- આજકાલ-પ્રીતિ શાહ
- જો તે આ કરી શકે તો કોઈ પણ સ્ત્રી કરી શકે. તેના માટે જોઈએ હિંમત, ધીરજ અને અમે શક્તિશાળી છીએ તેવી માન્યતા.
એ ક નિરક્ષર સ્ત્રી પોતાની કોઠાસૂઝ અને હિંમતથી કેવી રીતે પોતાના જીવનમાં પરિવર્તન કરી શકે છે, તેનું જીવંત દ્રષ્ટાંત રશ્મિ ધુર્વે છે. મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લાના સેનગુડા ગામમાં રશ્મિનો જન્મ થયો હતો. નાનપણથી ચારે બાજુ જમીન અને ચોખાનાં ખેતરો જોયાં હતાં. ખેતીકામ સિવાય કંઈ થઈ શકે એવી સ્વપ્નમાં પણ કોઈ કલ્પના નહીં. અઢાર વર્ષે લગ્ન થયા અને અન્ય સ્ત્રીની જેમ રસોઈ, ઘરસફાઈ અને પરિવારના સભ્યોની સંભાળમાં જીવન પસાર થવા લાગ્યું. એ બે સંતાનોની માતા બની. તેમની પાસે સાડા ચાર એકર જમીન હોવા છતાં એમાંથી ખાસ આવક થતી નહીં. પતિ ડ્રાઈવર તરીકે જાય તો એકસો રૂપિયાની કમાણી થાય. તહેવારોમાં નવાં કપડાં ખરીદવા માટે ઉછીના પૈસા માગવા પડે. નાની-મોટી દરેક બાબતમાં પતિને પૂછવાનું. કોઈ બાબતના નિર્ણયમાં રશ્મિનો મત લેવાતો નહીં.
રશ્મિ ધુર્વે ૨૦૧૫માં નેશનલ રૂરલ લાઈવલીહૂડ મિશન અંતર્ગત જાગૃતિ સેલ્ફ હેલ્પ ગ્રૂપમાં જોડાઈ. નિયમિત રીતે એની મિટિંગમાં જવા લાગી. ખેતીમાં કઈ રીતે સુધારણા થઈ શકે અને આવકમાંથી બચત કરવાની ચર્ચા થતી હતી. જ્યારે બચત કરવાની વાત આવી, ત્યારે તેના મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યો કે એના જેવી સ્ત્રી બચત કરી શકે? પરંતુ તેની ઉત્સુકતા એટલી હતી કે તે એમાં જોડાઈ. અઠવાડિયે દસ રૂપિયાની બચત કરવાની હતી. જ્યાં બે ટંક ભોજનના સાંસાં છે, ત્યાં દસ રૂપિયા કેવી રીતે બચાવીશ એમ કહી કુટુંબીજનોએ એને અટકાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેને લાગ્યું કે નાની બચત પણ ભવિષ્યમાં ઉપયોગમાં આવશે. એક વખત બચત થાય પછી કેશ ક્રેડિટ લિમિટ પ્રમાણે લોન પણ મળે. તેને બીજી કોઈ વસ્તુ સમજાતી નહોતી, પણ આમાં આગળ વધવું જોઈએ એવો એનો નિર્ણય દ્રઢ થયો હતો. ઘણા અઠવાડિયા સુધી તે દસ રૂપિયા પણ બચાવી ન શકી. ક્યારેક વિચારતી કે બાળકોને થોડું ઓછું ભોજન પીરસીને પૈસાની બચત કરવી. અત્યંત નિરાશાના વાતાવરણ વચ્ચે એના મનમાં બચત કરવાનું બીજ રોપાયું. તેણે વિચાર્યું કે થોડી નિયમિતતા અને શિસ્તથી બચત થશે, તો તે એને માટે સ્વતંત્રતાનો માર્ગ મોકળો કરી આપશે.
આ સમય દરમિયાન તે ૨૦૧૮માં પ્રોફેશનલ આસિસ્ટન્સ ફોર ડેવલપમેન્ટ એક્શન-પ્રદાન-માં જોડાઈ અને તેમાં ઇન્ટીગ્રેટેડ નેચરલ રીસોર્સીસ મેનેજમેન્ટ દ્વારા ખેતીની નવી ટૅક્નિક અને માનવ તેમજ અન્ય સંસાધનો દ્વારા સમાવેશી વિકાસ કરીને આત્મનિર્ભર કઈ રીતે બનાય તે શીખવવામાં આવ્યું. શરૂઆતમાં દોઢસો ખેડૂતો તેમાં જોડાયા. તે ઘરે ઘરે ફરતી અને સહકારથી કામ કરીએ તો શો ફાયદો થાય તે સમજાવતી. ઘણા લોકો તેને શંકાથી જોતા અને કહેતા કે તે તો એક સ્ત્રી છે તે કહે, તે શા માટે સાંભળવાનું? ઘણી વખત આંખમાં આંસુ સાથે ઘરે પાછી ફરતી. એ વિચારતી કે જો તે અત્યારે આ કામ છોડી દેશે, તો સ્ત્રીઓ પર કોઈ વિશ્વાસ નહીં કરે.
