- મેનેજમેન્ટ-ધવલ મહેતા
- ખાનગી કંપનીઓ, સરકારી એજન્સીઓ કે સહકારી સંસ્થાઓમાં કામ કરતા મેનેજરોએ ટીમ બનાવવામાં કેટલાય પડકારોનો સામનો કરવો પડે છે...
મેનેજમેન્ટનો નવો મંત્ર : ટીમ બિલ્ડિંગ અને ટીમ ડેવલપમેન્ટ એ મેનેજમેન્ટનો નવો મંત્ર છે. માત્ર ટીમ બિલ્ડ કરી લેવાથી કામ બની જતું નથી. ટીમને કામ પ્રમાણે ડેવલપ કરવી પડે છે. તમારા હાથ નીચે અનેક લોકો કામ કરતા હોય તો પણ તમે તેઓમાં ટીમ સ્પીરીટ ઊભો ના કરી શકો તો તમારૂ સેકશન કે ડીપાર્ટમેન્ટ લક્ષ્યાંકો (ટાર્ગેટસ) પૂરા કરી શકે નહીં. કોઈકવાર કદાચ તમારી ધાકધમકીથી પૂરા કરે પરંતુ લાંબાગાળામાં તેમ થઈ શકે નહીં. મેનેજમેન્ટની એક વ્યાખ્યા 'ગેટીંગ થીંગ્ઝ ડન' છે પરંતુ તેમાં કેટલાક શબ્દો ઉમેરવા જરૂરી છે - ગેટીંગ થીંગ્ઝ ડન થુ્ર ટીમવર્ક. ક્રિકેટની રમતમાં તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મજબૂત ટીમવર્ક વિના જીત શક્ય નથી.
મેનેજમેન્ટ ત્રિધારી તલવારી: દરેક સુપરવાઈઝર કે મેનેજર માત્ર બે નહીં પરંતુ ત્રિધારી તલવાર હેઠળ કામ કરે છે. પ્રથમ તો તેના ઉપરીની કડક દેખરેખ કે સૂચના હેઠળ તેણે કામ કરવું પડે છે. જો મેનેજર તેના સેકશનની કે ખાતાં (ડીપાર્ટમેન્ટ)ની કામગીરીમાં બેકાળજી રાખે કે ભૂલો કરે તો તેનો ઉપરી અમલદાર તેને ઠપકો આપે છે. મેનેજર કે સુપરવાઇઝરની નીચે કામ કરનારા કર્મચારીઓ તેનું હુકમપાલન ના કરે કે તેની ઓથોરીટી (સત્તા)ને વારંવાર ચેલેન્જ કરે તો તેને નીચેની ધારથી ઈજા પહોંચે છે. દરેક સંસ્થામાં અનેક ખાતાઓના મેનેજરો સમકક્ષ હોય છે. દા.ત. કંપનીના મીડલ મેનેજર્સ કે ડીપાર્ટમેન્ટસના વડાઓને એકબીજાના 'કલીગ્ઝ' કહેવામાં આવે છે. કોઈ મેનેજર નબળો કે બીનકાર્યક્ષમ હોય તો તેના ક્લીગ્ઝ તેની હાંસી ઉડાવે છે કે તેની કંપનીના સીઈઓને ફરીયાદ કરે છે. ટૂંકમાં મોટી સંસ્થામાં (કંપનીઓ કે નોન-પ્રોફીટ સેવા સંસ્થાઓ) સુપરવાઈઝર કે મેનેજરને તેના ઉપરી સામેના, તેની સમકક્ષ કામ કરનાર ક્લીગ્ઝ સાથેના કે તેની નીચે કામ કરનારા લોકો સાથે સુમેળભર્યા કે સહકારભર્યા સંબંધો સાચવવા પડે છે. કંપનીના સીઈઓએ બોર્ડ ઓફ ડાયરેકટર્સ અને જુદાજુદા ડીપાર્ટમેન્ટસના વડાઓ સાથે સંકલન કરવા સહકારભર્યા સંબંધો જાળવવા પડે છે. ટૂંકમાં મેનેજરે ઉપરથી નીચે, નીચેથી ઉપર અને આજુબાજુના સમાતર સહઅધિકારીઓને પોતાની કાર્યક્ષમતાની સાબિતી આપવી પડે છે.
