Get The App

અલગ અલગ રાષ્ટ્રોમાં વહેંચાયેલા જગતમાં અર્થકારણના મેનેજમેન્ટમાં મુશ્કેલી

Updated: Nov 29th, 2025

GS TEAM

Google News
Google News
અલગ અલગ રાષ્ટ્રોમાં વહેંચાયેલા જગતમાં અર્થકારણના મેનેજમેન્ટમાં મુશ્કેલી 1 - image

- મેનેજમેન્ટ-ધવલ મહેતા

- દુનિયાના તમામ દેશો વચ્ચે સરેરાશ આવક બાબતે ભારે અસમાનતા જોવા મળે છે. અસમાનતાની એ ખાઈ સતત મોટી થઈ રહી છે

મે નેજમેન્ટ એટલે માત્ર કોર્પોરેટ મેનેજમેન્ટ તે વિચાર એકાંગી છે. મેનેજમેન્ટનો કન્સેપ્ટ યુનિવર્સલ છે. સમસ્ત જગતના મેનેજમેન્ટ વિશે પણ ચર્ચા થવી જોઈએ. આજનું જગત સંયુક્ત રાષ્ટ્રસંઘે માન્યતા આપેલા જુદા જુદા ૧૯૩ રાષ્ટ્રોમાં વહેંચાઈ ગયું છે તે ઉપરાંત જગતમાં પેલેસ્ટાઈન અને વેટીકન સીટી એવા બે રાષ્ટ્રો છે પરંતુ તેઓને પૂર્ણ રાષ્ટ્રનો દરજ્જો પ્રાપ્ત નથી. જગતમાં રાષ્ટ્રો અંદર અંદર લઢ્યા કરે છે અને પોતાના પાડોશી રાષ્ટ્રોનો પ્રદેશ ખૂંચવી લેવા માંગે છે. અમેરીકાના પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ગ્રીનલેન્ડ, કેનેડા અને પનામા એમ ત્રણ દેશોને ખૂંચવી લેવા માગે છે તો રશિયા યુક્રેનને અને ચીન તાઈવાનને પોતાના દેશમાં ભેળવી દેવા માગે છે. પાકિસ્તાન સમસ્ત કાશ્મીર રાજ્યને પડાવી લેવા માગે છે અને ચીન ભારતનું લદ્દાખ પડાવી લેવા માગે છે. ચીને તીબેટને તો પડાવી જ લીધું છે. જુદા જુદા રાષ્ટ્રોમાં વહેંચાયેલા વિશ્વનું 'વનવર્લ્ડ, વન ગર્વમેન્ટ'માં પરિવર્તન નહીં થાય તો હવે પછીના સંભવિત ત્રીજા વિશ્વયુદ્ધમાં માનવજાત ખતમ થઈ જશે. જગત હવે બેલેન્સ ઓફ પાવર પર નહીં પરંતુ બેલેન્સ ઓફ ટેરર પર ચાલે છે. બેલેન્સ ઓફ ટેરનનો અર્થ એ કે જગતના કોઈ નાનામાં નાના દેશ પાસે પણ એટમ બોમ્બ કે હાઈડ્રોજન બોમ્બ આવી જાય તો તે સમગ્ર માનવજાતનો નાશ કરી શકે છે. અમેરીકાએ હીરોશીમા અને નાગાસાકી પર નાખેલા એટમ બોમ્બઝ હવે તો બાળકોને રમવા માટેના રમકડા જેવા ગણાય એટલી બધી હિંસક તાકાત અત્યારના હાઇડ્રોજન બોમ્બઝમાં છે. જગતના બેજવાબદાર રાષ્ટ્ર પાસે પણ જોહાઈડ્રોજન બોમ્બ આવી જાય તો તે માનવજાતનો નાશ કરી શકે છે. કરોડો લોકો બોમ્બમારીમાં પ્રત્યક્ષ રીતે મરી જાય અને કરોડો લોકો બોમ્બઝ પડયા પછી રેડીએશનની અસરને કારણે મરી જાય. જગતના સંપૂર્ણ વિનાશના ભય છતાં જગતના રાષ્ટ્રો એકબીજા સાથે લઢ્યા કરે છે અને બ્રીક્સ, નાટો, કવાડ, ઓપેક (ચોઈસ પ્રોડયુસીંગ કન્ટ્રીઝ), જી-૭, યુરોપીયન યુનિયન જેવા ભાગલાકારી સંગઠનો રચ્યા જ કરે છે. દા.ત. નાટો જેને નોર્થ એટલાન્ટીક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન કહે છે તેમાં યુરોપના ૩૨ દેશો જોડાયા છે અને નાટોના કોઈપણ સભ્ય દેશ પર નાટોની બહારનો કોઈ દેશ યુદ્ધ કરે તો સમગ્ર નાટોનું સૈન્ય તે દેશને કચડી નાંખે. રશિયા અને ચીન નાટોથી થરથર ધૂ્રજે છે કારણ કે નાટોમાં ૩૨ દેશો જોડાયા છે. ૩૨ દેશોના સૈન્યની પ્રચંડ તાકાત આગળ ચીન કે રશિયાનું પણ શું ગજું? બ્રીક્સના દેશો (બ્રાઝીલ, રશિયા, ઇન્ડિયા ચીન અને સાઉથ આફ્રિકા)નું પણ શું ગજું? હવે બ્રીક્સ કેવી રીતે ટકી શકે? રશિયા અત્યારે એક જ બાબતથી થરથર કાપે છે અને તે એ છે કે જો યુક્રેન નાટોમાં જોડાય તો રશિયાએ ચૂપચાપ થઈને બેસી રહેવું પડશે. જો રશિયા કે ચીન નાટો સામે લડવા જાય તો નાટોનું ૩૨ દેશોનું સંયુક્ત આર્મી રશિયા અને ચીનનો વારો કાઢી નાંખે. ટૂંકમાં જગતના દેશો તેમના શાણપણને કારણે નહીં પરંતુ નાટોને કારણે ચીન કે રશિયા જેવા સામ્યવાદી દેશો અન્ય દેશો સાથે યુદ્ધ કરવાની હિંમત કરી શકતા નથી. ચીન અને રશિયા માટે નાટોનો સામનો કરવાનું પગલુ 'સ્યુસાઈડલ' એટલે કે આત્મઘાતી સાબીત થઈ શકે છે.

