- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ
- 'તમે લોકો કેમ સમજતા નથી કે દરેક વ્યક્તિ અલગ છે, દરેકનું માનસ અલગ છે, દરેકના શોખ અને આવડત અલગ છે. તમે જે ઈચ્છો કે તમે જે ધારો તે બધું બીજી વ્યક્તિ ઉપર ન થોપી દેવાય...'
'વિ પ્લવ બેટા જલદી ટીવી ચાલુ કર અને આપણી થાળી લઈને આવી જા, કેબીસી ચાલુ થઈ જશે. તને ખબર છે અત્યારે બાળકોનું કેબીસી આવે છે અને તેમાં કેવા હોંશિયાર છોકરા-છોકરીઓ આવે છે.' - નિલિમાબેને પોતાના પૌત્રને બુમ મારતા કહ્યું.
'તને ખબર છે વિપુ... કાલે એક છોકરો ૨૫ લાખ જીતી ગયો. તેના મા-બાપ અને દાદા-દાદીને તેના ઉપર કેવો ગર્વ થતો હશે. ઈશ્વર દરેકના આવા સંતાનો આપે તેવી મારી પ્રાર્થના છે.' - નિલિમાબેન બોલ્યા અને થાળી લઈને આવતો વિલ્પવ રસોડાના દરવાજે જ અટકી ગયો. તેણે એક નજર નિલિમાબેન ઉપર કરી અને પછી પાછું વળીને પોતાની મમ્મી તરફ જોવા લાગ્યો. શિલ્પાએ આંખ મિચકારી અને વિપ્લવ આગળ વધ્યો.
વિપ્લવે ટેબલ ઉપર થાળી મુકી અને પોતે ખુરશી ખસેડીને રસોડા પાસે બેઠો જેથી ટીવી સામે તેની નજર ન જાય.
'બેટા, આ બાજુ બેસ તો ટીવી જોવાય.' - નિલિમાબેન બોલ્યા.
'ના દાદી. હું અહીંયા બરાબર છું. તમને કંઈ જોઈતું હોય તો રસોડામાંથી તરત લાવી આપું અને મમ્મી સાથે પણ વાતો થાય એટલે અહીંયા બેઠો છું. તમે ટીવી જુઓ.' - વિલ્પવે કહ્યું અને રસોડા તરફ મોઢું કરીને બેસી ગયો. શિલ્પાએ ફરી આંખ મિચકારીને તેને સમજાવવા પ્રયાસ કર્યો પણ વિપ્લવે કોઈ રિએક્શન આપ્યું નહીં.
નિલિમાબેને ટીવી જોતા જોતાં ખાઈ લીધું, વિપ્લવ અને શિલ્પાએ ત્યાં રસોડામાં પાસે જમી લીધું પણ ડૉ. દિવાકર હજી આવ્યા નહોતા. જાણીતા કાર્ડિયાક સર્જન દિવાકર ભટ્ટ કોઈ સર્જરીમાં અટવાઈ ગયા હતા તેથી આવ્યા નહોતા. શિલ્પાએ રસોડું ચોખ્ખું કર્યું, વધેલું જમવાનું ડાઈનિંગ ટેબલ ઉપર ગોઠવી દીધું અને બહાર આવીને સોફામાં ગોઠવાઈ. વિપ્લવ પણ તેની બાજુમાં આવીને બેઠો અને બંને એકબીજાને કંઈક કહેવા જાય ત્યાં ડોરબેલ વાગ્યો.
શિલ્પાએ દરવાજો ખોલ્યો તો સામે સરોજમાસી અને તેમની વહુ નંદિની આવ્યા હતા.
'નિલિમા ક્યાં ગઈ. આજે તો ટીવીનો અવાજ પણ આવતો નથી. વહેલા સુઈ ગઈ લાગે છે.' - સરોજમાસીએ ઘરમાં ઘુસતા જ કહ્યું.
'હાલ કેબીસી બંધ કર્યું. એક ડફોળ છોકરાએ પાંચ લાખ કમાવાની લાલચમાં બધું ગુમાવ્યું. ભગવાન કોઈને આવા છોકરા ન આપે.' - નિલિમાબેને કંટાળા સાથે કહ્યું. વિપ્લવ અકળાઈ ગયો. તે ઊભો થઈને બહાર વરંડામાં હિંચકા ઉપર ગોઠવાઈ ગયો.
માજીનો મુડ જોઈને નંદિનીએ ઈશારો કર્યો અને શિલ્પા પણ સરોજમાસીને પાણી આપીને બહાર વરંડા તરફ જ ગઈ.