વ્યસની કર્મચારી : સુપરવાઇઝર કે મેનેજર નીચે કામ કરતા કર્મચારીઓ કે કામદારોમાં કોઈ એવા પણ નીકળી આવે જે દારૂના વ્યસની હોય અને મદ્યપાન કરીને ઓફિસમાં કે કારખાનામાં આવે. આવા કર્મચારીને ઝાઝો સમય નોકરીમાં ચાલુ રાખી શકાય નહીં. જો તેને ચેતવણી આપ્યા છતાં તેની વર્તણુક ચાલુ રાખે અને તેનું વર્તન સુધારે નહીં તો જેને અંગ્રેજીમાં 'હેબીચ્યુઅલ એડીક્ટ' કહે છે તેને સુધારવાનું કામ મેનેજરનું નથી પરંતુ પ્રોફેશનલ કાઉન્સેલરનું છે.
ઝઘડાળુ કર્મચારી : કેટલાક કર્મચારીઓ સ્વભાવથી જ ઝઘડાળુ હોય છે અને નજીવી બાબતોમાં પણ ઝઘડા કરી બેસે છે. ફેકટરીઝમાં કામ કરતા બિનકાયમી શ્રમિકો કે બદલી વર્કર્સમાં આ વધુ જોવા મળે છે પરંતુ પ્રોફેશનલ ગુ્રપસમા 'ડીફરન્સ ઓફ ઓપીનીયન્સ' હોવા છતાં ઝઘડાનું રૂપ લેતા નથી. અમેરીકામાં સહકાર્યકરને એવું કહેવાનો રીવાજ છે કે 'આઈ એપ્રીશીયેટ યોર રીમાર્કસ એન્ડ ઓર્બ્ઝવેશન્સ ઓન ધીસ ઈમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ ફેસીંગ અવર કંપની બટ આઈ હેવ એ ડીફરન્ટ વે ઓફ લુકીંગ એટ ઈટ. પ્લીઝ બેર વીથ મી ઈફ આઈ એમ રોંગ.' અમેરીકાની ટોપ મેનેજમેન્ટમાં કામ કલીગ્ઝનું એટલે કે કલીજીયસ કલ્ચર છે. ઓગણીસમી અને વીસમી સદીમાં ભારતની જેમ હતું તેવું શેઠિયા કલ્ચર નથી. ભારત કરતા અમેરીકામાં કામ ઘણું જ સહેલું અને ડીગ્નીફાઈડ છે.
અપ્રામાણિક કર્મચારી : કોઈક કોઈક કંપની કે સંસ્થામાં મેનેજર નીચે કામ કરનાર અપ્રામાણિક કે ગુનેગારી વૃત્તી ધરાવતો કર્મચારી પણ હોઈ શકે છે. આવો કર્મચારી ઘણો ચાલાક હોય છે. તે જલદીથી પકડાતો નથી. આવા ખંધા કર્મચારીને કેવી રીતે ખુલ્લા પાડવા તે કામ સહેલું નથી. મેનેજર પોતે તદ્દન પ્રમાણીક હોય પરંતુ તેની નીચે કામ કરતા લાંચીયા કર્મચારીના તાર ઉપરી અધિકારીઓ સાથે જોડાયેલા હોય તો શું કરવું? આનો સ્પષ્ટ જવાબ મળતો નથી. કદાચ અણધડ કે બીનકુશળ કર્મચારીને ચલાવી લેવાય કારણકે તેને ટ્રેનીંગ આપી શકાય પરંતુ અપરાધી માનસીકતા ધરાવતા કર્મચારીઓ છૂપા રૂસ્તમ હોય છે.
અનિયમિત કર્મચારી : અંગ્રેજીમાં સતત મોડા આવતા કર્મચારીને હેબીચ્યુઅલ લેટકર્મસ કહેવામાં આવે છે. અમેરીકામાં કોઈ કોઈ વાર ઓફિસમાં પહોંચવામાં મોડું થાય તો તેનો દોષ 'હેવીટ્રાફિક'ને દેવામાં આવે છે પરંતુ અઠવાડીયાના પાંચ વર્કીંગ ડેઝમાં ચાર વખત આવી બહાનાબાજી ના ચાલે. આપણા દેશમાં આવા હેબીચ્યુયલ લેટકર્મસ ઘણાં બહાના કાઢે છે. કોઈની માંદગીના બહાનાથી લઈને મૃત્યુ કે બેસણામાં જવાના નામે રજા લેવાતી હોય છે.