જગતમાં અન્ય દેશોની જમીન કે સરહદ પડાવી લેવાનું કામ સતત ચાલુ છે. પરંતુ જગતના અમુક રાષ્ટ્રમાં તેનાથી વિરૂદ્ધ દેશના વિઘટનની પણ પ્રવૃત્તિઓ ચાલુ છે. બલુચિસ્તાન પાકિસ્તાનમાંથી છૂટુ પડવા માગે છે, બ્રિટન યુરોપીયન યુનિયનમાંથી છૂટું પડી ગયું તે પણ વિઘટનકારી પગલું હતું, સમસ્ત સોવિયેત રશિયાનું ઈ.સ. ૧૯૯૧માં વિઘટન થતા તેમાંથી ૧૫ રાષ્ટ્રો છૂટા પડી ગયા તે પણ વિશ્વના રાજકારણમાં અગત્યની ઘટના ગણી શકાય. ભારતની જીડીપી અત્યારે ૪ ટ્રીલીયન ડોલર્સથી કાંઈક વધારે છે જ્યારે રશિયાની તે માત્ર ૨.૫૪ ટ્રીલીયન ડોલર્સ છે. જગતમાં સામ્યવાદ છેતરામણો સાબિત થયો છે તેણે શ્રમિકોની કોઈ બેડીઓ તોડી નથી પરંતુ શ્રમિકો સિવાયના નાગરીકોનું પણ સ્વાતંત્ર્ય છીનવી લીધું છે. રશિયા ચીનની સરખામણીમાં આર્થિક દ્રષ્ટિએ એક સેકન્ડ રેટ રાષ્ટ્ર બની ગયું છે છતાં રશિયા પાસે ન્યુક્લીયર બોમ્બઝ હોવાથી અમેરિકા તેનાથી ગભરાય છે. હવે અમેરીકા રશિયાને નહીં પરંતુ ચીનને તેનું દુશ્મન નંબર એક ગણે છે કારણકે અમેરિકાની લગભગ ૩૦ ટ્રીલીયન ડોલર્સની જીડીપી પછી બીજા નંબરે ચીનની જીડીપી ૧૯.૪ ટ્રીલીયન ડોલર્સ છે. જગતમાં સૌથી વધુ વસતી (૧૪૬ કરોડ) ધરાવતા ભારતની જીડીપી બચુકડી ૪.૧૩ ટ્રીલીયન ડોલર્સ છે જ્યારે રશિયાની જીડીપી છેલ્લા અહેવાલ મુજબ માત્ર ૨.૫૪ ટ્રીલીયન ડોલર્સ છે. રશિયાની વસતી લગભગ ૧૪.૬૨ કરોડ છે. ભારતની વસતી વર્ષોવર્ષ વધતી જાય છે જ્યારે રશિયાની વસતી વર્ષોવર્ષ ૦.૨ ટકાના દરથી ઘટતી જાય છે. રશિયા યુક્રેનનો કબજો લેવા મરણીયા પ્રયત્નો કરી રહ્યું છે અને યુક્રેનની વસતી ૩.૮ કરોડની છે જે ગુજરાતની વસતી કરતા લગભગ અડધી છે. જગતની વસતી ૮૨૦ કરોડ પર પહોંચી ગઈ છે. જેમાં ભારતનો ફાળો ૧૪૬ કરોડની પ્રચંડ વસતીનો છે. અમેરિકાની વસતી માત્ર ૩૪ કરોડ છે. જેથી અમેરિકાની સરાખરી માથાદીઠ આવક ૯૦,૦૦૦ ડોલર્સની નજીક પહોંચી ગઈ છે. કયા ભારતની સરાસરી માથાદીઠ આવક ૨૮૮૦ ડોલર્સ અને ક્યાં અમેરિકાની સરાસરી માથાદીઠ વાર્ષિક આવક જે ૯૦,૦૦૦ ડોલર્સની નજીક પહોંચી ગઈ છે! 