ધીમે ધીમે રશ્મિ ધુર્વેનું કામ બોલવા લાગ્યું. તેણે પોતાના ગામ સિવાયના અન્ય કોમ્યુનિટી રીસોર્સ પર્સનને કામ શીખવવા માંડયું. પાકની ખરીફ ઋતુમાં ખેડૂતોને આબોહવા પ્રમાણે શાકભાજી ઊગાડવા અને વેચાણ કરવા માટે પ્રેરિત કર્યા અને વિચાર્યું કે તેને બહારગામ વેચાણ માટે મોકલવા કરતાં ગામમાં જ શા માટે વેચાણ ન કરવું? તેના વેચાણ માટે બજાર ઊભું કરવાનું પણ વિચાર્યું. સ્થાનિક બજારને કારણે સરક્યુલર ઈકોનોમી ઊભી થઈ. દરેક ખેડૂતને બારથી પંદર હજાર રૂપિયાની વધારાની આવક થઈ. ૨૦૨૧માં તેણે ખેડૂતોને માત્ર પોણા એકર જમીનમાં બે વખત શાકભાજી ઊગાડવા પ્રેરિત કર્યા અને પાત્રીસ હજાર રૂપિયાની કમાણી થઈ.
રશ્મિ ધુર્વે કમ્પ્યૂટર શીખી અને ૨૦૨૧-૨૨માં સોશિયલ ઑડિટર બની ગઈ. કમ્પ્યૂટર પર તેને કામ કરતા જોઈને લોકો હસતા, પરંતુ પછી તેને માન આપવા લાગ્યા. આજે તે દસ પંચાયતનું ઓડિટ કરે છે. રશ્મિ કામની નિષ્ઠા અને પારદર્શકતા માટે જાણીતી થઈ. તેના પતિનું એકાએક અવસાન થયું. એ ઊંડા આઘાતમાં સરી પડી. લોકોને મળવાનું અને કામ કરવાનું છોડી દીધું, પરંતુ સંતાનોના સહકારથી કામ શરૂ કર્યું. તે કહે છે કે જ્યારે તે ખેતરમાં જાય છે અને પાકને લહેરાતો જુએ છે, ત્યારે તેને શાંતિનો અનુભવ થાય છે. તેણે વર્મીકમ્પોસ્ટ બનાવવાનું શરૂ કર્યું, જે જમીન માટે, આવક મેળવવા માટે અને ટકાઉ ખેતી માટે ફાયદાકારક બન્યું. રશ્મિની સૌથી મોટી સિદ્ધિ તેણે કેટલા ખેડૂતોને તાલીમ આપી તે નથી, પરંતુ વિચારસરણીમાં પરિવર્તન આવ્યું તે છે. તેણે અનેક સ્ત્રીઓને ખેતી કરતા શીખવ્યું અને અન્ય તાલીમ આપી. આજે મમતા નામની ખેડૂત બાર ગામોમાં પ્રવૃત્તિ કરાવે છે, તેની સેક્રેટરી છે અને લોકો તેને 'મૅડમ' કહીને બોલાવે છે. આજે સેનગુડા ગામની સહુ મુલાકાત લેવા આવે છે તેનું રશ્મિને ગૌરવ છે. એક સમયે રશ્મિ સો રૂપિયા માગતી ત્યારે લોકો તેને માંડ પચાસ રૂપિયા આપતા તે રશ્મિ સ્કૂટર ચલાવે છે, ખેડૂતો સાથે મિટિંગ કરે છે અને એને સૌથી વિશેષ આનંદ તો એ છે કે પોતાના નિર્ણયો જાતે લે છે. તે કહે છે કે જો તે આ કરી શકે તો કોઈ પણ સ્ત્રી કરી શકે. તેના માટે જોઈએ હિંમત, ધીરજ અને અમે શક્તિશાળી છીએ તેવી માન્યતા.
