Get The App

અમેરિકાના ચિંતકોનાં માનસને ઘડનારી ભગવદ્-ગીતા!

Updated: Nov 29th, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકાના ચિંતકોનાં માનસને ઘડનારી ભગવદ્-ગીતા! 1 - image

- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર

- વોલ્ટ વ્હિટમેન

- સફળતા અને નિષ્ફળતાના સમયે અભિમાન કે નિરાશા રાખવા નહીં, બલ્કે મનને સંતુલિત રાખવું. માનવીને સમય પહેલા કે ભાગ્ય કરતાં કંઈ વધુ મળતું નથી...

૧ ડિસેમ્બરના રોજ શ્રીમદ્ ભગવદ્ગીતાની ૫,૧૬૨ મી જન્મજયંતીની વિશ્વભરમાં ઉજવણી થશે. પ્રત્યેક વર્ષે માગશર વર્ષના શુક્લપક્ષની એકાદશીના દિવસે ગીતાજયંતિ ઉજવવામાં આવે છે. આને મોક્ષદા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.

ભગવાન શ્રીકૃષ્ણએ આ દિવસે અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું અને તેથી આ દિવસ તે શ્રીમદ્ ભગવદ્ગીતાના પ્રાગટયનો દિવસ ગણાય છે. સવિશેષ તો આ દિવસનું એક વિશેષ મહત્વ છે. આ દિવેસ ઉપવાસ કરવાથી શરીર સ્વસ્થ રહે છે, મન શુધ્ધ થાય છે, પાપનો નાશ થાય છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. એ સંદર્ભમાં હિંદુ ધર્મ પ્રમાણે આને મોક્ષપ્રાપ્તિનો માર્ગદર્શક દિવસ માનવામાં આવે છે.

'શ્રીમદ્ ભગવદ્ગીતા'ના દિવ્ય ઉપદેશોમાં જીવનમાં કર્મ, સંતુલન અને મુક્તિનો માર્ગ આપણને જાણવા મળે છે. એ દર્શાવે છે કે જીવનમાં બધું સારું જ થાય છે અને સારું જ થશે. માત્ર કર્મ જ માનવીને મહાન બનાવેેે છે. સફળતા અને નિષ્ફળતાના સમયે અભિમાન કે નિરાશા રાખવા નહીં, બલ્કે મનને સંતુલિત રાખવું. માનવીને સમય પહેલા કે ભાગ્ય કરતાં કંઈ વધુ મળતું નથી, તેથી ભવિષ્યની ચિંતા કર્યા વિના માનવીએ પોતાનું કાર્ય કરવાનું ચાલુ રાખવું જોઈએ. વળી તમારું જે હોય છે, તેને કોઈ છીનવી શક્તું નથી.

મનુષ્યજાતિ પર શ્રીમદ્ ભગવદ્ગીતાના પ્રભાવની કલ્પના કરવી મુશ્કેલ છે. આ ગ્રંથે માત્ર ભારતીય સર્જકો અને ચિંતકોને જ નહીં, બલ્કે અમેરિકા અને રશિયાના સર્જકોના હૃદયમાં ઉર્ધ્વભાવનાનો પ્રતિઘોષ જગાવ્યો છે. અમેરિકાના ઉત્કૃષ્ટ કવિ, ચિંતક અને નિબંધકાર રાલ્ફ વાલ્ડો એમર્સન આજથી દોઢસો વર્ષ પૂર્વે શ્રીમદ્ ભગવદ્ગીતામાંથી પ્રેરણાબળ પામ્યા. આને પરિણામે અમેરિકામાં વેદાંત-આંદોલન શરૂ થયું અને અનેક આંદોલનોની જન્મદાત્રી એવું એમર્સનનું કોન્કર્ડ (ટ્રાન્સેલ્ડેન્ટલ) આંદોલન શ્રીમદ્ ભગવદ્ગીતાની ભાવનાઓનો ગાઢ પ્રતિઘોષ ઝીલે છે.

