' પૂરો પાડે છે.  જેના દ્વારા દ્વારા અંતરિક્ષયાન પૃથ્વી તરફ પાછું ફેંકાય છે. એક નિર્ણાયક ક્ષણે ૧૪-સેકન્ડનું મેન્યુઅલ એન્જિન બર્ન પણ કરવામાં  આવે છે. જેમાં લોવેલે પૃથ્વીના ટર્મિનેટર (દિવસ અને રાતની વચ્ચેની ઝાંખી રેખા)નો ઉપયોગ દ્રશ્ય અને દિશા સંદર્ભ તરીકે કર્યો હતો. કારણ કે નેવિગેશન સિસ્ટમ ખૂબ જ મર્યાદિત થઈ ગઈ હતી. પૃથ્વીની નજીક પહોંચતા, અવકાશયાત્રીઓ એક્વેરિયસમાંથી ઓડિસીમાં આવી ગયા, કારણ કે ઓડિસીની હીટ શીલ્ડ પૃથ્વીના વાતાવરણમાં પુન:પ્રવેશ માટે ડિઝાઇન કરાયેલી હતી. એક્વેરિયસને અંતરિક્ષમાં જ છૂટું કરી દેવામાં આવ્યું. જે પૃથ્વીના વાતાવરણમાં બળી ગયું.  વાતાવરણમાં પુન:પ્રવેશ દરમિયાન ઓડિસીની રીએન્ટ્રી સિસ્ટમને મર્યાદિત વીજળીનો ઉપયોગ કરીને સક્રિય કરવામાં આવી. સામાન્ય રીતે પુન:પ્રવેશ દરમિયાન, રેડિયો સંપર્ક ત્રણ મિનિટ માટે ખોરવાઈ જતો હોય છે, પરંતુ નુકસાન પામેલ મોડયુલના કારણે રેડિયો સંપર્ક ચાર મિનિટ સુધી ખોરવાઈ ગયો હતો. જેના કારણે પૃથ્વી પરના મિશન કંટ્રોલ રૂમમાંમાં તણાવ વધી ગયો હતો. ૧૭ એપ્રિલ, ૧૯૭૦ના રોજ, ઓડિસી મોડયુલ દક્ષિણ પેસિફિકમાં સુરક્ષિત રીતે ઉતરવામાં સફળ રહ્યું. આખરે અંતરિક્ષયાત્રીઓનો જીવન મરણનો જંગ પૂરો થયો. આ ભયાનક કટોકટીના સમયમાં, સમગ્ર મિશનની જવાબદારી અને નેતૃત્વ જિમ લોવેલે સંભાળ્યું હતું. આમ ૧૭ એપ્રિલ, ૧૯૭૦ના રોજ નવો અવતાર પામીને ત્રણ અંતરિક્ષયાત્રીઓ પૃથ્વી ઉપર પાછા ફર્યા તેવું કહી શકાય. આ ઘટના બાદ, જિમ લોવેલ પોતાની જિંદગીના ૫૫ વર્ષ, ત્રણ મહિના અને ૨૨ દિવસ જીવ્યા હતા. તાજેતરમાં જ ૭ ઓગસ્ટ ૨૦૨૫ના દિવસે, ૯૭ વર્ષની ઉંમરે વૃદ્ધાવસ્થાના કારણે અવસાન થયું હતું. 

ઓક્સિજનનો વિસ્ફોટ

વિસ્ફોટનાં  કારણે અંતરિક્ષયાત્રીઓના જીવન માટે અસ્તિત્વ ટકાવી રાખવાનો ખેલ શરૂ થઈ ગયો હતો. વિસ્ફોટ બાદ મોડયુલને મળતી વીજળી ૧૨ એમ્પીયરે આવી ગઈ હતી. જે આજના કોફી મેકરથી પણ ઓછી હતી. જેના કારણે લોવેલ, ફ્રેડ હેઈઝ અને જેક સ્વિગર્ટે બધી જ બિનજરૂરી સિસ્ટમો બંધ કરી દીધી. અકસ્માતના કારણે,મોડયુલમાં ઝેરી CO2નું સ્તર વધવાનું જોખમ ઊભું થયું.  કલ્પના કરો : લોવેલે જીવન મરણના જંગમાં, જિંદગીની થોડી મિનિટો બાકી છે તેમ જાણવા છતાં સ્થિર હાથે, લગભગ શૂન્ય ગુરુત્વાકર્ષણમાં, કાર્બન ડાયોક્સાઇડ ફિલ્ટર કેવી રીતે તૈયાર કર્યું હશે? તેમણે પ્લાસ્ટિક બેગ, ફ્લાઈટ મેન્યુઅલનું કાર્ડબોર્ડ કવર, એક મોજું અને ડક્ટ ટેપનો ઉપયોગ કરીને એક અસ્થાયી કાર્બન ડાયોક્સાઇડ ફિલ્ટર બનાવ્યું. જેનાં અજીબ આકારને કારણે તેને 'મેઈલબોક્સ' નામ આપવામાં આવ્યું હતું. 

