Get The App

અંકિતા ભક્ત : અડગ આત્મવિશ્વાસને સહારે ધાર્યા લક્ષ્યને વિંધી નાંખતી ધનુર્ધર

Updated: Nov 30th, 2025

GS TEAM

Google News
Google News
અંકિતા ભક્ત : અડગ આત્મવિશ્વાસને સહારે ધાર્યા લક્ષ્યને વિંધી નાંખતી ધનુર્ધર 1 - image

- પરંપરાગત તીરંદાજીની આધુનિક ઓળખ સમાન રિકર્વ ઈવેન્ટમાં ભારતની પ્રથમ એશિયન ચેમ્પિયન

- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત

- ડાબોડી તીરંદાજ તરીકેની વિશિષ્ટ પ્રતિભા ધરાવતી અંકિતાએ પેરિસ ઓલિમ્પિકમાં સ્હેજ માટે ચંદ્રક ચૂકી જવાનો આઘાત પચાવીને સિદ્ધિનું નવું શિખર સર કર્યું

જે પ્રકારે અમાસની રાતના ઘોર અંધકાર પછીની સવારનું પહેલું કિરણ ચોતરફ ઉજાસનો ઉદ્ધોષ કરી દે છે, તેવી જ રીતે ઘણી વખત વિરલ પ્રતિભાના વિકાસમાં અનેક પ્રકારની અડચણો સર્જાતી હોય છે. જે પ્રતિભાની મક્કમતાની સાથે સાથે ધીરજ અને આત્મવિશ્વાસની કસોટી કરે છે. કસોટી જેટલી જ કઠિન હોય છે, તેટલી જ સફળતા આહ્લાદકની સાથે સાથે સંતોષકારક પણ બની રહે છે. આ જ કારણ છે કે, તળેટીનો અહેસાસ ધરાવનાર જ શિખર પર પહોંચવાની સિદ્ધિના વિશિષ્ટ આનંદને પ્રાપ્ત કરી શકે છે અને આવો જ અહેસાસ ભારતની મહિલા તીરંદાજ અંકિતા ભક્ત કરી રહી છે. 

કોલકાતામાં જન્મેલી ૨૭ વર્ષની મહિલા તીરંદાજ અંકિતાએ દેશની સૌપ્રથમ રિકર્વ ઈવેન્ટની એશિયન ચેમ્પિયન તરીકેનો તાજ જીતી લીધો છે. ધનુર્વિદ્યા એ ભારતની પ્રાચીન વિદ્યાઓમાં સ્થાન ધરાવે છે, પણ આધુનિક સમયમાં યોજાતી વૈશ્વિક સ્પર્ધાઓમાં બે મુખ્ય વિભાગ છે. જેમાંથી એક કમ્પાઉન્ડ તીરંદાજી અને બીજી રિકર્વ તીરંદાજી તરીકે ઓળખાય છે. ભારતીય તીરંદાજો કમ્પાઉન્ડ તીરંદાજીમાં આગવી નામના મેળવી ચૂક્યા છે, જેમાં પણછને છોડવા માટેે એક બટન દબાવવાનું હોય છે. જ્યારે રિકર્વ તીરંદાજી પરંપરાગત તીરંદાજીની વધુ નજીક છે. જેમાં ધનુર્ધર એક હાથથી ધનુષ પકડે છે અને બીજા હાથથી પણછને છોડીને તીરને નિશાન તરફ છોડે છે.

ભારતના તીરંદાજોમાં રિકર્વ ઈવેન્ટની સફળતા ખુબ જ મર્યાદિત રહી છે, પણ અંકિતાએ આ જ સ્પર્ધામાં નવી ઊંચાઈને હાંસલ કરતાં બાંગ્લાદેશના ઢાકામાં યોજાયેલી એશિયન તીરંદાજી ચેમ્પિયનશિપ - ૨૦૨૫મા મહિલાઓની વ્યક્તિગત સ્પર્ધામાં સુવર્ણ સિદ્ધિ હાંસલ કરી લીધી છે. અંકિતાની આ સિદ્ધિમાં સોનામાં સુગંધ ભળે તેવી ઘટના એ છે કે, તેણે ફાઈનલમાં પેરિસ ઓલિમ્પિકમાં રજત ચંદ્રક જીતનારી સાઉથ કોરિયાની નામ સુહ યેઓનને ભારે રસાકસી બાદ પરાજીત કરી. અંકિતાએ છેલ્લા કેટલાક વર્ષોમાં કરેલા સાતત્યભર્યા દેખાવની ફલશ્રુતિનું પ્રમાણ એશિયન ચેમ્પિયનશિપનો સુવર્ણ ચંદ્રક છે. 