ઇંગ્લેન્ડના પ્રસિદ્ધ ઇતિહાસકાર અને કવિ ટોમસ કર્લાઇલ ગીતાથી પ્રભાવિત થયા અને ભારતીય દર્શનોના પ્રકાંડ વિદ્વાન મેક્સમૂલર શ્રીમદ્ ભગવદ્ગીતાનો પ્રથમ અધ્યાય વાંચીને મંત્રમુગ્ધ બની ગયા!

એમર્સન પોતાના ગીતા-જ્ઞાનનો વારસો હેની ડેવિડ થોરોને આપે છે. આ થોરો એટલે અમેરિકાનો ઉત્તમ રહસ્યવાદી ચિંતક અને ઉત્કૃષ્ટ નિબંધલેખક, પ્રકૃતિના અનન્ય આશક હેની ડેવિડ થોરો કવિ એમર્સનને પોતાના માર્ગદર્શક પિતા તથા મિત્ર ગણતા હતા. થોરો એમર્સનથી ચૌદ વર્ષ નાના હતા, એમર્સનને પોતાના આ શિષ્યમાં એમને મનપસંદ એવી માન્ય સ્વનિર્ભરત્વના સિદ્ધાંત સાથે ૧૮૪૫માં મેસેચ્યુસેટ્સના કોન્કોર્ડ ગામથી દોઢેક કિલોમીટર દૂર આવેલા વાલ્ડન સરોવર નજીકના જંગલોમાં જાતે કુટિર બાંધીને બે વર્ષ સુધી એકલા રહ્યા. એમર્સનના સામાયિક ' ધ ડાયલ'ના ૧૮૪૦ના જુલાઈ મહિનામાં પ્રગટ થયેલા અંકમાં 'સિમ્પથી' નામનું થોરોનું કાવ્યો મળે છે. આ થોરો એમની વીસીના વર્ષોમાં એમર્સનને ત્યાં રહ્યા હતા અને એમર્સનના અભ્યાસખંડમાંથી મળેલા ભારતીય સાહિત્ય વિશેનાં પુસ્તકો વાંચ્યા હતાં. થોરોની વાચનભૂખ જબરી હતી.

૧૮૪૬ની જુલાઈમાં એમર્સન નોંધે છે કે તેઓ 'વીક ઓન ધ કોન્કર્ડ એન્ડ મેરીમેક રિવર્સ' પુસ્તકનો કેટલોક ખંડ વાંચતા હતા. હકીકતમાં આ ગ્રંથ એ શ્રીમદ્ ભગવદ્ગીતાની ઉત્સાહપૂર્ણ પ્રશસ્તિ છે અને એમાં ઉત્તમ કાવ્યો અને ભારતીય તત્વજ્ઞાન પણ આલેખાયેલા છે. થોરોએ પણ ચાર્લ્સ વિલ્કિન્સે કરેલો ગીતાનો અનુવાદ વાંચ્યો હતો.

થોરોને મળવા માટે યુવાન અંગ્રેજ વિદ્વાન થોમસ એલમોડેલ ગયા. આ થોમસે પોતાનો આદરભાવ પ્રગટ કરવા માટે થોરોને ચોવીસ જેટલા પૂર્વીય સાહિત્યના પુસ્તકો મોકલ્યાં. આ પુસ્તકોમાં ભગવદ્ ગીતા અને ઉપનિષદની પ્રત હતી. થોરોનો આ ગ્રંથસંચય એ અમેરિકામાં પૂર્વના સાહિત્યનો સૌ પ્રથમ સંગ્રહ છે. એના પુસ્તક 'વાલ્ડન'માં નોંધ્યું કે પૂર્વના તમામ સ્મારકો કરતાં ભગવદ્ ગીતા વધુ પ્રશંસાપાત્ર છે. આ થોરોને એશિયાઈ ધર્મગ્રંથોનું 'સંયુક્ત બાઈબલ' રચવાનો વિચાર આવ્યો. એમાં ચીની, ભારતીય, પર્શિયન અને હિબૂ્ર શાસ્ત્રો આપવામાં આવે અને તેને દુનિયાના છેડા સુધી લઈ જવામાં આવે. આને માટે એણે આપેલું સૂત્રાત્મક વાક્ય 'લાઈટ ફોર ધ ઇસ્ટ' છે.