હવે  જીવન ટકાવવા માટે હ્યુસ્ટનથી રેડિયો દ્વારા સૂચનાઓ મળી રહી હતી. દરેક અંતરિક્ષયાત્રી દરરોજ માત્ર ૬ ઔંસ પાણીનો ઉપયોગ કરી શકતો હતો. યાદ રહે કે મનુષ્ય દિવસ દરમિયાન ૧૭ થી ૩૪ આઉન્સ (૦.૫ થી ૧ લિટર) પાણી ગુમાવે છે. જ્યારે અંતરિક્ષયાત્રીઓને માત્ર ૬ ઔંસ પાણી પીવા મળ્યું હતું. જેના કારણે તેમને ડિહાઈડ્રેશનની સમસ્યાનો સામનો કરવો પડયો હતો. લોવેલે છ દિવસમાં સાત કિલો વજન ગુમાવ્યું હતું. વિસ્ફોટ બાદ, ઓડિસીની જીવન-ટકાવનારી સિસ્ટમો નિષ્ક્રિય થઈ ગઈ, જેના કારણે અવકાશયાત્રીઓએ તાત્કાલિક એક્વેરિયસ મોડયુલમાં આશરો લીધો. એક્વેરિયસ મૂળભૂત રીતે ચંદ્ર ઉતરાણ માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. જેમાં બે માણસો માટે ૪૫ કલાક ચંદ્રની સપાટી ઉપર રહી શકે તેમ હતા. પરંતુ કટોકટીના સમયમાં તેમાં ત્રણ અવકાશયાત્રીઓ માટે ૯૦ કલાકથી વધુ સમય સુધી ટકી રહેવું પડયું હતું. એક્વેરિયસમાં ઓક્સિજન, વીજળી અને નેવિગેશન સિસ્ટમ હતી. જેનો ઉપયોગ અવકાશયાત્રીઓએ જીવન ટકાવવા અને યાનને નિયંત્રિત કરવા માટે કર્યો હતો. 

અશક્ય વાપસીનો સાક્ષી

એપોલો-૧૩ના અકસ્માત અને કટોકટીની દિલધડક ઘટના ઉપરથી ફિલ્મ પણ બની છે. જે ફિલ્મના મુખ્ય નાયક છે : જેમ્સ આર્થર 'જિમ' લોવેલ. તેમનો જન્મ ૨૫ માર્ચ, ૧૯૨૮ના રોજ ક્લીવલૅન્ડ, ઓહિયો ખાતે થયો હતો. બાળપણથી જ તેમને અંતરીક્ષ ઉડાન અને અવકાશ પ્રત્યે રસ હતો. પાંચ વર્ષની ઉંમરે તેમને તેમના પિતા ગુમાવ્યા હતા, તેથી માતાએ તેમને એકલા હાથે ઉછેર્યા હતા. શાળાકાળ દરમિયાન જિમ મોડલ એરપ્લેન બનાવતા. લોવેલે યુનાઇટેડ સ્ટેટ્સ નેવલ અકેડેમીમાંથી ૧૯૫૨માં ગ્રેજ્યુએશન કર્યા બાદ, યુ.એસ. નેવીમાં પાઇલટ તરીકે જોડાયા હતા. ૧૯૬૨માં તેઓ નાસાની બીજી ટીમ 'એસ્ટ્રોનોટ ગુ્રપ-૨'માં સામેલ થવામાં સફળ રહ્યા. આ ટીમમાં જિમ લોવેલ સાથે એપોલો-૧૧ના નીલ આર્મસ્ટ્રોંગ અને બઝ એલ્ડ્રિન જેવા દિગ્ગજ અંતરિક્ષયાત્રીઓ સામેલ હતા. ડિસેમ્બર ૧૯૬૫માં તેમણે જેમિની ૭ મિશનમાં પ્રથમ અંતરીક્ષ યાત્રા કરી હતી. જેમાં તેમણે ફ્રેક બોરમેન સાથે ૧૪ દિવસ સુધી પૃથ્વીની પરિક્રમા કરી હતી. આ લાંબી અવકાશયાત્રા માનવ શરીર લાંબા સમય સુધી અવકાશમાં ટકી શકે છે કે નહીં? તે તપાસવા માટે મહત્ત્વપૂર્ણ હતી. ૧૯૬૬માં લોવેલે જેમિની ૧૨માં બઝ એલ્ડ્રિન સાથે ભાગ લીધો. મિશન દરમિયાન સ્પેસવૉક અને ડૉકિંગ ટેકનીકની ચકાસણી કરવામાં આવી હતી. આગળ જઈને લોવેલ, અપોલો-૮ મિશનમાં પાઇલટ તરીકે જોડાયા. અપોલો-૮ મિશન ઐતિહાસિક હતું, કારણ કે પહેલીવાર માનવ જાતિએ ચંદ્રની પરિક્રમા કરવામાં સફળતા મેળવી હતી. તેઓએ પોતાની આત્મકથા Lost Moon: The Perilous Voyage of Apollo-13 જેફરી ક્લુગર સાથે લખી છે. જેના આધારે ૧૯૯૫માં ટોમ હેન્ક્સ અભિનીત હાલીવુડ ફિલ્મ Apollo-13 બની હતી. જીમ લોવેલની જીવન કથા ભવિષ્યમાં પણ ટકી રહેવાની છે, કારણ કે નાસા ૨૦૨૬ સુધીમાં ચંદ્ર પર માનવોને ઉતારવાનું લક્ષ્ય રાખે છે. જીમ લોવેલનો વારસો,મિશન આર્ટેમિસને માર્ગદર્શન આપશે. જે દર્શાવે છે કે 'સૌથી મહાન કળા એ કટોકટીને ટાળવામાં નથી, પરંતુ તેની રાખમાંથી વિજયનું શિલ્પ કંડારવામાં રહેલું છે.'

Tags :