અંકિતા માટે આ સફળતા ભાવનાત્મકરુપથી પણ મહત્વની હતી, કારણ કે ગત વર્ષે યોજાયેલા પેરિસ ઓલિમ્પિકમાં તેની અને ભારતના જ ધીરજ બોમ્માદેવારાયાની જોડી સ્હેેજ માટેે કાંસ્યચંદ્રક ચૂકી ગઈ હતી અને ચોથા ક્રમે રહી હતી. ઓલિમ્પિકમાં જ સેમિ ફાઈનલમાં તેમનો સાઉથ કોરિયાની જોડી સામે પરાજય થયો હતો અને તેમાંય અંકિતા તેના આખરી તીર પર ધાર્યું નિશાન પાર પાડી શકી નહતી. જોકે એશિયન ચેમ્પિયનશિપની ફાઈનલ તેણે તેની ભૂલનું પુરાવર્તન ન થાય તેનું ખાસ ધ્યાન રાખ્યું. તેણે ફાઈનલમાં પ્રભાવશાળી દેખાવ કરતાં ૭-૩થી જીત હાંસલ કરી હતી.

એશિયન ચેમ્પિયનશિપમાં કારકિર્દીનો શ્રે દેખાવ કરતાં અંકિતાએ ટોપસીડ ધરાવતી સાઉથ કોરિયાની જેંગ મિન હીને મહાત આપી હતી. જ્યારે સેમિ ફાઈનલમાં તેણે તેની જ સિનિયર ખેલાડી અને ભારતની ચાર વખતની ઓલિમ્પિયન તીરંદાજ દીપિકા કુમારીને પરાસ્ત કરીને આગવું ફોર્મ દેખાડયું હતુ. અંકિતા ભૂતકાળમાં પણ કોરિયાની ધુરંધર તીરંદાજો સાથેની બરોબરીની સ્પર્ધામાં જીતી ચૂકી હોવાથી તેના મનમા જરા પણ ભય કે આશંકા નહતા, છતાં પણ ખરા સમયે શ્રેષ્ઠ દેખાવને બહાર લાવવા માટે જે સંયમ તેણે દાખવ્યો - તે ખરેખર તેની પરિપક્વતાને દર્શાવે છે.

ભારતીય મહિલા તીરંદાજીમાં અંકિતાની સફળતાએ એક નવો ચીલો તો ચિતર્યો જ છે, તેની સાથેે સાથે રિકર્વ જેવી મુશ્કેલ ગણાતી સ્પર્ધામાં પણ ભારતીય પ્રતિભાનો ચમકારો દેખાડી દીધો છે. અંકિતાની અત્યાર સુધીની મોટાભાગની સફળતા ટીમ ઈવેન્ટમાં રહી છે. આ જ કારણ છે કે, ઢાકામાં એશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે જઈ રહેલી ટીમની સાથે પ્રવાસ કરી રહેલા કોચ પૂર્ણિમા મહાતોએ તેને ટકોર કરી હતી કે, અંકિતા તારી પાસે ટીમ ઈવેન્ટના ઘણા બધા ચંદ્રકો છે. હવે સમય આવી ગયો છે કે, તું એકલી તારા પગ પર મક્કમતા સાથે ઉભી રહે અને વ્યક્તિગત સ્પર્ધામાં પણ સફળતા મેળવીને બતાવ. કોચના આ શબ્દોએ અંકિતાને એશિયન તીરંદાજી ચેમ્પિયનશિપમાં આગવી પ્રેરણા પુરી પાડી હતી. 

ધનુર્ધર તરીકેની અસાધારણ પ્રતિભા ધરાવતી અંકિતાની સફર ભારે રોમાંચક અને સંઘર્ષથી ભરેલી રહી છે. પશ્ચિમ બંગાળની રાજધાનીમાં રહેેતા ડેરી માલિક શાંતનુ અને શીલાના મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલી અંકિતાનું બાળપણ અભાવની વચ્ચે પસાર થયું. પિતાને ડેરીના કામમાં મદદ કરવા માટે અંકિતા રોજ સવારે ચાર વાગ્યેે ઉઠી જતી અને પિતાને દૂધના વેપારમાં મદદ કરતી. તેમની સાથે સાથેે તેનો અભ્યાસ પણ શરુ થયો. જોકે આ દરમિયાન કોલકાતામાં એક તીરંદાજીની સ્પર્ધા આયોજીત થઈ અને તે ૧૦ વર્ષની અંકિતાએ જોઈ. ત્યારે તેને પણ આ રમતમાં હાથ અજમાવવાનું મન થયું. 