મહાત્મા તરીકે ઓળખાયેલા થોરોએ એના પુસ્તકમાં ગીતાને અંજલિ આપી છે. એણે કહ્યું છે કે ઘણાં પુસ્તકો એ માત્ર ઘર કે શેરીને શોભાવનારા હોય છે, જ્યારે ભગવદ્ ગીતા એ માનવીમાં પડેલા સૌથી ગહન અને સૌથી પ્રબળ તત્ત્વને સ્પર્શનારી છે, એમણે એમ કહ્યું કે વાચક આટલી ઉત્કૃષ્ટ અને વિરલ વિચારધારા ભગવદ્ ગીતા સિવાય પામી શકે નહીં. વળી ગીતામાં આપેલું જ્ઞાન એ મનને નિર્મળતમ બનાવનારું છે. વાલ્ડન સરોવરના કિનારે થોરો વસ્યા ત્યારે એમણે એની દિનચર્યા આલેખતા લખ્યું છે કે ભગવદ્ગીતાની ભવ્ય અને વૈશ્વિક ધારામાં એ પ્રાત:કાળે પોતાની બુધ્ધિને સ્નાન કરાવે છે. આની સરખામણીમાં આજનું આપણું આધુનિક વિશ્વ અને સાહિત્ય એ નબળું અને તુચ્છ લાગે છે. ભગવદ્ ગીતાના આ વાચનના અનુભવ પછી જ થોરો પાણીમાં સ્નાન કરતો. આ સમયે એ અનુભવે છે કે ગંગાના કિનારે આવેલા મંદિરોનાં વેદનું વાચન કરતાં બ્રહ્મા, વિષ્ણુ અને ઇંદ્ર અને દૃષ્ટિગોચર થાય છે. કોઈ બ્રાહ્મણ સેવક એમને માટે ગંગાજળ ભરવા માટે આવે છે. વાલ્ડનના કિનારે વસનારા થોરોને એમ લાગે છે કે આ સરોવરનાં જળ એ પવિત્ર ગંગાજળ સાથે એકરૂપ થઈ જાય છે.

અમેરિકાએ એ થોડા આધ્યાત્મિક ચિંતકો સર્જ્યા, એમાં થોરો પહેલી હરોળમાં બિરાજે છે. થોરોની મહત્તા એને આપેલી વિચારસૃષ્ટિમાં છે અને તે વિચારસૃષ્ટિના ઘડતરમાં ભારતીય ધર્મશાસ્ત્રો અને શ્રીમદ્ ભગવદ્ ગીતાનું યોગદાન મહત્ત્વપૂર્ણ છે. આથી જ આ નિસર્ગવાદી વિચારકે આલેખેલા વિચારોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા અને ભારતીય તત્ત્વધારાનો પ્રભાવ જોવા મળે છે. થોરો કહે છે કે માનવીએ પોતાના અંત:કરણને અનુસરીને વર્તવું જોઈએ. આ જીવનનું ઓછું મૂલ્ય આંકવું જોઈએ નહિં અને પ્રકૃતિને ખોળે રહીને કલ્યાણની ભાવનાઓ સેવવી જોઈએ.

