- લેટેસ્ટ સર્વેમાં જગતના 75 ટકા કર્મચારીઓએ કામ દરમિયાન આસપાસમાં ઘોંઘાટ વધ્યો હોવાની ફરિયાદ કરી છે. એમાંય ભારતમાં તો વર્કપ્લેસ નોઈસ અલગ લેવલે પહોંચ્યો છે...
- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા
આ પણી આસપાસ આપણને ખબર પણ ન પડે એમ કેટલો ઘોંઘાટ વધતો જાય છે, એનો કોઈ આઈડિયા છે?
શહેરોમાં સરેરાશ વર્ષે એક ડેસિબલ સુધીનો ઘોંઘાટ વધે છે. ગામડાંમાં આ એવરેજ ૦.૫ ડેસિબલ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને થોડા સમય પહેલાં એક્સપર્ટ્સ પાસે દુનિયાના અલગ અલગ દેશોના ગ્રામ્ય વિસ્તારો, શહેરી વિસ્તારો અને ઈન્ડસ્ટ્રીઅલ એરિયાના સેમ્પલ સર્વે મેળવીને આ તારણ કાઢ્યું હતું. હેલ્થ ઓર્ગેનાઈઝેશન તો ત્યાં સુધી કહે છે કે દિવસે ઘણાં શહેરોમાં અવાજની તીવ્રતા ૮૫ ડેસિબલ સુધી પહોંચે છે. આ તીવ્રતા માણસની શ્રવણશક્તિ માટે જોખમી છે. મેક્સિમમ ૮૦ ડેસિબલ સુધીનો અવાજ સલામત ગણાય છે. ત્રણ દશકામાં સરેરાશ અવાજનું લેવલનું અણધાર્યું વધ્યું છે.
દર વર્ષે આપણાં કાને પડતાં અવાજની તીવ્રતા એકધારી વધી રહી છે અને તેની તુરંત નહીં તો લાંબાંગાળાની અસર થવા માંડી છે. વાહનોના એન્જિનનો અવાજ, હોર્નનો અવાજ, રસ્તાના રિપેરિંગ કે ઈમારતોમાં બાંધકામનો અવાજ, ફર્નિચર બનતું હોય તો એમાં વપરાતા મશીનોનો અવાજ, ઘરમાં એસી-પંખા-ફ્રીજ-વૉશિંગ મશીનનો અવાજ. લગ્ન-પ્રસંગ, તહેવારોમાં સેલિબ્રેશનનો અવાજ.
ટ્રાવેલ કરીએ ત્યારે આપણી કાર-બાઈકનો અવાજ કે પછી અન્ય વાહનોનો અવાજ. હવાઈ મુસાફરીમાં વિમાનના એન્જિનનો અવાજ. રેલવેની મુસાફરીમાં ટ્રેક-એન્જિનનો અવાજ. ઘરની આસપાસથી રસ્તો નીકળતો હોય તો સતત પસાર થતાં નાના-મોટા વાહનોનો અવાજ. એમાં ઉમેરાયા છે ગેજેટ્સના અવાજો. આપણે મોબાઈલમાં રીલ્સ ન જોતાં હોઈએ તો આપણી આસપાસમાં કોઈ જોતું હશે એનો અવાજ. ટેકનોલોજી વધી છે એમ સુવિધા વધી છે. સુવિધા વધી છે એમ અવાજો પણ વધ્યાં છે. આપણાં કાને દિવસ-રાત સતત કંઈના કંઈ અવાજો પડયા જ કરે છે. મોડી રાતે નિરવ શાંતિ થતી હતી એ પણ હવે અર્બન વિસ્તારમાં ઘટવા માંડી છે.
અને એ બધા અવાજો સાથે આપણાં કાન અનુકૂલન સાધી લે છે એટલે તુરંત એ અવાજો ખટકતા નથી, પરંતુ ધીમે ધીમે - લાંબાંગાળે શ્રવણશક્તિને નુકસાન કરે છે. માનસિક શાંતિ ડહોળે છે. કામમાં એની ગંભીર અસર થાય છે.
