ધ ધર્મેન્દ્ર : પલ પલ દિલ કે પાસ... .

- ચાહત હી બોયી હૈ જો અબ તક કટ રહી હૈ શોહરત ચલી જાતી હૈ, ચાહત નહીં !
- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- ખરા અર્થમાં 'ઓલ્ડ સ્કૂલ' ધર્મેન્દ્ર વાસ્તવમાં એવા 'ગોલ્ડ સ્કૂલ' હતા કે લાંબા સમયથી સક્રિય ન હોવા છતાં લાગણીનો ધોધ વહ્યો એમના માટે !
मिट्टी का बेटा हूं, मरते-मरते भी
कुछ कर जाउंगा,
अखडती बूढी सांसो से
चुरा के चंद सांसे
मैं चीर के सीना धरती का
फसल नर्इ बो दूंगा,
खेतों में हरियाली की चादर
जब बिछ जाएगी,
उग आएगी जवानी मेरी
सांसो में सांसे भी आ जाएगी ।
जब होके लटपट मिट्टी में
जब खेतों में नाचू गाउंगा
और फिर पत्ते पत्ते फसल
सुनहरी जब हो जाएगी,
लेकर दाती हाथों में
गीत गाकर बैसाखी के
मैं सोने के ढेर लगा दूंगा ।
मैं सोने के ढेर लगा दूंगा ।
(घर्मेन्द्र)
લે ખના ટાઇટલની પંક્તિઓની માફક આ વાઈરલ થયેલી કવિતા પણ ધર્મેન્દ્રની પોતાની છે. મીનાકુમારીના સંપર્કમાં ઉર્દૂ શાયરીઓના શોખીન ધર્મેન્દ્રની ફિતરત પેલા દેહાતી કિસાનની જ હતી. એમણે જ લખેલું : 'કોઈ મુસ્કુરાતા હૈ તો મૈં હાથ બઢાતા હૂં, કોઈ હાથ બઢાતા હૈ તો મૈં સીને સે લગા લેતા હૂં.' અને આ પણ હોતી હૈ તારીફ અહમિયત (મહત્વ) કિ, ઈન્સાનિયત (માણસાઈ) કી મગર કદ્ર હોતી હૈ.
આ સ્વભાવનો પરચો નજર સામે રાજકોટમાં મળેલો. ૨૦૦૭માં રિલીઝ થયેલી 'અપને' ફિલ્મનું રાજકોટના સ્ટેડિયમમાં શૂટિંગ ડાયરેકટર અનિલ શર્માએ રાખેલું. બોબી દેઓલ અને આર્યન વૈદના સીન્સમાં કોચ તરીકે ધર્મેન્દ્ર પણ હાજર હોય એવા સીન હતા. બોબી, સની, ધર્મેન્દ્ર બધા રાજકોટ. હજુ સોશ્યલ મીડિયાનો તો ઉદ્ભવ નહોતો. હજુ ફિલ્મી સિતારા મોબાઈલમાં હાથવગાં નહોતા. એમનું અજીબ આકર્ષણ રહેતું.
ગોંડલથી આ દેઓલ પરિવાર રોકાયેલો એ રાજકોટની ઈમ્પિરિયલ હોટલની લોબીમાં મિત્રોને લીધે ઉભા રહેવા મળેલું. ભાવ એવો કે નજીકથી ધર્મેન્દ્ર અને એના બેટાઓ જોવા મળશે. પણ એનાં ક્લોઝ અપમાં બીજું જ કશું જોવા મળ્યું. અખબારી અહેવાલો પછી ભીડ જબરી ભેગી થયેલી. હોટલ પરનો રસ્તો જામ. પોલીસની ગાડીઓ ખડકાઈ. શૂટિંગ બાદ મોડી સાંજે બસ ને વાન બધું આવ્યું. ભીડે કલાકારોની ઝલક જોવા ગોકીરો મચાવ્યો. પણ બધા ફટાફટ અંદર સિક્યોરિટી વચ્ચે ચાલ્યા ગયા. લોકો નિરાશ ને એટલે જરા ગુસ્સામાં.
