- શોધ-સંશોધન-વસંત મિસ્ત્રી
શિ યાળો આવતાંની સાથે જ વિદેશી પક્ષીઓના રંગબેરંગી ઝુંડ ભારતમાં ઉતરાણ કરે છે. આ સફર ઓક્ટોબરથી માર્ચ સુધીની હોય છે. માર્ચ પછી પક્ષીઓ ફરી પોતાના ઉત્તરીય વતનમાં પાછા ફરે છે. વિશ્વના ઉત્તરાર્ધમાં સખત ઠંડીને કારણે પક્ષીઓને ખોરાક ઓછો મળે છે એટલે તેઓ હુંફાળા પ્રદેશ તરફ ખોરાક માટે સામુહિક સ્થળાંતર કરે છે. ભારતના જંગલો, તળાવો, વેટલેન્ડ અને કિનારાઓ પક્ષીઓની ૩૫૦ થી વિશેષ જાતિઓને હેબીટેટ આપે છે. પક્ષીઓના આ સમુહમાં બ્લેક નેકેડ ફ્રેન, બાર હેડેઝ ગુઝ, અમુર ફાલ્કન વગેરેનો સમાવેશ થાય છે. વિદેશી પક્ષીઓ અહીં આવે છે જેથી તેમને હુંફાળું તાપમાન, ભરપુર ખોરાક, અને લાંબા પ્રવાસ પછીનો આરામ મળી રહે છે.
પક્ષીઓ ત્રિકોણાકાર કે અંગ્રેજી અક્ષર વી (ફ) આકારમાં ઊડે છે. આનાથી તેમને પવનનો માર ઓછો લાગે છે, શક્તિ બચે છે. વળી નજીકથી વાતચીત કરી સમૂહમાં ઊડી શકે છે.
યુવા પક્ષીઓ સ્થળાંતરનું સામાન્ય જ્ઞાન ધરાવે છે. અનુભવી પક્ષીઓ અનેક વર્ષોના ઉડ્ડયનથી ચોક્કસ માર્ગ નક્કી કરી લે છે.
પક્ષીઓ દર વર્ષે હજારો કિ.મી.નું ઉડ્ડયન કરે છે. એક સર્વેક્ષણ પ્રમાણે વિશ્વમાં ૧૧૦૦થી વધારે પક્ષીઓની જાતિ ૨૦૦૦ થી ૨૫૦૦ કિ.મી.નું સ્થળાંતર કરે છે. આમાના ૧૮૦૦ જેટલા પક્ષીઓ લાંબા અંતરનું સ્થળાંતર કરે છે.
આર્કટિક ટર્ન બે બ્રીડિંગ સીઝન વચ્ચે એટલે કે ૧૦ મહિનામાં ૯૬,૦૦૦ કિ.મી.નું અંતર કાપે છે આ એક રેકોર્ડ છે.
૨૦૨૨માં ફક્ત પાંચ મહિનાનું બી-૬ પક્ષીએ પોતાના સેટેલાઈટ ટેગ સાથે અલાસ્કાથી ટાસ્માનિયા સુધીની ૧૩,૫૬૦ કિ.મી.ની સફર ૧૧ દિવસમાં પુરી કરી હતી. સૌથી લાંબી નોન-સ્ટોપ સફરનો આ વિશ્વ રેકોર્ડ છે.
ગુજરાતમાં પણ ડિસેમ્બરમાં જાતજાતના પક્ષીઓ આવી પહોંચશે. અમદાવાદની નજીક આવેલા નળસરોવર અને થોળમાં 'બર્ડ વોચિંગ' માટે અત્યારથી પક્ષીચાહકો તૈયારી કરી રહ્યા છે. વલસાડની ઔરંગા નદી ભદેલી ગામ પાસેથી વહે છે. ત્યાં દર વર્ષે વિદેશથી પેલિકનના ઝૂંડ ઊતરી પડે છે.
પક્ષીઓનું સ્થળાંતર બ્રીડિંગ માટે હોય છે. એનાથી કિટકોનું સમતુલન થાય છે, બીયારણનું પ્રસારણ થાય છે, પોલિનેશન થાય છે અને પક્ષીઓના મળથી જમીન ફળદ્રૂપ પણ થાય છે.
'બર્ડ વોચિંગ' ઘણાની હોબી હોય છે. બાળકો અને મિત્રો સાથે વિદેશી પક્ષીઓનું દર્શન એક રોમાંચક અનુભવ છે. છીછરા પાણીમાં હોડીમાં બેસી વહેલી સવારે રંગબેરંગી પક્ષીઓ જોવા અને અવાજ સાંભળવા જિંદગીભરની યાદ બની જાય છે. પક્ષીઓના દર્શન પહેલાં તેમના રંગો, અવાજ, ખાસિયતો જાણી લ્યો. શાળાના પુસ્તકો, ચાર્ટ વગેરેમાંથી પક્ષીઓનું જ્ઞાન મેળવો પછી રસપ્રદ પુસ્તકો તમને ઓનલાઈન અથવા પુસ્તકોની દુકાનમાંથી મળી રહેશે.


