Get The App

60 વર્ષનું મૌન : ઇજિપ્તના એરિયા-51માં શું છુપાયેલું છે?

Updated: Nov 29th, 2025

GS TEAM

Google News
Google News
60 વર્ષનું મૌન : ઇજિપ્તના એરિયા-51માં શું છુપાયેલું છે? 1 - image

- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી

ઇ તિહાસમાં ક્યારેય એવું થયું છે કે કોઈ મહાન રાજવીનું અમૂલ્ય સ્વપ્ન પૂરું થતાં પહેલાં જ અધવચ્ચે જ અટકી જાય? આ સવાલનો જવાબ જાણવા માટે તમારે થોડી ધીરજ રાખવી પડશે. ગિઝાના ત્રણ વિશાળ પિરામિડથી માત્ર ૭ કિલોમીટર દૂર, રણની રેતાળ ધૂળમાં છુપાયેલું એક એવું સ્મારક પડયું છે. જે ઇજિપ્તની સૌથી મોટી અજાણી અધૂરી કહાની કહે છે. ઝવ્યેત અલ-અરયાન, એક એવો અધૂરો પિરામિડ છે. જેની દિવાલોની રચના ક્યારેય પૂરી થઈ શકી નથી. અહીં એક ભૂગર્ભ ખંડ છે. જેમાં કોઈ જાણીતા ફારોહની કબર નથી. અહીં ક્યા ફેરોહને દફનાવવામાં આવ્યા હોત? એ વાત પણ ઇતિહાસકારો જાણતા નથી. આ અધૂરાપણું જ તેની સૌથી મોટી રહસ્યમય ઘટના છે. કારણ કે જ્યારે પિરામિડ પૂર્ણ થાય છે ત્યારે તે ફારોહની શક્તિનું પ્રતીક બને છે, પરંતુ જ્યારે તે અધવચ્ચે જ અટકી જાય, ત્યારે તે ઇતિહાસના સૌથી મોહક પ્રશ્નો ઉભા કરે છે : અહીં એવું શું બન્યું હશે? જેના કારણે બાંધકામ અટકી ગયું? આ બાંધકામ કોણ કરાવી રહ્યું હતું?  ઇતિહાસની એક અમૂલ્ય અધુરી મહત્વકાંક્ષા જેવા ઝવ્યેત અલ-અરયાન નામના પિરામિડ, જેને સમગ્ર વિશ્વ 'ઇજિપ્તનાં એરિયા-૫૧' તરીકે ઓળખે છે, શા માટે?

પ્રતિબંધિત ઝોનમાં કોણ સૂતું છે?

ગીઝાના પિરામિડથી માત્ર ૧૮ મિનિટના અંતરે આવેલું, આ સ્થળ વિશ્વના સૌથી ઓછા અભ્યાસ કરાયેલા પિરામિડ્સમાંનું એક સ્થળ છે. છેલ્લા ૬૦ વર્ષથી કોઈ પુરાતત્વવિદ, કોઈ સંશોધક, કે કોઈ પ્રવાસી આ અદ્ભુત સ્થળની મુલાકાત લઈ શકયુ નથી. ઝવ્યેત અલ-અરયાન પિરામિડ આસપાસનો સમગ્ર વિસ્તાર, ઇજિપ્તનો એરિયા-૫૧ કહેવામાં આવે છે. કારણકે ૧૯૬૪થી આ સમગ્ર વિસ્તાર લશ્કરી પ્રતિબંધિત ઝોનમાં આવી જાય છે. 'આ સમગ્ર પરિસર, ઇજિપ્તના લશ્કરી દળોના હાથમાં છે.' ૧૯૫૪માં હોલીવૂડની 'લેન્ડ ઓફ ધ ફારોહઝ' ફિલ્મના શૂટિંગ માટે, આ સ્થળનો ઉપયોગ થયો હતો. બસ આ છેલ્લી વખત સામાન્ય માણસને, આ અધૂરાં પિરામિડમાં વ્યાપક પ્રવેશ મળ્યો હતો.

