Get The App

શેરીમાં રખડતા શ્વાન અને વ્યવસ્થાનું વિવેકભાન!

Updated: Aug 31st, 2025

GS TEAM

Google News
Google News
શેરીમાં રખડતા શ્વાન અને વ્યવસ્થાનું વિવેકભાન! 1 - image


- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- કોઈપણ સમસ્યાને ઉકેલવા માટે ત્રણ બાબતો જોઈએ : અભ્યાસ, નિષ્પક્ષતા અને સંકલ્પ શક્તિ!

અ મેરિકામાં તાજેતરમાં બનેલો કિસ્સો છે. ત્યાં વસીને વિધિસર નાગરિક બનેલા એક આપણા ગુજરાતી સજ્જન હાઇવે પર કાર સેલ્ફ ડ્રાઇવ કરી જતા હતા. અચાનક સામેની લેનમાં ક્રોસ કરીને એક ભાઈ ફૂલસ્પીડમાં ચાલતી કાર સાથે અથડાયા ! ભીષણ અકસ્માતમાં એ સામેવાળાનું તો મૃત્યુ જ થયું, જે ભાઈ બ્લેક હતા, ને ચિક્કાર પીધેલા હતા. આપણા ભાઈ માંડ બચ્યા, પણ મલ્ટીપલ ફ્રેક્ચર ને સળિયા ને એવું બધું શરીરમાં છે.

દેખીતી રીતે રોંગ સાઇડમાંથી આવનારનો વાંક હતો. ને વળી ડ્રિંક કરેલું હતું એ મૃતકે પણ ઇન્સ્યોરન્સના તગડા બિઝનેસને લીધે ઇન્સ્યોરન્સ કંપનીએ તપાસ કરી. આ વ્યક્તિ પીને રોડ પર આવ્યો કેવી રીતે ? પહેલા જે બારમાં બેસીને એણે પીધું ત્યાં તપાસ થઈ કે એની કન્ડીશન લથડિયા ખાતી કે જીભ થોથવાતી એવી હતી ? તો બાર ટેન્ડરે એને વધુ દારૂ અપાય નહિ (નિયમ મુજબ ગાડી હોય તો સિક્યુરિટીએ ગાડી ડ્રાઇવ કરતા અટકાવાય) માલૂમ થયું કે બારમાં એવી હાલત નહોતી. નિયત માત્રા જે પરમિસિબલ હોય, એટલું એણે પીધું હતું. ટ્રેસ કરાયું કે પછી એ ક્યાં ક્યાં ગયો. એણે જે બસ પકડી ને ટેક્સી કરી પછી એની તપાસ થઈ, જાણવા મળ્યું કે બારમાં પીધા બાદ એણે એક લિકર ગ્રોસરી સ્ટોરની મુલાકાત લઈ ત્યાંથી એક બોટલ ખરીદી હતી. ગુનાની સોય એને એ વેચનાર ડેસ્ક ક્લર્ક પર અટકી. વ્યક્તિ પીધેલી હાલતમાં હોવા છતાં એને દારૂ શા માટે આપ્યો જેથી એ વધુ પીને બીજા માટે જોખમી બની શકે ? ડેસ્ક ક્લાર્ક પોતે 'અવૈદ્ય પ્રવાસી' તરીકે નોકરીએ લાગેલો જેમાં ડોક્યુમેન્ટસ પૂરા નથી ને જેને પૂરા નિયમો કે અંગ્રેજીની ખબર નથી પડતી એને નોકરીએ રાખ્યો તો દુર્ઘટના થઈ, એટલે ફાઇનલ ગુનો પેલા દિવંગત શરાબીના મોતનો એક લિકર સ્ટોરના માલિક સામે નોંધાયો !

