- હોટલાઈન-ભાલચંદ્ર જાની
- મોબાઈલ ખરીદવા કે દોસ્તો સાથે પાર્ટી કરવા જેવી બાબતે તરુણો અપહરણ, બળાત્કાર અને હત્યા જેવા ગંભીર અપરાધો કરી બેસે છે
દે શમાં બાળકો અને તરુણોમાં હિંસાનું પ્રમાણ ભયજનક હદે વધી ગયું છે. સમાજે એની કુભકર્ણ નિંદ્રામાંથી જાગવું પડે એવા બે-ત્રણ કિસ્સા તાજેતરમાં જ બન્યા છે.
અમદાવાદમાં આવેલી સેવન્થ-ડે ઍડ્વેન્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલમાં ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચે ધક્કો લાગવા જેવી સામાન્ય બાબતે તકરાર થયા બાદ બીજા દિવસે સ્કૂલની બહાર સામેની ગલીમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર છરીથી હુમલો કરતાં સ્કૂલ રક્તરંજિત બની હતી. અને લોકોમાં ચકચાર મચી ગઈ હતી.
આઠમા ધોરણના વિદ્યાર્થીએ દસમા ધોરણના વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરતાં તે લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડયો હતો. એ પછી હુમલો કરનાર વિદ્યાર્થી નાસી ગયો હતો. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓ હૉસ્પિટલ લઈ ગયા હતા જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું.
અમદાવાદની સ્કુલની ઘટના હજુ જુની થઈ નથી ત્યાં બાલાસિનોરની એક સરકારી સ્કુલના ધોરણ આઠમા ભણતાં વિદ્યાર્થી પર તેના સહાધ્યાયીએ છરીથી હુમલો કર્યો હતો. સાવ નજીવી બાબતે ઝઘડો થતાં આરોપીએ વિદ્યાર્થીને પીઠ, પેટ અને ખભા પર છરીના ઘા માર્યા હતા. એવી જ રીતે વડોદરાના પાદરામાં સાતમા ધોરણમાં ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચે બેન્ચ પર બેસવા બાબતે ઉગ્ર વિવાદ થયો હતો. ત્યારબાદ એક વિદ્યાર્થીએ બીજાને ચાકુ માર્યું હતું.
પુણેની નજીકમાં જ આવેલા ભોસારી શહેરમાં ગત ૩૧મી માર્ચે આવી જ એક ચોંકાવનારી ઘટના બની ગઈ. વાત જાણે એમ બની કે ૧૫ વર્ષના એક છોકરાને તેના ભૂતપૂર્વ સહાધ્યાયીનો ફોન આવ્યો. તેણે કોમ્પ્યુટરમાં મદદ માટે પોતાના ઘરે બોલાવ્યો. તેઓ છોકરાને કારમાં લઈ ગયા અને તેનું અપહરણ કરી લીધુ. એટલું જ નહીં તેમણે વાયર વડે એનું ગળુ પીસીને તેની હત્યા કરી નાખી. ત્યાર બાદ છોકરાના પિતાને વારંવાર ફોન કરી તેમની પાસે રૂ. ૫૦,૦૦૦ની ખંડણી માગી.
પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવતા અપહરણ અને હત્યાના કેસમાં સંડોવાયેલા સગીર વયના આ બન્ને બાળકોએ જણાવ્યું હતું કે તેમણે વિખ્યાત ટીવી શો 'સીઆઇડી'માંથી અપહરણ માટેની પ્રેરણા મેળવી હતી. હત્યાનો પ્લાન તો તેમણે કર્યો જ હતો, પરંતુ પાર્ટી કરવા માટે પણ તેમને પૈસાની જરૂર હોવાથી ખંડણી માગી હતી.
આ માત્ર એક કેસ નથી. તરુણો હિંસા તરફ વળી ગયા હોય એવા અનેક બનાવો હાલ ભારતમાં બની રહ્યા છે. હિંસા, અપહરણ અને હત્યામાં તરુણોની સંડોવણી વધી રહી છે.