આ હેની ડેવિડ થોરોનું સ્મરણ થતાં એક બીજી વાત પણ યાદ આવે છે. ઇ.સ. ૧૮૪૫માં વાલ્ડન સરોવરની પાસે ઝૂંપડી બાંધીને નિર્જનતામાં નિવાસ કરતા થોરોએ સરકારી કર ભરવાનો ઇન્કાર કર્યો. એને એક રાત જેલમાં રહેવું પડયું. થોરોએ સ્પષ્ટપણે કહ્યું કે જે સરકાર ગુલામીપ્રથા નિભાવતી હોય તેને પોતે કોઈ રીતે ટેકો આપી શકે ? આથી એણે કર ભર્યો નહીં. એમ કહેવાય છે કે થોરોના કાકી મેરીએ એ કર ભરી દીધો હતો. પોતે શા માટે કર ભરવાનો ઇન્કાર કરે છે એ વિશે એણે પોતાના જન્મસ્થાન અને નિવાસસ્થાન કોન્કોર્ડમાં આપેલા બે વ્યાખ્યાનો 'સિવિલ ડિસોબીડિયન્સ' ને નામે ઇ.સ.૧૮૪૯માં પ્રકટ થયા. મહાત્મા ગાંધીજીએ સ્વાતંત્ર્ય આંદોલન વખતે આ થોરો પાસેથી 'સવિનય કાનૂનભંગ' સંજ્ઞા લીધી. દેશદેશ વચ્ચે કેવું સાંસ્કૃતિક પ્રદાન ચાલે છે એનું આ દૃષ્ટાંત છે.

એમર્સન પાસેથી થોરોને ભગવદ્ગીતા મળી. થોરો પાસેથી એ ગ્રંથ આમોસ બ્રોસનન આલ્કોટને મળ્યો. આ આલ્કોટે ભગવદ્ ગીતાનું પુસ્તક વાંચીને કહ્યું કે,'પૌર્વત્સ્ય ધર્મશાસ્ત્રોમાં ભગવદ્ ગીતાથી ચડિયાતું કોઈ નથી અને બુદ્ધિશાળી માણસો માટે આ ઉત્તમ વાંચન છે. એમાં પણ ગીતાના છેલ્લા સંવાદો આલ્કોટના હૃદયને એવા તો સ્પર્શી ગયા કે એણે એના પોતાના સામયિકમાં આનો અનુવાદ પ્રગટ કરવાનું વિચાર્યું.'

એડવિન આરનોલ્ડે પોતાનું પુસ્તક 'લાઈટ ઓફ એશિયા' આલ્કોટને ભેટરૂપે મોકલ્યું. આ સમયે આલ્કોટ 'કોન્કોર્ડ સમર સ્કૂલ ઓફ ફિલોસોફી'ના ડીન હતા અને બોસ્ટન વિસ્તારના જિજ્ઞાસુઓને વાચન માટે સતત માર્ગદર્શન આપતા હતા. ૧૮૨૨માં આલ્કોટે ભગવદ્ગીતા અને હિંદુશાસ્ત્રો પર પ્રવચન આપ્યા. અમેરિકાના વિખ્યાત કવિ વોલ્ટ વ્હિટ્મને એમર્સન અને થોરોની ભાવનાઓ ઝીલી. આ વોલ્ટ વ્હિટમનને ૧૮૯૫માં થોમસ ડિક્સન નામના સજ્જને શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અનુવાદ મોકલ્યો. વ્હિટમને આ ગ્રંથ વાંચ્યો અને એના હાંસિયામાં પોતાની નોંધ પણ કરી. વોલ્ટ વ્હિટમનનાં સ્મરણો આલેખનાર વિલિયમ એસ.કેનેડીએ નોંધ્યું છે કે વ્હિટ્મનની કૃતિ 'લીવ્ઝ ઓફ ગ્રાસ' એ ભગવદ્ ગીતા અને ન્યૂયોર્ક હેરલ્ડનું મિશ્રણ છે. ડોરોથી મર્સર નામની અભ્યાસી મહિલાએ પીએચ.ડી.નો એક મહાનિબંધ લખ્યો છે અને એમાં એણે 'લીવ્ઝ ઓફ ગ્રાસ' અને 'ભગવદ્ ગીતા'નો તુલનાત્મક અભ્યાસ કર્યો. એણે એવું તારવ્યું છે કે આ કૃતિની રચના પૂર્વે વોર્લ્ટ વ્હિટમનને સંસ્કૃત સાહિત્યનો પરિચય હતો. ભગવદ્ ગીતાએ અમેરિકાના સર્જકો અને ચિંતકોની જીવનદૃષ્ટિ ઘડવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે.