વિષવૃક્ષ .
- ઈશ્વર અંચેલીકર
- 'સંતુને મેં આજે સૌ પ્રથમ તો જોઈ નથી, કે હું એને વારંવાર નીહાળવા લલચાઊં છું! પરંતુ ધરતીના પટ ઉપર રોપાયેલું કે પડેલું બીજ, પાણી પડતા ફણગો કાઢે છે....
કટી પતંગ સમી હતી એ રૂપતી કન્યા.
વિષવૃક્ષની ડાળીનું ખૂબસૂરત પુષ્પ હતી એ
મિત્રની દીધેલી અમુલ્ય ભેટ હતી પ્યારી
નોતી ખબર દીકરી જે બનશે પુત્ર વધૂ મારી.
તં તુક અને શ્યામલી વીસેક વર્ષ પહેલા વડોલીની હાઈસ્કૂલમાં શિક્ષક શિક્ષિકા તરીકે ફરજ બજાવવા આવ્યાં હતાં. તેમનો પરિચય અતુલિત સાથે થયો હતો. ધીમે ધીમે ઓળખાણ ગાઢ મૈત્રીમાં બદલાય ગઈ હતી. જ્યારે તેઓ અતુલિતને સૌ પ્રથમ મળ્યાં હતાં, ત્યારે તેમણે અતુલિતની હવેલીની પાછળની ત્રણ રૂમો ભાડે રાખી હતી, પરંતુ સમય જતાં અતુલિતની પત્ની અર્મના અને તંતુકની પત્ની શ્યામલીનો સંબંધ ગાઢ મૈત્રીમાં પરીણમ્યો એટલે એ રિસ્તે તંતુક અને અતુલિતની મૈત્રી પણ ગાઢ બની ગઈ. સમય સરવા લાગ્યો તેની ગતીમાં આ ચારેય દોસ્તો પોતાની અંગત વાતોનું પણ વિવરણ કરવા લાગ્યા હતા. હવે અતુલિતની હવેલીનાં કોઈ પણ કમરામાં શ્યામલી સરળતાથી હરતી ફરતી થઈ ગઈ હતી.
અતુલિતનાં પુત્ર પ્રમાણને ટયુશન આપવાનાં બહાને શ્યામલી પ્રમાણ પાસે આવતી, તેથી પ્રમાણ તો તેને માતાતુલ્યજ ગણતો હતો. અતુલિતનાં માતા મૈથીલીને એમનો આટલો બધો મેળાપ ડંખતો હતો. તે પુત્રવધૂ અર્મનાને વારંવાર ટોંક્યા કરતી, અને આ મૈત્રી ઉપર લગામ લગાડવા સમજાવતી હતી. એમાં ઘરની કામવાળી સંતુ તો હવનમાં ઘી હોમવાનું કામ વારંવાર કરતી હતી.
શ્યામલીને સંતુની રીત ભાતની ગંધ આવી ગઈ હતી. એ પણ અનુભવી શિક્ષિકા હતી, એટલે તેને લોકોને કેવી રીતે વશમાં કરવાં એ તે જાણતી હતી. એક દિવસ તક જોઈને શ્યામલીએ તેને પોતાની ચાર પાંચ સાડી આપી-થોડું અનાજ પણ આપ્યું ! હવે સંતુને સમજાય ગયું, કે હવે આ શેહદની માટલીને ધીમે ધીમે કોરી કાઢવી જોઈએ. જોકે શ્યામલીનાં દિલમા તો એક એવો અદ્દભુત કીડો સળવળતો હતો, કે એની કલ્પના પણ થઈ શકે નહીં ! એ કીડાનો આત્મા હતો આ સંતુ !
એક વખત અતુલિતની માતા મૈથીલી પૌત્ર પ્રમાણને લઈ ચાર પાંચ દિવસ માટે બહાર ગામ ગઈ હતી. તંતુક અને શ્યામલીને પણ સ્કુલમા રજા હતી. એટલે ચારેય મિત્રો અતુલિતનાં દોસ્તમાં બંગલે, મરોલી ગયા હતા...! દરિયા કિનારે આવેલ આ બંગલામાં પ્રધાનો પણ રહી ગયા હોવાથી, એની જાહોજલાલી આજુબાજુના ગામોમાં પણ પંકાતી હતી. તેમની સાથે સંતુ પણ આવી હતી, એટલે તે ચારેય મિત્રો માટે ભોજન વિગેરે તૈયાર કરતી હતી.
