Get The App

રામમંદિરની ધ્વજા એટલે સ્નેહ, સેવા અને સમર્પણની ભાવના!

Updated: Nov 29th, 2025

GS TEAM

Google News
Google News
રામમંદિરની ધ્વજા એટલે સ્નેહ, સેવા અને સમર્પણની ભાવના! 1 - image

- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

- સીતાનું સ્થાન રામના ડાબી બાજુ છે અને તે ખૂબ જ સ્વાભાવિક છે. આપણા શ૨ી૨માં આપણું હૃદય ડાબી બાજુએ જ હોય છે. રામ સીતાને પોતાનું હૃદય માનતા હતા.

અ યોધ્યા નગરીમાં ભવ્ય રામમંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે એના ૧૬૧ ફૂટ ઊંચા શિખર પર ધર્મધ્વજા સ્થાપિત થઈ. આ ધર્મધ્વજા સાથે એ યજ્ઞાની પૂર્ણાહૂતિ થઈ જે પાંચસો વર્ષથી પ્રજ્વલિત રહ્યો અને ત્યારે રામમંદિ૨ની ભાવનાને આપણા જીવનમાં કેવી રીતે આત્મસાત્ કરવી જોઈએ તે આપણે વિચારવું જોઈએ, ત્યારે શ્રીરામ પાસેથી આપણે જીવનમાં બનતી વિભિન્ન ઘટનાઓ પ્રત્યે એક પોઝિટીવ દ્રષ્ટિકોણ રાખવાનું શીખવું જોઈએ. આને પરિણામે જ રામ એ પ્રસન્નતાનું મૂર્તિમંત પ્રતીક બની રહ્યા હતા. આ સંદર્ભમાં આપણા પ્રખર ચિંતક હરિભાઈ કોઠારીએ પોતાના વિચારો આલેખતા કહ્યું છે કે, 

વસુંધરાનો વૈભવ ચરણો પર આવી પડવાની આશા કે વનવાસ માટે જવાની આજ્ઞા, બંનેનું મૂલ્ય રામની દ્રષ્ટિએ સરખું હતું. કવિ વાલ્મિકી કહે છે, श्रुत्वा न विव्यथे रामः વનવાસની આજ્ઞા સાંભળીને રામ જરા પણ વ્યથિત થયા નહીં. આ બે પરસ્પર વિપરીત પરિસ્થિતિઓમાં પણ રામના ચહેરા પર સ્વલ્પમાત્ર વિકાર જોવા મળ્યો નહીં. રામની આ અનોખી સમ્યક્દ્રષ્ટિએ જ વાલ્મિકીને રામચરિત્ર લખવા પ્રેર્યા. 

પોતાનું અમંગલ કરવામાં નિમિત્ત બનનાર પ્રત્યે મંગલ ભાવો રાખનારી સમદ્દષ્ટિ અતિ દુર્લભ છે. મંથરાની કાન ભંભેરણીના કારણે કૈકેયીએ દશરથ પાસે વરદાન માગ્યાં; જેના પરિણામે રામને વનવાસ સ્વીકારવો પડયો પરંતુ રામને કૈકેયી પ્રત્યે સ્વલ્પમાત્ર રોષ નથી. વનમાં જતી વખતે એ માતા કૈકેયીને પ્રણામ કરવા જાય છે ત્યારે કહે છે -

વનમાં રહીને માત્ર મારી જ કાળજી લેવાની આજ્ઞા તેં મને કરી અને સકલ ભુવનનો ભાર (રાજ્યપુરા) તારા પુત્રના ખભે મૂક્યો. અમારા બંનેના કાર્યની સુગમતાનો વિચાર કરતાં એમ લાગે છે કે, 'હે મા ! તારો મારા તરફ વિશેષ પક્ષપાત છે.' 

