- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- ઠાકુર અનુકૂલચંદ્રમાં અનેક પ્રકારની યોગ સિદ્ધિઓ અને અલૌકિક, દૈવી શક્તિઓ હતી. તે દૂરદર્શન અને દૂરશ્રવણ કરી શકતા. સામા માણસના મનના વિચારોને જાણી લેતા
શાં ડિલ્ય ઉપનિષદમાં અષ્ટ સિદ્ધિઓનો નિર્દેશ કરતાં કહેવાયું છે - 'અણિમા મહિમા ચૈવ લધિમા ગરિમા તથા । પ્રાપ્તિ: પ્રાકામ્ય ઇશિત્વં વશિત્વં ચાષ્ટ સિદ્ધય: ।।' અણિમા, મહિમા, લધિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશિત્વ (ઇશિતા), વશિત્વ, (વશિતા) એ આઠ સિદ્ધિઓ છે. અણિમા એટલે સૂક્ષ્મ થઈ જવું, મહિમા એટલે અત્યંત વિસ્તરિતથી જવું, લધિમા એટલે ભારહીન થઈ જવું, ગરિમા એટલે અતિશય ભારે થઈ જવું, પ્રાપ્તિ એટલે ઇચ્છિત વસ્તુને પ્રાપ્ત કરી લેવી, પ્રાકામ્ય એટલે સંકલ્પ સિદ્ધ કરી લેવો, ઇશિત્વ એટલે દિવ્ય નિયંત્રણ શક્તિ પ્રાપ્ત કરવી અને વશિત્વ એટલે પોતાના પર અને બીજાના પર વશ પ્રાપ્તિ કરી લેવો.
કૃષ્ણ યજુર્વેદના યોગ તત્વ ઉપનિષદમાં પણ અષ્ટ-સિદ્ધિઓ આ રીતે વર્ણન કરાઈ છે - અણિમા મહિમા લધિમા પ્રાપ્તિ: પ્રાકામ્યમેવ ચ । ઇશિત્વં ચ વશિત્વં ચ સિદ્ધય: સિદ્ધિ સમ્પદ: ।। આ શ્લોકમાં આ આઠ સિદ્ધિઓને સિદ્ધિ સંપત્તિ કહેવામાં આવી છે. શ્રીમદ્ ભાગવત મહાપુરાણના અગિયારમા સ્કંધના પંદરમા અધ્યાયના ચોથા શ્લોકમાં પણ આ સિદ્ધિઓની વાત કરવામાં આવી છે અને તેમને અધિકને માટે શક્તિરૂપ સિદ્ધિઓ બતાવવામાં આવી છે. મહિર્ષિ પતંજલિએ એમના પાતંજલ યોગસૂત્રમાં પણ તેનો સંકેત આપ્યો છે - 'ભૂતજયાત્ જ્યો।ણિમાદય: મહાભૂતજ્ય: ।' અર્થાત્ પંચ મહાભૂતો પર વિજય પ્રાપ્ત થતા અણિમા વગેરે મહાશક્તિઓ ઉત્પન્ન થાય છે. (૩-૪૫). એ રીતે પતંજલિ મુનિ યોગસૂત્રમાં કહે છે - પ્રત્યયસ્ય પરચિત્તજ્ઞાનમ્ । (૩-૧૯) આ યોગ સિદ્ધિથી બીજાના મનના વિચારોને જાણી લેવામાં આવે છે.
અનુકૂલચંદ્ર ચક્રવર્તી (૧૪-૯-૧૮૮૮, ૨૭ જાન્યુઆરી ૧૯૬૯) એક સિદ્ધ યોગી, આધ્યાત્મિક ગુરૂ અને દિવ્ય ચિકિત્સક હતા. તેમને શ્રી શ્રી ઠાકુરના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમણે ઝારખંડના દેવઘરમાં સત્સંગ આશ્રમની સ્થાપના કરી હતી જે પર્યાવરણની સાથે માનવતાનો વિકાસ અને કલ્યાણ કથા સામાજિક ઉત્થાનની કાર્ય કરે છે. તેમને ભગવાન વિષ્ણુના અવધૂત, યુગાવતાર કે યુગપુરૂષ માનવામાં આવે છે.
ઠાકુર અનુકૂલચંદ્ર ચક્રવર્તીનો જન્મ બ્રિટિશ ભારતના પબના જિલ્લાના હિમાયતપુર ગામમાં થયો હતો. જે અત્યારે બાંગ્લાદેશનો ભાગ છે. શિવચંદ્ર ચક્રવર્તી અને મનમોહિની દેવી તેમના પિતા અને માતા હતા. ૧૯૧૩માં અનુકૂલચંદ્રને તેમની માતાએ આધ્યાત્મિક રૂપે દિક્ષીત કર્યા તે પછી તે યોગસાધના અને તીવ્ર કીર્તન કરવા લાગ્યા હતા. આ વખતે તેમની ચેતના ઉચ્ચતર ભૂમિકાએ દિવ્ય આયામમાં પહોંચી જતી. તે ઘણીવાર સમાધિની સ્થિતિમાં પહોંચી જતા હતા. આ અવસ્થામાં તેમનું મન વૈશ્વિક ચેતના સાથે જોડાઈ જતું. તે વખતે તેમનામાં ચૈતસિક શક્તિઓ, યોગ સિદ્ધિઓ અને દૈવી વિભૂતિઓ પ્રકટ થતી.
