- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- દીકરા, મારામાં એક નવી મમ્મીનો અવતાર થયો છે જે મને શીખવે છે કે જમાના પ્રમાણે નહીં બદલાઓ તો ફેંકાઈ જશો' - ઇશિતાદેવી
એ પાર્ટમેન્ટના દરવાજે પહેરગીરે ડંકા વગાડયા. એક - બે નહીં પૂરા અગિયાર બાર અને એક ઇશિતાદેવીએ ઉભા થઇને પોતાનાં ચશ્માં લીધાં. મોતિયાના ઓપરેશન બાદ હજી હમણાં જ નવાં ચશ્મા કઢાવ્યાં છે. આંખો હજી બરાબર ટેવાઈ નથી. એમણે ધ્યાનપૂર્વક ઘડીયાળ જોઇને ખાતરી કરી લીધી કે એક વાગ્યો છે. તેમના મનને ચેન નથી. તેઓ સ્વીચ ઓફ કરીને લાઇટ બંધ કરે છે.
પણ આંખમાં ઊંઘ નથી. મનોમન વિચાર કરે છે કે કેટલાક લોકોને દિવસ અને રાતમાં ફેર જ નથી લાગતો. હજી સુધી સત્કાર અને ઇશ્વરી નથી આવ્યાં ! શું કહેવું આ દીકરો અને વહુને લગ્ન થયાને એક વર્ષ થયું પણ હજી રખડવાના અભરખા પૂરા નથી થયા.
પોતાને સોમવારનો ઉપવાસ છે એટલે ઇશિતાદેવીએ થર્મોસમાં ગરમ દૂધ ભરી રાખ્યું છે. ઇશિતાદેવીએ થર્મોસ ખોલીને કપ ભરીને દૂધ ગટગટાવી ગયાં... વળી પાછાં તેઓ વિચારે ચઢી ગયાં... 'સત્કાર અને ઇશ્વરી આઠ વાગ્યાનાં ગયાં છે... એક વાગી ગયો. જેને ઘેર તેઓ ગયાં હશે,એમનાં માબાપ પણ શું મારી જેમ લાચાર હશે ? તેઓ પોતાના પુત્ર તથા વહુને કંઇ જ કરી શક્તાં નહીં હોય ?' એમણે નાઇટ લેમ્પ ચાલુ કર્યો.
... ઇશિતાદેવીની આંખ ભીની થઇ ગઈ. સામેની દીવાલ તરફ એકાએક એમનાથી જોવાઈ ગયું. સત્કારના પપ્પા સ્વ. નયનકુમારનો ફોટો કેવો રુઆબદાર લાગતો હતો ! અને ત્યારે એમનો પોતાનો પણ કેટલો વટ હતો ! બનીઠનીને બન્ને જણાં બહાર નીકળે ત્યારે ઇશિતાના સાસુમા અચૂક કહેતા : 'ઇશિતા, થોડીક સાદી રહે જરા, તારા કારણે મારા નયનને લોકોની નજર લાગી જશે, સમજી ?' મારો દીકરો નયન ભાગ્યશાળી છે, નહીં તો રાંકને ઘેર લક્ષ્મીની પધરામણી આમ આકસ્મિક ન થાય. ઇશિતા તો સાક્ષાત લક્ષ્મી છે.' અને ઇશિતાદેવી મનમાં ને મનમાં હરખાતા 'ભલે મારા સાસરિયા ગરીબ છે, પણ કેટલી બધી ખાનદાની છે એમનામાં ? પૈસાદારની પુત્રવધૂ બનીને કદાચ મને સુખસાહ્યબી મળત, પણ આ ગરીબના અંતરમાં ખાનદાનીની ખેરાત કરવાની જે ભાવના છે એનો અનુભવ તો ના જ થાત ને ?'