ભારતના કરોડો લોકો એમ માને છે કે ભૌતિકવાદી કે ભોગવાદી પશ્ચિમ જગત કરતાં ભારતનું આધ્યાત્મિક જીવન વધારે સારૃં છે.  જગતમાં ૧૯૩ રાષ્ટ્રો વચ્ચે માથાદીઠ સરાસરી આવકમાં પ્રચંડ અસમાનતા જોવા મળે છે તે આપણે ઉપર જોયું. આ અસમાનતા ઘટતી નથી પણ ઉત્તરોત્તર વધતી જાય છે જે સૂચવે છે કે જગતને તેના અર્થકારણનું મેનેજમેન્ટ કરતા આવડતું નથી.

જગતમાં આર્થિક અસમાનતા છતાં પશ્ચિમ જગતના દેશો કલ્યાણવાદી રાષ્ટ્રો (વેલફેર સ્ટેટસ બની ગયા છે. પશ્ચિમ યુરોપના કલ્યાણકારી રાષ્ટ્રોમાં પણ આર્થિક અસમાનતા તો છે જ પરંતુ ત્યાંની કલ્યાણકારી યોજનાઓને કારણે ત્યાંના નાગરિકો બળવો કરતા નથી. સામ્યવાદી દેશો બળવો કરનાર વિરોધીઓને મારી નાંખે છે કે લેબર કેમ્પમાં પૂરી દે છે. જગતમાં હવે યુદ્ધો ઓછા થઈ ગયા છે. ૨૦મી સદીમાં કોમ્યુનીઝમ વિરુદ્ધ કેપીટાલીઝમ, ઈસ્ટ વિરુદ્ધ વેસ્ટ, સ્ટેટ વિરુદ્ધ ઈન્ડીવીજ્યુઅલ, ધર્મ વિરુદ્ધ વિજ્ઞાન, પ્રાઈવેટ સેક્ટર વિરુદ્ધ પબ્લીક સેક્ટર, ડેમોક્રસી વિરુદ્ધ ડીકટેટરશીપ એશિયા વિરુદ્ધ યુરોપ, ઈન્ક્રીમેન્ટ ચેઈન્જ વિરુદ્ધ રીવોલ્યુશનનરી ચેઈન્જ, કાસ્ટ વિરુદ્ધ કલાસ, જેન્ડર ઇક્વોલીટી વિરુદ્ધ જેન્ડર ડીસ્ક્રીપેશન, પાર્લામેન્ટરી ડેમોક્રસી વિરુદ્ધ ડાયરેક્ટ ડેમોક્રસી, રીલીજીઅસ સ્ટેટ વિરુદ્ધ સીક્યુલર સ્ટેટ, વિષયો પર ગરમાગરમ ચર્ચાઓ થતી. હવે આવી ચર્ચાઓ બહુ જોવા મળી નથી અને જો આવી ચર્ચા થાય તો તે પહેલાં જેટલી ઊગ્ર હોતી નથી.

આ બધા કારણોથી અસમાનતા સતત વધી રહી છે. દુનિયાના ટોચના દેશો જગતનું નેતૃત્વ લઈને આ અસમાનતા દૂર કરવાને બદલે કોઈને કોઈ રીતે અસમાનતા વધારે છે. જેને પી-ફાઈવ કન્ટ્રી કહેવામાં આવે છે એ સંયુક્ત રાષ્ટ્રસંઘના પાંચ પરમેનન્ટ સભ્યો - અમેરિકા-બ્રિટન-રશિયા-ચીન-ફ્રાન્સ સતત સ્વકેન્દ્રી બની રહ્યા હોવાથી દુનિયામાં શસ્ત્રોની દોડ વધી છે. આર્થિક અસમાનતાની ખીણ પહોળી થઈ રહી છે.