***
દુનિયાનું વર્ક કલ્ચર ઝડપભેર બદલાઈ રહ્યું છે. એઆઈ સેંકડો કર્મચારીઓની નોકરી ગળી જશે એવા ભય વચ્ચે પણ વિશ્વના ૯૩ ટકા કર્મચારીઓ માને છે કે પાંચ વર્ષ પછી ૨૦૩૦માં પણ ઓફિસ જઈને કામ કરવાની પદ્ધતિ જ પ્રચલિત હશે. અમુક સેક્ટર્સમાં વર્ક ફ્રોમ હોમ અને ઓફિસ એમ બંને રીતે કામ ચાલે છે. જેને હાઈબ્રિડ વર્ક કહેવાય છે. તેમ છતાં હજુ કર્મચારીઓ ઓફિસ વર્ક કલ્ચરને લઈને બેહદ આશાવાદી છે અને એમાંય ભારતમાં આ દર ખૂબ ઊંચો છે. ભારતના ૯૮ ટકા કર્મચારીઓ માને છે કે ૨૦૩૦માં પણ ઓફિસ જઈને કામ કરવાની રીત જ અમલમાં હશે. વર્ક ફ્રોમ હોમ જેવા વિકલ્પોને બદલે ઓફિસ કલ્ચર પોપ્યુલર રહેશે.
આવી સ્થિતિમાં ઓફિસમાં કામ કરવાનું વાતાવરણ સાનુકૂળ હોય એ આવશ્યક બની જાય છે, પણ ઓફિસમાં સુવિધાજનક માહોલ વચ્ચેય એક મુશ્કેલી એ છે કે હવે ઓફિસમાં ઘોંઘાટ કર્મચારીઓને પરેશાન કરે છે. યુનિસ્પેસ ગ્લોબલ વર્કપ્લેસ નામની એક મલ્ટિનેશનલ કંપની છે. વર્કપ્લેસ સ્ટ્રેટજી માટે કંપની કાર્યરત છે. કર્મચારીઓને અનુકૂળ વાતાવરણ મળે એવી ઓફિસ કે વર્કપ્લેસ ડિઝાઈન કરવાનું કામ કરતી આ કંપનીએ ગ્લોબલ રિસર્ચના આધારે એક અહેવાલ આપ્યો. એ પ્રમાણે જગતના ૭૫ ટકા કર્મચારીઓની પ્રોડક્ટિવિટી પર ઘોંઘાટની સીધી અસર થાય છે. મોટાભાગના કર્મચારીઓ ઓફિસની આસપાસ થતાં કોલાહલથી પરેશાન છે. કામમાં ફોકસ કરવાનું તેમના માટે અવાજ પ્રદૂષણના કારણે કપરું બન્યું છે. અલગ અલગ અવાજો વારંવાર તેમના કામમાં અવરોધ ઉભો કરે છે અને તેનાથી માનસિક અકળામણ વધે છે.
દુનિયાભરની ઓફિસમાં કેટલો ઘોંઘાટ થાય છે એનો પણ અલગથી અભ્યાસ થયો છે. મોસ્ટલી ઓફિસમાં ભલે ઉપર ઉપરથી શાંતિ જણાતી હોય પરંતુ એસીના અવાજથી માંડીને આસપાસમાં થતી એક્ટિવિટી વગેરેના કારણે અવાજની તીવ્રતા ૪૫થી ૬૫ ડેસિબલ સુધી પહોંચે છે. તેનાથી સરેરાશ ૪૫-૫૦ મિનિટનું કામ સફર થાય છે. ધારો કે આ કર્મચારીઓને હજુ શાંત વાતાવરણ મળે તો એ દિવસમાં ૫૦ મિનિટ જેટલું કામ વધારે કરવાની ક્ષમતા ધરાવે છે. વર્કપ્લેસ નોઈસની આ ગ્લોબલ સમસ્યા ભારતમાં વધારે વકરી છે. ભારતની ઓફિસીસ જુદા જુદા કોલાહલથી ભરી હોવાથી કર્મચારીઓના કામને વધારે અસર કરે છે.