એક સમયે ગાંધીજી જીવતા હતા ત્યારે વીસમી સદી ત્રણ દાયકાની થવા આવી ત્યારે અમેરિકામાં દારૂબંધી હતી. બહુ જલદી ત્યાંના હોદ્દેદારોને સમજાઈ ગયું કે આમાં સમાજ તો શરાબમુક્ત નથી થતો, પણ બૂટલેગરો અને એમની જોડે સાંઠગાંઠ ધરાવતા નેતાઓ- પોલિસવાળાઓ લક્ષ્મીવંત થાય છે. દારૂબંધી કાયમ માટે ગઈ. પણ એટલે દારૂડિયાઓને બીજાને નડવાની છૂટ મળી જાય ? નહિ, એક સીસ્ટમ બનાવવાની હોય મેનેજમેન્ટની જેમાં અંગત જીવનની મોજમાં દખલ ન હોય પણ જાહેર જીવનની શિસ્ત અને સુરક્ષા સાથે એને લીધે સમસ્યા થાય, એવું પણ ન હોય. અપવાદરૂપ ઘટનાઓ બને, પણ આ કિસ્સામાં જોયું એમ જ્યારે જસ્ટીસ ન્યાયનો દંડ શરૂ થાય ત્યારે વર્ષો પછી નહિ, દિવસોમાં એવી રીતે ઘટનાના મૂળિયા સુધી પહોંચે ને સજા પણ કરાવે કે બીજી વાર ખૌફ પેસી જાય વ્યવસ્થાનો!

કાયદો અને વ્યવસ્થા બોલાય, લૉ એન્ડ ઓર્ડરના અનુવાદ તરીકે એમાં આ છે ઑર્ડર. સુચારુ સિસ્ટમની વ્યવસ્થા સમૂહ જીવન માટે. આવી ઘટનાઓમાં આપણે ત્યાં ભટકાઈ જનાર પીધેલ હોય, ઓછી આવકવાળો ને ગરીબ હોય તો એક્સિડન્ટ ફાઇલ ત્યાં જ બંધ થઈ ગઈ હોત. બહુબહુ તો મોટી ગાડીવાળાને જોઈને એનો વાંક ના હોય તો પણ લાંબી જફામાંથી બચવા 'નીચે કે ઉપરથી' થોડા ખણખણિયા હળવા કરવા પડે!

***

''ઔર હમે કુછ નહિ આતા હૈ, બસ ગાય હમારી માતા હૈ'' જેવા વ્યંગબાણો એટલે આપણે ત્યાં જ છૂટયા કે જે દેશ ગાયને ગૌમાતા કહે અને એવો ધાર્મિક પૂજ્યભાવ રાખે કે એના મુદ્દે માણસો મરી જાય એવા રમખાણો ફાટી નીકળે, ત્યાં જ ગાયો સડક પર રઝળતી રખડતી વિપુલ પ્રમાણમાં જોવા મળે ! માતા પ્લાસ્ટિક ને એંઠવાડનો કચરો ખાઈને પીડાય, એની કોઈ ચિંતા આપણને થાય નહિ ! સડક પર, અરે નેશનલ હાઇવે પર ખુલ્લેઆમ ગોવંશના પ્રાણીઓ બેસે, જેને લીધે જીવલેણ અકસ્માત થાય અને ગાય કે માતેલા સાંઢ/ આખલાની ઢીંકે નિર્દોષ માનવીઓ- બાળકો- વૃદ્ધો અકાળે મરી જાય, તો પણ પરિસ્થિતિમાં કોઈ ફેરફાર ન થાય !

કેમ વધુ ભેંસ પળાતી હોવા છતાં કોઈ ભેંસ કે પાડો રસ્તે રખડતો જોવા નથી મળતા ? કારણ કે, ભેંસ તો પ્રોફિટેબલ છે. દૂધ ગાયનું આટલું મહિમાગાન પછી પણ નિયમિત ગાયનું દૂધ આપણે પીતા નથી. ઘી એનું મોંઘુ છે, ભેંસનું દૂધ દુનિયામાં સૌથી વધુ ભારતમાં પીવાય છે ! જગતના મોટા ભાગના દેશો તો એમની સ્થાનિક પ્રજાતિની ગાયોનું દૂધ પીવે છે. પણ ગુજરાતની શ્રેષ્ઠ ગીર ગાય પણ વધુ સંવર્ધિત બ્રાઝિલમાં થાય છે ! બીફ ખાનારા દેશોમાં ગાયોને એરકન્ડીશન્ડ ગૌશાળામાં રખાય છે, ને આપણે અમુક પાંજરાપોળ તો દયનીય હાલતમાં હોય છે. ભલુ થજો કેટલાક ઉદાર જૈન શ્રેષ્ઠીઓનું, કે એમણે ઉચ્ચ કોટિની ગૌશાળાઓ બનાવી છે!