પ્રાચીન ઇજિપ્તનો પિરામિડકાળ આજથી ૫,૦૦૦ વર્ષ પહેલાનો છે. જ્યારે માનવ સભ્યતા હજી પણ પથ્થર અને તાંબાના સાધનોનો ઉપયોગ કરીને મહાન સ્મારકો બનાવતી હતી. પ્રાચીન ઇજિપ્તમાં પિરામિડ બાંધકામ માત્ર, એક કબર બનાવવાનાં ઉદ્દેશ્ય સાથે શરૂ થતું ન હતું. તે ફારોહની દૈવી શક્તિનું પ્રતીક માનવામાં આવતું હતું. જેનું ધાર્મિક, રાજકીય અને આધ્યાત્મિક મહત્વ અલગ અલગ હતું. પ્રાચીન ભારતીય ઋષિઓ યજ્ઞાો દ્વારા ઉર્જાને બ્રહ્માંડ સાથે જોડવાનું કામ કરતા હતા, તે જ રીતે ઇજિપ્તના પિરામિડ દ્વારા ફારોહ તેમની ઉર્જાને,  પૂજ્ય સૂર્ય દેવ 'રા' સાથે જોડતા હતા. પિરામિડનો આકાર સૂર્યના કિરણોનું પ્રતીક માનવામાં આવતું હતું, જે ફારોહને સ્વર્ગ તરફ લઈ જાય છે. ઇજિપ્તનો ત્રીજો અને ચોથો રાજવંશ, જેને 'ઓલ્ડ કિંગડમ' કહેવામાં આવે છે. તેનો સમય પિરામિડ બાંધકામનો સુવર્ણ યુગ હતો. આ સમયગાળો ઈ.સ. પૂર્વે ૨૭૦૦થી ૨૨૦૦ વચ્ચેનો છે. ઇજિપ્તના પ્રાચીન સામ્રાજ્યના સમયગાળામાં, આજથી લગભગ ૪,૭૦૦ વર્ષ પહેલા, આ સ્થળે બે પિરામિડ્સનું બાંધકામ શરૂ થયું હતું. પરંતુ વિચિત્ર વાત એ છે કે 'આ બંને પિરામિડ્સ ક્યારેય પૂર્ણ થયા જ નહીં.'

કાર્લ રિચાર્ડ લેપ્સિયસ

જર્મન પ્રજાનો ઇતિહાસ પ્રત્યેનો લગાવ એક અલગ મુકામે છે. ઝવ્યેત અલ-અરયાનના રહસ્યોને સમજવામાં મુખ્ય યોગદાન આપનાર પ્રથમ વ્યક્તિ હતા - જર્મન ઇજિપ્ટોલોજિસ્ટ કાર્લ રિચાર્ડ લેપ્સિયસ (૧૮૧૦-૧૮૮૪). જેમણે ઇજિપ્તના પ્રાચીન સ્મારકોના અભ્યાસમાં ક્રાંતિકારી યોગદાન આપ્યું હતું. લેપ્સિયસને આધુનિક ઇજિપ્તોલોજીના સ્થાપક પિતાઓમાંના એક ગણવામાં આવે છે. ૧૮૪૨-૧૮૪૫ના સમયગાળામાં તેમણે પ્રશિયાના રાજા ફ્રેડરિક વિલિયમ IVના આર્થિક સહયોગથી, ઇજિપ્ત અને સુદાનમાં પ્રાચીન સ્મારકોના અભ્યાસ માટેનું અભિયાન હાથ ધર્યું હતું. અભિયાન દરમિયાન તેમણે અને તેમની ટીમે હજારો શિલાલેખો, ચિત્રો અને સ્થાપત્યકળાના નમૂનાઓની વિગતવાર નકલ તૈયાર કરી હતી. પ્રથમ વખત વૈજ્ઞાનિક રીતે સ્મારકોના ફોટોગ્રાફ્સ લીધા હતાં. આ ઉપરાંત બર્લિન મ્યુઝિયમ માટે ૧૫,૦૦૦ કલાકૃતિઓનો સંગ્રહ મેળવ્યો હતો. પિરામિડના અભ્યાસમાં લેપ્સિયસનું સૌથી મોટું અને ટકાઉ યોગદાન, તેમની પિરામિડ નંબરિંગ સિસ્ટમ છે. તેમણે ઇજિપ્તના તમામ જાણીતા પિરામિડોને ઉત્તરથી દક્ષિણ તરફ ક્રમબદ્ધ રીતે નંબર આપ્યા હતા. જેમાં દરેક પિરામિડ સ્થળને રોમન અંકથી ઓળખાવ્યા હતા. (જેમ કે Giza I, II, III) તેમણે સમગ્ર અભિયાનમાં વ્યવસ્થિત વર્ગીકરણ કરીને મુખ્ય પિરામિડોથી લઈને નાના માસ્તાબા સુધીના ૬૭ સ્મારકોની યાદી બનાવી આપી હતી. જે આજે પણ પુરાતત્વવિદો દ્વારા સંદર્ભ દર્શાવવા માટે વપરાય છે. લેપ્સિયસે ઝવ્યેત અલ-અરયાન ખાતેના અધૂરા પિરામિડને પણ તેમની સૂચિમાં સામેલ કર્યો હતો. જેનું નામ અને સ્થળ બંને તે સમયે લગભગ અજાણ્યા હતા. લેપ્સિયસેના કાર્યને લીધે જ આ સ્થળ, સંશોધકો અને વિજ્ઞાનીઓના ધ્યાન પર આવ્યું હતું. ૧૮૪૯-૧૮૫૯ સમયગાળા વચ્ચે લેપ્સિયસનું ભગીરથ સ્મારકીય કાર્ય ૧૨ વોલ્યુમનું ‘Denkmäler aus Aegypten und Aethiopien’ પ્રકાશિત થયું હતું. જેમાં ૮૯૪ પાનામાં મહત્વની વિગતો અને હજારો વિગતવાર ચિત્રો હતા. આ આજે પણ ઇજિપ્તોલોજીનો એક અમૂલ્ય સંદર્ભ ગ્રંથ ગણાય છે.

