- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા
- મોડર્ન ડિપ્લોમસીમાં મોબાઈલ ફોન બહુ અગત્યનો બની ગયો છે. હવે નેતાઓ ફોનમાં વાતો કરીને મોટા વિવાદો ઉકેલે છે, તો ક્યારેય ફોન જ વિવાદનું કારણ પણ બને છે...
'મિ સ્ટર વોટસન - કમ હીયર - આઈ વોન્ટ ટુ સી યુ.' ટેલિફોનના શોધક ગ્રેહામ બેલે તેમના સહયોગી થોમસ વોટસનને સંબોધીને ફોનમાં આ વાક્ય કહ્યું એ સાથે જ પરંપરાગત કોમ્યુનિકેશનની દુનિયાએ પડખું ફેરવ્યું હતું. એક ઓરડામાંથી બીજા ઓરડામાં રાખેલા ફોનમાં આ વાતચીત થઈ એના બીજા જ વર્ષે જાન્યુઆરી-૧૮૭૭માં ગ્રેહામ બેલે રાણી વિક્ટોરિયા સમક્ષ ટેલિફોનનું ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું. તે વખતે અમેરિકા નહીં, બ્રિટન જગત જમાદાર હતું એટલે ગ્રેહામ બેલે રાણીની ઓફિસમાં પહેલો વહેલો ફોન ઈન્સ્ટોલ કર્યો હતો. દુનિયામાં કોઈ સત્તાધીશની ઓફિસમાં ટેલિફોનનો ઉપયોગ શરૂ થયો હોય એવી એ પ્રથમ ઘટના હતી.
એ જ વર્ષે મે-જૂન આસપાસ વ્હાઈટ હાઉસમાં ટેલિફોન ઈન્સ્ટોલ કરાયો હતો. અમેરિકાના તત્કાલિન પ્રમુખ રથરફોર્ડ હાયેના ટેલિફોનનો ઉપયોગ કરનારા પ્રથમ પ્રમુખ હતા. જોકે, એ માત્ર કરવા ખાતર થયેલું ઈન્સ્ટોલેશન હતું. ટેલિફોનથી મહત્ત્વની વાતો કરવાનું ત્યારે શક્ય ન હતું. ટેલિફોનની રેન્જ જ ખૂબ મર્યાદિત હતી એટલે અમુક અંતરે જ એનાથી વાતચીત થતી હતી.
૨૦મી સદી મધ્યાહને તપતી હતી ત્યાં સુધીમાં ટેલિફોનનો વિકાસ થઈ ચૂક્યો હતો. અમેરિકા-બ્રિટન વચ્ચે વર્લ્ડ વૉર વખતે જ હોટલાઈન - કે જેને ડાઈરેક્ટ કોમ્યુનિકેશન લિંક કહેવાતી - તે શરૂ થઈ હતી. અમેરિકા-રશિયા વચ્ચે ક્યૂબાના કારણે યુદ્ધ થતાં થતાં રહી ગયું પછી ૧૯૬૩માં હોટલાઈન અંગેનો કરાર થયો. હોટલાઈનના આવા કરારો પછી તો દ્વિપક્ષીય સંબંધોના ભાગરૂપે ઘણાં દેશો વચ્ચે થવા માંડયાં. ૧૯૭૦ અને ૮૦નો દશકો આવ્યો ત્યાં સુધીમાં બે દેશોના વડાઓ વચ્ચે ટેલિફોનિક ટોકનું પ્રમાણ વધી ગયું.
ટેલિફોનિક કોમ્યુનિકેશન્સમાં ૧૯૯૦ પછી નવી ક્રાંતિ આવી, જેનું નામ હતું - મોબાઈલ ફોન. વર્લ્ડ લીડર્સે પણ આ પરિવર્તન સ્વીકાર્યું અને તેના કારણે ટેલિફોનિક ડિપ્લોમસીમાં ખૂબ અગત્યનું ટૂલ ઉમેરાયું.