એ તો માણસ ગાયોના ગોચરમાં ઘૂસી ગયો છે, તો બાપડા પશુઓ ક્યાં જાય વાળી દલીલ સાંભળવામાં સારી લાગે છે, પણ સાવ સાચી નથી. એ તો ધરતી પરના દરેક દેશમાં માણસ પર્યાવરણની દ્રષ્ટિએ અન્ય સજીવોના જંગલની જમીનમાં પગપેસારો કરીને ઘૂસી ગયો છે. પણ કેમ ભારત સિવાયના દેશોમાં આટલી હદે બેફામ, નિરંકુશ રીતે રોડ પર ગાય કૂતરા જેવા ઢોર જોવા નથી મળતા ? મહાસત્તાઓ જવા દો, ટચૂકડા દેશોમાં પણ ભાગ્યે જ આવું જોવા મળશે. જંગલની વચ્ચે જીવતા આફ્રિકન દેશોમાં પણ આટલું પ્રમાણ નથી. જેમ આપણા ટ્રાફિકના પ્રશ્નો અને અકસ્માતો વસતિના એંગલે નહિ પણ માથાદીઠ રીતે પણ દુનિયામાં સૌથી વધુ છે, એવું જ આ મામલે છે. કારણ કે આપણો અભિગમ સમસ્યાઓ ઉકેલવાનો હોતો નથી, એને ગૂંચવવાનો હોય છે!

પરમેનન્ટ સોલ્યુશનને બદલે ટેમ્પરરી થીગડાંની આપણને એવી આદત છે કે, નવા જ બનેલા રોડ ધોવાઈ જાય તો પણ એના સંબંધિત કોન્ટ્રાક્ટર, અધિકારીઓ કે નેતાઓ એના ઉખડેલા પોપડામાંથી મલાઈ તારવ્યા કરશે, પણ એ મામલે કાયમી પરિવર્તન નહિ આવે. વર્તન તો એનું એ જ રાખ્યું છે. બસ હેડલાઇન્સ બદલ્યા કરવી છે. હેડલાઇન એક ઉપર બીજી ઓવરલેપ કરી જાય એટલે ભૂલકણી અને સહનશીલ પ્રજા જે- તે પ્રશ્ન ઉકેલાઈ ગયો એવું માન છે!

અને સુપ્રીમ કોર્ટ આકરે પાણીએ થઈ એટલે ફરી ચર્ચામાં આવેલા સ્ટ્રે ડૉગ (રખડતા કૂતરા)ઓના સવાલનું પણ આવું જ છે!

***

હત્યા કેમ સૌથી મોટો અપરાધ છે? હ્યુમન સર્વાઇવલમાં જે કાયદો- વ્યવસ્થા બન્યા એમાં જાનના રક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા અપાઈ છે. એને લગતા જોખમો પણ ટાળવા પડે. એટલે આપણે ત્યાં બંદૂકનું લાયસન્સ તો છે જ, પણ ગોળીનો ય હિસાબ દેવો પડે છે. જીવદયા શબ્દના લાગણીઘેલા અર્થઘટનોને લીધે ક્રૂરતાથી કબૂતર અને વાંદાથી ઉંદર સુધીની સમસ્યા આપણે ત્યાં પહેલેથી જ વકરી છે. અમદાવાદની સુધરાઈ સરદાર વલ્લભભાઈ પટેલ પાસે હતી ત્યારે એમણે આકરે પાણીએ થઈને ઘેલીવેવલી દલીલો ફગાવી દઈને શહેરની સુખાકારી માટે ઉંદર- કૂતરા બધાને ખસેડવા ને ન ખસે તો ખતમ કરવા બાબતે કડક હુકમો કરેલા. ઇનફેક્ટ, થોડા દસકા પહેલા સૌરાષ્ટ્રમાં ભૂડોનો ત્રાસ અનહદ ગલીએ ગલીએ વધી ગયેલો, પછી સખ્તાઈથી કામ લેવાતા એ ઘણે અંશે હળવો થયો.