બીજો એક કિસ્સો જોઈએ. નાલાસોપારામાં રહેતી છ વર્ષની બેબી બધાને પ્રિય હતી. બધા સંબંધીઓ તેને લાડ લડાવતા હતા. બાળકીને ઘરના લોકો જે લાડ લડાવતાં હતાં તે જોઈ શકતો ન હતો. એથી ગુસ્સે થઈને, તે તેને નજીકના ડુંગર પર લઈ ગયો અને તેનું ગળું દબાવી દીધું હતું. આ પછી તેના માથા પર પથ્થર મારીને બેબીની હત્યા કરવામાં આવી હતી. આરોપીની ઉંમર ૧૩ વર્ષ છે અને મૃતકનો ફઈનો દીકરો છે.
મહારાષ્ટ્રના યવતમાળમાં નવ વર્ષીય છોકરાએ સ્કૂલના શૌચાલયમાં આઠ વર્ષની બાળકીનું જાતીય શોષણ કર્યું હતું. આ ગુનામાં તેની સાથે ભણતી આઠ વર્ષીય વિદ્યાર્થિનીએ મદદ કરી હતી. પોલીસે કેસ નોંધી બંને આરોપીની અટકાયત કરી હતી. આઠ વર્ષની પિડિતા અને નવ વર્ષનો છોકરો તથા તેની સાથીદાર ત્રીજા ધોરણમાં સાથે ભણતા હતા.
હિચકારી ઘટના પછી બાળકીએ તેના પ્રાઇવેટ પાર્ટમાં દુખાવાની ફરિયાદ કરી હતી. જેના પગલે માતા તેને હોસ્પિટલમાં લઇ ગઇ હતી. પીડિતાના ગુપ્તાંગ પર ઇજાના નિશાન હતા. પોલીસે આ મામલામાં ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.
બાળ અવસ્થામાં ગણાય તેવા ૧૫થી ૧૮ વર્ષની વયના 'તરુણો'ના આવા અનેક કિસ્સાઓ પોલીસ અને સરકારી સંચાલિત બાળ સુધારણા ગૃહો કે હેલ્પલાઈન સુધી પહોંચી રહ્યાં છે. કાયદાકીય મર્યાદા એ છે કે, ૧૮ વર્ષ ન થયાં હોય તેવો તરુણ ગુનો આચરે તો બાળ ગુનાખોરીની વ્યાખ્યામા આવે છે અને સુધારણા કરવાની કાર્યવાહી જ થઈ શકે છે . ચાલુ વર્ષ ૨૦૨૫માં જ ગુજરાતમાં બાળ ગુનાખોરીના ૧૭૮૬ ગુના પોલીસ સમક્ષ આવ્યાં છે તેમાંથી ૬.૩ ટકા ગુના કોગ્નિઝેબલ ઓફેન્સ એટલે કે એવા ગંભીર ગુના કે જેમાં પોલીસ વોરંટ વગર જ ધરપકડ કરી શકે અથવા તો તપાસ કરી શકે છે તેવા હતાં. એક સમય હતો કે જ્યારે, બાળ ગુનેગારો સામે ચોરી, બળાત્કાર, મારામારી કે હત્યાના આરોપ આવતાં હતાં. પણ, હવે પૈસા માટે કોઈપણ ગંભીર કૃત્ય આચરવું, સોશ્યલ મીડિયાનો દુરૂપયોગ કરી બીજા લોકોને પરેશાની, એકતરફી લાગણીનું પાગલપન, દારૂ, ડ્રગ્સ, સિગારેટ કે અન્ય પ્રકારના વ્યસનો અને નશાખોરીની ફરિયાદો સતત વધી રહી છે.