ચારેય મિત્રો અને સંતુની ઊંમરમાં ભાગ્યેજ વર્ષ બે વર્ષનો ફરક હતો. સંતુનાં લગ્ન તો એની પંદર વર્ષની ઊંમરે જ થઈ ગયાં હતાં, પરંતુ એનો શરાબી પતિ નાના મોટા ગુન્હામાં વારંવાર ફસાઈ જતો હતો, એટલે એનો વધારે સમય તો જેલના સળીયા પાછળ જ જતો હતો...! સંતુ પણ હવે ટેવાય ગઈ હતી.
ચારેય મિત્રો દરિયા કિનારે ચળકતી રેતીમાં બેઠાં હતાં. વાત વાતમાં અર્મના બોલી, 'તંતુકભાઈ આ મારી રાખીની ગોદમાં એક નન્ની મુન્ની દેવબાલ ક્યારે મૂકવાના....'
'અર્મના, તું શ્યામલીને પૂછી જો....!એની દવા કરવા માટે ડૉક્ટર વૈદ્ય, સંત મહાત્માઓનાં આશ્રમ બધે જ ફરી વળ્યાં છીએ. પરિણામ શૂન્ય આવ્યું છે. હવે બે રાતથી એક ગજબનો અમાનવીય અનૈતિક તુક્કો એના મગજમાં સળવળી રહ્યો છે. મને તો એ અમાનુષી તુક્કાનાં ફુગ્ગાંને હાથમાં લેતા પણ શરમ અને ડર લાગે છે. ક્યારેક આ શ્યામલીની વાતો મને ડરાવી દે છે, અર્મના તું એને જરા સમજાવ, કે ગુન્હાખોરીનો અંત ખૂબ જ કપરો હોય છે, અને એ યાતના સિવાય અન્ય કંઈજ આપતી નથી.' તંતૂક બોલ્યો.
'તંતૂકભાઈ શ્યામલીનાં આયોજનમાં દમ તો છે. શાંતિથી વિચાર્યા પછી મને પણ એ યોજનાનો અમલ કરવાનું મન થાય છે.... મારી સખીની ખુશી જે વાતમાં છે, તે વાતમાં મારી સહમતી જરૂર હોય છે.' અર્મના બોલી, પરંતુ એની વાત ઉપર દુરલક્ષ્ય રાખી તંતૂક ઉઠયો. તેની પાછળ અતુલિત પણ ઉઠયો. બંને એક બીજાનાં ખભા ઉપર હાથ રાખી વાતો કરતા કરતા દરિયા કિનારે આગળ વધ્યા. સમુદ્રમાં ઉઠતાં મોજાં ઉછળી કૂદી બંને મિત્રોનાં પગને પખાળી ફરીથી અંદર જઈ સમાય જતા હતા. વારંવાર આ ક્રિયાનું પુનરાવર્તન થતું રહ્યું. પરંતુ કોઈ હાર માનવાને તૈયાર ન હતું. મોજાની ગતીની તીવ્રતા કરતાં વધુ તીવ્ર તૂફાન અતુલિત અને તંતૂકનાં દિલમાં ચાલતું હતું. અતુલિત બોલ્યો, ''તંતૂક શ્યામલી અને અર્મના કઈ રહસ્યમયથી નગરીની મુલાકાતે જવા માંગે છે. મને તો એમની વાત સમજાય નહીં.''
'અતુલિત અહીં બેસ. હું તને આખી ઝેરીલી કહાણી સંભળાવું છં. શ્યામલી તો પુત્રવિહોણી હોવાથી, ગમે તેવા કઢંગા તાણા વાણ વીણી, ગવન બનાવવા પ્રયત્ન કરે, પણ અર્મના તો સમજુ છે...! ગુણીયલ ગુણસુંદરી છે. એ પણ શ્યામલીની વાતને પ્રોત્સાહન આપે છે....!' અને... તંતૂકે આખી યોજના અતુલિતને સંભળાવી.
કેટલીક મિનીટો સુધી બંને મિત્રો વચ્ચે જાણે ઘૂઘવાટા મારતો સમુદ્ર આવીને બેસી ગયો હોય બને સામ સામેના કિનારે ફંગોળાયા.... ધીમે ધીમે બંને સ્વસ્થ થયા, એટલે અતુલિત બોલ્યો...