ઓવર સ્માર્ટ કર્મચારી : આ કર્મચારી પોતાને સૌથી હોશિંયાર માને છે અને તેના બોસને કે સહકાર્યકરોને વણગમતી સલાહો વારંવાર આપ્યા કરે છે તે મેનેજર તેમજ તેની સાથે કામ કરનારાઓ કરતા પોતાને વધુ હોશિયાર સમજે છે. આવા કર્મચારીઓનો 'પેરન્ટલઈગો' ઓવરએકટીવ હોય છે.
કામમાં બેધ્યાન : કેટલાક કર્મચારીઓને પોતાના કામમાં બિલકુલ રસ પડતો નથી કે પોતાના કામ સાથે કોઈ જ લેવાદેવા ના હોય તેમ વર્તન કરે છે. વારંવાર કહેવા છતાં કામ પુરૂ કરતા નથી કારણ કે કોઈપણ કામ કરવામાં જ તેમને કંટાળો આવે છે. જોકે તેમને સોંપવામાં આવેલા કામમાં તેઓ પાસે ઘણી કુશળતા અને અનુભવ હોવા છતાં તેઓને કામમાં ચિત્ત પરોવાતું નથી. તેઓની માનસીકતા એવી હોય છે કે મારી કંપની કે મારૃં સેકશન કે ડીપાર્ટમેન્ટ સફળ કે નિષ્ફળ જાય તેની મને શું પડી છે?
કામ ટાળનાર કર્મચારી કામને મુલતવી રાખવાની ટેવ ધરાવતા વ્યક્તિ માટે અંગ્રેજીમાં એક સરસ શબ્દ છે. તેને પ્રોક્રેસ્ટીનેટર કહે છે. જગતમાં કોઈપણ વ્યક્તિ કદાચ એવી નહીં હોય કે જેણે અમુક કારણોસર સવારનું કામ બપોર પર, બપોરનું કામ સાંજ પર અને આજનું કામ કાલ પર ઠેલવ્યું ના હોય. મોટાભાગના વિદ્યાર્થીઓ પરીક્ષા માટેની તૈયારી કરવાનું કામ ઠેલ્યા જ કરે છે અને ઘણા તો પરીક્ષાના દિવસની આગલી આખી રાત પરીક્ષાની તૈયારીમાં કાઢી નાખે છે. લાઈટનું બીલ ભરવામાં કે કરવેરા ભરવામાં કે તાવ આવ્યો હોય તો ડોક્ટરને બતાવવામાં, યોગ્ય સમયે જાગવામાં કે ઉંઘવામાં કે દવા લેવામાં કે સ્નાન કરવામાં આપણે સૌ કોઈક વાર થોડું કે વધારે પ્રોક્રેસ્ટીનેશન કરીએ છીએ પરંતુ જે કર્મચારી હેબીચ્યુયલ પ્રોક્રેસ્ટીનેટર હોય તે કદાપી પોતાનું કામ કે રીપોર્ટ સમયસર પૂરો કરતો નથી. તેને માટે બહાનાબાજી કર્યા કરે છે. આવા હેબીચ્યુઅલ પ્રોક્રેસ્ટીનેટર કર્મચારી સાથે કેવી રીતે કામ પાર પાડવું તે પણ તેના ઉપરી મેનેજર માટે પડકારરૂપ બાબત છે. નીચેના કર્મચારીઓ સમયસર કામ પુરૂ ના કરે તો તેમના બોસને તેમના ઉપરી અધીકારી દ્વારા ઠપકો મળે છે.
બ્લેમિંગ અધર્સ : ભારતમાં આ ખાસ પ્રચલિત પ્રેકટીસ છે. પોતાના દોષનો ટોપલો પોતાના સહકાર્યકરો પર ઢોળી દેવો.
અહંકારી કર્મચારી : કેટલાક બોસના કમનસીબે કોઈકવાર અતિ અહંકારી કર્મચારીનો સામનો કરવો પડે છે. આને મનોવિજ્ઞાનમાં નાર્સીસીસ્ટીક પર્સનાલીટી કહે છે. મેનેજરની નીચેના લોકોએ કોઈ કામ સફળતાપૂર્વક અને સુપર એફીસીયન્સીસ કર્યું હોય તો તેનો જશ પોતાના બોસને આપવાને બદલે પોતાને જ આપે છે. તે પોતાના સહકાર્યકરોને વારંવાર એમ કહે છે કે 'હું હોઉં નહીં અને આ કામ થાય નહીં.'


