Get The App

અનેકવિધ યોગસિદ્ધિઓ ધરાવતા તૈલંગ સ્વામી

Updated: Aug 30th, 2025

GS TEAM

Google News
Google News
અનેકવિધ યોગસિદ્ધિઓ ધરાવતા તૈલંગ સ્વામી 1 - image

- અગોચર વિશ્વ-દેવેશ મહેતા

- તૈલંગ સ્વામીએ તેમની યોગશક્તિથી અનેક લોકોની ગંભીર બીમારીઓ પણ દૂર કરી દીધી હતી. તેમણે પરમહંસ યોગાનંદના મામાની જીર્ણ બીમારી પળભરમાં દૂર કરી દીધી હતી

ભા રતના એક મહાન સિદ્ધયોગી તૈલંગ સ્વામી અનેકવિધ યોગસિદ્ધિઓના  સ્વામી હતા. તે તેમની યોગશક્તિના ચમત્કારો, આધ્યાત્મિક શક્તિઓ અને લાંબા આયુષ્ય માટે પ્રસિદ્ધિ પામ્યા હતા. અનેક જ્ઞાન તથ્યો દર્શાવે છે કે તે નિરોગી શરીર સાથે લગભગ ૨૮૦ વર્ષ જીવિત રહ્યા હતા. તૈલંગ સ્વામીનો જન્મ આંધ્રપ્રદેશના વિજિયાના નામના જનપદના હોલિયા નામના એક ગામમાં ઈ.સ. ૧૬૦૭ના આરંભમાં પોષ સુદ એકાદશીના રોજ રોહિણી નક્ષત્ર ચાલતું હતું ત્યારે થયો હતો. યોગબળથી ખૂબ લાંબુ આયુષ્ય જાળવી રાખી ઈ.સ. ૧૮૮૭ની પોષ સુદ એકાદશીના રોજ જ કાશીના પંચગંગા ઘાટ પર એકઠી થયેલી વિશાળ જનમેદની સમક્ષ ગંગાના જળમાં સમાધિ લઈ તેમણે સ્વેચ્છાએ દેહત્યાગ કર્યો હતો. મૃત્યુપર્યત તે સશક્ત, સ્વસ્થ અને સક્રિય રહ્યા હતા. કોઈ બીમારી કે દેહની અશક્તિથી તેમનું મરણ થયું નહોતું. તેમના પિતાનું નામ નૃસિંહ ઘર અને માતાનું નામ વિદ્યાવતી હતું. કેટલાક વિદ્વાનો એવું માને છે કે તેમનો જન્મ ઈ.સ. ૧૫૨૯માં થયો હતો. જીવનના ઉત્તરાર્ધમાં તે કાશીમાં ઈ.સ. ૧૭૩૭-૧૮૮૭ પર્યત લગભગ ૧૫૦ વર્ષ રહ્યા હતા. તૈલંગ સ્વામીને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે. તેમને કાશીના ''સચલ વિશ્વનાથ''ની પદવી આપવામાં આવી છે.

