- સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત
- કળા અને ક્રિયેટિવિટીનો મિજાજ મુક્તપણે વહેવાનો છે. તે કંઈ થિયરી અને નિયમોમાં બંધાય નહીં...પણ નિયમોને તોડતા પહેલાં નિયમોને જાણવા પડે, ખરું?
આ જે એક મસ્તમજાના પુસ્તક વિશે વાત કરવી છે. એનું ટાઇટલ છે, 'ધ આર્ટ ઓફ ડ્રામેટિક રાઇટિંગ'. લેખક છે, લાજોસ એગ્રી. વચ્ચે આમિર ખાને એક મીડિયા હાઉસને તોસ્તાન ઇન્ટરવ્યુ આપ્યો હતો ત્યારે ૧૯૪૬માં પ્રકાશિત થયેલા આ પુસ્તકનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. શીર્ષકમાં ભલે ડ્રામા શબ્દ આવે, પણ મજાની વાત એ છે કે આ પુસ્તક ફિલ્મલેખન અને ઇવન નવલકથાલેખનમાં રસ ધરાવનારાઓએ પણ વાંચવા જેવું છે. અરે, દુનિયાભરના એક્ટરો - ડિરેક્ટરો સુધ્ધાં આ પુસ્તક રસપૂર્વક વાંચતા આવ્યા છે ને તેમાંથી ઘણું શીખતા આવ્યા છે. એવું તે શું છે આ પુસ્તકમાં? ચાલો, જાણીએ આ પુસ્તકની સારરૂપ વાતો.
પ્રિમાઇસ ઇઝ એવરીથિંગ: પ્રિમાઇસ એટલે કેન્દ્રિય વિચાર, થિમેટિક સત્ય અથવા પાયો કે જેના પર આખી ફિલ્મ ઊભી હોય. ફિલ્મનો કોઈ સ્પષ્ટ કેન્દ્રિય વિચાર જ ન હોય તે ન ચાલે. ઉદાહરણ તરીકે, 'દંગલ' ફિલ્મ આ એક વિચાર પર ઊભી છે: હમારી છોરીયાં છોરોં સે કમ હૈ કે? એ જ રીતે 'થ્રી ઇડિયટ્સ'નું પ્રિમાઇસ આ છે: તમે જે કોઈ ક્ષેત્રમાં હો તેમાં શ્રતા હાંસલ કરો, જો આમ કરી શકશો તો સફળતા આપોઆપ તમારી પાછળ પાછળ આવશે.
લેજોસ એગ્રી જે કહેવા માગે તે આ છે: તમે ભલે પચાસ-સો પાનાં ભરીને ફિલ્મની સ્ક્રિપ્ટ (કે નાટક કે નવલકથા) લખી હોય, પણ શું તમે એની સેન્ટ્રલ થીમને એક કે બે વાક્યોમાં કહી શકો છો? ફિલ્મ લાઇનમાં એક વાત અવારનવાર કહેવાય છે કે, ધારો કે લિફ્ટમાં તમારો ભેટો કોઈ મોટા ફિલ્મ ડિરેક્ટર, પ્રોડયુસર કે એક્ટર સાથે થઈ જાય છે. તમે લાંબા સમયથી એને તમારી ફિલ્મ સંભળાવવા માટે આતુર છો, પણ અપોઇન્ટમેન્ટ મળતી નહોતી. એ સેલિબ્રિટી તમને અધીરાઈથી કહે છે કે જો, તારી પાસે આ લિફ્ટનું બારણું ખૂલે ત્યાં સુધીનો જ સમય છે, તારી ફિલ્મમાં શું છે તે ફટાફટ બાલી નાખ. આવી સ્થિતિમાં તમે શું તે આઠથી દસ જ સેકન્ડમાં એ વ્યક્તિને તમારી ફિલ્મમાં મૂળ શું વાત કહેવાઈ છે તે સમજાવી શકશો? જો જવાબ હા હોય તો સમજી લો કે તમારા ફિલ્મની પ્રિમાઇસ તગડી છે.
એવું ન વિચારવું કે આહા, મારી ફિલ્મનો વિષય તો બહુ 'કૂલ' છે. પોતાની જાતને પૂછો: હું આ સ્ટોરી દ્વારા જીવન વિશે શું કહેવા માગું છું? ફિલ્મનો કેન્દ્રિય વિચાર જેટલો વધારે સ્પષ્ટ હશે એટલી તમારી ફિલ્મ વેરવિખેર થતી બચશે.