આપણને કદાચ એમ લાગે કે વનમાં જતી વખતે રામ એવું કહે કે શક્ય છે કારણ કે વનવાસમાં કષ્ટ હજી વેઠવાનાં બાકી છે. પરંતુ એવું નથી. ચૌદ વર્ષના વનવાસ પછી રામ જ્યારે અયોધ્યામાં પાછા આવે છે ત્યારે પણ મા કૈકેયીને પ્રણામ કરતી વખતના એમના શબ્દો આપણને એમની સામે નતમસ્તક બનાવે તેવા જ છે. તે કૈકેયીને કહે છે, 'હે મા ! મને વનવાસ આપીને તેં મારા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે.' 'પિતાજીનો સ્નેહ, ભરતનો મહિમા, હનુમાનનું પૌરુષ, સુગ્રીવની મૈત્રી, લક્ષ્મણની ભક્તિ, સીતાનું સત, મારું બાહુબળ અને વેરીઓનો વેરભાવ આ બધું મને જાણવા મળ્યું તે, હે મા ! તારાં ચરણોનો જ પ્રસાદ છે.' 

'મારા વિરહમાં દશરથ પ્રાણ ત્યજે, ભરત મારી અનુપસ્થિતિમાં પોતાને મળેલું રાજ્ય ઠુકરાવી દે, હનુમાન મારા માટે સાગર કૂદી જાય, સુગ્રીવ જાનની બાજી લગાવી દે, લક્ષ્મણ નિદ્રા ત્યાગીને ખડે પગે ઊભો રહે, વેરના મૂર્તિમંત સ્વરૂપ જેવા રાક્ષસોને હણવામાં મારું બાહુબળ સક્ષમ નીવડે આ બધી વાતોનું જ્ઞાન, જો હું વનમાં ન ગયો હોત તો મને શી રીતે થાત ?' 

પ્રતિકુળ પરિસ્થિતિમાં પણ પ્રસન્ન રહેવાની આ કળા જો આપણે હસ્તગત કરી લઈએ તો આપણું જીવન પણ એક મંગલકાવ્ય બની રહે. આવી રામદ્દષ્ટિ મેળવવા આપણે સતત રામની ઉપાસના કરતાં રહેવું જોઈએ. रामो भूत्वा रामं यजेत् રામ થઈને જ રામની જીવનદ્દષ્ટિ અપનાવવી એ જ એની સાચી પૂજા છે. કૌટુંબિક સામાજિક, નૈતિક તેમ જ રાજકીય મર્યાદામાં રહીને પણ પુરુષ ઉત્તમ શી રીતે બની શકે એ મર્યાદા-પુરુષોત્તમ રામનું જીવન આપણને સમજાવે છે.

आत्मानं मानुषं मन्ये रामं दशरथात्मजम्

હું મારી જાતને મનુષ્ય સમજું છું. હું દશરથપુત્ર રામ છું - એમ કહેનાર રામ દેવત્વ શી રીતે પામ્યા તે રામાયણે દર્શાવ્યું છે. વિકારોમાં, વિચારમાં તથા વ્યવહારિક કાર્યોમાં પણ તેમણે કદી માનવીની મર્યાદા છોડી નથી, તેથી રામ મર્યાદા-પુરુષોત્તમ કહેવાયા. માનવજાત રામને ભગવાન ઠરાવીને તેની કેવળ પૂજા કરતી ન બેસે પરંતુ રામ બનવાનું ધ્યેય અને આદર્શ રાખે એટલા માટે મહર્ષિ વાલ્મિકીએ રામનું ચરિત્રચિત્રણ કર્યું છે. 

આપણે રામને નમસ્કાર કરીએ છીએ, પરંતુ આપણા નમસ્કાર રામને પહોંચે છે ખરા ? પ્રત્યેકે શાંતિપૂર્વક આ વાતનો વિચાર કરવો જોઈએ. રામના પૂર્ણસ્વરૂપનું વર્ણન કરતાં રામરક્ષાનો ઋષિ કહે છે, 'જેની જમણી બાજુ લક્ષ્મણ છે, ડાબી બાજુ સીતાજી બિરાજે છે, આગળ મારુતિ ઉપસ્થિત છે, એવા રઘુનંદન રામને હું નમસ્કાર કરું છું.'

