- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ
- હે મહાદેવી, આપ શ્રીમાતા છો, જેમની શરણાગતિ લેવામાત્રથી જીવનો ઉદ્ધાર થઈ જાય છે. આપનો આશ્રય મેળવવા માટે અમે કામના કરીએ છીએ
તા રકાસુરનો વધ કરવા માટે શિવપુત્રની આવશ્યકતા ઊભી થઈ. મૂળ કથા મુજબ, દેવોએ કામદેવને પોતાના પ્રતિનિધિ બનાવીને મહાદેવ પાસે મોકલ્યા, જેથી તેમનું ધ્યાનભંગ કરી શકાય. દેવાધિદેવ સમાધિમાંથી બહાર આવે તો જ આ સંભવ હતું. આપણે સૌ જાણીએ છીએ એમ કામદેવે જેવું તીર ચલાવ્યું કે તરત મહાદેવના ત્રિનેત્રમાંથી ઉત્પન્ન થયેલી ક્રોધસ્વરૂપ અગનજ્વાળાએ એમને ભસ્મીભૂત કરી નાખ્યા.
ઓમ સ્વામી લિખિત 'કુંડલિની' પુસ્તકમાં આ સમગ્ર કથા વિસ્તારપૂર્વક જણાવવામાં આવી છે. દેવગણ કામદેવની અર્ધાંગિની રતિ સાથે ભગવાન શિવ પાસે ગયાં. મહાદેવને આગ્રહ કર્યો કે મન્મથને પુન:જીવિત કરી દેવામાં આવે. કામદેવ સ્વયં મહાદેવના ક્રોધને કારણે ભસ્મ થયા હતા. તેમને પુનર્જીવિત કરી શકવા સંભવ ન હોવાને કારણે મહાદેવે વરદાન આપ્યું કે કામદેવ હવેથી સમસ્ત જીવોમાં અનંગ - વગર શરીરે નિવાસ - કરશે. આ રીતે તમામ પશુ-પ્રાણીમાં ઈચ્છાનો ભાવ પુન: ઉત્પન્ન થઈ શકશે. રતિ દ્વારા ફરી વિનંતી કરવામાં આવી કે મન્મથની દેહભસ્મ પર માત્ર એક વાર મહાદેવની યૌગિક દ્રષ્ટિ પડે, તો તેઓ એમને અહીંથી લઈ જઈ શકે.
શિવ આવું કરવા ઈચ્છુક નહોતાં, પરંતુ રતિ દેવીએ પોતાની હઠ છોડી નહીં. મહાદેવે જેવી રાખ સામે નજર કરી, કે તત્ક્ષણ એમાંથી એક આકારનું નિર્માણ થયું. આ જીવ ભંડાસુર નામનો દૈત્ય હતો, જેણે શોણિતપુરને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું. દેવો પર અત્યાચાર કરવાનું તેણે શરૂ કરી દીધું. સમસ્ત દેવતાઓ ત્રાહિમામ પોકારી ઉઠયાં. આખરે તેઓ દેવર્ષિ નારદની શરણે ગયા, જેમણે દેવોને એક મહાયજ્ઞા કરવાનું સૂચન કર્યુ.
દેવર્ષિ નારદે કહ્યું, 'આ સમસ્ત ઘટનાક્રમનો આરંભ જ દક્ષના યજ્ઞાકાર્ય સાથે થયો હતો... જ્યાં દેવી સતીએ આત્મવિલોપન કર્યુ હતું, અને હવે ત્યાં જ સમાપ્ત પણ થશે! માત્ર પરાશક્તિ જ હવે આપની સહાયતા કરી શકે એમ છે.'