પોલીસ અને બાળ સુધારણા વિભાગના સૂત્રો કહે છે કે, બાળકો મોબાઈલ ફોનના સતત ઉપયોગના કારણે વહેલાં પાકટ અને એકલવાયાં થઈ રહ્યાં હોવાથી બાળ ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. સોશ્યલ મીડિયાથી લેવિશ લાઈફ સ્ટાઈલનું વળગણ, દેખાદેખી, પૈસા અને એક્સપોઝર પાછળ આજના ઘણાખરાં બાળકો અને તરુણો (૧૫થી ૧૮ વર્ષ) ઘેલાં બની રહ્યાં છે. આવા સંતાનોથી અનેક પરિવારો પરેશાન છે. પૈસા ટેકનોલોજીનો દુરૂપયોગ, સોશ્યલ મીડિયા ઉપર એક્સપોઝર માટેનું ગાંડપણ, પારિવારીક વિખવાદો, વિભક્ત કુટુંબના સભ્યો પ્રત્યે આંતરિક ઘૃણા સહિતની અનેક સમસ્યાઓ નવા યુગમાં બાળ ગુનાખોરીના મૂળમાં જણાઈ રહ્યાં છે. ગુજરાતમાં ૨૬ ચાઈલ્ડ પ્રોટેક્શન હોમ અને ૧૦૭ ચિલ્ડ્રન હોમ છે કે જેમાં બાળ ગુનેગારોની સુધારણાની કામગીરી કરવામાં આવે છે. જૂવેનાઈલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન એક્ટ-૨૦૧૫ નામે અમલમાં આવેલો કાયદો બાળકો પ્રત્યે સંવેદના સાથે સુધારણાની તરફેણમાં છે. મનોચિકિત્સકોના મતે ૧૦ વર્ષની વયથી જ બાળકો કે ૧૫થી ૧૮ વર્ષના યુવા વર્ગની સંવેદનાઓ સમજી તેમના માટે પૂરતો સમય ફાળવવાની બાબતને પરિવાર અને માતા-પિતા પ્રાથમિકતા આપે તે જ બાળ ગુનાખોરીને અંકુશમાં લેવાનો શ્રેષ્ઠ ઉપાય છે.
જો કે એવું જોવામાં આવ્યું છે કે મા-બાપ ગમે તેટલા સંસ્કારનું સિંચન કરે, કાચી વયે બાળકો બુરી સંગતની અસર હેઠળ હિંસાખોરીમાં રાચે છે.
ઉત્તરાખંડમાં નવમા ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીએ શિક્ષકને ગોળી મારી દીધી હતી. ઉત્તરાખંડના કાશીપુરની એક સ્કૂલમાં આ ઘટના બની હતી. ફિઝિક્સના ટીચર ગગનદીપ સિંહ કોહલી વર્ગમાં તેમનો પિરિયડ પૂરો કરીને બહાર નીકળતા હતા ત્યારે વિદ્યાર્થીએ લંચ-બૉક્સમાંથી પિસ્તોલ કાઢીને તેમને પાછળથી ગોળી મારી હતી. ગોળી ગગનદીપ સિંહને જમણા ખભામાં વાગી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે બે દિવસ પહેલાં શિક્ષકે પ્રશ્નો પૂછયા હતા, જેના જવાબ ન આવડતાં તે વિદ્યાર્થી પર ગુસ્સે થઈને બોલ્યા હતા અને લાફા માર્યા હતા. આ વાતનું ખોટી લાગી આવતાં વિદ્યાર્થી લંચબૉક્સમાં પિસ્તોલ છુપાવીને સ્કૂલમાં લઈ આવ્યો હતો.
ખિસ્સા કાપવાથી લઈ લગ્નમાં ઘૂસી જઈ કિંમતી ચીજવસ્તુઓ ઉઠાવી જવી, લોકોનાં ઘરોમાંથી નાની-મોટી ચીજવસ્તુઓની તફડંચી કરવાનાં પ્રકરણોમાં પણ બાળકોનો સહભાગ વધી રહ્યો છે. આ ઉપરાંત સગીર વયના કિશોરો પણ એવા ગુના (જેવું કે નાગપાડાના કિસ્સામાં બન્યું છે) કરતા હોય જે વયસ્ક ગુનેગારો કરતા હોય . તેને લઈ હવે આવા બાળ ગુનેગારો માટે વયસ્ક ગુનેગારો સામે ચલાવવામાં આવે એવી જ કાર્યવાહી કરવાની માગ પણ જોર