Get The App

પ્રપંચ .

Updated: Nov 29th, 2025

GS TEAM

Google News
Google News
પ્રપંચ                                                    . 1 - image

- ઈશ્વર અંચેલીકર

- કંચન ગુમ થયાની ફરિયાદ નોંધાયા પછી ત્રીજા દિવસે એક પત્ર મળ્યો હતો. તેમાં કોઈકે લખ્યું હતું, 'કંચન અને શંકર દમણની 'રાજ રત્ન' હોટેલમાં જઈ લગ્ન કરવાના છે...!

વ હેલી સવારે આઠ વાગ્યે ગૌરીની ફ્લાઈટ સુરત એરપોર્ટ ઉપર લેન્ડ થઈ. ગૌરીનાં પરિજનોએ એનું પુષ્પહાર પહેરાવી સ્વાગત કર્યું.

'પાંચ વર્ષ થઈ ગયા, મારી લાડલી અમેરિકા ગયાને...!' ગૌરીની માતા બોલી - અને ભીની આંખો લૂંછી દીકરીનાં વધામણા લીધાં.

'ભાણીબેન, મામા માટે શું લાવ્યાં?' ગૌરીનાં મામા બોલ્યા.

'મામા..., મેં અને પ્રણામે તમારા માટે એટલી બધી ખરીદી કરી છે, કે એક બેગ ભરાઈ ગઈ...' ગૌરી બોલી.

'ભાઈ, મારી દીકરી તો સુખી થઈ ગઈ. તેં તો આ તારી બહેનનું ઘર નંદનવન બનાવી દીધું અને ગૌરીની માતાની આંખ ફરીથી ભરાઈ આવી.'

વાતો કરતાં કરતાં સૌ ઘરે પહોંચ્યાં... ગૌરીને જોતા આજુબાજુનાં સૌ ગૌરીને મળવા આવ્યાં. એકાદ કલાક પછી ગૌરી બોલી, 'મા, થાકી ગઈ છું... ! મારે આરામ કરવો છે...' કહી ગૌરી એક કમરામાં આવી.

ગૌરી સ્વગત બોલી. 'યુ.એસ.એ.માં તો અત્યારે રાત્રીનો સમય. દરરોજ આ સમયે તો અમે બિછાનામાં હોઈએ. એને એના પતિ પ્રણામની ધીંગા મસ્તી યાદ આવી. એણે પ્રણામને ફોન કર્યો. દશ પંદર મિનીટ વાત કરી, ગૌરીએ ફોન કાપ્યો, અને એ કમરા બહાર આવી, બોલી, મા, હું મારી સખી કંચનનાં ઘરે જઈ આવું. તેનાં મમ્મી પપ્પાને હું આશ્વાસન પણ આપી આવું.... બિચારી કંચન શું થયું હશે, એનું?'

'હા... સારું લાગશે, તેમને... ! કંચનનું તો ખરું થયું. આભમાં ઓગળી ગઈ કે જમીનમાં સમાય ગઈ...! હવે તો એને સૌ ભૂલી પણ ગયા છે...! લોકોનાં મોંએ કોણ ડૂચા મારવા જાય... તરેહ તરેહની વાતો કરે.'

ગૌરી કંચનના ઘરે પહોંચી, એટલે તેની માતા ગૌરીને ભેટી, ધૃષ્કાફાટ રડી પડી...! એ બોલી, 'મારી દીકરી ક્યાં હશે. અમારા જેવા ગરીબ લોકોનું કોણ સાંભળે...! કંચન ખોવાયા પછી, એક વર્ષમાં જ પોલીસે કેસ દફતરે કરી દીધો હતો...! લાખો રૂપિયા ઘૂમાવ્યા અમે. શું થાય બીજું...? ભાગ્ય કંચનનું...! નહીં તો એ પણ તારી માફક રાજ રાણીની માફક પૂંજાતે...'