'તંતૂક, શ્યામલી ગૃહલક્ષ્મી છે. એને વાંચ્છિત નૈવેદ્ય ધરાવવાની તારી નૈતિક ફરજ છે. ધર્મ કહે છે, સહજતામાં થયેલું ખોટું કાર્ય પણ તમારી ફરજોનાં ભાગરૂપ હોય, તો એ જરૂરિયાત ગણાય છે. જેનો સંતોષ કરવું અનૈતિક નથી... આપણી પત્નીઓને જે વાતનો વિરોધ હોય, એવું કાર્ય અનૈતિક શબ્દની પરિભાષામાં આવે છે, અહીં તો પત્નીઓ જ સંમત છે... અતુલિત બોલ્યો.'
'મતલબ તમે ત્રણેય એક પક્ષ બનાવી સામે પડયાં છો, કેમ કહી તંતૂકે મૂક સ્મિત કર્યું. ફરીથી તંતુકના વિચારોની દીવાલો ઉપર, શ્યામલીની યોજનાએ દસ્તક દીધા...! અલગ અલગ રીતે, પરંતુ એક સમાંતર વિષય ઉપર મનન કરતાં ચાલતા આ બંને મૂક મુશાફરો... એમની પત્ની પાસે આવ્યા...' આ દરમિયાન સંતુ પણ ચા નાસ્તો લઈને, એ બંને પાસે આવી ગઈ હતી. તંતૂકની નજર સંતુનાં ઉરૂપ્રદેશ ઉપર પડી. એની શરીરની ભીતર ગરમ હવા દોડવા લાગી...! એ નીચે બેસી ગયો...! એ સ્વગત બોલ્યો....
'સંતુને મેં આજે સૌ પ્રથમ તો જોઈ નથી, કે હું એને વારંવાર નીહાળવા લલચાઊં છું ! પરંતુ ધરતીના પટ ઉપર રોપાયેલું કે પડેલું બીજ, પાણી પડતા ફણગો કાઢે છે., એમ તંતૂકની ભૂમીમાં પણ સંતુની યાદ ફણગો કાઢવા લાગી....! એણે સંતુને સંબોધી કહ્યું... અરે સંતુ, પાંચ વાગ્યે નાસ્તો કરાવે છે તો ડીનર ક્યારે કરાવવાની છે ? અને તંતૂકે ત્રણેય સાથીદારો ઉપર એક નજર ફેરવી, પરંતુ તેઓ તો સમુદ્રમાં સરતી ત્રણેક નૌકા જોવામાં એટલાં તલ્લીન થઈ ગયાં હતાં, કે તંતુકના શબ્દો તેમણે સાંભળ્યા નહીં.
'શેઠ, આઠેક વાગ્યે ખીચડી શાક, અને કઢી જમીશું. સ્વીટ ડીશમાં રસગુલ્લા બનાવ્યાં છે... મજા આવશે ને...!' સંતુ માંડ મરક કરતી તંતૂકનો ચહેરો જોઈ રહી.
'અરે સંતુ, તારો વર તો જેલમાંથી ઘરે આવી જવાનો હતો, તે આવ્યો કે નહીં,' તંતુકે પ્રશ્ન કર્યો.
'શેઠ, જેલમાં અન્ય કેદીઓની પીટાઈ કરી ચોટ પહોંચાડી, એટલે એની સજા વધુ છ મહીના લંબાઈ છે...!' સંતુ બોલી.
સમયની અવિરત ગતી તો પહાડો ઉપરથી ધરતી ઉપર ઘસી આવતાં નીરની ઝડપે દોડી રહી હતી...! મહામારીમાં શ્યામલી અને તંતૂકનું પણ દેહાંત થઈ જાય છે. આ ઘટના ધીમે ધીમે ઘણા પુરાણી થઈ ગઈ, પરંતુ અતુલિત અને અર્મનાને મિત્રોની યાદ વારંવાર સતાવતી હતી...! તે માનતાં હતાં કે દોસ્તી વર્ષો પછી પણ બાલ્યાવસ્થામાં જ જોવા મળે છે.
હવે તેવીસ વર્ષનાં વ્હાણા વાયાં, એ ઘટના બન્યા ને....! શ્યામલીની દીકરી અનુગ્રહા અને અર્મનાનો પુત્ર પ્રમાણ પણ હવે વયસ્ક વયનાં થયાં હતાં. બંને અભ્યાસમાં તેજ હોવાથી, કોલેજમાં પણ એમની ખ્યાતી સોળે કળાએ ખીલવા લાગી હતી. અંતિમ વર્ષનું પરિણામ પણ આવી ગયું....! એ બંને પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયાં હતાં. અર્મનાએ એ બન્નેની ખુશીને વેગીલી બનાવવા, ગામમાં પેંડા પણ વહેંચાવ્યા હતા.