પ્લોટ પાત્રોને આગળ નથી વધારતો, પાત્રો પ્લોટને આગળ વધારે છે : લેજોસ એગ્રી કહે છે કે, જો તમે તમારાં મુખ્ય પાત્રોની માનસિકતાને, એની સાઇકોલોજીને ઊંડાણપૂર્વક સમજી લેશો તો તમારી વાર્તા સહજ રીતે આગળ વધશે. મારીમચડીને ઘટનાઓ ઊભી કરવાની જરૂર નથી. સ્ટોરીમાં જે કોઈ ઘટનાઓ બને તે તમારાં પાત્રોના સ્વભાવમાંથી, એની માનસિકતામાંથી સ્વાભાવિક રીતે પેદા થઈ હોવી જોઈએ. 'શોલે'નું ઉદાહરણ લો. ઠાકુર (સંજીવકુમાર) શા માટે ગબ્બર સિંહને ઝિંદા યા મુર્દા પકડવા માગતા હતા? કારણે કે ગબ્બરે ઠાકરુના આખા પરિવારની હત્યા કરી નાખી હતી, ઠાકુરના બન્ને હાથ કાપી નાખ્યા હતા. પ્રતિશોધની આગમાં સળગી રહેલા ઠાકુર હવે કોઈ પણ ભોગે ગબ્બરનો ખાત્મો કરવા માગે છે. તેથી જ ઠાકુર જ્યારે જય-વીરુ જેવા બદમાશ કેદીઓની મદદ લે છે ત્યારે એમનું પગલું આપણને જસ્ટિફાઇડ લાગે છે. ગબ્બરની ટોળકી અને જય-વીરુ સાથે વારે વારે થતી અથડામણ અને હિંસા આપણને વ્યાજબી લાગે છે, કેમ કે આપણે જાણીએ છીએ કે આ બધાના મૂળમાં ગબ્બરની રાક્ષસી કૂરતા અને ઠાકુરની પીડા છે. માત્ર લાવવા ટ્વિસ્ટ ન લાવો. મુખ્ય પાત્રોની સાઇકોલોજી સાથે કંઈ લેવાદેવા ન હોય તો તેવી ઘટના મૂકી દેશો તો વાત જામશે નહીં.
પાત્રનાં ત્રણ પરિમાણો : કોઈ પાત્ર ઘડો ત્યારે એનાં આ ત્રણ પાસાં સ્પષ્ટતા હોવી જોઈએ - (૧) ફિઝિયોલોજી: પાત્રનો દેખાવ કેવો છે? એની ઉંમર અને તબિયત કેવી છે? (૨) સોશિયોલોજી: પાત્ર સમાજના ક્યા વર્ગમાંથી, કેવા પરિવારમાંથી આવે છે? એનું કલ્ચરલ બેકગ્રાઉન્ડ કેવું છે? એ શું કામ કરે છે? કેટલું કમાય છે? એની લાઇફસ્ટાઇલ કેવી છે? એ જ્યાં રહે છે ત્યાંનો માહોલ કેવો છે? (૩) સાઇકોલોજી: તમારા પાત્રનો સ્વભાવ કેવો છે? એનું બાળપણ કેવું હતું? ભૂતકાળમાં એની સાથે એવું કશુંય બન્યું હતું જેનો ઊંડો પ્રભાવ એના વ્યક્તિત્ત્વ પર પડયો હોય? એની માન્યતાઓ કેવી છે? એને શાનો ભય લાગે છે? એ કોઈ ગ્રંથિથી પીડાય છે? એને શું જોઈએ છે? એની મહત્ત્વાકાંક્ષાઓ શી છે?
કહે છેને કે કોઈ પણ માણસના જીવનમાં સહેજ ડોકિયું કરશો તો તમને આખી નવલકથા દેખાશે. તમારા પ્રત્યેક મુખ્ય પાત્રના સંદર્ભમાં ઉપર ગણાવ્યા તે તમામ સવાલના જવાબ શક્ય એટલા વિસ્તારથી વિચારો અને કાગળ પર ઉતારી લો. આને પાત્રની 'બેક સ્ટોરી' કહે છે. જરૂર નથી કે તમે જે લખ્યું હોય તે બધું જ પડદા પર દેખાડવામાં આવે. એક્ટરો માટે પણ આ એક્સરસાઇઝ બહુ મહત્ત્વની છે. તમે રાઇટર હો, એક્ટર હો કે ડિરેક્ટર - જો તમે ેકિરદારનાં ભૂતકાળ અને વર્તમાન વિશે ઝીણામાં ઝીણી બાબતો જાણતા હશો તો તે પાત્રને કાગળ કે સ્ક્રીન પર ઊપસવવામાં આસાની રહેશે. આ રીતે પાત્ર કાર્ડબોર્ડ કટ-આઉટ જેવું સપાટ નહીં લાગે, તે જીવતું અને સાચુકલું લાગશે. અમુક પાત્ર અમુક પ્રકારનું વર્તન શા માટે કરે છે એની માનસિક સ્પષ્ટતા રહેશે. અગાઉ ક્હ્યું તેમ, ફિલ્મની વાર્તા મુખ્યત્ત્વે પાત્રોના વ્યક્તિત્વમાંથી વહેતી હોય છે.