એકાદ કલાક વીતાવી, ગૌરી પોતાના ઘરે આવી. એ એક કમરામાં જઈ બિછાના ઉપર પડી. એને લાગ્યું કે જાણે એ કોઈક સ્પેસ સ્ટેશન ઉપરથી ઉડેલી મિશાઈલ સમાન છે! ભૂતકાળનાં ગગનમાં એ હવે ઘૂમવા લાગી છે...! વર્ષો પહેલાં ભૂમંડળમાં ઘુમ્રસેરો બની વિખેરાય ગયેલી બધી ઘટના, કોઈ ચલચિત્રની ચિત્રાવલીની માફક. એની આંખો રૂપી પર્દા ઉપર રમવા લાગી...! એની આંખો બંધ હતી, છતાં એના દિમાગ મંડપમાં મંગલમ, શંકર અને સખી કંચન હલન ચલન કરતાં જોવા મળ્યાં...! પાંચ વર્ષ પહેલાનો ચાર વર્ષનો કોલેજકાળ એને યાદ આવ્યો.

એ સ્વગત બોલી - 'અમે સૌ બી.કોમ.ની પરીક્ષામાં ઉત્તિર્ણ થઈ ગયાં હતાં. હું અને મંગલમ એક બીજાની દિવાનીયતમાં રાચતા હતાં, તો કંચન અને શંકર પારેવડાની માફક, એક ડાળી ઉપર બેસવા આતુર હતાં  નક્કી કરેલા દિવસે અમે ચારેય સુરત રેલ્વે સ્ટેશન ઉપર મળવાનાં હતાં. અંતિમ ક્ષણે મંગલમ્ અને શંકરે અમને જણાવ્યું હતું, દુબઈથી એમના પપ્પા એમને જે રકમ મોકલવાના હતા, તે રકમ એક વીક પછી આવશે, એટલે આપણે એક વીક પછી દમણ જઈ લગ્નગ્રંથીથી જોડાશું. એક બાજુ મારા મામા મારી માતાને દબાણ કરી, મારાં લગ્ન કરી દેવા સમજાવતા હતા, તો બીજી બાજુ મંગલમનો પ્રેમ તોડવા હું તૈયાર નહીં હતી! તે દિવસે મેં મંગલમને કહેલું, મંગલમ, મારા પિતાની ખેતીની રકમ રૂપિયા દશ લાખ મેં ગઈકાલે મારી બેગમાં મૂકી હતી, હું બેંકમાં આજે જમા કરવાની હતી. હું એ રકમ મારી સાથે લાવીશ. તારા અને શંકરનાં પૈસા પાછળથી આપણે મારા પિતાનાં એકાઉન્ટમાં જમા કરાવી દઈશું, કારણ એ એમનો આખા વર્ષનો ઘર ખર્ચ છે.

બીજા દિવસે સવારે ચાર વાગ્યે રેલ્વે સ્ટેશન બુક સ્ટોલ પાસે મળવાનું નક્કી કરી, અમે છૂટાં પડયાં હતાં. બપોરે એક વાગ્યે હું ઘરે પહોંચી, ત્યારે મારા આશ્ચર્ય વચ્ચે મારા ઘરે મામા, મામી અને અન્ય ત્રણ ચાર આગંતુક બેઠાં હતાં! મને જોતાં મામા બોલ્યા હતા.

'લો, મી. પ્રણામ...! 

આવી ગયાં મારાં ભાણીબેન...!'

'ગૌરી તું અંદર આવ... ફ્રેશ થઈ જા... હું તારા માટે રેશમી સરવાર કમીઝ લાવી છું... તું પહેરી લે... પ્રણામ યુ.એસ. સીટીઝન છું. એની માલીકીનો એક મોલ ચાલે છે, ફલોરીડામાં...! અમે આગ્રહ કર્યો, એટલે તને જોવા આવ્યાં છે, આ લોકો' મામીએ મને કહ્યું હતું.

મામા, મામી અને મારી માએ આખો દિવસ મને ક્યાંય જવા દીધી નહીં, તે દિવસે આખરે મારા અને પ્રણામના લગ્ન એક વીકમાં જ લેવાનું નક્કી થઈ ગયું હતું. મેં પણ મંગલમનું નામ મનની માળામાંથી તોડી, પ્રણામનું જોડી દીધું હતું...! બધુ ભાગ્ય ઉપર છોડી દીધું હતું.