એક રાત્રે અર્મનાએ પુત્ર પ્રમાણને કહ્યું, 'બેટા હવે અમારી બંનેની ઊંમર બહુ ચઢી ગઈ છે. આપણી અપાર સંપત્તિનો તું એક માત્ર માલીક છે. હવે તું યોગ્ય કન્યા પસંદ કરી, ગૃહસ્થ જીવનમાં પ્રવેશે, એવી અમારી ઈચ્છા છે. તારા લગ્ન થઈ જાય તે પછી અનુગ્રહાને પણ પરણાવીશું. મારી સખી શ્યામલીની એ એકમાત્ર નિશાની છે, જેને મેૈં આજ સુધી મારા દિલની તીજોરીમાં સંગ્રહી રાખી છે. પરંતુ ગમે ત્યારે તો એને પરાયા ઘરે વિદાય કરવી પડશે ને....! તું ભલે નાની હતી, પરંતુ તને પણ શ્યામલી આન્ટી યાદ હશે જ....'
'મમ્મી એક વાત મારા મનમાં સળવળે છે. મેં નિર્ણય કર્યો છે, કે પ્રમાણ નામના આ વૃક્ષ ઉપર વેલ બની આસરો લેવાનો હક્ક માત્ર ને માત્ર શ્યામલી આન્ટીની દીકરી અનુગ્રહાનો છે. મારાથી આ વાત પપ્પા સમક્ષ થઈ શકતી નથી. મેં એમને ટેલીફોન ઉપર વાત કરતા ઘણી વખત સાંભળ્યા છે. એમણે મારો હાથ કોઈક અન્યની દીકરીનાં હાથમાં મૂકવા વિચાર્યું લાગે છે. તું મધ્યસ્થી બની પપ્પાને સમજાવ, કે... મને મિલ્કત નહીં, માત્ર આપની અનુગ્રહા જોઈએ.' આટલું કહીને પ્રમાણ તો સડસડાટ દોડતી બહાર નીકળી ગયો અને કમરામાં કેદ થઈ ગયો.
પ્રમાણની વાત સાંભળી અર્ચના પણ ડઘાઈ ગઈ ! પથારીમાં પડયાં પડયાં દાદીમા મૈથીલી, આ માતા પુત્રની વાત સાંભળતી હતી, એણે બૂમ પાડી... ''વહુબેટા..જરા મારી પાસે આવો. મને પાણી આપો...અ...ને મારાં ચશ્મા ક્યાં મૂક્યાં છે...ન્યુઝ પેપર વાંચવાનું બાકી છે.'
અર્મના સાસુમા પાસે આવી. વર્તમાનપત્ર અને ચશ્મા ટેબલ ઉપર મૂકી. એણે સાસુમા ને પાણી પીવડાવ્યું. મૈથીલીએ અર્મનાનો હાથ પકડયો.
'વહુ, તારો દીકરો શું કહેતો હતો ?' મૈથીલી બોલી.
''મમ્મી, તમારો પૌત્ર હવે વયસ્ક, યુવાન થઈ ગયો છે...અ...ને...''
'તે પેલી સંતુડીની દીકરી અનુગ્રહા પણ મફતનું ખાઈ ખાઈને આંબાનાં ફૂલોની જેમ મ્હોરી રહી છે....! એના ચેનચાળા ઓછા થોડા છે, કે પ્રમાણ એમાં નહીં ફસાય ! હું આ સંબંધ સાથે સહમત નથી. સંતુડીની દીકરી....' મૈથીલી, વહુની વાતો આંતરી બોલી. પરંતુ આગળનાં શબ્દો એ બોલે, તે પહેલાં એનો પુત્ર અતુલિત બોલ્યો....
'મા...! અનુગ્રહા મારો દોસ્ત તંતૂકની બેટી છે....! તમે એને સંતુના નામ ઉપર શા માટે ચઢાવો છો..સમજાતું નથી...'