ઇતિહાસ અધવચ્ચે અટકી ગયો 

ઈ.સ. પૂર્વે ૨૬૧૩-૨૪૯૪ના સમય ગાળામાં અપૂર્ણ ઉત્તરીય પિરામિડનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. ઇતિહાસના આ સમય કાળમાં ઇજિપ્તમાં ચોથા રાજવંશનું શાસન ચાલુ હતું. જે સમયગાળો ખુફુ, ખફ્રે અને મેન્કૌરના પ્રસિદ્ધ પિરામિડ્સ માટે પણ વિશ્વપ્રસિદ્ધ છે. આ પિરામિડનું બાંધકામ ફારોહ જેડેફ્રેના સમયમાં શરૂ થયું હોવાનું માનવામાં આવે છે. જેડેફ્રે ખુફુનો પુત્ર હતા. તેમનો પિરામિડ પણ અધૂરો રહ્યો હતો. આ બંને પિરામિડ્સ વચ્ચે સ્થાપત્યની સમાનતા છે. બંને વિશાલ પિરામિડના પાયા પ્રાકૃતિક ખડકમાંથી કોતરવામાં આવ્યા હતા. બીજા પિરામિડનો પાયો ૨૦૦ બાય ૨૦૦ મીટરનો છે. એટલે કે લગભગ ૪૦,૦૦૦ ચોરસ મીટર! બે વિશાળ ક્રિકેટ ગ્રાઉન્ડને નજીક નજીક ગોઠવીએ, અથવા આઠ ફૂટબોલ મેદાનો  એક સાથે ગોઠવ્યા હોય  તેટલો વિશાળ વિસ્તાર થાય. આ વિસ્તારમાં ૧૨ મીટર લંબાઈ અને ૨.૫૦ મીટર પહોળાઈ ધરાવતી, ૧૩૩૦ જેટલી લક્ઝરી બસ એક સાથે પાર્ક કરી શકાય.

શા માટે આ બે પિરામિડ્સ અધૂરા રહ્યા? ૧. કદાચ ફારોહનું અચાનક મૃત્યુ થયું હોઈ શકે. ૨. રાજ્ય ઉપર કોઈ મોટું આર્થિક સંકટ આવ્યું હોઈ શકે. ૩. વિશાળ કુદરતી હોનારત બની હોઈ શકે. ૪. રાજ્ય શાસન વ્યવસ્થામાં અચાનક ફેરફાર થયો હોય. ૫. કોઈ મોટા યુદ્ધનો સામનો કરવો પડયો હોય. આમાંથી કોઈ પણ કારણસર આ પ્રોજેક્ટ અધુરો ગયો હશે. પ્રાચીન સમયમાં સામાન્ય રીતે એક પિરામિડ બનાવવા માટે હજારો કામદારો, વર્ષો સુધી કાર્યરત રહેતા હતા. વિશાળ સંસાધનોની જરૂર પડતી હતી. જો શાસક બદલાય અથવા યુદ્ધ થાય, તો આવા પ્રોજેક્ટ્સ રોકાઈ જતા હતાં. 