***
દેશમાં થયેલા એક સેમ્પલ સર્વેમાં મલ્ટિનેશનલ્સમાં કાર્યરત ૪૭ ટકા કર્મચારીઓએ એવી ફરિયાદ કરી હતી કે તેમને દેશના બધા તહેવારોમાં રજા મળતી નથી અને એના કારણે એ તહેવારોની ઉજવણીમાં થતો કોલાહલ એ દિવસોમાં ભારે અવરોધ ખડો કરે છે. લગ્ન-પ્રસંગો અને તહેવારોમાં આ કર્મચારીઓએ સ્વીકાર્યું હતું કે તેમની પ્રોડક્ટિવિટી ઘટીને અડધી થઈ જાય છે. આ દિવસોમાં તેમને એવું ફીલ થાય છે કે ઓફિસ માત્ર આવવા ખાતર આવ્યા છે!
ઈન્ડસ્ટ્રીઅલ એરિયામાં કાર્યરત કર્મચારીઓમાં ઘોંઘાટના કારણે માથાના દુખાવાની ફરિયાદ વધી છે. કારખાનાઓના કામદારોને શ્રવણશક્તિને લગતી સમસ્યાઓ વધારે પજવે છે. ભારતના કારખાનાઓમાં કાર્યરત કર્મચારીઓમાંથી ૩૮ ટકાએ કાનમાં કંઈક અવાજો આવતા હોવાનું સ્વીકાર્યું અને ભારે ઘોંઘાટની ફરિયાદ કરી. એમાંથી ઘણાંએ એવુંય કહ્યું કે જો તેમને થોડી શાંતિ મળે તો જે કામ કરે છે એ હજુય વધારે સારી રીતે કરી શકે તેમ છે.
ઓફિસમાં સૌથી વધુ અવાજ કઈ બાબતનો આવે છે એવું પૂછાયું ત્યારે મોટાભાગના કર્મચારીઓએ એસી-ફેન અને કમ્પ્યુટર્સ - એવો જવાબ આપ્યો હતો. બીજો એક કોમન જવાબ હતો - સહકર્મચારી.
ભારતની ઓફિસીસમાં બેસવાની એટલી મોકળાશ હોતી નથી. ઓછી જગ્યામાં વધારે કર્મચારીઓ બેસીને કામ કરતા હોય છે. તેના પરિણામે સહકર્મચારીના ફોન કોલ્સથી લઈને એની અન્ય એક્ટિવિટી બીજા કર્મચારી માટે ઘોંઘાટ સર્જે છે.
વેલ, આ પરિસ્થિતિ યથાવત રહેશે તો આગામી સમયમાં ગંભીર માનસિક સમસ્યા તો સર્જાશે, પરંતુ પ્રોડક્ટિવિટીમાં પણ એવી જ અણધારી અસર જોવા મળશે. જો આવી સ્થિતિ રહેશે તો ભવિષ્યમાં ઓફિસમાં નોઈસ કંટ્રોલ ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે.