કોન્ફ્લિક્ટ, ટકરાવ, સંઘર્ષ : પુસ્તકના લેખક સ્પષ્ટપણે કહે છે કે કોન્ફ્ક્ટિ વગર, ટકરાવ વગર ડ્રામા બને જ નહીં. એકલો હીરો જ શક્તિશાળી હશે તો નહીં ચાલે. સામે વિલન પણ એટલો જ બળુકો હોવો જોઈએ. જબરદસ્ત વિલન હીરોને પણ આપોઆપ જબરદસ્ત બનાવી નાખે છે. રામની સામે યુદ્ધે ચડવા માટે રાવણ જેવું જોરાવર પાત્ર જ હોવું જોઈએને! યાદ રહે, ટકરાવ માત્ર બે પાત્રો વચ્ચે જ થવો અનિવાર્ય નથી. સંજોગો સામે ઝૂઝવું - આ પણ એક કોન્ફ્લિક્ટ છે. અરે, પોતાની જાત સાથે લડવું પડે તે પણ એક કોન્ફિલક્ટ છે. અથડામણ થવી રાડારાડી જ કરવી એમ નહીં. વગર બોલ્યે, માત્ર ધારદાર નજર ફેંકીને પણ વિરોધ થઈ શકે છે. અમુક રીતે વર્તીને ને ન વર્તીને પણ કોન્ફ્લિક્ટ ઊભા કરી શકાય છે. તમારા નાયકને એવી પરિસ્થિતિમાં મૂકી દો કે જ્યાં એને વિરોધનો સામનો કરવો જ પડે. આ ટેન્શન ફિલ્મ માટે બહુ જરૂરી એવી ગતિશીલતા પેદા કરે છે.
કટોકટી, પરાકાષ્ઠા અને નિરાકરણ : ફિલ્મ કે નાટક એક ચેઇન રિએક્શન જેવાં છે. એક ઘટનામાંથી બીજી ઘટના, અને બીજી ઘટનામાંથી ત્રીજી ઘટના તરફ આગળ વધતાં વધતાં આખરે આપણે ક્લાઇમેક્સ સુધી પહોંચીએ છીએ. ફિલ્મ સારી રીતે લખાયેલી હોય તો એન્ડમાં બધા તાણાવાણા જોડાઈ જાય, બધા સવાલોના જવાબ મળી જાય. લેજોસ એગ્રી સરસ વાત કરે છે કે, ફિલ્મના અંતે જ એક મોટો ક્લાઇમેક્સ આવે એટલું પૂરતું નથી, પ્રત્યેક સીનનો પણ એક ક્લાઇમેક્સ હોવો જોઈએ, જે વાર્તાના પ્રવાહને હવે પછીના સીન તરફ લઈ જઈ શકે.
'ધ આર્ટ ઓફ ડ્રામેટિક રાઇટિંગ' નામના આ અંગ્રેજી પુસ્તકમાં આવી તો ખૂબ બધી વાતો છે. તમે લેખક ન હો ને માત્ર ફિલ્મકળાના રસિયા હો તો પણ તમને તેમાં રસ પડશે. છેલ્લે મહત્ત્વની વાત. કળા અને ક્રિયેટિવિટીનો મિજાજ મુક્તપણે વહેવાનો છે. તે કંઈ થિયરી અને નિયમોમાં બંધાય નહીં. આ કંઈ એક વત્તા એક એટલે બે એવી ફોર્મ્યુલા નથી. ફિલ્મલેખનના મૂળભૂત નિયમોને તોડીફોડીને અલગ જ રીતે પટકથાઓ લખાઈ જ છે ને તેના આધારે બનેલી ફિલ્મો સફળ પણ થઈ છે... પણ નિયમોને તોડતા પહેલાં નિયમોને જાણવા પડે, ખરું?
શો-સ્ટોપર
સફળતા તો મને નાની ઉંમરે જ મળી ગઈ હતી, પણ કોન્ફિડન્સ બહુ મોડો આવ્યો. નઠારા, ઉદ્ધત, સ્ત્રીઓ વિશે એલફેલ વાતો કરતા પ્રોડયુસરો-ફિલ્મમેકરોને પણ હું પગે લાગતો. આજે પાછું વળીને જોઉં છું ત્યારે લાગે છે કે આટલા બધું ઝુકવાની જરૂર નહોતી. મને મારી મહેનત બદલ વ્યવસ્થિત પૈસા મળવા જોઈતા હતા, જે હું ક્યારેય માગી શક્યો નહીં.
- સોનુ નિગમ (ગાયક)