***
૧૯૯૫માં પશ્વિમ બંગાળના તત્કાલિન મુખ્યમંત્રી જ્યોતિ બાસુ અને કેન્દ્રીય દૂરસંચાર મંત્રી સુખ રામ વચ્ચે મોબાઈલમાં વાત થઈ તે સાથે દેશમાં મોબાઈલ ફોનની ક્રાંતિ થઈ. જોકે, ડિપ્લોમસી ટૂલ તરીકે મોબાઈલ ફોનનો ઉપયોગ કરનાર પ્રથમ વડાપ્રધાન હતા - અટલ બિહારી વાજપેયી. ૨૦૦૩માં વાજપેયીએ મુખ્યમંત્રીઓ સાથે તેમ જ વર્લ્ડ લીડર્સ સાથે વાતચીત માટે મોબાઈલ ફોનનો ઉપયોગ શરૂ કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે અમેરિકાના પ્રમુખ માટે મોબાઈલ ફોન વાપરવાની શરૂઆત ઘણી મોડી થઈ. સુરક્ષાના કારણથી અમેરિકાના પ્રમુખને ટેલિફોનમાં જ વાત કરવાની ભલામણ થતી હતી. ૨૦૦૮માં બરાક ઓબામા પ્રમુખ બન્યા પછી તેમણે મોબાઈલ ફોનને ડિપ્લોમસી ટૂલ તરીકે પ્રયોજવાનું શરૂ કર્યું હતું. ઓબામા પહેલાંના પ્રમુખો ટેલિફોન કે હોટલાઈનના માધ્યમથી વર્લ્ડ લીડર્સ સાથે વાતચીત કરતા હતા.
ઓબામાના કાર્યકાળમાં વ્હાઈટ હાઉસે ટેલિફોનિક ડિપ્લોમસીમાં નવી ઊંચાઈ મેળવી હતી. ઓબામાને બ્રિટિશ પીએમ ડેવિડ કેમેરોન સાથે દોસ્તી થઈ હતી. બંને વચ્ચે મોબાઈલમાં લાંબી ચર્ચા થતી અને પ્રોટોકોલને સાઈડમાં રાખીને બંને મેસેજમાં પણ મહત્ત્વના અપડેટ્સની આપ-લે કરતા. ઓબામા જર્મનીના ચાન્સલર એન્જેલા મર્કલથી લઈને ફ્રાન્સના પ્રમુખ ફેન્કોઈ ઓલાન્ડે, રશિયન પ્રમુખ પુતિન, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધીના નેતાઓ સાથે મોબાઈલથી વાત કરવાનું પસંદ કરતા.
ભારતમાં અટલ બિહારી વાજપેયીથી શરૂ થયેલો મોબાઈલ ફોન ડિપ્લોમસીનો સિલસિલો વાયા મનમોહન સિંહથી મોદી સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં ખૂબ મહત્ત્વનો બની ગયો હતો. મોદીના સમયગાળામાં વર્લ્ડ લીડર્સ સાથે ટેલિફોનિક ટોકનું પ્રમાણ વધ્યું છે. પીએમ મોદીનું વલણ આમ પણ ટેકનો-ફ્રેન્ડલી છે. વીડિયો કોલિંગથી વર્લ્ડ લીડર્સ સાથે સંવાદની તો શરૂઆત જ મોદીએ મહામારી દરમિયાન કરી હતી. ૨૦૨૪માં મોદી ફરીથી સત્તામાં આવ્યા ત્યારે કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે દુનિયાભરના નેતાઓએ મોદીને ટેલિફોનિક શુભકામના પાઠવી હતી.
આમેય ટેલિફોનિક ટોકની બાબતમાં દુનિયામાં પીએમ મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સૌથી સક્રિય નેતાઓમાં સામેલ થાય છે. ભારતનું વિદેશ મંત્રાલય, જુદા જુદા દેશમાં સ્થિત ભારતના રાજદૂતો કે ભારત સ્થિત અલગ અલગ દેશના રાજદૂતો દર થોડા થોડા સમયે પીએમ મોદીને કોઈને કોઈ દેશના વડા સાથે વાત થઈ હોવાની જાહેરાત કરતા હોય છે. ટ્રમ્પનું તો એનાથી પણ એક લેવલ અપ છે. ટ્રમ્પ વર્લ્ડ લીડર્સને પોતાનો મોબાઈલ નંબર જ શેર કરવા લાગ્યા છે.