ઇશિતાદેવીના સસરાજી જેટલા પ્રેમાળ, સાસુમા તેટલાં જ કડક ! આઠ વાગ્યા પછી ઘરની બહાર પગ મૂકવાનું બંધ... ત્યારે ઇશિતા દેવી ક્યારેક તો તેમના પતિ નયનકુમાર પર ક્રોધે ભરાઈને કહેતાં : 'તમે તો કેવા પુત્ર છો ? બધું જ મમ્મી કહે તેમ કરવાનું ? મેં માત્ર તમારી મમ્મીની સેવા કરવા માટે લગ્ન નથી કર્યાં, તમારી સાથે દાંમ્પત્યજીવનનો આનંદ માણવા માટે મેં લગ્ન કર્યાં છે. હરવા ફરવાના દિવસોમાં ચાર દીવાલો વચ્ચે ગોંધાઈ રહીશું તો આપણું જીવન નીરસ બની જશે. પિયરમાં હતી ત્યારે મમ્મી કહેતી કે અહીં અમારે ઘેર છું, ત્યાં સુધી જવાબદારી અમારી છે. લગ્ન થયા પછી તારે ફરવું હોય એટલું ફરજે. અમને વાંધો નથી. અને લગ્ન કરીને આવી ત્યાં સાસુમાની આવી કડકાઈ ! બોલો મારે હવે શું કરવું ?'
ઇશિતાના પતિ નયનકુમાર જાણતા હતાં કે તેમની મમ્મીજીના એકચક્રી શાસનમાં તેઓ સહેજ પણ માથું ઊંચકશે તો ઘરમાં મીની મહાભારત સર્જાઈ જશે અને એના કરુણ શિકાર બનશે તેમના પપ્પાજી. મોડી રાત સુધી એમણે ઇશિતા વિરુદ્ધની ફરિયાદો સાંભળી સાંભળીને થાકી જવાનું અને તક મળ્યે તેનો બચાવ કરતાં રહેવાનું.
ઇશિતાદેવીના પહેરવા-ઓઢવાના કોડ મનમાં જ રહી ગયા... ભરજવાનીમાં તેમના પતિ નયનકુમાર પરલોકવાસી બન્યાં. પુત્ર સત્કારની જવાબદારી તેમના માથે આવી પડી. ઇશીતાદેવીએ નોકરી સ્વીકારી, નાના મોટાં કામો કરીને સત્કારને ભણાવ્યો. અને ઘરડાં સાસુ-સસરાનું અવસાન થતાં તેમની ઉત્તરક્રિયાઓ પણ પતાવી. સત્કારનો અભ્યાસ પૂરો થતાં તેને એક પ્રતિષ્ઠિત કંપનીમાં ઊંચા પગારથી નોકર મળી ગઈ, એટલે સત્કારે પરાણે મમ્મી ઇશિતાદેવીની નોકરી છોડાવી દીધી.
સત્કાર ઓફિસે જાય પછી ઇશિતા દેવીને જાણે કે ઘર ખાવા દોડતું એ એકલતાને નિવારવા માટે એમણે અચકાતાં ખચકાતાં સત્કારને લગ્ન કરી લેવાની વાત કરી. સત્કાર હજી એકાદ વર્ષની રાહ જોવા ઇચ્છતો હતો પણ ઇશિતાદેવીએ એમની જિદ ચાલુ જ રાખી, અંતે સત્કારે મધ્યમ માર્ગ કાઢ્યો. ઇશિાતદેવી ઇચ્છતાં હતાં કે સત્કાર ભણેલી પણ નોકરી ન કરતી છોકરી સાથે લગ્ન કરે. કારણ કે તેમના પતિના અવસાન પછી ઇશિતાદેવી ઘરમાં ઠર્યાં જ નહોતાં. ઘર અને એમને બન્નેને સંભાળે એવી પુત્રવધુની એમને જરૂર હતી. પણ સત્કાર એમ માને ખરો ? એણે સ્પષ્ટ શબ્દોમાં ઇશિતાદેવીને કહી દીધું હતું કે હું મારી પત્નીની સ્વતંત્રતા છીનવી લેવા માગતો નથી. જો એ નોકરી કરતી જ હશે તો એને નોકરી છોડવા માટે હું દબાણ નહીં કરું. 'અને સત્કારે પસંદગી ઉતારી ઇશ્વરી પર. જે એમ.બી.એ. થયેલી હતી અને એક પ્રતિષ્ઠિત કંપનીમાં આસિસ્ટંટ મેનેજર તરીકે કામ કરતી હતી. ઇશિતાદેવીએ કચવાતે મને હા પાડી અને ઇશ્વરી એમની પુત્રવધૂ બની હતી.'
