- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
- શ્રાવણ અને ભાદરવો ઉભય મહિનામાં આકાશમાંથી પ્રભુની કૃપા ધરતી ઉપર વરસે છે. શ્રાવણમાં ધર્મનાં વહેણો છે તો ભાદરવામાં પણ ધર્મની ઝરણાં છે
'શ્રા વણ' પછી તરત જન્મતો 'ભાદરવો' કંઈ 'શ્રાવણ'થી નથી નાનો કે મોટો. બંને જોડિયા ભાઈઓ છે. એકમાં ભક્તિનો મહિમા ઝાઝો છે, બીજામાં મુક્તિનો મહિમા છે. શ્રાવણ મહિનો દેવાધિદેવ મહાદેવની અને કૃષ્ણભક્તિનો મહિનો છે. શ્રાવણ અને ભાદરવો ઉભય મહિનામાં આકાશમાંથી પ્રભુની કૃપા ધરતી ઉપર વરસે છે. શ્રાવણમાં ધર્મનાં વહેણો છે તો ભાદરવામાં પણ ધર્મની ઝરણાં છે. પ્રજા શ્રાવણ પાસેથી પુણ્ય રળી લેવા, ઉપવાસ કરી ધર્મ ઉપાસના કરે છે તો એ જ પ્રજા પિતૃતર્પણ કરી, ઉલ્લાસપૂર્વક શ્રી અંબાનો મહિમા કરે છે. શ્રાવણ મહિનામાં જંતુયુક્ત કાચુ દૂધ ખાવાની આયુર્વેદ ના પાડે છે. ભાદરવામાં ખીર-દૂધ ખાવા માટે આગ્રહ કરે છે. શ્રાવણ પાસે નાગપંચમી છે, રાંધણછઠ્ઠ છે, શીતળા સાતમ છે અને જન્માષ્ટમી છે - એ પ્રત્યેક દિવસનું આગવું મહત્વ છે. નાગલોક સાથે સંબંધ રાખવાનો ઉપદેશ છે, ભાદરવામાં ગણેશ ચતુર્થી, સંવત્સરી ઉપરાંત પિતૃતર્પણનો મહિમા છે.
શ્રાવણમાં સરવરિયાંરૂપે વરસાદ છે, જે ભાદરવામાં ભરપૂર છે. ભાદરવાને કશું ઓછું ન ખપે. બધું જ ભરપૂર જોઈએ. પછી તડકો હોય કે વરસાદ !! ભાદરવો શ્રી ગણેશ અને ભગવાન મહાવીરનો મહિમા કરતો મહિનો છે. શ્રાવણની સાત્વિકતા ભાદરવામાં સચવાઈ છે. ભક્તિ-મુક્તિ સુધી લંબાઈ છે. પિતૃઓને તૃપ્ત કરવાના દિવસો ભાદરવાના ભાગ્યમાં લખાયા છે. બંને મહિના અવિભક્ત દૈવી અને અગોચર પરિવાર લઈને બેઠેલા છે. બંનેમાં નરી ધર્માભિમુખતા છે. - કૃષ્ણની સામે મહાવીર અને શંકરની સામે ગણેશ !! તુલના પણ કરવા જેવી છે ! શ્રીકૃષ્ણ અને મહાવીર બંનેને મોટા કરનારી મા અલગ છે. બંનેની જીવનરીતિ અલગ હોવા છતાં ધાર્મિક રહી છે. શંકર કરતાં ગણેશ કંઈ ઓછા મહત્વના દેવ નથી. તેમના સ્મરણ વિના કોઈપણ કામનો પ્રારંભ થતો નથી. સોમવારના મેળા, પૂનમનો મેળો એ શ્રાવણનું નજરાણું છે તો ભાદરવી પૂનમનો મેળો ભાદરવાની ઓળખ છે - રામદેવપીરનો મહિમા તથા કેવડાત્રીજ પણ ભાદરવામાં જ થાય છે. રેંટિયા બારશે ગાંધીવંદના અને રાષ્ટ્રચેતના પણ ઉજાગર ભાદરવામાં જ થાય છે.