'બેટા, તમને પુરૂષોને આ વાત નહીં સમજાય..અર્મના બધાં રહસ્ય જાણે છે, પરંતુ એને તો રાઝને પડદા પાછળ સંતાડતાં સારું ફાવે છે....! ખેર, મારે જે કહેવું હતું, તે મેં કહ્યું. હું વારંવાર કહેતી હતી, કે એ તંતુક શ્યામલીથી દૂર રહો, પરંતુ મારી વાત નહીં માનવાનું કેવું ગેબી પરિણામ આવ્યું છે, એ તો તમે પણ જુઓ છો. સંતુડી જેવી સ્ત્રી, ન જાને કોનું લોહી પેટમાં પોષી, આ નમૂનાને પેદા કરી ગઈ હતી. એ શ્યામલીને ફસાવી ગઈ., આખરે શ્યામલી પણ એનો બોજો તમારી છાતી ઉપર બાંધીને ચાલી ગઈ...' અને મૈથીલીએ આંખો બંધ કરી દીધી.
અતુલિત અને અર્મના પોતાનાં કમરામાં આવ્યાં. અમનાની આંખોમાં આજે ઘોડાપૂર આંસુ ઉભરાતાં હતાં ! અતુલિત, 'મૈથીલીબા પાસે પોતાની વાતને અનુમોદન મળે, એવો પુરાવો નથી, પરંતુ આપણે તો જાણીએ છીએ કે સંતુનાં પેટમાં કોનું લોહી ફરતું હતું...! અતુલિત, મને આજે પસ્તાવો થાય છે, શ્યામલીની રહસ્યમય યોજનાનો ભોગ બનવાનો. મારા દીમાગમાં અનેક શત્રુઓ હુમલો કરી રહ્યા છે...! મને દેખાય છે, સંતુનો ડીએનએ રિપોર્ટ, રિપોર્ટની સમાંતરે ઉપસેલો અનુગ્રહાનો ડી.એન.એ. રિપોર્ટ ભલે આજે તંતુકના ડી.એન.એ. સેંપલ મળશે નહીં...એટલે અનુગ્રહા એક લાવારિસ જેવી ગણાશે....! એક કહેવાતી લાવારિસ સાચે સાચ કોની વારસદાર છે, એ આપણે જાણીએ છીએ, તેથી મારો ઉદ્વેગ સાતમે આસમાને ઉભો છે. અતુલિત આપણે ભલું કરતાં કરતાં કોઈ કાનૂની ભાંજગડમાં તો ફસાઈએ નહીને....! સંતુનો તો પત્તો નથી પરંતુ એ લાલચુ ગમે ત્યારે વર્ષાઋતુનાં દેડકાંની જેમ જનીનમાંથી ફૂટી નીકળે, તો શું ભરોસો ! તે દિવસે શ્યામલીએ ચાલાકીપૂર્વક સંતુને દશ લાખ રૂપિયાનો ખજાનો આપી, અનુગ્રહાનો દત્તકખત સહી કરાવી લીધો હતો, એટલે કાનૂનન વાંધો તો નથી, પરંતુ સમજાતું નથી, શું કરવું...!' કહી અર્મના આતિલતનાં ખોળામાં માથું નાંખી ધૃષ્ક્રાફાટ રડી પડી.
'અર્ચના ડાર્લીંગ....તને જે વાતનો ભય લાગે છે, એ બધી વાત તું હવે ભૂલી જા, કારણ એ તથ્યવિહીન છે. પ્રશ્ન એ છે કે મારા મિત્રની કહેવાતી દીકરી અનુગ્રહાને તો આપણે પણ આપણી દીકરી માની ઉછેરી હતી, હવે એ દીકરીને પોતાના દીકરા સાથે કેવી રીતે પરણાવું ?' અતુલિત બોલ્યો.
'અતુલિત, તે દિવસે તંતૂક અને સંતુના સંબંધ બંધાયા હતા,તે ઘટના યાદ કર...તું ખોટું નહીં લગાડીશ પરંતુ પુરૂષો જલ્દી ફસકાય પડે છે, એ વાત તદ્દન સાચી છે...! નહીં તો વાત વાતમાં નકાર ભણતો તંતૂક, હોંશે હોંશે સંતુને શૈયાસંગીની બનાવવા તૈયાર થઈ ગયો હતો એ ! અરે શ્યામલી મને વાત કરતી હતી કે એ બંનેએ અનેક વખત, શરીર સુખ ભોગવ્યું હતું...! શ્યામલીને ક્યારેક સંતુની ઇર્ષ્યા થતી હતી પરંતુ સ્વાર્થમાં અંધ બનેલી એ મૌન ચડાવી સહન કરી લેતી હતી.' અર્ચના બોલી...