એમની માતા વિદ્યાવતી ભગવાન શિવની ઉપાસિકા હતી. ભગવાન શિવજીની કૃપાથી એમનો જન્મ થયો હોવાને કારણે બાળપણમાં એમનું નામ શિવરામ રાખ્યું હતું. તે ૪૦ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અને ૫૨ વર્ષના હતા ત્યારે માતાનું મરણ થયું હતું. તે પછી તેમણે સ્મશાન ભૂમિમાં રહી સાધનાની શરૂઆત કરી. તેમણે ૨૦ વર્ષ સ્મશાનમાં સાધના કરી અને કાલી માતાની ઉપાસના કરી. પછી પંજાબથી આવેલા ભગીરથાનંદ સરસ્વતી સાથે તેમની મુલાકાત થઈ તેમને શિવરામે તેમના ગુરુ બનાવ્યા. તેમની સાથે તે પુષ્કર તીર્થ ગયા. ત્યાં લગભગ ૭૮ વર્ષની વયે શિવરામે ભગીરથ સ્વામી પાસેથી સંન્યાસની દીક્ષા લીધી. તે વખતે તેમનું નવું નામ પડયું - ગણપતિ સરસ્વતી. દીક્ષા ગ્રહણ કર્યા બાદ તે ઉત્કૃષ્ટ યોગ સાધનામાં મગ્ન થઈ ગયા. ત્યાં દસ વર્ષ સાધના કરી. પછી ભારતના પવિત્ર તીર્થોની પરિક્રમા કરવા નીકળ્યા. તે વખતે તેમની ઉંમર ૮૮ વર્ષની હતી. તે પછી નેપાળ, તિબેટ, ગંગોત્રી, યમુનોત્રી, માન સરોવર વગેરે ક્ષેત્રોમાં કઠોર સાધના કરી તેમણે અનેક યોગસિદ્ધિઓ પ્રાપ્ત કરી. કાશીના લોકો તેમને 'તૈલંગ સ્વામી' નામથી બોલાવતા. એ રીતે પછી કાયમ માટે તેમનું નામ તૈલંગ સ્વામી પડી ગયું.

કાશીમાં તૈલંગ સ્વામીના દર્શન કરવા માટે રામકૃષ્ણ પરમહંસ પણ ઘણીવાર ગયા હતા. તૈલંગ સ્વામી તે વખતે મણિકર્ણિકા ઘાટ પર મૌનવ્રત ધારણ કરીને રહેતા હતા. એકવાર રામકૃષ્ણ પરમહંસ ૨૦ શેર ખીર લઈને આવ્યા હતા. તેમણે તૈલંગ સ્વામીને ખીર ખવડાવા માંડી તો એ બધી ૨૦ શેર ખીર તૈલંગ સ્વામી પોતે એકલા જ ખાઈ ગયા હતા ! રામકૃષ્ણ પરમહંસે એમની દૈવી શક્તિનો સાક્ષાત્કાર કર્યા બાદ કહ્યું હતું - તૈલંગ સ્વામીના શરીરમાં સાક્ષાત્ વિશ્વનાથ (ભગવાન શંકર) છે. તમારું અહોભાગ્ય સમજો કે આવા દિવ્ય આત્માના તમને દર્શન થઈ રહ્યા છે. એમને પ્રણામ કરી તમારું જીવન સફળ બનાવો. આજે ઘણા સમય બાદ મેં પણ પૂર્ણ કલાયુક્ત સંતના દર્શન કર્યા છે. મા કાલી, મા જગદંબાની એમના પર અપાર કૃપા છે.

તૈલંગ સ્વામી લાહિડી મહાશયના પણ પરમ મિત્ર હતા. બન્ને મહાન યોગીઓ એકસાથે ધ્યાનમાં બેસતા. એકવાર તેમણે લાહિડી મહાશયનું કાશીમાં સાર્વજનિક અભિવાદન પોતાનું મૌન તોડીને પણ કર્યું હતું. એમના એક શિષ્યે એમને પૂછ્યું - સ્વામીજી, તમે તો સંન્યાસી છો, ત્યાગી મહાત્મા છો તો એક ગૃહસ્થ યોગીને આટલો આદર કેમ આપવા માંગો છો ? તેનો જવાબ આપતા તેમણે શિષ્યને કહ્યું હતું - વત્સ, લાહિડી મહાશય જગત જનનીના દિવ્ય બાળક છે માં એમને જ્યાં રાખે છે ત્યાં એ રહે છે. સાંસારિક મનુષ્યના રૂપમાં કર્તવ્યનું પાલન કરતાં કરતાં પણ તેમણે મનુષ્યના રૂપમાં તે પૂર્ણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે જે પ્રાપ્ત કરવા માટે મારે બધાને પરિત્યાગ કરી દેવો પડયો, ત્યાં સુધી કે  વસ્ત્રો અને લંગોટીનો પણ ત્યાગ કરી દેવો પડયો. તૈલંગ સ્વામી હંમેશા નગ્ન રહેતા હતા. તેમનો સ્વભાવ બાળકો જેવો નિર્દોષ, બેફિકર અને મસ્ત હતો. તે પંચગંગાઘાટ પર આવી નગ્ન સ્થિતિમાં જ સાધના કરતા. અમુક લોકોએ આ વિશે જિલ્લાધીશને ફરિયાદ કરી. એ અંગ્રેજ જિલ્લાધીશે પોલીસ મોકલી એમને જેલમાં પૂરી દીધા. પણ તૈલંગસ્વામી એમની યોગસિદ્ધિથી જેલની બહાર આવી જતા. જેલની કોટડીના દરવાજાને બબ્બે તાળા મારેલાં હોવા છતાં, એને ખોલ્યા વિના તે 'લઘિમા' યોગસિદ્ધિથી પોતાનું સ્વરૂપ અત્યંત નાનું કરીને બારણાંના સળિયામાંથી બહાર નીકળી જતાં. 