નાનકડી બગીચામાં ગોઠવેલી ખુરશીઓમાં બંને બેઠા અને અલકમલકની વાતો શરૂ કરી. વિપ્લવ પોતાના મોબાઈલમાં કંઈક જોઈ રહ્યો હતો અથવા વાંચી રહ્યો હતો પણ તેની આંખો સ્ક્રીન ઉપર સ્થિર હતી તેની નોંધ શિલ્પાએ લીધી.
'ભાભી મારે તમારી એક મદદ જોઈએ છે. તમે મમ્મીજીને સમજાવો કે નેત્રીને ટેબલટેનિસ રમવા જવા દે. નેત્રીને સ્કૂલમાં ટેબલટેનિસ રમવા માટે ચાન્સ મળ્યો છે પણ મમ્મીજી માનતા નથી. તેઓ કહે છે કે, છોકરીઓએ આ બધું ન કરવાનું હોય. સીધે સીધા ભણવાનું અને ઉંમર થાય એટલે પરણી જવાનું.' - નંદિની બોલી અને શિલ્પાના કપાળની રેખાઓ વંકાઈ. બીજી તરફ મોબાઈમાં અટકેલા વિપ્લવે પણ એક નજર તે બંને તરફ કરી અને પાછું નીચું જોવા લાગ્યો. શિલ્પા પામી ગઈ કે વાત વિપ્લવના કાને પડી છે.
શિલ્પા કંઈ આગળ બોલે ત્યાં જ નિલિમાબેનનો અવાજ છેક બહાર સુધી આવ્યો, 'આજકાલની વહુઓને ખબર શું પડે. છોકરીઓને આમ રમવા થોડી મોકલી દેવાય. આપણા ઘરની આબરૂનું શું. આપણી છોકરીઓ આમ રખડે એ સારું ન કહેવાય. આવું કરીએ તો સારું ઘર ન મળે. સરોજ તું ચિંતા ના કરતી, તારો નિર્ણય બરોબર જ છે. નેત્રીને ક્યાંય મોકલવાની નથી. અમારા વિપુને પણ દિવાકર જેવો જ મોટો ડોક્ટર બનાવવાનો છે એટલે જ તો બહારગામ ભણવા મુકી દીધો છે. બાકી અહીંયા રહેતો હોત તો આવા જ કંઈક ધતિંગ પસંદ કર્યા હોત.'
'આ શિલ્પાને પણ ડાન્સર થવું હતું. જો દમયંતીબેને છુટ આપી હોત તો ક્યાંક નાચતી ફરતી હોય પણ તેને દબાવીને રાખી તેમાં આજે સારા ઘરમાં ગોઠવાઈ છે. બાકી દિવાકર જેવો છોકરો મળતો હશે. આ તો ભણેલી ગણેલી હતી એમાં દિવાકરે પસંદ કરી.'
શિલ્પા અને નંદિની તો આ વાત સાંભળીને સાવ થીજી ગયા. તેઓ અંદરોઅંદર પણ વાતો કરવા જેવા રહ્યા નહીં. તેમની ચેતનાઓ જાણે કે એકાએક કોઈ કળણમાં ખુંપી ગઈ હોય તેમ લાગતું હતું.
'દાદી, મને એક વાત જણાવો કે, તમારા જમાનામાં દીકરી જન્મે તે લોકોને ખાસ ગમતું નહોતું. ઘણા કિસ્સામાં છોકરીઓને મારી નાખતા અથવા ફેંકી દેતા હતા. શું ખરેખર આ વાત સાચી છે.' - વિલ્પવે અચાનક હિંચકા પરથી ઊભા થઈને બંને વડીલોની સામે જઈને પૂછયું.
'હા બેટા, તારી વાત સાચી છે. ઘણા લોકો એવા હતા જે પોતાની તાજી જન્મેલી દીકરીઓને કુવામાં ફેંકી દેતા, અવાવરું જગ્યાએ મુકી આવતા કે પછી નદીમાં ફેંકી આવતા હતા. મારી બા આવા ઘણા કિસ્સા કહેતી હતી.' - નિલિમા બેને કહ્યું અને સરોજબેને માથું હલાવી હામી ભરી.
'તમને લોકોને ક્યારેય વિચાર આવ્યો કે, આવું તમારા બંને સાથે કે પછી જમના બા સાથે થયું હોત તો.' - વિપ્લવે આ બંને ઉપર બીજો બોમ્બ ફોડયો.
'અરે એવું થોડું થાય. એ લોકો અમારા મા-બાપ હતા. તેમને વિશ્વાસ હશે કે અમે કંઈક સારું જ કરીશું.' - નિલિમાબેન બોલ્યા.