ઇશ્વરી આમ તો ખૂબ જ સંસ્કારી, ખાવાપીવામાં ઇશિતાદેવીની ખૂબ જ કાળજી રાખે. સવારે ચા સાથે ચશ્માં, અને પેપર હાજર જ હોય. ઇશિતાદેવીનો પૂજાનો સામાન, નહાવાનું ગરમ પાણી, એમનાં કપડાં, પૂજાપાઠ, ભોજન કશામાં એ સહેજ પણ વેઠ ઉતારતી નહોતી. ઇશ્વરી ઇશિતાદેવીની આમન્યા પણ ખૂબ રાખે. પણ ઇશ્વરી પહેરવા ઓઢવાની ભારે શોખીન હતી. દિવસમાં ત્રણ વાર તો એને કપડાં બદલવાં જોઇએ. સાંજ પડયે જોબ પરથી આવીને રસોઈ બનાવે, ઇશિતાદેવીને જમાડે, એ અને સત્કાર જમી લે પછી બધું કામ પતાવીને સત્કાર સાથે ફરવા નીકળી પડે. ફરવા જવાનાં કપડાં જુદાં, જોબ પર જવાનાં કપડાં જુદાં અને ઘરે પહેરવાનાં કપડાં જુદાં, આમ ઇશ્વરીને કપડાંની રેલંછેલ ! જ્યારે ઇશિતાદેવીને એમનાં સાસુમાને પૂછ્યાં વગર કંઇપણ ખરીદવાની છૂટ નહોતી. જ્યારે ઇશ્વરી કપડાં પાછળ ધૂમ ખર્ચા કરતી હતી તે ઇશિતાદેવીને જરાપણ પસંદ નહોતું. પણ આ વાત સત્કારને કહેવાની હિંમત તેઓ નહોતાં કરી શક્તાં. સત્કાર એમનો લાડકોડમાં ઉછરેલો એકનો એક દીકરો. ઇશિતાદેવી એક શબ્દ બોલે તો એ ચાર શબ્દ પાછા વાળે એવો મોં છૂટો એટલે તેઓ બધો બળાપો ઇશ્વરી પર કાઢતાં હતાં. પણ ઇશ્વરી તેમને મહામીંઢ લાગતી, કારણ કે એ સામે જવાબ આપતી નહોતી પણ પોતાને કરવું હોય એમ જ કરે.
પીન્ક કલરની સાડી, મેચિંગ બ્લાઉઝ પીન્ક કલરની કાચની બંગડીઓથી ભરેલો હાથ મસમોટો ચાંલ્લો, સેંથામાં સિંદૂર અને ગોરો વાન. ઇશિતાદેવી ઇશ્વરીને જોતાં ત્યારે એમને થતું છો ને બિચારી મજા કરે... પણ ઓફિસે જતી વખતે ઇશ્વરી જીન્સનું પેન્ટ અને ટીશર્ટ પહેરે ત્યારે ઇશિતાદેવીનું સાસુપણું જાગ્રત થઇ જતું અને મનમાં મનમાં બળાપો કાઢતાં.
અને એ રાતે એકલા અટૂલાં ઇશિતાદેવી સત્કાર અને ઇશ્વરીનાં પાછાં ફરવાની રાહ જોઈ પથારીમાં પડખાં ફેરવી રહ્યાં હતાં. વળીવળીને એમની નજર પોતાના સ્વર્ગસ્થ પતિ નયનકુમાર અને પોતાનાં સંયુક્ત ફોટા તરફ જતી હતી જે યુવાવસ્થાની યાદ તાજી કરાવતી હતી... તસવીર હૈયું હચમચાવી મૂકે તેવી હતી. કેવું જાજરમાન વ્યક્તિત્વ હતું નયનકુમારનું!