ટ્રાન્સ કે સમાધિ જેવી સ્થિતિમાં એમના મુખેથી વાણીનો અસ્ખલિત સ્રોત વહેવા લાગતો. અચરજભરી અદ્ભુત વાત તો એ હતી કે જે ભાષા તે કદી શીખ્યા નહોતા, બોલ્યા નહોતા કે સાંભળી પણ નહોતી એમાં પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર કડકડાટ, અસ્ખલિત વાગ્ધારાથી આપી દેતા. તે સાંભળનારને તો એમ જ લાગતું કે જાણે તે ભાષા તે વર્ષોથી બોલે છે. સમાધિ અવસ્થામાં સૃષ્ટિના અગમ, અગોચર રહસ્યો પણ અનાવૃત્ત થતાં. ઠાકુર અનુકૂલચંદ્રે વિધિવત્ ખાસ કોઈ શિક્ષણ લીધું નહોતું પણ ચેતનાની ઉચ્ચતર સ્થિતિમાં એમના મસ્તિષ્કમાં ગહન જ્ઞાન એ રીતે ઉતરતું કે જાણે તે વિષયના શ્રેષ્ઠ જ્ઞાતા ન હોય ?
૧૯૩૦ માં જેમને ફિઝિક્સમાં નોબેલ પ્રાઈઝ પ્રાપ્ત થયું હતું તે મહાન વિજ્ઞાની સી. વી. રમનના સહકાર્યકર કલકત્તા યુનિવર્સિટીના વિજ્ઞાની ડૉ. કૃષ્ણપ્રસન્ન ભટ્ટાચાર્ય એકવાર એમને મળવા આવ્યા. એમની સાથે ઠાકુર અનુકૂલચંદ્રએ પરમાણુ વિજ્ઞાનની એવી વાતો કરી જે સાંભળી ડૉ. ભટ્ટાચાર્ય તો એવા વિસ્મય વિમૂઢ થઈ ગયા કે તે કોઈ યોગીપુરૂષ કે હોમિયોપેથીના તબીબ સાથે નહીં પણ વિશ્વના કોઈ અતિ મહાન ભૌૈતિકવિજ્ઞાની સાથે ચર્ચા કરી રહ્યા હોય એવો એમને અહેસાસ થયો. કેટલીક બાબતો પરથી તો એમને એવું લાગ્યું કે ઠાકુર અનુકૂલચંદ્ર પ્રવર્તમાન વિજ્ઞાનથી પણ બહુ આગવું જ્ઞાન ધરાવે છે ! એટલે એમનાથી પ્રભાવિત થઈને એમણે ડૉ. સી.વી.રમનને પોતાનું રાજીનામું મોકલી આપ્યું અને અનુકૂલચંદ્રના શિષ્ય બની એમની સાથે રહીને વિજ્ઞાન અને અધ્યાત્મના સમન્વયને સાધનારી એક વિશાળ સંસ્થા ખોલી એમાં સંશોધન કાર્ય કરવા માંડયું.
કલકત્તાના તત્કાલીન ખ્યાતનામ સર્જન ડૉ. બિનોય ભટ્ટાચાર્યના એક કેન્સર પીડિત દરદી સુબોધને એના છેલ્લી સ્થિતિના, અત્યંત વધી ગયેલા કેન્સરમાંથી ઠાકુર અનુકૂલચંદ્રે એમની દૈવી શક્તિથી મુક્ત કર્યો હતો. તેમણે એમની અલૌકિક શક્તિના આધારે અમુક ઔષધિઓના નામ આપી વૈદ્ય બિરેન ભટ્ટાચાર્ય પાસે તાબડતોબ એના મિશ્રણ તૈયાર કરાવી એ સુબોધને પીવડાવ્યા હતા. જેનાથી તેનું કેન્સર સપૂર્ણપણે મટી ગયું હતું.
એમના સમકાલીન ઘણાય રાષ્ટ્રીય નેતાઓ, મહાપુરુષો અને વિજ્ઞાનીઓ એમને મળવા આવતા. દેશબંધુ ચિત્તરંજનદાસને તેમણે કહ્યું હતું - રાષ્ટ્રીય આઝાદી માટે તમે પ્રયત્ન કરો છો એ સાથે સારા અને સાચા મનુષ્યના નિર્માણ માટે પણ કાર્ય કરો ! એક પ્રસંગે તેમણે મહાત્મા ગાંધીને પણ કહી દીધું હતું - અસહકાર કરતા અંગ્રેજો સાથે સહકારથી કામ લો ને ! ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી જ્યારે જવાહરલાલ નહેરુના પ્રધાનમંડળમાં સંદેશાવ્યવહાર ખાતાના પ્રધાન હતા ત્યારે તે એકવાર ઠાકુર અનુકૂલચંદ્રને મળવા આવ્યા હતા. તે વખતે ઠાકુરો તેમને ચાંદીની મૂઠવાળી એક લાકડી પોતાના માથે અડકાડી ભેટરૂપે આપી હતી.
ઠાકુર અનુકૂલચંદ્રમાં અનેક પ્રકારની યોગ સિદ્ધિઓ અને અલૌકિક, દૈવી શક્તિઓ હતી. તે દૂરદર્શન અને દૂરશ્રવણ કરી શકતા. સામા માણસના મનના વિચારોને જાણી લેતા. દૂરની વ્યક્તિ સાથે ટેલિપથિક વાતચીત કરી શકતા. કોઈ વ્યક્તિ પોતાની સમસ્યા રજૂ કરે એ પહેલાં તો એને જાણી લઈને એનો ઉકેલ બતાવી દેતા. એક જ સમયે અનેક સ્થળે હાજર રહેવાની સિદ્ધિ પણ ધરાવતા. આવા અનેક પ્રસંગો નોંધાયેલા છે. એવા પણ પ્રસંગો છે જેમાં આપત્તિના સમયે એમની સમક્ષ અચાનક પ્રકટ થઈ જઈને તેમની આપત્તિનું નિવારણ કરી દીધું હતું.