નાનકડી અંકિતાએ આ અંગે પિતાને વાત કરી. તેણે સ્થાનિક સ્તરે તીરંદાજીના કોચિંગમાં મૂકવામાં આવી. અંકિતા કુદરતી રીતે જ ડાબોડી તીરંદાજ હતી, એટલે તે ધનુષને જમણા હાથથી પકડી રાખતી અને ડાબા હાથથી પણછમાં તીર લગાવીને નિશાન તાકતી. તીરંદાજમાં ડાબોડી તીરંદાજ જવલ્લેજ જોવા મળે છે અને આ કારણે તેને શરુઆતમાં સંઘર્ષ પણ કરવો પડયો, કારણ કે મોટાભાગના ધનુષ જમણેરી નિશાનેબાજો માટેના જ હતા. આમ છતાં, તેણે પ્રયાસ જારી રાખ્યા. 

મધ્યમવર્ગીય શાંતનુ તો જંગી રકમ ખર્ચીને અંકિતાને ધનુષ-બાણ અપાવી શકે તેમ નહતા, આ કારણે તે પ્રેક્ટિસ માટે બીજાના ધનુષ-બાણથી પ્રેક્ટિસ કરતી અને આમ કરતાં-કરતાં તેેણે રાજ્ય સ્તરની સ્પર્ધાઓમાં સફળતા મેળવવા માંડી. જેના કારણે આ યુવા ખેલાડીને ટાટા તીરંદાજી એકેડમીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો, ત્યારે તેની ઉંમર માત્ર ૧૬ વર્ષની જ હતી. અલબત્ત, આ પછી એક સમસ્યા સર્જાઈ કારણ કે ત્યાં તીરંદાજીનો તમામ સાધન સરંજામ જમણેરી તીરંદાજો માટેનો હતો. જ્યારે અંકિતા ડાબોડી હતી. અલબત્ત, તેની વિશિષ્ટ પ્રતિભાને જોતા તેના માટે ખાસ પ્રકારનું ધનુષ તેમજ અન્ય સાધનો મંગાવવામાં આવ્યા અને તેની સફર શરુ થઈ.

અંકિતાની પસંંદગી ભારતની યુથ ટીમમાં કરવામાં આવી અને તેઓ ૨૦૧૫માં અમેરિકામાં યોજાનારી વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે જવાના હતા. જોકે ભારતની ટીમના ઘણા-બધા સભ્યોને વિઝા ન મળતાં આખરે સ્પર્ધામાં ભાગ ન લેવાનું નક્કી કરવામાં આવ્યું. પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવો અહેસાસ અંકિતાને થયો, પણ ત્યાર બાદ તેણે હિંમત ન હારી. આ પછી ૨૦૧૬માં તાઈપેઈમાં યોજાયેલા એશિયા કપમાં તેણે વ્યક્તિગત અને ટીમ એમ બે સ્પર્ધામાં સુવર્ણ સિદ્ધિ હાંસલ કરી હતી. આંતરરાષ્ટ્રીય સુવર્ણચંદ્રકોને કારણે તેની સમસ્યાઓ તો હળવી થઈ જ, તેની સાથે સાથે તેનો આત્મવિશ્વાસ પણ વધ્યો.

અલબત્ત, આ પછી અંકિતાની કારકિર્દી માત્ર ટીમના ચંદ્રકો સુધી જ સિમિત બનીને રહી ગઈ. વર્લ્ડ ચેમ્પિયનશિપના કાંસ્યથી લઈને વર્લ્ડ કપ, એશિયા કપ તેમજ એશિયન ચેમ્પિયનશિપમાં અંકિતાના તમામ ચંંદ્રકો ટીમ ઈવેન્ટના કે મિક્સ ટીમ ઈવેન્ટના જ હતા. જોકે, અંકિતાએ એશિયન તીરંદાજી ચેમ્પિયનશિપમાં નવો ઈતિહાસ આલેખતા વ્યક્તિગત સ્પર્ધામાં સુવર્ણ સિદ્ધિ હાંસલ કરી લીધી છે. આ સાથે ભારતીય રિકર્વ તીરંદાજીમાં પણ નવું જોશ રેડાયું છે અને અંકિતાએ હવે આગામી સમયમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં નવો કીર્તિમાન સ્થાપિત કરવા તરફ મીટ માંડી છે.