દેવોએ એક ભવ્ય મહાયજ્ઞાનું આયોજન કર્યુ, જેની અગ્નિમાંથી આદિ પરાશક્તિનું પ્રાગટય થયું, જેઓ દેવી મા લલિતા મહાત્રિપુરસુંદરી તરીકે ઓળખાયાં. એમનું રૂપ અભિભૂત કરી દેનારું હતું : ગૌર વર્ણ, ચાર ભુજાઓ, સુવાસયુક્ત, સુંદર, મંત્રમુગ્ધ કરી દેનાર, અત્યંત કરૂણામય, કામદેવ પાસે હોય એવા પાશ, અંકુશ, ધનુષ અને બાણ સાથે તેઓ મનમોહન જણાતાં હતાં.
મહાશક્તિને પ્રસન્ન કેવી રીતે કરવા, એ અંગે દેવો પાસે કોઈ જ્ઞાન નહોતું. સ્વયંની અજ્ઞાનતાનો સ્વીકાર કરી, દેવતાઓએ જ મા લલિતાને પ્રાર્થના કરી કે એમનું સ્વાગત કઈ રીતે કરી શકાય એ માટેની પદ્ધતિ સૂચવવામાં આવે! દેવી માએ પોતાની આઠ સંગિની-શક્તિ - કાલી, કાત્યાયની, ચામુંડા, ઈશાની, મુંડમર્દિની, ભદ્રા, વૈષ્ણવી અને ત્વરિતા - ને આહ્વાન આપ્યું, જેમને વાગ્દેવીની સંજ્ઞા આપવામાં આવી હતી. આ આઠ દેવીઓ એ જ હતી, જે ભદ્રકાલી સાથે પણ પ્રગટ થઈ હતી. આઠે-આઠ વાગ્દેવીઓ મહાદેવીનાં વિવિધ સ્વરૂપોની સાક્ષી રહી ચૂકી હતી.
પરાશક્તિનાં એક હજાર નામો થકી વાગ્દેવીઓએ એમનું સ્તુતિગાન આરંભ્યું, જેને 'શ્રીલલિતાસહસ્ત્રનામ' તરીકે ઓળખવામાં આવે છે. અત્યંત સુમધુર સ્વર સાથે આદરભાવપૂર્વક એમણે સ્તોત્રગાનની શરૂઆત કરી.
ओम श्रीमाता श्रीमहाराजी
श्रीमत्-सिंहासनेश्वरी ।
चिन्दग्नि-कुण्ड-सम्मभूता
देवकार्य- समुधता ।।
(શ્રીલલિતાસહસ્ત્રનામ, શ્લોક ૧)
ભાવાર્થ: હે મહાદેવી, આપ શ્રીમાતા છો, જેમની શરણાગતિ લેવામાત્રથી જીવનો ઉદ્ધાર થઈ જાય છે. આપનો આશ્રય મેળવવા માટે અમે કામના કરીએ છીએ. સમસ્ત સચરાચર બ્રહ્માંડની આપ સામ્રાજ્ઞાી - મહારાજ્ઞાી - રાજરાજેશ્વરી છો, જે પૂર્ણ ભવ્ય સ્વરૂપે અત્યંત દિવ્યતા સાથે પોતાના રાજસિંહાસન પર બિરાજમાન છે! મનુષ્યની ચિત્તરૂપી અગ્નિ - ચિદગ્નિ - માંથી દેવતાઓનું કાર્ય સંપન્ન કરવા માટે આપનું પ્રાગટય થયું છે, જેનો અર્થ છે, નિર્મલ સાધકનાં અંતરમનમાં શુદ્ધ ઉદ્દેશ્ય સ્વરૂપે જન્મેલી સત્કાર્યોની કામનાને પૂર્ણ કરવા માટે આપ એમના હૃદયકમળ ઉપર પ્રગટ થાઓ છો.
આઠેય વાગ્દેવીઓ દેવી મા લલિતાનું સ્તુતિગાન કરતી રહી. આ રીતે, શ્રીવિદ્યા સાધનાનું અભિન્ન અંગ જેને માની શકાય એવા 'શ્રીલલિતાસહસ્ત્રનામ'ની સમસ્ત બ્રહ્માંડને પ્રાપ્તિ થઈ.


