Get The App

સંગીતની સફરની નવી સવાર : ટેલર સ્વિફ્ટનું આલબમ કેસેટ ફોરમેટમાં!

Updated: Aug 31st, 2025

GS TEAM

Google News
Google News
સંગીતની સફરની નવી સવાર : ટેલર સ્વિફ્ટનું આલબમ કેસેટ ફોરમેટમાં! 1 - image

- એ.આઇ.,સ્ટ્રીમિંગ અને મ્યુઝિક એપના જમાનામાં ઓડિયો કેસેટ લોન્ચ કરવાનો સુખદ ટ્રેન્ડ એટલે ભૂતકાળને ફરી જીવવાની ખુશી આપતો અવસર

- હોરાઈઝન-ભવેન કચ્છી આજે વિશ્વમાં એક મોટો વર્ગ છે જેઓ 50 વર્ષ અગાઉ દુનિયા હતી તે જ પ્રમાણે જીવન જીવે છે.. કાર,રેકોર્ડ પ્લેયર,ફર્નિચર બધું જ જૂના જમાનાનું

ટે લર સ્વિફ્ટ આગામી ઓક્ટોબરમાં ‘Life of a showgirl' નામનું તેનું આલબમ સ્ટ્રીમિંગ અને રેકોર્ડ (Vinyl)  પ્લેટફોર્મ પર તો રિલીઝ કરવાની જ છે પણ સંગીતની દુનિયાને આશ્ચર્યમાં મૂકતા તેણે આ આલબમ '૭૦ અને '૮૦ના દાયકામાં આપણે ફિલ્મી અને ગેરફિલ્મી ગીત સંગીત જે ઓડિયો કેસેટમાં સાંભળતા તેમાં પણ રિલીઝ કરવાની જાહેરાત કરી છે. ટેલર સ્વિફ્ટની વાત પર આવીએ તે પહેલાં સંગીતની દુનિયાની સફરની ઝલક લઈએ.

એક જમાનામાં રેકોર્ડ પ્લેયર કે જેને આપણા વડીલો થાળી વાજું કહેતા તેનો જમાનો હતો. લોંગ પ્લે(LP)અને એક્ટેન્ડેડ પ્લે (LP) રેકોર્ડ પર પિન મુકાતી અને સ્ટીરિયો સ્પીકરથી જે સંગીત બહાર આવતંય તે અનેરો રોમાંચ આપતું હતું. શ્રીમંતોને ઘેર એક પછી એક અગાઉથી ગોઠવેલ રેકોર્ડ બદલાતી જાય તેવા ચેન્જર રેકોર્ડ પ્લેયર જોવા મળતા. ઘરના મુખ્ય રૂમમાં એક  મોટા ટેબલ જેવી જગ્યા આવા રેકોર્ડ પ્લેયર લેતા હતા. રેકોર્ડના કવર તે જમાનાના યુવાઓમાં આકર્ષણ જમાવતા કેમ કે જો ફિલ્મની રેકોર્ડ હોય તો મુખ્ય કલાકારોનું રંગીન ચિત્ર હોય અને કવરની પાછળની બાજુ સંગીતકારનો ફોટો હોય. આ ઉપરાંત કયા ક્રમે કેટલી મિનિટમાં ક્યુ ગીત હશે તેની અનુક્રમણિકા પણ હોય. કાળા રંગની ગોળાકાર ડિશ જેવી રેકોર્ડ પર આંકા હોય તેના પર સોઈ ફરતી જાય અને સંગીતની દુનિયા ખડી થઈ જાય. જેઓને આવું રેકોર્ડ પ્લેયર પરવડે નહીં તેઓ માટે એવી કેટલી હોટલ પણ હતી જ્યાં ચા કે કોફી પીવાની અને અમુક પૈસા આપીને મનગમતું ગીત સાંભળી શકાતું. જી હા તે વખતે માત્ર ચા કે નાસ્તો પીરસાતી દુકાન હોટલ તરીકે ઓળખાતી.

તે પછી મેગ્નેટિક પટ્ટી વીંટેલી હોય તેવી સિગારેટના એક પેકેટ કે ખિસ્સામાં સમાઈ જાય તેવી કેસેટનો જમાનો આવ્યો.