રીયૂઝ માટે સંશોધન
મટીરીયલ તરીકે પ્લાસ્ટિક આજનો દુશ્મન કે મોટી સમસ્યા નથી, પરંતુ સાચી સમસ્યા તો તેનો કઈ રીતે રીયુઝ કરવો તે છે, તે તો તમને નવા સંશોધનની તક આપે છે.
વી સમી સદીની મધ્યમાં ભારતમાં પ્રવેશેલું પ્લાસ્ટિક બહુ ઝડપથી લોકપ્રિય બન્યું, પરંતુ તે જ પ્લાસ્ટિક માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે આજે પડકારરૂપ બની રહ્યું છે. માત્ર ભારતમાં જ ચોત્રીસ લાખ ટન પ્લાસ્ટિક વેસ્ટ નીકળે છે જે લેન્ડફિલમાં જાય છે, નદીઓના પાણીને અવરોધે છે કે સમુદ્રમાં પ્રદૂષણ ફેલાવીને જળચર પ્રાણીઓના અસ્તિત્વ પર ખતરો ઊભો કરે છે. આમ છતાં ઘણા લોકો તેને 'વિલન' ગણતા નથી. અમૃતસરના યુવરાજસિંહ આહુજા કહે છે કે પ્લાસ્ટિક એટલું ખરાબ મટીરીયલ નથી, પરંતુ તેના નિકાલનો કે પુન: ઉપયોગનો યોગ્ય રીતે વિચાર થયો નથી. આર્કિટેક્ટનો અભ્યાસ પૂર્ણ કરીને ૧૯૯૯માં પિતાના ફ્રન્ટીયર પોલિમર પ્રા. લિ.માં તેઓ જોડાયા. તેમના પિતા વોટર ટેન્ક અને ઘરવપરાશની પ્લાસ્ટિકની વસ્તુઓનું ઉત્પાદન કરતા હતા.
યુવરાજસિંહ આહુજાએ આમાં નવું શું થઈ શકે તેની શોધ આદરી. તેમણે માર્ગ સલામતી માટે શંકુ આકારના સેફ્ટી કોન અને બેરિકેડ્સ બનાવ્યા, પરંતુ પરિવર્તન આવ્યું તેમના જીવનમાં બનેલા નાના પ્રસંગથી. એક દિવસ તેમના માતા બજારમાંથી એક પ્લાસ્ટિક પોટ લઈ આવ્યા, જેમાં એક છોડ રોપ્યો. એ પ્લાસ્ટિક પોટ દેખાવમાં અને ગુણવત્તામાં સારો નહોતો, તેથી યુવરાજસિંહને આકર્ષક ડિઝાઈન અને ટકાઉ પ્લાન્ટર બનાવવાનો વિચાર આવ્યો અને ૨૦૧૩માં દિલ્હીમાં સેરેનો કંપનીની સ્થાપના કરી અને તે અંતર્ગત વર્જિન પ્લાસ્ટિકમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળા અને અત્યંત સુંદર ડિઝાઈનના પ્લાન્ટર બનાવ્યા અને તે જ વર્ષે તેમને સી.આઈ.આઈ. ડિઝાઈન એક્સલન્સ ઍવૉર્ડ મળ્યો. એ સમયે તેમના મનમાં પર્યાવરણને હાનિ ન પહોંચાડવી એવી કોઈ પ્રાથમિકતા નહોતી, પરંતુ ૨૦૧૮થી સેરેનો કંપનીએ તેમના ફેક્ટરી વેસ્ટ, કોઈ કારણસર નામંજૂર થયેલો માલ કે ન વેચાયેલા માલનો ફરી ઉપયોગ કરીને પ્લાન્ટર બનાવવાનું શરૂ કર્યું. ૨૦૨૧માં યુરોપીયન ખરીદારોના આગ્રહથી કંપનીના વેસ્ટમાંથી પ્લાન્ટર બનાવવાનું નક્કી કર્યું, પરંતુ યુવરાજસિંહને તેની ગુણવત્તા અને સુંદરતા જળવાશે કે નહીં તે માટે સંશય હતો. તેમણે સંશોધન કર્યું, ત્યારે જાણવા મળ્યું કે યુરોપમાં સમુદ્રમાંથી પ્લાસ્ટિક કચરો એકત્ર કરે છે અને તેમાંથી ઉત્પાદનો બનાવે છે. તેમને આ વિચાર ગમી ગયો. ૨૦૨૨થી એમણે દૂધની થેલીઓ, શેમ્પૂ બોટલ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક લેન્ડફિલમાં જાય તે પહેલાં એકઠું કર્યું અને પ્રયોગો શરૂ કર્યા. પુન: ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકમાંથી બનતી વસ્તુની ગુણવત્તા અને સુંદરતા જળવાય છે કે નહીં તે ચકાસ્યું. ૨૦૨૪માં પિસ્તાળીસ લાખ દૂધની થેલીઓને લેન્ડફિલમાં જતી અટકાવી. એક થેલીનું વજન ચાર ગ્રામ હોય છે અને એ રીતે અઢાર ટન પ્લાસ્ટિકનો તેમણે પુન: ઉપયોગ કર્યો.