'અલા છોકરા તને ભાન પડે છે. તું શું વાતો કરવા માંડયો છે અચાનક કેમ આવા સવાલો કરવા માંડયો છે.' - સરોજબેન અકળાઈ ગયા.
'આ તો મને વિચાર આવ્યો કે, પેલા છ નંબરવાળા મહેતા દાદા અને વિભા દાદી જેવા દાદા-દાદી કેમ બધાને નહીં મળતા હોય. તેમણે તનયના મમ્મી-પપ્પા સાથે ઝઘડીને પણ તનયને ક્રિકેટ રમવા જવા દીધો. તેઓ તનયને ક્રિકેટર બનાવવા માગે છે, ભલે તનયના માતા-પિતા ઈચ્છે કે ન ઈચ્છે. તનયની ઈચ્છા છે એટલે તેઓ સપોર્ટ કરે છે.' - વિપ્લવ બોલ્યો અને બાકીના ચારેયની આંખો ચકળવકળ થઈ ગઈ. બધા જ સમજી ગયા કે વિપ્લવ શું કરવા અને કહેવા માગે છે. તે બોલતો હતો ત્યાં જ દિવાકર પણ આવીને દરવાજો ઊભો રહ્યો.
'દાદી તમને ખબર છે, આ તમારા દિવલા... સોરી ડેડ... તમારા આ દિવાકરને ક્રિકેટર થવું હતું પણ તમારા બંનેના દબાણને કારણે તે મેડિકલમાં ગયા અને ડોક્ટર થયા. સરોજદાદી તમારા મનીયાને... મનોજ કાકાને સિંગર થવું હતું. આજે પણ સોશિયલ મીડિયામાં ગીતો ગાય છે પણ તમારા અને દાદાના ડરથી એન્જિનિયર થઈને સરકારી નોકરી કરે છે.' - વિપ્લવ બોલતો જતો હતો.
'તમે લોકો કેમ સમજતા નથી કે દરેક વ્યક્તિ અલગ છે, દરેકનું માનસ અલગ છે, દરેકના શોખ અને આવડત અલગ છે. તમે જે ઈચ્છો કે તમે જે ધારો તે બધું બીજી વ્યક્તિ ઉપર ન થોપી દેવાય. દાદા ડોક્ટર ન બની શક્યા તો પપ્પાને પરાણે બનાવ્યા. હવે તમે લોકો મને હાર્ટનો ડોક્ટર બનાવવા દબાણ કરો છો. નેત્રીને ટેબલટેનિસ રમવું છે, સ્કુલમાં અત્યાર સુધી બધી જ ટુર્નામેન્ટમાં ગોલ્ડ લાવી છે તેને આગળ રમવું છે પણ તમારા દબાણથી તેને આગળ વધાતું નથી.'
'તમે લોકો સંતાનોને તમારા રમકડાં સમજી રાખ્યા છે. તમે ઈચ્છો, તમે ધારો કે તમે કહો તેવું જ કરવાનું. તે વ્યક્તિની પોતાની ઓળખ, શોખ, ઈચ્છાનું શું. તમે સંતાનોના માત્ર ટ્રસ્ટી છો. તમારી જવાબદારી તેને ઉંચું અને સ્પષ્ટ આકાશ આપવાની છે. તમે તેને આંખ આપો, તેને પાંખ આપો અને તમારા અનુભવની ઉંડાણ આપો. પછી છોડી દો તેને વિહરવા માટે. કોઈના સંતાનની સાથે સરખાવીને તમારા સંતાન ઉપર દબાણ શા માટે ઊભું કરો છો.' - વિપ્લવ બોલ્યો અને બંને વડીલો નીચી નજર કરીને બેસી રહ્યા. ત્યાં ઊભેલા કોઈની પાસે આ વાતનો કોઈ જવાબ નહોતો.
'વિપુ... મને સમજાઈ ગયું છે કે, તું ૧૦૦ ટકા સારો સાઈકિયાટ્રિસ્ટ થવાનો છે. તારી મમ્મીનું ઓબ્ઝર્વેશન સારું છે. તારે સાઈકિયાટ્રીમાં જ જવાનું છે અથવા તો તારી ઈચ્છા હોય તે કરજે. આજથી મારું કોરું રહેલું આકાશ તારું.' - દિવાકરે આવીને વિપ્લવનાં ખભે હાથ મુકીને કહ્યું. શિલ્પા અને નંદિની બંને સ્મિત સાથે એકબીજા સામે જોઈને સ્મિત કરવા લાગ્યા.