કૂતરાનો પ્રશ્ન તરત જ ઘણા કહેવાતા જીવદયાપ્રેમીઓ ગૂંચવી નાખે છે કે બાપડાબિચારા નિર્દોષ અબોલ પશુઓ પર અત્યાચાર ! ઘણા તો ફેણ ચડાવી હૂંકાર કરે છે કે અમે તો શેરીમાં રખડતા કૂતરાઓને રોટલી- બિસ્કિટ-ખવડાવી અમારું પુણ્ય કે સંતોષ કે આનંદ પ્રાપ્ત કરીને જ રહીશું. સુપ્રીમ કોર્ટે જ્યારે હમણા પહેલીવાર લાલ આંખ કરી ત્યારે ને ચુકાદો આપ્યો ત્યારે પણ રોકડી વાત કરી છે કે કૂતરાઓને ખવડાવવાનું હોય તો એની ચોક્કસ જગ્યાઓ નક્કી કરો. જ્યાંને ત્યાં એમને હવાયા કરો ને રાતના કે ધોળે દહાડે પણ ત્યાં આવતા અજાણ્યા વ્યક્તિ પર એ હેવાન થઇ હુમલો કરે એ ના ચાલે.

સીધી સી બાત હૈ, ગાય હોય કે કૂતરા અરે આપણી સાયકલ હોય કે કાર - બીજાને નડવા ન જોઇએ. સભ્યતાપૂર્વકના સહઅસ્તિત્વ યાને સિવિલાઇઝ્ડ કોએક્ઝિસ્ટન્સનો આ પાયાનો મુદ્દો છે. સમસ્યા પાલતુ કૂતરાઓની નથી. રખડતા કૂતરાઓની છે. તમારે ગાય કૂતરા ઉંદર કબૂતર જેની પર પ્રેમ દર્શાવવો હોય તો તમે જ એમને ઘેર રાખો ને. બીજાને પરેશાની આપે એવો પ્રેમ શું કામનો ? તમને જો ઘેર રાખવામાં તકલીફ પડે છે, તો બીજાને સડક પર ચાલવામાં કે વાહન ચલાવવામાં તકલીફ પડે છે. હચી : ડોગ્સ ટેલ પર પહેલો ગુજરાતી લેખ એ ફિલ્મ જોઈ સજળ નેત્રે લખેલો, ને એ મૃત માલિકની રાહ જોતા વફાદાર શ્વાનનું પૂતળું ટોકિયોના શિબુયા સબર્બમાં જઈને જોયું છે. પણ એ શ્વાન તરછોડાયેલી હાલતમાં મળી આવેલો, પછી પ્રોફેસરે અને એમની દીકરીએ એને ઘેર રાખેલો. ઘેર. પોઇન્ટ ટુ બી નોટેડ. 

પણ જીવદયાપ્રેમીઓને એનું પાલન નથી કરવું. પશુપ્રેમ એમનો ઊંચો પણ દેશપ્રેમ એટલો નથી. દેશના કાયદા નથી પાળવા, દેશની છાપ સુધારવી નથી. દેશની સમસ્યાઓ ઘટાડવી નથી. રખડતા કૂતરા બધા કંઈ શેતાન નથી હોતા. બધા કરડતા નથી ને ભસતા પણ નથી. ડાહ્યા પણ હોય છે. પ્રોબ્લેમ એ છે કે એમને ઓળખવા કઈ રીતે ? બધા સાપ ઝેરી નથી હોતા પણ એ માટે થોડા એને ડંખ મારવા દઈ શકાય ? તો જીવદયાપ્રેમીઓએ શ્વાનહિત ખાતર પણ એમને ઘેર ન રાખે તો ટ્રેઈન કરવા જોઈએ. જેથી એમને લીધે થતી મુશ્કેલીઓ ઘટે ! 