લોબીમાં સની ને બોબી તો રીતસર મોં ચડાવીને, પત્રકારોને પણ ધુત્કારીને સડસડાટ ચાલ્યા ગયા. ધરમજી એમની પાછળ જરા ધીમે ચાલતા હતા. એ રોકાયા. બાજુમાં રહેલા પોલિસ અધિકારીને કહ્યું, ''દેખો, યે જો બહાર ખડે હૈ વો કોઈ ક્રિમિનલ નહીં હૈ. વો સિર્ફ હમેં ચાહનેવાલે હૈ. ઠીક હૈ, ડિસિપ્લીન મેઈન્ટેઈન કરની ચાહિયે, મગર મહોબ્બત કો ધુત્કારના ઠીક નહીં હૈ.'' એમ કહીને ધરમ પાજી સીધા બહાર ગયા. ભીડ સામે હાથ હલાવ્યો. બેકાબૂ થવાની તૈયારીમાં રહેલી ભીડ તો રાજી રાજી થઈ ગઈ. ધર્મેન્દ્રએ લવ યુ ઓલ, થેન્ક યુ, આપ કી દુઆ હૈ, બ્લેસિંગ દીજીયે જેવી વાતો કરી બધા સામે હાથ હલાવ્યા, સ્માઇલ આપ્યું, એકાદ ડાયલોગ ફટકાર્યો ને હાથ જોડી રિકવેસ્ટ કરી કે ખોટી ધમાલ થશે, બધા હવે ઘેર જાવ. ને લોકો વગર લાઠીચાર્જે ખુશખુશ થતા વિખેરાયા!
ફોટો એ દિવસે ન પડયો એમની જોડે આ એમના અચાનક લોબીમાંથી થયેલા ટર્નને લીધે, પણ એક જિંદા ધબકતા એવા એમના દિલની તસવીર યાદોમાં ફેમ થઈ ગઈ !
***
ધર્મેન્દ્રના ઈન્સ્ટાગ્રામ હેન્ડલનું નામ 'ગરમ ધરમ' કે 'ધર્મેન્દ્ર ઓફિશ્યલ' નહિ, પણ 'આપ કા ધરમ' હતું. જેમાં જૈફ ઉંમરે એ પોતાના ફાર્મમાં રહેવા જતા રહેલા, ત્યાંથી તસવીરો શેર કરતા. સ્વજનો કરતાં વધુ કર્મચારીઓ બાજુમાં ઉભા રહેતા. પણ એમને મૂળિયાં સાથે જોડાયેલા રહેવું ગમતું. એટલે એ ફાર્મહાઉસમાં હોમ બનાવી બેસતા. અવાજ અને ત્વચા ઉંમરની અસરમાં લથડતી પણ હૂંફ નહિ. એકટીવ રહેતા. એમના શરાબના કિસ્સા ચર્ચિત રહ્યા ને એમણે છૂપાવ્યા પણ નહિ. શોલેના વિદેશી કેમેરામેનની વ્હીસ્કીની બોટલો લઈ એક દિવસમાં બારેક બોટલ ગટગટાવી ગયાની પણ દંતકથા છે પણ છતાં ઓલમોસ્ટ ૯૦ વર્ષ જીવ્યા. હજુ શ્રીરામ સબવનની શહીદ અરૂણ ક્ષેત્રપાલ પરની ફિલ્મ 'ઈક્કીસ'માં દેખાવાના છે, એમ પ્રવૃત્ત રહ્યાં.
એનું સિક્રેટ એમણે કહેલું કે લોકોને હું દારૂ પીતો હોઉં એ તરત દેખાય છે, પણ હું રોજ બે કલાક વર્જીશ યાને કસરત કરું છું, એ દેખાતું નથી ! ધર્મેન્દ્રના ઘરમાં તો બાર પણ છે પણ 'જીમ એક મંદિર' પણ છે. એટલે તો સની બોબી પણ ઘરડા દેખાતા નથી. દેઓલ પરિવાર ટ્રેડિશનલ ફેમિલી વેલ્યુઝવાળો ફિલ્મી દુનિયામાં. ધર્મેન્દ્ર તો હીરો બનવા આવ્યા એ પહેલા જ લગ્ન થઈ ગયેલા. દીકરા અજયને વિજય (સની ને બોબી તો હુલામણા નામ) ને દીકરીઓ અજીતા અને વિજેતા. અજીતા અમેરિકા પ્રોફેસર છે, જેની બે દીકરીઓ પણ ડેન્ટીસ્ટ છે, અને વિજેતાના નામ પર તો ધર્મેન્દ્રની હોમ પ્રોડકશન કંપની છે.