એકવાર ઉજ્જૈનના રાજા અને કાશીના રાજા હોડીમાં જઈ રહ્યા હતા. તેમણે દૂરથી કિનારે બેઠેલા તૈલંગ સ્વામીને જોયા. ઉજ્જૈનના રાજાએ એમને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. એને જાણી લઈને એ જ પળે કિનારે બેઠેલા તૈલંગ સ્વામી ઊડીને એમની હોડી પર આવી ગયા હતા. ઉજ્જૈન રાજાની તલવાર ગંગાના મધ્યભાગમાં તૈલંગ સ્વામીએ હોડીમાંથી ફેંકી દીધી હતી. ઉજ્જૈનના રાજાએ દુ:ખ વ્યક્ત કર્યું ત્યારે કિનારે પહોંચ્યા બાદ તૈલંગ સ્વામીએ પાણીમાં હાથ નાંખીને એકસરખી બે તલવાર પાણીમાં બહાર કાઢીને ઉજ્જૈન નરેશને આપી હતી. તૈલંગ સ્વામીની યોગશક્તિની કસોટી કરવા એક નાસ્તિકે તેમને એક ડોલ ભરીને ચૂનાનો ઘોળ જાડી છાશ છે એમ કહીને પીવા આપ્યો હતો. તે એ પી ગયા હતા, પણ તેમને તેની કોઈ અસર થઈ નહોતી. થોડીવાર બાદ તે નાસ્તિક તરફડવા લાગ્યો અને સ્વામીજીની ક્ષમા માંગી પોતાના પ્રાણની રક્ષા કરવા વિનંતી કરવા લાગ્યો ત્યારે તેમણે કહ્યું હતું - તે મને આવું ખતરનાક રસાયણ પીવા આપ્યું ત્યારે તને ખબર નહોતી કે તારું જીવન મારા જીવન સાથે એકાકાર છે. મેં યોગબળથી મારા પર થનારી અસર તો નિર્મૂળ કરી દીધી છે પણ તું કેવી રીતે કરીશ ? તને તારી ભૂલ સમજાઈ છે તો હવે હું તારા પર થતી અસરને પણ દૂર કરી દઉં છું. પણ હવે કોઈવાર કોઈ યોગીને હેરાન ના કરીશ. તેમના પર ઝેરની પણ કોઈ અસર થતી નહોતી. તે લાંબા સમય સુધી ભૂખ્યા અને તરસ્યા રહી શકતા હતા. તૈલંગ સ્વામીએ તેમની યોગશક્તિથી અનેક લોકોની ગંભીર બીમારીઓ પણ દૂર કરી દીધી હતી. તેમણે પરમહંસ યોગાનંદના મામાની જીર્ણ બીમારી પળભરમાં દૂર કરી દીધી હતી.