250 કરોડ લોકોની શ્રવણશક્તિ પર ખતરો
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને અવાજની તીવ્રતાના માપદંડો ઘડયા છે એ પ્રમાણે કોઈ એક સ્થળે સતત ૬૫ ડેસિબલથી વધારે અવાજ હોય તો એ પ્રદૂષણની વ્યાખ્યામાં આવે. ૭૫ની તીવ્રતા હાનિકારક ગણાય અને ૮૫ ડેસિબલથી વધુ અવાજ ખતરનાક ગણાય. આપણી વાતચીતનો સાઉન્ડ ૬૦ ડેસિબલ સ્કેલનો હોય છે. લગ્ન-પ્રસંગમાં વાગતા મ્યુઝિકનો સ્કેલ ૧૨૦થી ૧૪૦ ડેસિબલ હોય છે. ગાર્ડનમાં ઘાસ કપાતું હોય એ મશીનનો અવાજ ૯૦થી ૧૦૦ ડેસિબલ સ્કેલનો હોય છે, પરંતુ એ થોડીવાર માટે જ કાનમાં પડતો હોવાથી એનાથી કાનને ગંભીર નુકસાન થતું નથી. જો આટલો અવાજ સતત કાનમાં પડે તો પછી શ્રવણશક્તિ કાયમ માટે ગુમાવી દેવાનો ખતરો રહે છે અને અવાજ પ્રદૂષણના કારણે આવો ખતરો દુનિયાના ૨૫૦ કરોડ લોકો પર મંડરાઈ રહ્યો છે. ૨૦૫૦માં કુલ વસતિના સરેરાશ ચારમાંથી એકને સાંભળવાની તકલીફ થઈ ગઈ હશે. અઢી દશકા પછી દુનિયાના ૭૦ કરોડ લોકો અવાજ પ્રદૂષણના કારણે તેમની ચાલીસીમાં ૬૦ ટકા સુધી શ્રવણશક્તિ ગુમાવી ચૂક્યા હશે. આ ૭૦ કરોડ લોકોમાંથી ૫૫ કરોડ લોકો વિકાસશીલ કે ગરીબ દેશોના નાગરિકો હશે. આગામી પાંચ જ વર્ષમાં વધતા ઘોંઘાટના કારણે ૧૧૦ અબજ લોકો પર સાંભળવાની શક્તિ ગુમાવી દેવાનું જોખમ મંડરાઈ રહ્યું છે.
100 વર્ષમાં કોલાહલ કેટલો વધ્યો?
૧૯૨૪થી ડેસિબલ સ્કેલમાં અવાજ માપવામાં આવે છે. તે પહેલાં અવાજ માપવાની એવી કોઈ ચોક્કસ પદ્ધતિ માનવજાત પાસે ન હતી. ૧૦૦ વર્ષ પહેલાંનું જગત તો ઘણું શાંત હશે. ઈન્ડસ્ટ્રીઅલ ક્રાંતિ થઈ પછી મશીનરી, ટ્રાન્સપોર્ટેશનની સિસ્ટમ અસ્તિત્વમાં આવી. એ પછી જ શહેરીકરણ વધ્યું અને તેના પરિણામે અવાજની તીવ્રતા પણ વધી. છતાં માત્ર ૧૦૦ વર્ષના સમયગાળાને ધ્યાનમાં લઈએ તો પણ સરેરાશ ઘોંઘાટમાં પાંચ ટકાનો વધારો થયો છે. ૨૦મી સદીના ત્રીજા દશકામાં શાંત-ગ્રામ્ય વિસ્તારોમાં અવાજની એવરેજ તીવ્રતા ૨૦થી ૩૦ ડેસિબલ હતી. ૨૧મી સદીમાં એ વધીને મેક્સિમમ ૩૫ થઈ ચૂકી છે. શહેરના શાંત વિસ્તારોમાં ૨૦મી સદીમાં એવરેજ ૪૦થી મહત્તમ ૫૦ ડેસિબલનો અવાજ હતો, જે હવે વધીને મહત્તમ ૫૫થી ૫૮ થઈ ગયો છે. શહેરોના ઘોંઘાટિયા ગણાતા વિસ્તારોમાં સો વર્ષ અગાઉ વધીને અવાજની તીવ્રતા ૭૦ ડેસિબલે પહોંચતી હતી. હવે એવા ઘોંઘાટિયા વિસ્તારોમાં અવાજની તીવ્રતા દિવસે ૮૦થી વધી જાય છે. એક સદી પહેલાં જેટલો અવાજ ઈન્ડસ્ટ્રીઅલ વિસ્તારોમાં હતો એટલે રહેણાક વિસ્તારોમાં થઈ ગયો છે અને ઈન્ડસ્ટ્રીઅલ વિસ્તારોમાં તો શ્રવણશક્તિને ખૂબ નુકસાન કરે એવી ૧૦૦ ડેસિબલની તીવ્રતાથી અવાજ પ્રદૂષણ થાય છે.