રેકોર્ડમાં આગળ અને પાછળની બાજુ મળીને ફિલ્મના સાત આઠ ગીતો સમાયેલા હોય. અમુક વખત સાંભળીને પછી તે રેકોર્ડ એમ જ પડી રહેતી. દર નવી હિટ ફિલ્મ કે ગાયકોની રેકોર્ડ વખતોવખત ખરીદવી મોંઘી પડતી હતી. રેકોર્ડ પ્લેયર પણ જગ્યા રોકતું અને તે પણ મધ્યમ વર્ગને પરવડતું નહોતું. જ્યારે ઓડિયો કેસેટ તો ૬૦ કે ૯૦ મિનિટની ક્ષમતા ધરાવતી હોય. તે કોઈ એક ફિલ્મ કે ગેરફિલ્મી  કે ગાયકોની પણ મળે અને એમ ને એમ ખાલી એટલે કે બ્લેન્ક પણ ખરીદી શકાતી. કેટલાક તો ખાસ આ કેસેટ પર તમે જુદા જુદા ક્યા ગીત ટેપ કરવા માંગો છો તે આપેલ યાદી પ્રમાણે રેકોર્ડ કરી આપતા. ફરી તેનાથી કંટાળો એટલે તેના પર બીજા ગીત રેકોર્ડ થઈ શકે.કેસેટ ઓછી જગ્યા રોકે એટલે સંગીતના શોખીનો એક બે ખાનામાં તેમનું પચાસ સાંઇઠ કેસેટનું કલેક્શન ગૌરવભેર બતાવતા. જો કે કેસેટને ક્રાંતિકારી મુકામ આપવાનું શ્રેય સોની કંપનીને જાય છે જેઓએ ૭૦ના દાયકામાં વોકમેન થકી ધૂમ મચાવી.પોકેટ રેડિયા જેવું કેસેટ પ્લેયર હોય અને કાનમાં વાયર ધરાવતા સ્પીકર ભરાવેલા હોય. હાલતા ચાલતા કેસેટ સાંભળવી તે જાણે નવી સદીમાં વહેલા પ્રવેશી ચૂક્યા હોય તેમ રોમાંચ આપતું હતું.

કેસેટ આવી એટલે કેસેટ પ્લેયર, ડેક, સ્ટીરિયો સાઉન્ડ, ઈકો સાઉન્ડ, કાર ટેપ, ઘેર એક એક ખૂણા પર બે સ્પીકર મૂકીને રોફ મારવાનો જમાનો આવ્યો.

અમેરિકા, બ્રિટન કે કેનેડામાં રહેતા આપણા સગા સ્નેહી સોની કે ટીડીકે કંપનીની બે ત્રણ ઓડિયો કેસેટ આપે તેમાં તો ધન્ય થઈ જતા.

કેસેટે બે દાયકા દબદબો ભોગવ્યો પછી  પછી સી. ડી.(Compact disc)નો જમાનો આવ્યો. નિર્માતા, મ્યુઝિક કંપની અને ગાયકો તેમાં જ રેકોર્ડેડ આલ્બમ લોન્ચ કરતા હતા. સી.ડી.માં તો ઓડિયો હોય તો પચાસેક ગીત સમાવી શકતા. આવી પાયેરેટેડ સી.ડી. અને તે પછી ડી.વી.ડી..(Digital versatile disc)  આવી જેમાં ઓડિયો સાથે વિડિઓ પણ સામેલ હોય. ભારતમાં વખત જતા પાઇરેટેડ આવી સી.ડી. અને ડી.વી.ડી. લારીમાં શાકભાજી કરતા સસ્તા ભાવે વેચાતી.

હવે તો વજન પ્રમાણે  વેચાય તો પણ કોઈ ખરીદનાર નથી કેમ કે સ્માર્ટ ફોન પર ‘Spotify' જેવી એપ વિશ્વભરના તમામ પ્રકારના સંગીત પીરસે છે. તમામ એફ.એમ., અન્ય સેંકડો મ્યુઝિક એપ, પોડકાસ્ટ, યુ ટયુબ પણ હાથવગું છે. ડાઉન લોડની સગવડ છે. ઓકે ગૂગલ અને સીરીને થોડું મોટેથી બોલીને હુકમ કરો કે 'આ ગીત સંભળાવ' તો તરત જ ચિઠ્ઠીના ચાકરની જેમ તે ગીત કે મ્યુઝિક સાથે હાજર થઈ જશે.

આજે ઘેર રેડિયો, રેકોર્ડ પ્લેયર, ટેપ રેકોર્ડર, કેસેટ  પ્લેયર, સી.ડી.પ્લેયર કે સ્પીકર જોવા નથી મળતા છતાં વિશ્વનું સંગીત ખૂબ જ નજીવી કિંમતે પ્રાપ્ય છે. સ્માર્ટ ફોન અને ડિજિટલ દુનિયા દ્વારા બધું જ હાજરાહજુર છે.

હા, સંગીતનો ઇતિહાસ લખાશે ત્યારે એપલ કંપનીનો 'આઇપોડ' સીમાચિન્હ સમાન સ્થાન ધરાવશે. પોકેટ સાઈઝના ૨૦૦૧ના પ્રથમ વર્ઝનમાં ૫ જી.બી.સ્ટોરેજ ક્ષમતાથી આગળ વધીને ૨૧ વર્ષ બાદ ૧૦ મે, ૨૦૨૨ના રોજ એપલે સ્માર્ટ ફોન સામે આઇપોડ પણ આઉટ ડેટેડ થયા અને આ પ્રોડક્ટ બંધ કરી ત્યારે ૨૫૬ જી.બી. સ્ટોરેજ ક્ષમતા સુધીના ગીતો કે ડેટા સંગ્રહિત કરી શકાય તેવું મોડલ હતું. આમ ૧૯૭૯માં વોકમેન લોન્ચ થયું અને ૨૦૨૨માં  આઇપોડ બંધ થયા આ ૪૩ વર્ષ સંગીતના ઉપકરણોની સતત અપડેટ સાથેની તેજી કહી શકાય.