આ શ્લોકો ઘણો જ સૂચક છે. લક્ષ્મણ સમર્પણનું પ્રતીક છે, સીતા સ્નેહનું પ્રતીક છે અને મારુતિ સેવાનું પ્રતીક છે. અર્થાત્ સમર્પણ, સ્નેહ અને સેવાથી યુક્ત થઈને જો આપણે નમસ્કાર કરીએ તો જ આપણા નમસ્કાર રામને સ્વીકાર્ય બને. 

લક્ષ્મણે પોતાનું જીવન રામને સમર્પિત કર્યું હતું. લક્ષ્મણનું સમર્પણ એ એક બુદ્ધિમાન મનુષ્યનું સમર્પણ છે, તેથી તેમાં એક આગવી સૌરભ છે. મનગમતું કામ તો સૌ કરે પરંતુ લક્ષ્મણ તો રામની આજ્ઞા થતાં અણગમતું કામ કરવા પણ તૈયાર રહેતો. આ વિશ્વાસથી જ સીતાને જંગલમાં છોડી આવવાનું કામ રામે લક્ષ્મણને સોંપ્યું હતું. 

સીતાનું સ્થાન રામના ડાબી બાજુ છે અને તે ખૂબ જ સ્વાભાવિક છે. આપણા શ૨ી૨માં આપણું હૃદય ડાબી બાજુએ જ હોય છે. રામ સીતાને પોતાનું હૃદય માનતા હતા. રામ કદી સીતાનો ત્યાગ કરી જ શકતા નથી કારણ કે એ તો રામના હૃદયમાં જ બિરાજમાન હતી. લોકારાધન માટે રાજા રામે રાણી સીતાનો ત્યાગ કર્યો હતો. 

રામે અશ્વમેધ (યજ્ઞા) કર્યો ત્યારે ઋષિઓએ રામને ફરી પરણવા કહ્યું, કારણ કે યજમાને યજ્ઞામાં સજોડે બેસવું જોઈએ એવી શાસ્ત્રાજ્ઞા છે. ક્ષત્રિય રાજાઓ તે કાળે એક કરતાં વધારે વિવાહ કરે, એ શાસ્ત્રસંમત ઘટના હતી. રામના પિતા દશરથને પણ એક કરતાં વધારે પત્નીઓ હતી. આ રીતે યજ્ઞાની જરૂરિયાત, ઋષિઓની અનુજ્ઞા, શાસ્ત્રોની સંમતિ, તેમ જ ઘરમાં ઉદાહરણ હોવા છતાં રામ બીજી વાર પરણવા તૈયાર થતા નથી. તે વખતે રામે સીતા માટે ઉચ્ચારેલા શબ્દો પ્રત્યેક પતિએ પોતાના હૃદયમાં કોતરી રાખવા જેવા છે. 

'તું મારી હૃદય સામ્રાજ્ઞાી છે, મારા ઘરની દેવતા છે, સ્વપ્નમાં પણ તું જ મારી સખી છે. બીજી પત્ની કરવાના બારામાં નિ:સ્પૃહ મનવાળો હું યજ્ઞામાં તારી પ્રતિમાને જ ધર્મપત્નીનું સ્થાન આપીશ.' 

સીતાને પણ રામ વિરુદ્ધ કોઈ ફરિયાદ નથી, કારણ કે સાચો સ્નેહ શિકાયતને ઓળખતો જ નથી. લક્ષ્મણને તે કહે છે કે, રામને એટલું જ કહેજો કે, भूयो यथा मे जननात्रेडपि त्वमेव भर्ता । 'જન્મ-જન્માંત૨માં તમે (રામ) જ મને પતિ તરીકે પ્રાપ્ત થજો.' 

મારુતિ રામની સમક્ષ ઉપસ્થિત છે. સેવકનું સ્થાન સ્વામીનાં ચરણોમાં જ હોવું જોઈએ. રામનું હૃદય જીતી લેનારો દાસમારુતિ જ રામકૃપાથી વીરમારુતિ બની રાવણને પરાભૂત કરી શકે. ભક્તિરહિત શક્તિથી રાવણ રાક્ષસ બન્યો અને રામની પત્નીને ઉપાડી ગયો જ્યારે ભક્તિયુક્ત શક્તિથી હનુમાન રામદૂત બન્યો અને સીતાને શોધી લાવ્યો.