કૂતરો માણસને વન્યજીવનમાંથી મળેલો સૌથી વફાદાર મિત્ર છે. આલ્ફા, ડોગ્સ વે હોમ, ૧૦૧ ડાલમેશ્યન્સ, બોલ્ટ, સિક્રેટ લાઇફ ઓફ પેટસ, બેન્જી, ડોગ્સ પર્પઝ, બીથોવન, માર્લે એન્ડ મી, આઇ એમ લીજેન્ડ, તેરી મહેરબાનિયા વગેરે સેંકડો ફિલ્મોમાં યોગ્ય રીતે જ કૂતરો હીરો છે. ડિઝનીનો પ્લુટો કે સુપરમેનનો ક્રિપ્ટો... પરાણે વ્હાલા લાગે ! પેલો ધર્મરાજ યુધિરિ સાથે સ્વર્ગે ચાલતો શ્વાન હોય કે ગુરૂ દત્તાત્રેયને જેની પાસેથી શીખવા જેવું લાગે એ હોય બધે કૂતરાનો કમાલ છે. એટલે વાત કૂતરાને તરછોડવા કે તિરસ્કારવાની નથી. એની અને આપણી બેઉની જિંદગી બેહતર બનાવવાની છે.

પોલિટિક્સ કરતા પ્રાણીપ્રેમ બાબતે વધુ જાણીતા પૂર્વ મંત્રી મેનકા ગાંધીએ અભ્યાસપૂર્ણ રીતે સિક્કાની બીજી બાજુ મુકતો લેખ પણ લખેલો છે. ચાલો આ મુદ્દાને સમાપ્ત કરતા પહેલા એનું ટૂંકાવેલું વર્ઝન વાંચો. સમર્થનમાં પણ વાત કરવી હોય તો ઇમોશન નહિ, ઇન્ટેલિજન્સ જોઈએ એની સાબિતી મળશે.

***

કૂતરાઓને દૂર કરવાથી ઉકેલથી વધુ સમસ્યાઓ ઉભી થાય છે. વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા સમર્થિત નસબંધી, પૂરતા ભંડોળ અને કાયદાકીય પાલન સાથે, કદાચ એકમાત્ર અસરકારક ઉકેલ છે, ૧૯૯૪માં, ગુજરાતના સુરતના મ્યુનિસિપલ કમિશનરે શહેરના તમામ કૂતરાઓને મારી નાખવાનો આદેશ આપ્યો. બે અઠવાડિયામાં, દરેક કૂતરું મૃત્યુ પામ્યું. માત્ર બે અઠવાડિયા પછી, બ્યુબોનિક પ્લેગનો પ્રથમ કેસ નોંધાયો. તેમના શિકારીઓ ગયા પછી, ઉંદરોએ શહેર પર કબજો જમાવ્યો. ઘણા લોકોને કરડવામાં આવ્યા, અને પ્લેગના ત્રણ કેસ ઉભરી આવ્યા.

૨૦૨૪માં નોંધાયેલા રેબીઝથી થયેલા મૃત્યુની સંખ્યા આખા ભારતમાં ૫૪ છે. તેની સરખામણીમાં, કાર અકસ્માતો દર અઠવાડિયે લગભગ ૨૦૦૦ જીવ લે છે. (અલબત્ત, કૂતરાને લીધે થતા જીવલેણ અકસ્માતો પુરા નોંધાતા નથી ! ) 