જો કે હજુ આ ઇતિહાસ પર કાયમી પડદો પડી ગયો તેમ મનાતું હતું ત્યારે વિશ્વમાં એક નાનો સમુદાય એવી રીતે જીવી રહ્યો છે જે ખાસ પ્રચલિત બનવા નથી માંગતો. ભલે માનવ જગત ૨૧મી સદીમાં આવી ગયું. એ.આઇ. અને રોબોટની દુનિયા હવે તો સંગીત સર્જતી થઈ ગઈ છે પણ આ સમુદાય હજુ પણ ૧૯૭૦, ૧૯૮૦ કે તેના કરતા પણ જૂના જમાનામાં જે સાધનો, સગવડો અને ઉપકરણ હતા તેનાંથી જ જીવે છે. અંગ્રેજીમાં જેને  ‘Vintage'  કહેવાય છે તેનું એક બજાર ખાસ આવા સમુદાય માટે છે.તમે ઓનલાઇન શોપિંગમાં પચાસ વર્ષ જૂનું રેકોર્ડ પ્લેયર, ફર્નિચર, કાર કેસેટ, રેકોર્ડ બધું જ ખરીદી શકો છો.

ફરી ટેલર સ્વિફ્ટ તેનું આલબમ કેસેટ પ્લેયર ફોર્મેટમાં પણ લોન્ચ કરવાની છે તે વાત પર આવીએ તો ટેલર સ્વિફ્ટ અને તેની મ્યૂઝિક કંપનીને માર્કેટિંગ વિચાર આવ્યો કે તેમના મોટાભાગના ચાહકો પોડકાસ્ટ, એપ અને સ્ટ્રીમિંગથી જોડાયેલા છે તેઓ  જનરેશન ઝેડ (૧૯૯૫ - ૨૦૧૨માં જન્મેલા) અને જનરેશન આલ્ફા (૨૦૧૩- ૨૦૨૫) વર્ગના છે પણ તે અગાઉના વર્ષોના મિલેનિયલ્સ (૧૯૮૦ - ૧૯૯૪), જનરેશન એક્સ (૧૯૬૫ - ૧૯૭૯) તેમજ બેબી બૂમર પણ (૧૯૪૬ - ૧૯૬૪) ટેલર સ્વિફ્ટને સાભળવા ઉત્સુક છે. તેઓ ડિજિટલ કરતા તેમની કિશોર કે યુવાવસ્થા વખતે જે માધ્યમથી સાંભળતા હતા તે ફોર્મેટમાં તેઓને આલબમ આપીએ તો વધુ રોમાન્ચ અનુભવશે અને આ રીતે હવે થશે કેસેટ યુગનું પુનરાગમન.

ટેલર સ્વિફ્ટનું જોઈ હવે લેડી ગાગા, હેરી સ્ટાઇલ, ઓલિવિયા રોડરીગ્સ, બિલી એલિસ, લાના ડેલ રે પણ આગામી આલબમ સી.ડી., રેકોર્ડ, સ્ટ્રીમિંગ અને કેસેટ ફોર્મેટમાં લોન્ચ કરવાના છે. કેટલાક તો ૨૦૨૨ના વર્ષમાં લિમિટેડ એડીશન કેસેટ આપી ચૂક્યા છે.

એકલા અમેરિકામાં જ વર્ષ ૨૦૨૩માં ૪,૩૬,૦૦૦ કેસેટ વેચાઈ હતી. ૨૦૧૫માં આ આંક ૮૦,૭૨૦ કેસેટનો જ હતો.

કેસેટ કે જુના ઉપકરણોથી સંગીત સાંભળતા વર્ગને 'સુપર ફેન' કહેવાય છે. સંગીત સાંભળતા શ્રોતાઓનો ૧૮ ટકા વર્ગ હવે આ શ્રેણીમાં આવી ગયો છે. વધતી વય સાથે જૂનું ફરી અપનાવાતું જાય છે. આજની નવી પેઢી પણ કુતૂહલ સંતોષવા કેસેટ ખરીદી શકે છે. ટેલર સ્વિફ્ટને કેસેટ યુગની બ્રાન્ડ એમ્બેસેડર કહી શકાય. આપણે ત્યાં અરિજિત સિંઘ આવો ટ્રેન્ડ શરૂ કરે તે દિવસો દૂર નથી કેમ કે પશ્ચિમનું અનુકરણ કરવા માટે આપણે ટાંપીને જ બેઠા હોઈએ છીએ.

જ્ઞાન પોસ્ટ

‘one good thing about music ,when it hits you,you feel no pain.' - Bob Marley