આપણે પણ જો લક્ષ્મણની જેમ શબ્દો વગરનું (મૂક) સમર્પણ કરીએ, સીતાની જેમ શિકાયત વગરનો (નિરપેક્ષ) સ્નેહ કરી અને મારુતિની જેમ સ્વાર્થ વગરની (નિ:સ્પૃહ) સેવા કરીએ તો રામને ગમીએ, રામદ્રષ્ટિ પામી શકીએ. માનવમાત્રને પ્રેરણા અને પ્રોત્સાહન આપતા, સાગર જેવા ગંભીર, આકાશ જેવા વિશાળ, હિમાલય જેવા ઉદાત્ત શ્રીરામના જીવનનો વિચાર કરીને તેમના ગુણોને જીવનમાં અપનાવવા તેમજ તેમાંની સાંસ્કૃતિક દ્રષ્ટિને સમાજમાં ટકાવી રાખવા કૃતનિશ્ચયી બનીએ.

મનઝરૂખો

ઇંગ્લેન્ડનો રાજા જ્યોર્જ (તૃતીય) ક્રોધી સ્વભાવ ધરાવતો હતો. નાની નાની વાતમાં એ અત્યંત ગુસ્સે થઈ જતો અને એ વ્યક્તિને આકરી સજા ફરમાવતો હતો. એક વાર ઇંગ્લેન્ડનો રાજા જ્યોર્જ (તૃતીય) બીમાર પડયો. એના ક્રોધી સ્વભાવને લીધે નગરનો એકે ડોક્ટર એની ચિકિત્સા કરવા રાજી નહોતો.  સૌને ભય હતો કે એની ચિકિત્સા કરવા જતાં એને સહેજે પીડા થાય, તો એ ડોક્ટરને આકરામાં આકરી સજા ફરમાવે. આવા ગુસ્સાવાળા રાજાથી તો દૂર જ સારા, એમ વિચારીને શહે૨નો કોઈ ડોક્ટર તૈયાર થયો નહીં; પરંતુ ગામડામાં રહેતા એક ડોક્ટરે હિંમત કરી અને એ રાજા જ્યોર્જનો ઉપચાર કરવા લાગ્યો. 

રાજા જ્યોર્જ બેભાન બની ગયો હતો. એ સમયે એના રોગનું નિદાન કરવા માટે આ ડોક્ટરે એનું લોહી લીધું. થોડા સમય બાદ રાજા સ્વસ્થ થયો; પરંતુ જ્યારે એને ખબર પડી કે આ ડોક્ટરે એના શરીરમાંથી પરીક્ષણ કરવા માટે લોહી લીધું હતું, ત્યારે એ ગુસ્સાથી લાલચોળ થઈને બોલ્યો, 

'મારી રજા વિના મારું લોહી લીધું કેમ ? કોણે તને રાજાનું ખાનદાની લોહી લેવાનો આવો અધિકાર આપ્યો ? તારા આવા અવિનયી કૃત્યની તારે સજા ભોગવવી જ પડશે.' 

ડોક્ટરે કહ્યું, 'આપ મને જરૂર સજા કરો; પરંતુ મારે એટલું જ કહેવાનું કે જે સમયે મેં આપનું લોહી લીધું, ત્યારે આપ બેહોશ હોવાથી મને રજા આપવાની સ્થિતિમાં નહોતા.' ઉત્તર સાંભળતા રાજાનો ક્રોધ શાંત થઈ ગયો અને આ ચિકિત્સકને પોતાના અંગત ચિકિત્સક તરીકે નિયુક્ત કર્યો. 

અન્ય ડોક્ટરોએ આ ડોક્ટરને પૂછયું કે આવા મહાક્રોધી રાજાનો ઉપચાર કરવાનું બીડું એણે કેમ ઝડપ્યું, ત્યારે આ ડોક્ટરે જવાબ આપ્યો, 'મારો આત્મવિશ્વાસ જ મને અહીં સુધી લઈ આવ્યો હતો. જે લોકો જોખમ વહોરીને આત્મવિશ્વાસની સાથે પોતાનું કામ કરવા પ્રયત્ન કરે છે, એને અવશ્ય સફળતા સાંપડે છે.'