૧૮૮૦ના દાયકામાં, પેરિસે તેના તમામ કૂતરાઓ અને બિલાડીઓને મારી નાખ્યા, જેનું પરિણામ એ જ નુકસાનકારક રહ્યું. ચીનમાં, અનાજ ખાતા હોવાનો આરોપ લાગેલા ચકલીઓને નાબૂદ કરવાની ઝુંબેશે તીડની આફતને જન્મ આપ્યો, જેના કારણે દુકાળ પડયો. જો દિલ્હી, રાજસ્થાન, અથવા તમિલનાડુએ આ આદેશનો અમલ કરવો હોય, તો તેમણે તેમના અડધાથી વધુ બજેટને ડોગ શેલ્ટર હોમ્સ યાને આશ્રયસ્થાનો બનાવવા માટે ફેરવવું પડશે. ફક્ત દિલ્હીમાં, આનો અર્થ થાય ૩૦૦૦ આશ્રયસ્થાનો બનાવવા માટે જમીન શોધવી, ૧,૫૦,૦૦૦ સફાઈ કામદારોની નિમણૂક કરવી, ૫૦૦ વેન ખરીદવી, અને પશુચિકિત્સકો તથા રક્ષકોની નિમણૂક કરવી. 

અંદાજિત ખર્ચ ૧૫,૦૦૦ કરોડ આવશે. જમીન સિવાય. ખોરાક આપવાનો ખર્ચ જ અઠવાડિયે ૫ કરોડ થશે. એ ખર્ચ જે હાલમાં સમુદાયના ખોરાક આપનારાઓ દ્વારા સ્વૈચ્છિક રીતે ઉઠાવવામાં આવે છે.બીજું, આશ્રયસ્થાનો વારંવાર નિષ્ફળ સાબિત થયા છે. જોધપુરમાં, ૩૦ વર્ષ પહેલાં બનેલું આશ્રયસ્થાન અઠવાડિયાઓમાં બંધ કરવું પડયું કારણ કે બધા કૂતરાઓ મૃત્યુ પામ્યા. પરિસ્થિતિ એટલી અસુરક્ષિત હતી કે સ્ટાફ અંદર જઈ શકતો ન હતો કારણ કે સતત ઝઘડા થતા હતા; ખોરાક દીવાલો પરથી ફેંકવો પડતો હતો. 

મોહાલીમાં, એક મોટું આશ્રયસ્થાન બનાવવામાં આવ્યું, પરંતુ આજે પણ ખાલી છે. જ્યારે તેમણે તેમાં કૂતરાઓ ભરવાનું શરૂ કર્યું, તો તરત જ એ જ સમસ્યાઓ ઉભરી.તો, શું આ કામ કરશે? ના. બધા જીવંત પ્રાણીઓ જ્યાં ખોરાક મળે ત્યાં એકઠા થાય છે. દિલ્હીમાં હજારો માંસની દુકાનો હોવાથી, શહેરભરમાં ખોરાકના સ્ત્રોત પુષ્કળ છે. ૫,૦૦૦ કૂતરાઓને દૂર કરવાથી ફક્ત શૂન્યાવકાશ થશે, જે શહેરની બહારથી આવતા ૫૦૦૦ અન્ય કૂતરાઓ દ્વારા ઝડપથી ભરાઈ જશે. જોકે, આ નવા આવનારા કૂતરાઓ નસબંધી વિનાના, અજાણ્યા વિસ્તારના હશે, અને આથી તેમના દ્વારા કરડવાની શક્યતા વધુ હશે.

કૂતરાઓને દૂર કરવાથી વાંદરાઓ પણ પાછા આવશે. દિલ્હીમાં ૨૫૦૦૦થી વધુ વાંદરાઓ છે, જેમાંથી ૧૬૦૦૦ને આસોલામાં સ્થળાંતર કરવામાં આવ્યા છે. જ્યાં શેરીના કૂતરાઓ હોય ત્યાં, વાંદરાઓ ભાગ્યે જ ઝાડ પરથી નીચે ઉતરે છે. જો કૂતરાઓને ખસેડવામાં આવશે, તો વાંદરાઓ મોટી સંખ્યામાં પાછા આવશે.સિસ્ટમમાં ઘણું ખોટું છે, પરંતુ ટૂંકા સમયમાં અમલમાં મૂકી શકાય તેવા વ્યવહારુ પગલાં પણ છે.વિશ્વ આરોગ્ય સંગઠનએ વ્યાપક અભ્યાસ કર્યો અને નિષ્કર્ષ કાઢયો કે નસબંધી એ એકમાત્ર અસરકારક ઉકેલ છે. એક સ્થિતિ જે ભારતીય અદાલતો દ્વારા સમર્થન પામી છે. કમનસીબે, ત્યારથી દાયકાઓમાં, નિયમો ઘડવામાં આવ્યા હોવા છતાં, કાર્યક્રમને પ્રમાણિત કરવા અથવા પૂરતું ભંડોળ પૂરું પાડવાનો કોઈ પ્રયાસ થયો નથી. 