ભાદરવામાં ગણેશ ચતુર્થી આવે છે તેમાં ગણેશની માન્યતા વેદકાળની છે, પણ વચ્ચેના ગાળામાં પ્રજા એ તે ઉત્સવ વિસારે પાડેલો. હમણાં હમણાંથી એનો મહિમા મહારાષ્ટ્ર જેટલો અન્યત્ર પણ વધવા માંડયો છે. 'ગણેશ ચતુર્થી' ને 'અંગારકી ચોથ' પણ કહે છે. અંગાર એટલે અગ્નિ-મંગળ એના કારણે ગણેશને મંગલમૂર્તિ પણ કહેવામાં આવતા હશે? ગણપતિ વિઘ્નહર્તા દેવ છે પણ મંગલ ગ્રહ તો વિઘ્નો ઊભાં કરે - કશું સમજાતું નથી આવો જ સંશય કાકાસાહેબે કર્યાનું પણ સ્મરણ છે. મહાદેવે પોતાના દ્વારપાળ એક ગણનું માથું ઉડાવ્યું. પોતાની ભૂલ ધ્યાનમાં આવતાં ગજાસુર અથવા હાથીનું માથું કાપી બેસાડી દીધાની કિવંદતિ છે. પ્રજાસત્તાક ગણરાજ્યોના દેવતા તરીકે ગણેશ ઓળખાયા હશે. આપણે ત્યાં વિઘ્નહર્તા દેવ, પ્રારંભિક શુભકાર્યોમાં તેમને યાદ કરવામાં આવે છે. ગણેશ ચતુર્થી જ્ઞાનસાધનાનો દિવસ છે. બીજે દિવસે જ પર્યુષણનો તહેવાર સમાપ્તિ પામે છે. ભાદરવા સુદ પાંચમ ભગવાન મહાવીર અહિંસાના મોટા પૂજારી હતા - પ્રત્યેક જીવ સરખા છે. પછી તે પશુ હોય, પક્ષી હોય, કીટ હોય, પતંગિયું હોય, વનસ્પતિ હોય કે માણસ હોય એ બધામાં એક જ જીવ હોય છે. દરેકના જીવનું સરખું મહત્વ છે. એને હાનિ પહોંચાડવી એ હિંસા છે - એટલે કોઈ જીવને હિંસાના પહોંચાડવાનો ઉપદેશ તેમાંથી પ્રજાને મળે છે. એ વાત ગાંધીજીએ ઉપાડી લીધેલી એ હથિયારથી અંગ્રેજોને હરાવવામાં તેઓ સફળ પણ થયા હતા. ભાદરવા વદ બારસને રેંટિયા બારસ તરીકે ઓળખાય છે, જે સ્વરાજ્યનો રાષ્ટ્રીય તહેવાર છે. સ્વદેશીનો મહિમા કરવાનો દિવસ છે. આજે સ્વદેશીનો જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે ત્યારે આપણે ગાંધીજીને આ પ્રચાર-પ્રસારના ગણેશ સમજવા જોઈએ, વળી આ મહિનામાં ઋષિપંચમી પણ આવે છે જેમાં ખડધાન (સામો) ખાઈને સ્ત્રીઓ ઉપવાસ કરતી હોય છે.
શ્રાવણ શબ્દના ત્રિવર્ણની સામે ભાદરવો શબ્દના ચતુર્થ વર્ણો ધરાવે છે. પણ તે નથી નાનો કે મોટો, જેઠની પૂનમે વટસાવિત્રી, અષાઢી પૂનમે ગુરૂ પૂર્ણિમા, શ્રાવણી પૂનમે રક્ષાબંધન, આસોની પૂનમે શરદપૂર્ણિમા, ચૈત્રી પૂનમે હનુમાન જયંતી, ફાગણી પૂનમે હોળી, પોષી પૂનમે દત્ત જયંતી અને ભાદરવી પૂનમે ગુજરાતનો અને અન્ય રાજ્યનો માનવ મહેરામણ હકડેઠઠ દાંતાના ડુગરાઓ વીંધી મા અંબાના મિલનનો જે ઉલ્લાસ કરે છે તે અનન્ય છે. ગુજરાતના ગામેગામથી મંડળીઓ નીકળે છે. ભાદરવામાં શ્રાદ્ધના દિવસો પણ ખીર-દૂધ ખાવાના દિવસો તો ખરા પણ પિતૃતર્પણ કરી આખઈ પરિવાર ભાવનાને આપણી ભારતીય જીવન શૈલીને જીવંત રાખવાના દિવસો છે. પૂર્વજોની પૂજા કરવાનો ભારતીય પ્રણાલિકા ભાદરવાએ સાચવી છે. ધ્રો આઠમે નારી આરામ કરે - ઘાસ લેવા ન જાય - પુરુષો ઘાસ લાવે, એમાંં પણ નારીનો મહિમા છે. આપણે આપણા ઉત્સવોને સાચા અર્થમાં ઓળખતાં શીખીએ. જ્યારે ખેડૂતની ખેતર નામની હથેળીમાં શ્રાવણ શ્રદ્ધાથી છલકાય છે. ભાદરવાની ભાગ્ય રેખાઓ ઝાઝી દેખાતી હોય છે.
આમ શ્રાવણ અને ભાદરવો ભારતીય સંસ્કૃતિનું જતન કરવા માટેત્ત્તિ, પ્રવૃત્તિ અને પ્રકૃત્તિએ સામ્ય ધરાવતા મહિનાઓ છે.