***
ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી વખત અમેરિકાના પ્રમુખ બન્યા પછી ૨૦૧૭થી જ વર્લ્ડ લીડર્સને તેમનો પર્સનલ મોબાઈલ નંબર શેર કરવા માંડયા હતા. આ વર્ષની શરૂઆતમાં બીજી વખત સત્તામાં આવ્યા પછી તો ટ્રમ્પે ટેલિફોન ડિપ્લોમસીને જ જાણે સેન્ટ્રલ ડિપ્લોમસી બનાવી દીધી છે. ટ્રમ્પ જાહેરમાં કહેતા સંભળાય છે - ડિપ્લોમસી પ્રોટોકલને બાજુમાં રાખીને મને સીધો ફોન કરો! બીજી ટર્મમાં જિનપિંગ સાથે ફોનમાં વાત કરી ત્યારે હરખાઈને એની જાહેરાત કરી હતી. યુક્રેનનું યુદ્ધ અટકાવવા માટે ટ્રમ્પ સતત ઝેલેન્સ્કી ઉપરાંત યુરોપના નેતાઓ સાથે ફોનમાં વાત કરતા રહે છે. પુતિન સાથે ફોનમાં લાંબી વાતો કરી એના પરિણામે જ ટ્રમ્પ-પુતિનની મુલાકાત પણ શક્ય બની. ટ્રમ્પની નજીકના અધિકારીઓને ટાંકીને રજૂ થયેલાં અહેવાલોમાં તો ત્યાં સુધી કહેવાય છે કે ટ્રમ્પ દરરોજ દુનિયાભરના નેતાઓને એટલા ફોન કરે છે, જેટલા અત્યારે કે અગાઉ કોઈ નેતાએ કર્યા નહીં હોય.
યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ થોડા મહિનાઓ પહેલાં પ્રેસને સંબોધતી વખતે અધવચ્ચે જ ફ્રાન્સના પ્રમુખ ઈમાન્યુઅલ મેક્રોંનો ફોન રીસિવ કર્યો હતો. એ પછી પ્રેસને કહ્યું પણ ખરું કે મેક્રોં-ટ્રમ્પ-સ્ટાર્મર જેવા નેતાઓ સાથે દરરોજ એકાદ વખત ફોનમાં વાત થાય છે. ભારતીય લશ્કરે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું તે પછી ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેણે બંને દેશોના વડા સાથે ફોનમાં વાત કરીને તેમને એકબીજા પર હુમલો રોકવા સમજાવ્યા હતા. ભારત આ દાવાનો રદિયો આપે છે. ઘણી વખત તો આ જ ડિપ્લોમસી ટૂલ વિવાદનું કારણ પણ બને છે. જર્મનીના અખબારે દાવો કર્યો કે ટ્રમ્પે કરેલા ચાર ફોન મોદીએ ઉપાડયા નહીં એનાથી ટ્રમ્પ નારાજ થયા છે. જોકે, બંને દેશોએ સત્તાવાર નિવેદન આપવાનું ટાળ્યું છે.
વેલ, આ બધા દાવા-વિવાદો વચ્ચે એ વાત તો સ્વીકારવી જ રહી કે મોડર્ન ડિપ્લોમસીમાં મોબાઈલ ફોન બહુ અગત્યનો બની ગયો છે. ટેલિફોન ડિપ્લોમસીથી આંતરરાષ્ટ્રીય રાજકારણને નવો શેપ મળી રહ્યો છે.
ટાઈમઝોન અલગ હોય ત્યારે કોણ એડજસ્ટ કરે છે?