આ કાર્યક્રમ એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયા 'એનિમલ હસબન્ડ્રી મંત્રાલય હેઠળ' આવે છે, જેની પાસે ન્યૂનતમ સ્ટાફ અને કોઈ નિશ્ચિત બજેટ નથી. કૂતરાઓની નસબંધી કેન્દ્રો માટે ભંડોળ દરેક રાજ્યના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા પૂરું પાડવામાં આવે છે, પરંતુ તે મુખ્યત્વે મોટા શહેરોને નિર્દેશિત થાય છે, જેનાથી નગર પાલિકાઓએ પોતાના સ્ત્રોતોની વ્યવસ્થા કરવી પડે છે. ઘણા કિસ્સાઓમાં આવા કેન્દ્રો, જેમ કે કાંચીપુરમ, ભોપાલ અને ઈન્દોરમાં, કચરાના ઢગલાઓમાંથી ચાલે છે, જે અસહ્ય દુર્ગંધને કારણે ઉપયોગમાં લઈ શકાતા નથી. 

જે કૂતરાઓને ગેરકાયદેસર રીતે અજાણ્યા વિસ્તારોમાં ખસેડવામાં આવે છે, તેમને તેમના પોતાના વિસ્તારોમાં પાછા ફરવાને બદલે, ભયભીત અને ભૂખ્યા રાખવામાં આવે છે, અને સ્થાનિક કૂતરાઓ અને લોકો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં, કરડવું એ તેમનો આત્મરક્ષણનો એકમાત્ર માર્ગ છે.એવી ખોટી માન્યતા છે કે 'પ્રાણીપ્રેમીઓ'અને 'પ્રાણીદ્વેષીઓ' અલગ-અલગ જૂથો તરીકે અસ્તિત્વ ધરાવે છે. વાસ્તવમાં, બંનેમાંથી કોઈ ખરેખર અસ્તિત્વમાં નથી. ભારતનો આત્મા બંને દ્રષ્ટિકોણોને સ્વીકારે છે, જેનું એક સામાન્ય ધ્યેય છે :  સડક પર ઓછા કૂતરાઓ, ઓછી અથવા શૂન્ય કરડવાની ઘટનાઓ, અને એક સુમેળભર્યું સહઅસ્તિત્વ જેમાં કૂતરાઓ ફરીથી માનવ સમુદાયમાં સ્વાગત પામે. 

આપણે કૂતરાના કરડવાના આંકડાઓને વધારે ચડાવવાનું પણ બંધ કરવું જોઈએ. વાસ્તવિકતા એ છે : રેબીઝ વિરોધી ઈન્જેક્શન આપનારા ડોકટરો દ્વારા કૂતરાના કરડવાની નોંધ થાય છે. એક સંપૂર્ણ કોર્સમાં પાંચ ઈન્જેક્શનની જરૂર પડે છે, અને દરેક ઈન્જેક્શનને અલગ કરડવા તરીકે ગણવામાં આવે છે.વધુમાં, પાલતુ અને શેરીના કૂતરાઓના કરડવા વચ્ચે કોઈ સત્તાવાર રેકોર્ડ અલગ નથી કરતા, પરંતુ બિનસત્તાવાર અંદાજો ૭૦-૩૦નો ગુણોત્તર દર્શાવે છે. કેટલાક શહેરો પહેલેથી જ રસ્તો બતાવે છે. ઉત્તર પ્રદેશનું લખનૌ આખા ભારતથી ઘણું આગળ છે. આ શહેરમાં તમામ પાલતુ કૂતરાઓની નોંધણી ફરજિયાત કરવાનો આદેશ પણ પસાર કર્યો છે. વિદેશી જાતિના માલિકોએ વાર્ષિક  ૫૦૦ ચૂકવવા પડે છે, જ્યારે દત્તક લીધેલા ભારતીય કૂતરાઓ માટે કોઈ શુલ્ક નથી. 