મારા અને પ્રણામના લગ્ન થઈ ગયા પછી, અમે પંદર દિવસ ભારતના હીલ સ્ટેશનો ઉપર ફરવા ગયા હતા. પ્રણામની લાઈફ સ્ટાઇલ, ખરીદી બધું જોતાં મને સમજાય ગયેલું કે એ બહુ અમીર છે. એણે એક કન્સલ્ટંટ મારફતે સાત દિવસમાં મારા અમેરીકાનાં પાંચ વર્ષનાં વીઝીટર વીઝા પણ મંજૂર કરાવી દીધા હતા.

અમેરીકા જવા પહેલા હું એકલી મારા ઘરે બે દિવસ માટે સુરત આવી શકી હતી. પ્રણામ પણ એના અંગત રિસ્તેદારોને મળવામાં વ્યસ્ત હતો, એટલે એ સુરત આવી શક્યો ન હતો.

મારા સુરત આવ્યાંના સમાચાર મળતાં, ઈન્સ્પેક્ટર પટેલ મને મળવા આવ્યા હતા. મારી માએ મને ફોન ઉપર કંચન ગુમ થયાના સમાચાર આપ્યા હતા, એટલે ઈન્સ્પેક્ટર પટેલનું આવવાનું કારણ હું સમજી ગઈ હતી. મે મારા પર્સમાંથી એક બોક્ષ કાઢી તેને આપી કહ્યું હતું, 'સર...! આ નાની ગીફટ છે. એપલનું રીસ્ટ વોચ...! એક લાખ રૂપિયાનું છે, જાળવીને વાપરજો...! મારા લગ્ન ઉતાવળે થયાં હતાં એટલે આપના જેવા સરકારી અમલદારોને બોલાવી શકાયા નહીં હતાં.'

'ગૌરીજી આપને ખબર પડી હશે, કે આપની સખી કંચનનું અપહરણ થયું છે...! ત્રણ વીકથી એની શોધ ચાલુ છે... પણ દમદાર માહિતી મળી નથી.'

'હા...! મારી માએ આ સમાચાર ફોન ઉપર જણાવ્યા હતાં. હું એ સમય દરમિયાન મારા લગ્ન અંગેની દોડા દોડીમાં વ્યસ્ત હતી, એટલે મને કંચન અંગે ખાસ માહિતી નથી... અને મી. પટેલજી, આમ પણ મારે કંચન સાથે ખાસ સંબંધ નહીં હતો...! સોસાયટીમાં સાથે રહેતાં હતાં, એટલે પહેચાન તો હોય જ ને...!' મેં તેને કહ્યું હતું.

'પણ મેડમજી...! કંચન ગુમ થયાની ફરિયાદ નોંધાયા પછી ત્રીજા દિવસે એક પત્ર મળ્યો હતો. તેમાં કોઈકે લખ્યું હતું, 'કંચન અને શંકર દમણની 'રાજ રત્ન' હોટેલમાં જઈ લગ્ન કરવાના છે...! ત્યાં તપાસ કરશો તો ગુમસુદા કંચનની માહિતી મળશે...!''

ગૌરીજી, 'રાજ રત્ન' હોટેલના, જે કમરામાં એ બંન્ને રોકાયા હતાં, તેમાં બે નહીં, ત્રણ વ્યક્તિ હતી...! કંચન, શંકર અને મંગલમ્ અમે પહોંચ્યા, ત્યારે તો એ ત્રણે ફરાર હતાં, પરંતુ ઉતાવળે ભાગી જવામાં કંચન તેનો ફોન રૂમમાં ભૂલી ગઈ હતી. આ ફોન ઉપરથી ખબર પડી કે એણએ ભાગી ગયાનાં દિવસે, આપને વારંવાર ફોન કર્યા હતા. અમે આપનાં ફોન કોલની આખી હીસ્ટ્રી કઢાવી હતી. આપનાં ફોન ઉપરથી વારંવાર બે નંબર ઉપર પહેલાં ફોન થતાં હતાં. એક શંકરનો, બીજો કોને એ ખબર પડી નથી...! એ ફોન ઈન્ડીયામાં રજીસ્ટર થયો નહીં હતો. દુબઈમાં રજીસ્ટર થયો છે... આપ કહી શકશો, આપ શંકરને વારંવાર શા માટે કોલ કરતાં હતાં કે ઈન્સ્પેક્ટર પટેલે પ્રશ્ન કર્યો હતો.