પકડતી જાય છે. બાળ ગુનેગારો સંદર્ભમાં હવે સુધારિત શિક્ષણ પદ્ધતિ પર ભાર મૂક્વામાં આવી રહ્યો છે. શાળાઓમાં સારા શિક્ષકો હોવા જોઈએ એટલું જ નહીં, બાળકોમાં સંસ્કારોના સિંચન થાય તે માટે ખાસ ધ્યાન આપનારા શિક્ષકો પણ હોવા જોઈએ એવાં સૂચનો થઈ રહ્યાં છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના દર વર્ષે જાહેર થતા આંકડામાં વધતા ગુનાઓની સાથોસાથ એ તથ્ય પણ સામે આવી રહ્યું છે કે સગીરોમાં ગુનાની પ્રવૃત્તિ વધી રહી છે. બગડતા પારિવારિક અને સામાજિક માહોલને કારણે બાળકોને માનસિક તાણ અને હતાશા જેવી સમસ્યાઓએ ઘેરી લીધાં છે. પશ્ચિમના દેશોથી સ્કૂલનાં બાળકોમાં હિંસક વર્તાવના સમાચારો તો આવતા રહે છે, પરંતુ આપણા દેશમાં પણ આવી ઘટનાઓ ખરેખર ચિંતનીય છે. બાળકોને સહનશીલતા અને આદર્શોનું શિક્ષણ આપવાનું રહેશે. તેમની સાથે ઘર અને સ્કૂલ બન્ને સ્થળે ખુલ્લા સંવાદને પ્રોત્સાહન આપવું જોઈએ. બાળકોની માનસિક સ્વાસ્થ્યની તપાસ પણ સમયાંતરે થતી રહેવી જોઈએ. બાળકોને એવો માહોલ આપવાની આવશ્યક્તા છે જેમાં તેઓ સાચા માર્ગે ચાલી શકે. આમાં શિક્ષકો અને વાલીઓ સાથે સરકારની પણ મોટી ભૂમિકા હોય છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના ૨૦૨૪ના આંકડા કહે છે કે, આ વર્ષમાં દેશભરમાં કુલ નોંધાયેલા ગુનાઓ પૈકી ૩૨ હજારથી વધુ ગુનાઓ સગીરો દ્વારા આચરાયા છે. ૧૬થી ૧૮ વર્ષ વયજૂથના કિશોરો દ્વારા થયેલા ગુનાઓની ટકાવારી ૭૫ ટકા જેટલી મોટી છે. ખાસ તો આ આંકડાઓ મુજબ રાજ્યનો વિચાર કરતા સગીર વયો દ્વારા સર્વાધિક એટલે વર્ષમાં ૪૪૦૬ ગુના મહારાષ્ટ્રમાં બન્યા છે. એટલે કે મહિનામાં લગભગ ૩૬૭ અને ૧૨ ગુનાઓ સગીર વય દ્વારા થાય છે, એવું આ આંકડાનું પૃથક્કરણ છે.
સગીર વયનાઓ દ્વારા મોટા પ્રમાણમાં ગુનાઓ થાય છે અને તે ગંભીર સ્વરૂપ લે છે. હિંસાના સંસ્કાર બાળપણથી રેડાય તે બાળકોમાં જોવા મળે છે એ બાબત ચોંકાવનારી છે. ક્ષુલ્લક કારણને લઈ હત્યા કરવી તેની પાછળનાં માનસિકતાનાં પાસાં તપાસવાથી અનેક બાબતો સામે આવશે. ગુનો કરનાર સગીર વયને તેના બાળપણમાં થયેલો અત્યાચારનો અનુભવ જે જુદા જુદા માધ્યમથી ખુદના કે નિકટનાં ઘરોમાંથી તેના સુધી પહોંચતાં હિંસાત્મક દશ્યોને વડીલોના દુર્લક્ષથી ખરાબ સંગતને લઈ કેટલીક હિંસક વૃત્તિ સગીરોમાં ઘર કરી જતી હોય છે.
શહેરોમાં સ્થિતિ એવી છે કે ચાલી-ઝૂંપડીઓથી લઈ ભદ્ર ઘરોમાં પણ સમજદારી ભર્યા ઉછેરનો અભાવ ઊડીને આંખે વળગે એવો છે. વાલીઓની જીવવાની, કારકિર્દીની આકાંક્ષાઓ પૂર્ણ કરવા તથા પરિવારને 'સુખ-સુવિધા' આપવાની દોડધામ એ હદે સ્પર્ધાત્મક બની છે કે માતા-પિતા પાસે પોતાના સંતાન સાથે સંવાદ સાધવાની ફુરસદ પણ નથી.