પણ એકવાર બિગબોસમાં જઈ ધર્મેન્દ્રએ સલમાન ખાનને કહેલું કે, 'યે મેરા તીસરા બેટા હૈ. મેરી તરહ શર્ટ ઉતાર કે બોડી દિખા સકતા હૈ, ઔર મેરી તરહ રંગીન આશિકમિજાજ ભી હૈ !' યસ, ધર્મેન્દ્રને ફલર્ટિંગ ગમતું. દિલીપકુમાર એમના પર્સનલ ફેવરિટ હીરો. એમને શહીદ ફિલ્મમાં જોઈ મુંબઈ આવેલા. પંજાબના ગામડાંની જેમ દિલીપકુમારના ઘરમાં જઈ ચડયા. હેન્ડસમ પર્સનાલિટી. કોઈએ રોક્યા નહિ. ઢળતા સૂરજના કિરણો ચહેરા પર હોય એમ દિલીપકુમાર સૂતા હતા. ઝબકીને અચાનક જાગ્યા ને બૂમ પાડી તો ધર્મેન્દ્ર ગભરાઈને બહાર ભાગ્યા ! વર્ષો પછી બિમલ રોય જજ હોય એવી ટેલન્ટ કોન્ટેસ્ટમાં જીતી દિલીપકુમારને મળ્યા ત્યારે દિલીપકુમારે પોતાનું જેકેટ એમને આપેલું ! એમાંથી ઉર્દૂ શાયરીઓ સંગતની અસરમાં બોલવા લાગ્યા. ને મીનાકુમારી પછી હેમા માલિકીનું દિલ પણ જીત્યું ! એમ તો હેમા પછી અનીતા રાજના કિસ્સા પણ ગોસિપમાં બહુ ચર્ચાયા હતા !
પણ આ 'હન્ક' યાને સોહામણો યુવક પહેલેથી જ હીરોઈનનો રોલ લાંબો કે મજબૂત હોય એવી ફિલ્મોથી ભાગતો નહિ. આ એ રીતે અસલી 'હી-મેન' હતો, જેને સ્ત્રીઓ કેન્દ્રમાં હોય એવી ભૂમિકાથી ઈનસિક્યોરિટી ન થતી. જે મલ્ટીસ્ટારર મૂવીઝ કરવામાં ખચકાતો નહિ. શરૂઆતની ફિલ્મોમાં મીનાકુમારી, વહીદા રહેમાન, આશા પારેખ, માલા સિંહા, નૂતન વગેરે બધા મોટા દરજ્જાની અભિનેત્રીઓ સાથે કામ મળ્યું. એ વખતે સેન્સેટીવ ગણાતા દિગ્દર્શકોનું દિલ એવું જીત્યું કે ધર્મેન્દ્રને બધાએ રિપિટ કર્યો. ધરમ-હેમાની જોડીનો તો કદાચ મેઇન લીડમાં અઢી ડઝનથી વધુ ફિલ્મોનો વર્લ્ડ રેકોર્ડ હશે. નિર્માતા હિંગારોની જોડે એવું કનેકશન બન્યું કે પહેલેથી છેલ્લે બધી ફિલ્મોમાં ધર્મેન્દ્ર જ હોય ! આ અભિનેતા ઉપરાંત એક ઈન્સાનની સિધ્ધિ !