'કંચન, મારી પાસે મારી ફોન વાંરવાર લેતી હતી, અને એ એના ઉપરથી કોને ફોન કરતી, એ જાણવાની મેં દરકાર કરી નહીં હતી. એ મને કહેતી હતી કે એના ફોન, એના ઘરે ટ્રેક થાય છે, એટલે એ મારો ફોન વાપરતી હતી.' મેં કહ્યું હતું.

'મેડમ ગૌરી, આખા કિસ્સામાં આપની વિરૂદ્ધ બીજો કોઈ પુરાવો મળ્યો નથી...!' આપનાં સહકાર બદલ ધન્યવાદ... પણ હાં કદાચ તમને જાણીને નવાઈ લાગશે, તે રાત્રે ''રાજ રત્ન'' હોટેલમાં ત્રણ શખ્સ રોકાયાં હતાં, એ નામધારી શંકરનું અસલમાં બીજું કંઈ નામ હતું અને મંગલમનું નામ પણ ખરેખર જુદું હતું. એક આંતરરાષ્ટ્રીય સાઇબર ક્રીમીનલ ગેંગનાં એ બંને શખ્સ હતા. કંચનનું શું થયું, એ અંગે વધુ માહિતી મળી નથી! કદાચ એ પણ એ ગેંગમાં જોડાઈ ગઈ હોય, તો શી નવાઈ...! કહી ઈન્સ્પેક્ટર પટેલે મારું ઘર છોડયું હતું.

તે દિવસે ઈન્સ્પેક્ટર પટેલ ગયા પછી હું ખૂબ રડી હતી. મારું અંતર એક તરફ મામાનો આભાર માની રહ્યંે હતું, કે એમણે આકસ્મિક રીતે મારા જીવનમાં પ્રણામનો પ્રવેશ કરાવી, મંગલમ ઉર્ફે કોઈ અજાણ્યાની ચુંગલમાં ફસાતી મને બચાવી હતી, જ્યારે બીજી બાજુ મંગલમ કે જેને મેં દિલ દીધું હતું, તેના તરફ ધીક્કાર વર્ષાવી રહ્યું હતું. તે દિવસે મેં મંગલમ અંગે ઘણું વિચાર્યું હતું. એ શા માટે મારી સાથે બિભત્સ ચેન-ચાળા કરતો હતો. શા માટે મારી સાથે સૈયા સંગ માણવા આગ્રહ કરતો હતો. શા માટે મારી બિભત્સ તસવીર માંગતો હતો. ખૂબ ગુસ્સો આવતો હતો,  પરંતુ મેં મન ઉપર કાબૂ રાખ્યો હતો, કારણ મારે બે દિવસ પછી યુ.એસ.એ. જવાનું હતું.

આ ઘટના હવે પાંચ વર્ષ જૂની થઈ ગઈ છે! કોઈ જાણતું નથી કે હું મંગલમ સાથે ભાગી જઈ, લગ્ન કરવાની હતી. આ રહસ્ય કદાચ મારી ચિતામાં ભસ્મ થઈને જ નષ્ટ થશે...! ભગવાનનો મોટો આભાર કે હું એક પ્રપંચીનાં પ્રપંચમાં સપડાતી સપડાતી બચી ગઈ હતી, અને આજે એક પ્રેમાળ પતિની પત્ની તરીકે સમાજમાં સન્માનીત બની જીવી રહી છું...!

અચાનક એની રૂમના દરવાજે કોઈક દસ્તક દીધા...! ગૌરી ઊઠી, અને આંખ ચોળી, ઊંઘી ગયાનો ઢોંગ કરીને બોલી...

'ઓહ...! મામી...! સોરી... હું બહું ઊંઘી ગઈ કેમ?'

'હા... ભાણીબેન...! માત્ર પાંચ કલાક ઊંઘ્યા...! હવે રાત્રે શું કરશો...? તમારી રાત થશે અને જમાઈની સવાર થશે...! બિચારો પ્રણામ...! ફોન ડાયલ કરી કરી કંટાળશે...' અને મામાનાં શબ્દો સાંભળી સૌ હસી પડયાં...! ગૌરીએ કમરામાં નજર કરી... જાણે બધા ભૌતિક પદાર્થ એને કહી રહ્યા હતા - ''ગૌરી ચિંતા નહીં કરીશ. અમે તારી કહાણીના રાઝદાર બની મૌન રહીશું.''