'એ વાતની નોંધ, મેં પણ લીધી હતી, પરંતુ અર્ચના એ વીતી ગયેલી વાતો તો હવામાં સમાય ગયેલા શરણાયનાં સૂરી સમાન વિસારે પડી ગયા છે. એને તું શા માટે વાગોળે છે. પ્રમાણને તો આપણા સમાજમાં ઘણી કન્યા મળે એમ છે. એને કેવી રીતે સમજાવવો. અને મૈથીલી બા તો માનવાનાં નથી...
મને તો પ્રમાણ અનુગ્રહાનાં સંબંધમાં પણ વિષવૃક્ષના દર્શન થાય છે.'
આ બંનેની વાતો ચાલતી હતી, ત્યાં જ અનુગ્રહાએ બળપૂર્વક એમના કમરાનાં કમાડ ખટખટાવ્યાં....ગભરાતાં ગભરાંતાં એ બોલી 'અંકલ, આન્ટી, જલ્દી કરો પ્રમાણ આત્મહત્યા કરવાનું કહે છે....!' એનાં હાથમાં એક બોટલ છે....મેં ઝૂંટવવા કોશીસ કરી, પરંતુ છોડતો નથી...! કદાચ એ બોટલ ઝેરી દ્રાવણની લાગે છે...!
અર્મના અને અતુલિત સફાળાં પ્રમાણનાં કમરામાં આવ્યાં. એમની પાછળ લાકડીનાં ટેકે ડગુમગુ પગલે મૈથીલી બા પણ આવ્યાં.....
'પ્રમાણ શું થયું....? આવું ઘાતક પગલું ભરી, તારે માબાપ અને આ બુઢી દાદીને મારવાં છે ?' અર્મના બોલી...
'મમ્મી, મને અનુગ્રહા આપો...! અમારો કુમળો પરિચય, આજે પ્રણયનાં પગથીયે આવી ગયો છે, અને પરિણયનાં પટોળાં પહેરાવવાનું કામ, તમે વડીલોનું છે. તમે ભલે અનુગ્રહાને તમારી દીકરી માની હોય, પરંતુ મેં અનુગ્રહાને મારી બહેન માની નથી....! એક છત નીચે પાંગરેલો અમારો સંબંધ, તમારી અને સમાજની મ્હોર ઝંખે છે....! તમારી કપોલકલ્પીત માન્યતાઓનાં પહાડીને, હવે ગળી જવા દો...! માની લીધેલી દીકરી, કાનૂની પરિભાષામાં આજે પણ શ્યામલી આન્ટીની દીકરી છે... જે સત્યનો સ્વીકાર કરી લો...!' પ્રમાણ બોલ્યો.
'જે વું એનું ભાગ્ય...! દીકરા અર્મના, તું હવે અનુગ્રહાને તારી પુત્રવધૂ તરીકે સ્વીકારી લે, નહીં તો દેવનો દીધેલો, એકનો એક કુળદીપક, પણ બૂઝાય જશે....' કહી મૈથીલી બા કમરો છોડી ગયાં....
'ઠીક છે, બેટા પ્રમાણ, અમે તારાં અને અનુગ્રહાનાં લગ્ન કરાવવા સંમત છીએ ! હવે ખુશ થઈ જા....' અતુલિત સસ્મિત બોલ્યો...
ત્રણ મહિનાનો આંતરો પૂરો થઈ ગયો. અનુગ્રહા અને પ્રમાણનું દાંપત્ય જીવન સુખમય વીતી રહ્યું હતું.
ક્યારેક અતુલિત અર્ચનાને કહેતો પણ ખરો....અર્ચના, તું શું માને....! આપણા પૂર્વજોએ જે વ્યાખ્યા લગ્નની કરી હતી, તે ખોટી તો નથી. સંતુ અને તંતુકના શારીરીક સંબંધ હવે મને અનૈતિક તો લાગે છે. આજે આપણે બંને આપણા પોતાનાં વર્તુળમાં જ કેદ થઈ ગયાં છીએ. આખરે અનુગ્રહાનું કૂળ, શું ફૂલ ખીલવશે, તે તો ભવિષ્ય જ કહેશે....! વડીલોનાં વાંકે સામાજિક મૂલ્યોનો ખુર્દો નીકળે છે, એ જ આ ઘટના કહે છે....!