ને સ્ટારડમ પણ કેવું? હમણા કોમેડિયન ભારતીને ઈન્ટરવ્યૂ આપતી વખતે સાજીદ ખાને કહેલું કે સેવન્ટીઝના દશકમાં બધા બોક્સ ઓફિસનો શહેનશાહ અમિતાભ કે સુપરસ્ટાર રાજેશ ખન્ના કહે. પણ ખરેખર એ દસકામાં સૌથી વધુ હિટ ને અમુક તો ધરમવીર જેવી બ્લોકબસ્ટર્સ આપનાર એકમેવ ધર્મેન્દ્ર ! યાદોં કી બારાત ને ઝંજીર સલીમ જાવેદની સેમ પ્લોટલાઇન. ઝંજીર ધર્મેન્દ્ર માટે લખાયેલી. એ 'સમાધિ'માં વ્યસ્ત. બીજા બધાએ ના પાડી ને અમિતાભની એન્ટ્રી થતા વીરૂએ એક રીતે કાયમ માટે જય નામનો હરીફ જાતે પેદા કર્યો ! પણ ધર્મેન્દ્રએ ક્યારેય આવા ગિલા શિકવા પાળ્યા નહિ. આઈફા એવોર્ડમાં ખુદ બચ્ચને કહ્યું કે ધર્મેન્દ્રે શોલેમાં બચ્ચનના નામની ભલામણ કરેલી. મૂળ સલીમ જાવેદે પુશ કરેલું પણ પોતાની જ હિટ મેરા ગાંવ મેરા દેશ સાથે સામ્ય ધરાવતી શોલેમાં ધર્મેન્દ્ર હીરો ગણાય કારણ કે નાયિકા એમને મળી ને છેલ્લે જીવતા એ રહ્યા પણ એમણે બચ્ચનના નામને પ્રમોટ કર્યું. આવો સ્ટાર જ હોય જેની ૧૯૭૩માં એકસાથે આઠ ફિલ્મો સુપરહિટ હોય ને ૧૯૮૭માં પોતાનો જ રેકોર્ડ તોડીને એકસાથે ૯ ફિલ્મો સુપરહિટ હોય છતાં એ સુપરસ્ટાર ના ગણાય ! એ રીતે ધર્મેન્દ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના રાહુલ દ્રવિડ બની રહ્યા. મિસ્ટર ડિપેન્ડેબલ. ખામોશીમાં નાનો રોલ પણ કરે અને ફાગુન કે કાજલ કે અનુપમા જેવી સ્ત્રીલક્ષી ફિલ્મમાં પણ યા દિલ કી સુનો દુનિયાવાલો ગાઈને રિઝવી લે બધાને (રફી એમનો કાયમી અવાજ બનેલા એમ તો.) ચૂપકે ચૂપકે કે દિલ્લગી જેવી કોમેડી હોય કે આંખે અને ગઝબ જેવી થ્રીલર ધર્મેદ્ર બધે ફિટ થાય. સીતા ઔર ગીતા હોય કે ફૂલ ઔર પથ્થર, ગુલામી હોય કે બંટવારા... બેગાનામાં કુમાર ગૌરવના તારણહાર હોય કે જોની ગદ્દારના પુરાની યાદોંમાં ડૂબેલા સર હોય.. મધુબાલાથી લઈને મંદાકિની સુધી, કામિની કૌશલથી લઈને કિમી કાટકર બધા જોડે કામ કરી ચૂકેલા ''ધમા''એ ૧૯૬૦ના દશકથી શરુ કરી ૨૦૦૦ સુધીના દરેક દશકે પોતાની નોંધ લેવડાવી.
જેની પાછળ કારણ એ કે લોકોને એમની દેહાતી સચ્ચાઈ ગમી ગઈ ને સાથી કલાકારો અને નિર્માતાઓને એમની માણસાઈ. મોટી ઉંમરે એમને હકુમત ને પછી ઢગલો મોટી ફિલ્મો આપનાર ને સની જોડે ગદર બનાવનાર અનિલ શર્માએ એમને અંજલીમાં કહ્યું કે નૈનિતાલના શૂટ દરમિયાન મોટુ બજેટ હોવા છતાં ફિલ્મ અટકી ગયેલી. પોતે તો સાવ જુવાન ત્યારે. રોજ ભાઈ પાસેથી થોડા પૈસા મંગાવે. એક દિવસ ધર્મેન્દ્રએ બાજુમાં બેસાડી પૂછયું કે પ્રોબ્લેમ શું છે ? ને પછી એ વખતે ૧૯૮૪માં પોતાની બેગમાંથી ત્રણેક લાખ રોકડા આપ્યા કે પછી હિસાબ કરી લઈશું. સુભાષ ઘાઈની ક્રોધીની સ્ક્રિપ્ટ એમને ગાઈડના લેવલની લાગેલી, પણ સગાને મદદ કરવા પ્રોડયુસર બનાવવામાં ફિલ્મ વધુ સ્ટાર લેવામાં ને ગીતો નાખવામાં સાડા ચાર કલાકની શૂટ થઇ. ધર્મેન્દ્રને ખબર હતી કે સારી વાર્તા છતાં ચાલશે નહિ, એમણે જુના દોસ્ત સુભાષને રિલીઝ પહેલા જ
આ કહેલું સોરી ફીલ કરીને. સેટ પર નાના આસિસ્ટન્ટનો પણ ખ્યાલ રાખે. પરવીન બાબી મોડી પડેલી એમાં જુનિયરને ડાયરેકટર ધમકાવતા હોય તો વચ્ચે પડે. મહેશ ભટ્ટ દો ચોરમાં સહાયક હતા ને ટ્રક ડ્રાઈવરનો ડ્રેસ ભૂલી ગયેલા તો ધર્મેન્દ્રે ધમાલ કર્યા વિના બાજુમાં ઢાબા પર એક અસલી ટ્રક ડ્રાઈવર પાસે જઈ એને વિનંતી કરી એના મેલા કપડાં પહેરી લીધેલા !