ઘણી એન.જી.ઓ., ઝીરો વેસ્ટ હાઉસિંગ સોસાયટીઓ આવી રીતે પ્લાસ્ટિકની થેલીઓને છૂટી પાડે છે, તેમાંથી દૂષિત પદાર્થો દૂર કરે છે અને રીસાઈકલ કરનારા તેના ગ્રેન્યુઅલ્સ બનાવી આપે છે. અમૃતસરમાં સવાસો વ્યક્તિઓ તેમાંથી સેરેનોના ઉત્પાદનો કરે છે. તેથી યુવરાજસિંહ કહે છે કે જે અન્ય વ્યક્તિ માટે વેસ્ટ છે તે એમને માટે રો-મટીરીયલ છે. પહેલાં તેઓ વર્જિન પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા હતા અને હવે સો ટકા વેસ્ટમાંથી રીસાયકલ કરીને પ્લાન્ટર બનાવે છે, પરંતુ તેઓ તેમની ડિઝાઈન અને ગુણવત્તામાં બાંધછોડ કરતા નથી. તે જે ઉત્પાદનો બનાવે છે, તે તડકામાં ૧૦-૧૨ વર્ષ રહે તો પણ તેનો રંગ આછો થતો નથી કે ઝાંખો પડતો નથી. આઉટડોરમાં મોટો છોડ રાખી શકાય છે. ટીમ સતત સંશોધન કરે છે કે તે કોઈપણ જાતના હવામાનમાં ટકી શકે તેમ છે કે નહીં. સેરેનોના પ્લાન્ટર્સ આજે ફાઈવ સ્ટાર હોટલોને અને લક્ઝુરીયસ બંગલાઓને શોભાવે છે. તેઓ કહે છે કે, 'જો લોકો મારી ડિઝાઈનની નકલ કરે તો સમજવું કે તે ખરેખર સુંદર છે અને અમે યોગ્ય દિશામાં કામ કરી રહ્યા છીએ.' દિલ્હીમાં એક વ્યક્તિએ પોતાના બંગલા માટે એંસી પ્લાન્ટર વસાવ્યા, પરંતુ અત્યંત ખરાબ વાવાઝોડાંમાં પણ તેને કંઈ અસર થઈ નહોતી. ફેક્ટરી પર અઢીસો કિલોવૉટની સોલર પેનલ લગાવી છે. જે તેમની સાઠ ટકા જરૂરિયાત પૂરી કરે છે. ડિઝલને બદલે તેઓ બાયોફ્યુઅલનો ઉપયોગ કરે છે. સેરેનો રોજના નાના-મોટા છસોથી સાડા આઠસો પ્લાન્ટર બનાવે છે. યુ.કે., યુ.એસ., નેધરલેન્ડ, જર્મની, સ્વીટ્ઝર્લૅન્ડ, જાપાન અને ઑસ્ટ્રેલિયામાં તેમના ગ્રાહકો છે. હવે તો તેઓ ઓટો ફર્નિચર બનાવવા માગે છે. તેમણે ૨૦૨૨થી અત્યાર સુધીમાં પિસ્તાળીસ હજાર વૃક્ષો વાવ્યાં છે. ૬૪૨.૧૭ ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કર્યો છે અને ૨૪૬.૯૯ ટન કોલસા બચાવ્યા છે. તેમને યુરોપિયન પ્રોડક્ટ ડિઝાઈનના ત્રણ અને ડિઝાઈનોમિક્સનાં ૅઍવૉર્ડ મળેલા છે. યુવરાજસિંહ પાકું હોમવર્ક કરવામાં માને છે. સસ્ટેનિબિલિટીને પૂર્ણ રીતે સમજીને કામ કરે છે. તેથી જ કહે છે કે મટીરીયલ તરીકે પ્લાસ્ટિક આજનો દુશ્મન કે મોટી સમસ્યા નથી, પરંતુ સાચી સમસ્યા તો તેનો કઈ રીતે રીયુઝ કરવો તે છે, તે તો તમને નવા સંશોધનની તક આપે છે.