અસરકારક સુવિધાઓ અને સમજદાર નિયમનનું આ મિશ્રણ અન્ય ભારતીય શહેરો માટે એક મોડેલ આપે છે. વિદેશમાં પણ આવો જ અભિગમ સફળ રહ્યો છે. નેધરલેન્ડ્સમાં એક પણ શેરીનું કૂતરું નથી -અને આ હત્યા કરીને કે પ્રાણીઓને આશ્રયસ્થાનોમાં મૂકીને પ્રાપ્ત થયું નથી. દેશે દયાળુ વ્યૂહરચના અપનાવી, એનિમલ પ્રોટેક્શન એક્ટ પસાર કર્યો, જેણે કોઈપણ માલિક માટે પ્રાણીનો દુરુપયોગ ગેરકાયદેસર બનાવ્યો. તેમણે શેરીના કૂતરાઓને એકત્ર કરવા, તેમની નસબંધી કરવી, નિયમિત રસીકરણ કરવું અને તેમને શેરીઓમાં પાછા ફરવા દેવાનો વ્યાપક, રાષ્ટ્રવ્યાપી નસબંધી કાર્યક્રમ અમલમાં મૂક્યો. દસ લાખ કૂતરાઓને શેરીઓમાંથી દૂર કરવામાં આવ્યા. ભારતની અદાલતોએ આશ્રયસ્થાનોની મર્યાદાઓને માન્યતા આપી છે. 

ઓક્ટોબર ૨૦૨૨માં, ન્યાયમૂર્તિ મહેશ્વરીની આગેવાની હેઠળની બે ન્યાયાધીશોની સુપ્રીમની બેન્ચે ચુકાદો આપ્યો હતો કે 'શેરીના કૂતરાઓને બંદીવાસમાં રાખી શકાય નહીં', ભારત પાસે પહેલેથી જ પ્રાણી સંરક્ષણ માટે સુસ્પષ્ટ કાયદાકીય રચના છે, ખાસ કરીને પ્રિવેન્શન ઓફ ક્રૂએલ્ટી ટુ એનિમલ્સ એક્ટ અને એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ. કોઈ પણ કાર્યવાહી આ રચનામાં થવી જોઈએ. દરરોજ, આખા ભારતમાં, એક શાંત રીતે ચાલતી વિધિ થાય છે. કોલોનીની સંભાળ રાખનારાઓ સ્થાનિક શેરીના કૂતરાઓની આશાભરી આંખો અને હલાવતી પૂંછડીઓનું સ્વાગત કરવા બહાર નીકળે છે. તેઓ તેમની નાનકડી બચતમાંથી બિસ્કિટ અથવા ચોખા માટે ખર્ચ કરે છે, પરિત્યક્ત પ્રાણીઓ સાથે શાંત જોડાણ અને દયાની ક્ષણો બનાવે છે.

તો મામલો પેચીદો છે, જો માણસોમાં કૂતરા જેવી નિષ્ઠા, કર્મશીલતા ને પ્રામાણિકતા ખીલશે તો જ ઉકેલાશે. બાકી હવે તો શેરીના કૂતરા કરતા વધુ ભસતા ને કરડતા માણસો પેદા થઈ રહ્યા છે. આફટરઓલ, કૂતરો જ એવો મિત્ર છે, જે માણસને એના ખુદ કરતા વધુ ચાહે !

ફાસ્ટ ફોરવર્ડ

'રૂપિયાથી તમે ઊંચી નસ્લનો કૂતરો ખરીદી શકશો, પણ માત્ર પ્રેમ અને કાળજીથી જ એ તમારે માટે પૂંછડી પટપટાવશે.' 

(કિન્કી ફ્રીડમેન)

Tags :