આ અપૂર્ણતા આપણને એક વાત શીખવે છે. કોઈ મહાન રાજવીની મહત્વકાંક્ષા હોય! કે પછી કોઈ સામાન્ય માનવીનું અસામાન્ય સ્વપ્ન હોય! કેટલીકવાર પ્રાચીન સમયમાં પણ મહત્વાકાંક્ષાઓ અને સ્વપ્ન અધૂરા રહી જતા હતા. આ થિયરીને લોકનજરમાં લાવનાર વ્યક્તિઓ કોણ હતા?

મહાન સ્વપ્ન કેમ અટક્યું?

આ ખંડમાંથી સંશોધકને ૬૭ શિલાલેખો મળ્યા હતા. જે મુખ્યત્વે કાળી અને લાલ શાહીથી લખાયેલા છે. લાલ શાહી સામાન્ય રીતે મહત્વપૂર્ણ શીર્ષકો અથવા શરૂઆતની  પ્રસ્તાવના લખવા માટે વપરાતી હતી. જ્યારે કાળી શાહી સામાન્ય લેખન માટે  ઉપયોગમાં લેવામાં આવતી હતી. તેમણે જેડેફ્રે રાજાનું નામ ધરાવતું એક નુકસાન થયેલું સમર્પણ પાટિયું પણ શોધ્યું હોવાનો દાવો કર્યો હતો. શિલાલેખોમાં ઓછામાં ઓછી છ જગ્યાએ એક કાર્ટૌશ (શાહી નામ) દેખાય છે. નીચેનો ચિહ્ન સ્પષ્ટપણે 'કા' પ્રતીક છે. જે આત્મિક શક્તિનું પ્રતીક ગણાય છે. પરંતુ તેની ઉપરનાં બધાજ ચિહ્ન અસ્પષ્ટ છે. તેથી વિવિધ વિદ્વાનોએ તેમાં વિવિધ નામો વાંચ્યા છે : નેબકા, બિક-કા, શેના-કા, નેફર-કા, અથવા સેથ-કા. દરેક નામ એક અલગ ફારોહ સૂચવે છે. બસ આજ કારણ છે કે 'આ પિરામિડની રચના કયા ફારોહ દ્વારા કરવામાં આવી છે?' તે વાત ઇતિહાસનું રહસ્યમય પ્રકરણ બની જાય છે. 

હાલમાં આ સ્થળ આસપાસના વિસ્તારમાં લશ્કરી બંગલાઓ બનાવવામાં આવ્યા છે. જેણે કદાચ મહત્વપૂર્ણ પુરાતત્વીય સુવિધાઓનો નાશ કર્યો છે. સૌથી દુ:ખદ વાત એ છે કે 'ભૂગર્ભ ખાડાનો સ્થાનિક કચરાના ઢગલા તરીકે દુરુપયોગ થાય છે.' જ્યારે ગીઝાના પિરામિડ્સને દર વર્ષે લાખો પ્રવાસીઓ મળે છે, ત્યારે ઝવ્યેત અલ-અરયાન એક અચાનક ગર્ભપાત થયેલા અધૂરા મહિને જન્મેલા ભૂલાયેલું બાળક છે. આધુનિક ટેક્નોલોજી જેમ કે ગ્રાઉન્ડ-પેનિટ્રેટિંગ રડાર જમીનની નીચે છુપાયેલા ખંડો શોધી શકે, રડાર સ્કેનિંગ ત્રિ-પરિમાણીય નકશા બનાવી શકે, અને કાર્બન ડેટિંગ ચોક્કસ સમયગાળો નક્કી કરી શકે. પરંતુ આ બધી ટેક્નોલોજી અહીં લાગુ કરી શકાતી નથી. આ પરિસ્થિતિ આપણને એક મહત્વપૂર્ણ પાઠ શીખવે છે. પુરાતત્વીય સ્થળો માત્ર ઐતિહાસિક રસની વસ્તુઓ નથી, પરંતુ માનવતાની સામૂહિક વારસાનો ભાગ છે. જ્યારે આપણે તેમને રક્ષણ આપવામાં નિષ્ફળ જઈએ છીએ, ત્યારે આપણે આપણા પૂર્વજોની સિદ્ધિઓ અને જ્ઞાનને ખોઈ દઈએ છીએ. વિશ્વના તમામ પુરાતત્વીય સ્થળો, આપણો સામૂહિક વારસો છે. જેનું સંરક્ષણ આપણી સામૂહિક જવાબદારી છે.