કેવી ખુમારી, કેવો ઠસ્સો, કેવો જુસ્સો ! અને પોતે રૂપરૂપનો અંબાર...ઇશિતાદેવી કેટકેટલી આશાઓ અને અરમાનો સાથે પરણીને સાસરે આવ્યાં હતાં ! પણ તેમના કોડ અધૂરા જ રહી ગયાં... નયનકુમારના મમ્મીના કડક સ્વભાવને કારણે ઇશિતાદેવીના અરમાનો બધાં ભસ્મીભૂત થઇ ગયાં હતાં અને પોતાની મમ્મીના જોહુક્મી આગળ નયનકુમાર પણ લાચાર હતાં. અધૂરામાં પૂરું, ભરજવાનીમાં એકાએક કાળનું તેડું આવ્યું અને તેઓ નાનકડા સત્કાર અને ઇશિતાદેવીને છોડીને પરલોક સિધાવી ગયા. ઇશિતાદેવીની વહેતાં આંસુને કારણે ફોટો ઝાંખો દેખાવા લાગ્યો... એટલે તેઓ ઊભાં થયાં અને દીવાલ પર લટકતા એ ફોટાને લૂછવા માટે ઉતાર્યો અને પોતાની સાડીના પાલવથી લૂછવા માંડયો... અને નયનકુમારની મૂંગી આંખો જાણે કે તેમની સાથે સંવાદ રચે છે...'સત્કારનાં મમ્મી સાંભળો છો ? તમે આપણાં વહુ દીકરાની રાહ જુઓ છો ને ? છોને બિચારાં ફરતાં તેમને આનંદથી તેમની રીતે જીવવા દો. કેમ તમે ભૂલી ગયાં, તમારી જવાનીનાં દિવસો ? હરવા ફરવાના દિવસોમાં ચાર દીવાલો વચ્ચે આપણે કેવાં ગોંધાઈ રહેતાં હતાં ? પણ મારી મમ્મીના એકચક્રી સામ્રાજ્ય સામે તો સહેજપણ માથું ઊંચકી શક્તાં નહોતાં. એ દિવસો પૂરા થયા. અત્યારે આપણા દીકરા સત્કારનો સમય આવ્યો છે. કોઈ રોક-ટોક વગર બસ, મન ભરીને એને જિંદગી માણવા દો.'
વડીલોએ ઠરવા માટે રોષ કે રીસ ન કરાય ઠારવા માટે જ જિદ કરાય. દુ:ખ ભોગવનારનું એક જ કર્તવ્ય હોય છે. પોતાને પડયાં તેવા દુ:ખોથી બીજાને મુક્ત રાખવાનું. સંતાનો આપણા દુ:ખમાં ભાગીદાર બને જ, એ કંઇ આપણો હક નથી. મા બાપ તો રાજારાણી જેવાં છે, દાતા છે. અને દાતાને ભિખારી બનવાનું ના શોભે. એટલું સમજી લે જો અને આપણાં સત્કાર તથા ઇશ્વરીના સુખને અમીદ્રષ્ટિથી સીંચજો.
અને કોલબેલ રણક્યો. સત્કાર અને ઇશ્વરીએ સંકોચ સાથે ઘરમાં પ્રવેશ કર્યો. સત્કારે કહ્યું : 'મમ્મી સોરી.મોડું થઇ ગયું !' મમ્મીએ તેને ભેટતાં કહ્યું : 'દીકરા, મારામાં એક નવી મમ્મીએ અવતાર લીધો છે. જમાનો મને શીખવે છે કે જમાના પ્રમાણે નહીં બદલાઓ તો જમાનો તમને ફેંકી દેશે. જાઓ બેટા, તું અને તારી પત્ની મારી કેદમાંથી આઝાદ. હું પણ ક્યારેક વહુ હતી.'