નેતાઓ વચ્ચે ટેલિફોનિક વાતચીત ગોઠવાતી હોય ત્યારે ટાઈમઝોન બહુ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ધારો કે ભારતીય ઉપખંડના બે નેતાઓ વાત કરવાના હોય તો ટાઈમઝોન એવડો મોટો અવરોધ બનતો નથી. નેપાળ-ભારત વચ્ચે માત્ર ૧૫ મિનિટનો તફાવત છે એટલે ભારત-નેપાળના નેતાઓને ફોન કોલ અરેન્જ કરતી વખતે ટાઈમઝોનનું ફેક્ટર નડતું નથી, પરંતુ ભારત-અમેરિકા, ભારત-બ્રિટન, બ્રિટન-અમેરિકા, બ્રિટન-જાપાન, અમેરિકા-જાપાન જેવા દેશો વચ્ચે પાંચથી લઈને ૧૦-૧૨ કલાકનું અંતર છે. જાપાનના વડાપ્રધાનને અમેરિકાના પ્રમુખ સાથે વાત કરવી હોય તો બે બાબતો શક્ય છે. એક, અમેરિકાના પ્રમુખે જાપાનના પીએમ ઓફિસમાં આવે ત્યાં સુધી જાગવું પડે. બે, જાપાનના વડાપ્રધાને અમેરિકાના પ્રમુખ ઓફિસમાં આવે ત્યારે વાત કરવા વહેલા ઉઠવું પડે. ટાઈમઝોનમાં આટલો મોટો તફાવત હોય ત્યારે જે દેશનો ટેલિફોનિક ટોકનો પ્રસ્તાવ હોય એ નેતાએ એડજસ્ટ કરવું એવો પ્રોટોકોલ હોય છે. બંને દેશો વચ્ચે બહુ જ ગાઢ સંબંધો હોય તો પછી નેતાઓ એકબીજા માટે એડજસ્ટ કરતા હોય છે. અમેરિકા-બ્રિટન વચ્ચે પહેલેથી ગાઢ દોસ્તી છે તો એમાં બંને દેશના નેતાઓે એકબીજા સામે અટિટયૂડ ન બતાવે, પણ ટ્રમ્પને જિનપિંગ સાથે વાત કરવી હોય તો ચીનના અધિકારીઓ એવું કહે ખરા કે જિનપિંગ બપોરે ૧૨ વાગ્યે ફોનમાં અવેલેબલ થશે, તો પછી ટ્રમ્પે અમેરિકાના સમય પ્રમાણે મધરાતે ૧૨ વાગ્યા સુધી જાગતું રહેવું પડે!
વર્લ્ડ લીડર્સ વચ્ચે મોબાઈલ-વીડિયો કોલમાં નિશ્વિત પ્રોટોકોલ
કશુંક યાદ આવે ને આપણે નંબર ડાયલ કરી દઈએ છીએ એવું વર્લ્ડ લીડર્સના કિસ્સામાં બનતું નથી. વિદેશ મંત્રાલયના અધિકારીઓની પેનલ બે દેશોના નેતાઓને જોડે છે. એ પહેલાં અધિકારીઓ એકમેકના નેતાઓની અનુકૂળતા જાણે છે, કેટલી મિનિટ વાત થશે તે અને કયા મુદ્દે વાત ચાલશે તેની રૂપરેખા બનાવે છે. બંને તરફની વાતચીત સુરક્ષિત રહે અને હેક ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. મોસ્ટલી, આવા સત્તાવાર દ્વિપક્ષીય કે બહુપક્ષીય ફોન કોલ્સ વખતે અધિકારીઓ હાજર હોય છે. ફોનમાં વાત કરનારા નેતાઓની ભાષા કોમન ન હોય તો દાયકાઓ પહેલાં જેમ મુલાકાત વખતે દૂભાષિયાની સેવા લેવામાં આવે છે તેમ ફોનમાં પણ દૂભાષિયાની મદદ લેવામાં આવતી હતી. હવે ટેકનોલોજી વિકસી ગઈ છે એટલે ટ્રાન્સલેશન ટૂલનો ઉપયોગ થાય છે. આવી ટેલિફોનિક ટોકના પ્રોટોકોલ અમુક ચોક્કસ સમયે બ્રેક થાય છે. સુનામી-ભૂકંપ-વાવાઝોડાં જેવી હોનારતો વખતે, કોઈ આતંકવાદી હુમલા સમયે, વિમાની અકસ્માત કે એવી કોઈ ઘટના બને ત્યારે વિદેશ મંત્રાલયના અધિકારીઓની નિયત ચેનલ બ્રેક કરીને બે નેતાઓ વચ્ચે તુરંત વાત કરાવાતી હોય છે. ફોનમાં આશ્વાસન આપવાનું હોય ત્યારે વાતચીતની સમયમર્યાદા, ટાઈમઝોન કે એજન્ડાનો મુદ્દો સાઈડમાં રાખવામાં આવે છે.