આ ભલમનસાઈ એમને એટલી નડી કે એમને મોટા એવોર્ડ ના મળ્યા ને છોટા રોલ બહુ મળ્યા. છેલ્લે તો સાવ બી ગ્રેડ ફિલ્મો કરવા લાગ્યા જે દીકરાઓએ રોક્યા. પણ એમ પારખુ. રાહુલ રવૈલ હોય કે રાજકુમાર સંતોષી, જે પી દત્તા હોય કે શ્રીરામ રાઘવન બધા પર ભરોસો મૂકી કામ કરે.
જરાક વિચારો, એક પંજાબના નસરાલી જેવા ગામમાં જન્મેલા ખેડૂત ને શિક્ષકના પુત્ર સાથે કેટકેટલા બંગાળી ફિલ્મસર્જકો કામ કરે ! ૧૯૬૬માં બંગાળી ફિલ્મ ''પારી''માં પણ ધર્મેન્દ્ર નાયક હતા અને એમાં દિલીપકુમારનો પણ ગેસ્ટ રોલ હતો ! અરે, આજની તારીખે નોર્થ સાઉથ ડિવાઈડમાં થાલા ધોની અને ચેતન ભગતના ટુ સ્ટેટ્સ પહેલા પંજાબી ધરમ પાજીએ તમિલ હેમા માલિની જોડે લગ્ન કરીને નેશનલ ઇન્ટીગ્રેશનનું ઉદાહરણ જીવી બતાવ્યું !
હેમા માલિનીના ક્લાસિકલ ડાન્સના પ્રોગ્રામમાં એક વાર ધર્મેન્દ્ર જઈ ચડયા તો હેમાને કહે કે હું આ સ્ત્રીને તો ઓળખતો જ નથી ! બીજા લગ્ન માટે કાનૂની છટકબારી શોધવા ઇસ્લામ કામચલાઉ અંગીકાર કરીને દિલાવર બની ગયા એની ટીકાઓ થઇ. પણ ગ્લેમરવર્લ્ડમાં બધા લફરાં કરે ત્યાં ધર્મેન્દ્ર એ રીતે હી મેન કે એમણે નાજાયઝ તાલ્લુક ને બદલે સ્ત્રી અને સંતાનો સાથે રિશ્તાને નામ આપ્યું ખુદનું ! એ પણ પ્રથમ પત્નીને તરછોડયા વિના. આંતરિક વિવાદો થયા હશે. દીકરાઓ માટે વહુઓ પણ એમણે પરંપરાગત જ શોધેલી. અમીર પરિવારની, સની માટે વિદેશમાં મોટી થયેલી પૂજા ( લિન્ડા ) ને દેઓલ પરિવારથી પણ શ્રીમંત પરિવારની તાન્યા બોબી માટે, પણ એ કોઈ બહારની દુનિયામાં ડોકાય નહિ. હેમા થકી થયેલ દીકરીઓ ઈશા અને આહનાને તો સ્લીવલેસ પહેરવાની પણ મનાઈ. પણ ધર્મેન્દ્ર ને સનીની માફક સાંસદ રહેલા હેમા માલિનીએ ધીરે ધીરે કુનેહથી ધર્મેન્દ્રને થોડા મોકળાશવાળા બનાવ્યા હશે ફેમિલીની ફિમેલ માટે.
આમે એમનો ગુસ્સો લુચ્ચો નહોતો. એ આવે એમ ઉતરી જાય. એક ફેનને આવેશમાં બદતમીઝી માટે ફટકારી લીધા પછી ઘેર લઇ ગયા અને જમાડીને નવા કપડાં આપીને પાછો મોકલેલો. દિલમાં એ જુબાન પર એ એમનો ધારો. ફિલ્મફેર લાઈફટાઈમનો વિડીયો અવસાન પછી બહુ ગાજ્યો જેમાં સુટ સીવડાવી થાક્યા પણ લાયક હોવા છતાં ક્યારેય એવોર્ડ ડિક્લેર ના થયો, ને કચ્છા પહેરીને પણ ટ્રોફી લેવા જવાની વાત હાસ્યમાં દર્દ ભેળવીને કરેલી.
પણ એમણે જીવનની જે શ્રેષ્ઠ માનેલી એવી ષિકેશ મુખર્જીની નારાયણ સાન્યાલની નવલકથા પર બનેલી ''સત્યકામ''૧૯૬૯માં ફ્લોપ ગઈ એનો મલાલ એમને આજીવન રહ્યો. સત્યકામ પણ રાજ કપૂરની લગભગ એ જ ગાળામાં આવેલી મેરા નામ જોકરની જેમ અમર બની, પણ સફળ નહિ. રાજ કપૂરે ધર્મેન્દ્રની સારપ ને સચ્ચાઈ જોઇને જ નાના રોલમાં પણ મેરા નામ જોકરમાં એમને લીધેલા. અને સત્યકામમાં એ જ કારણથી ષિકેશ મુખર્જીએ એમની પસંદગી કરેલી. બોલ્ડ સ્ટેન્ડ લેતી એ ફિલ્મ બાદ પણ જયા ભાદુરી સાથે ગુડ્ડીમાં ધર્મેન્દ્રની લાઈફ ફિલોસોફી પડદા પર ઋષિદાએ મુકેલી.
જેમાં એ એમના માટે મોહિત થઇ મળવા આવેલી છોકરીને કહે છે કે આ ગ્લેમરની દુનિયા કરતા મને મારું ગામડું વધુ ગમે છે. અને જેમની બંદિની ફિલ્મ થી શરૂઆત થઇ એ બિમલ રોયનો ખંડેર બનેલો સ્ટુડિયો બતાવી કહે છે કે અહીં કોઈ કોમ્પ્લેક્સ બની જશે, આજની ખ્યાતિ આવતીકાલે બધા ભૂલી જશે. આ મતલબી ફિલ્મી દુનિયામાં કશું કાયમી નથી. સંબંધો પણ નહિ ને સફળતા પણ નહિ ! એટલે તો ગામડેથી આવતા માતાજી ધર્મેન્દ્રના કપડાં બહુ બધા છે એમ માની ગામડે ઘેર જઈ બીજાને દાન આપી દેતા ! એટલે જ અભય દેઓલ જેવો એમનો ભત્રીજો ફિલ્મોમાં પણ સાવ અલગ જ નીકળ્યો. એટલે જ ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર કદાચ મીડિયા લાઈમલાઈટથી દૂર જ કરવામાં આવ્યા...
કસરતી કિસાન ધર્મેન્દ્ર બ્લોગ પર એમની શાયરીઓ સંભળાવતા. ખેતી બતાવતા. ત્યારે એમણે એક વાત કરેલી કે માણસ કેટકેટલું ભેગું કરે છે. પ્રવાસમાંથી સુવેનિયર લઇ આવે, ફર્નિચર વસાવે, ગેજેટ્સ લઇ આવે, ચિત્રો ટીંગાડે...કેટલું બધું ભેગું કરે. બધું અહીં છોડીને એ જતો રહે છે. છતાં એ ભેગું કર્યા જ કરે છે, પૈસા, પ્રસિદ્ધિ, પ્રેમ... સંબંધો ને સાધનો બધું એકઠું કરે છે, ને એક ઘડીએ બધું છોડી એ નીકળી પડવાનો છે, ત્યારે બસ એણે આપેલો ને પામેલો પ્યાર રહી જવાનો છે. ધર્મેન્દ્રની વિદાય આ સત્યની સાબિતી બની ગઈ. રંગીલું જીવ્યા, બેસ્ટ શરાબ ને બેસ્ટ શબાબ, ડ્રીમ લાઈફ. લાંબુ જીવ્યા ને હીરો જ રહ્યા. એમની જ રચેલી શાયરી મુજબ..
બદી કા અંત હૈ કહીં આસપાસ, નેકી કા કોઈ અંત નહીં
કિતાબ નેકી કી પઢ લે બંદે, ઉસસે બડા કોઈ ગ્રંથ નહીં !
ફાસ્ટ ફોરવર્ડ
એકતા કી હસરતોં કા અરમાન હૂં મૈં,
મહોબ્બત હૈ ખુદા,
ખુદા કિ મહોબ્બત કા ફરમાન હૂં મૈં.
ખતા અગર હો જાયે તો બક્ષ દેના યારોં
ગલતીયોં કા પુતલા ઇક ઇન્સાન હૂં મૈં.
(ધર્મેન્દ્ર)

