- સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત
- 'મીનાકુમારીએ જિંદગીમાં જો કોઈ પુરૂષને અત્યંત તીવ્રતાથી, ભરપૂર પેશનથી પ્રેમ કર્યો હોય તો એ છે ધર્મેન્દ્ર. મીના જીવનમાં એક જ વાર પ્રેમમાં ગાંડી ગાંડી થઈ હતી, અને તે ધર્મેન્દ્ર માટે.'
મ ર્દાના દેહ અને કોમળ ચહેરો - આ કોમ્બિનેશન ધર્મેન્દ્રની પર્સનાલિટીમાં જેટલું ઉભર્યું હતું એટલું કદાચ એમની પેઢીના બીજા કોઈ હીરોમાં ઊપસ્યું નહોતું. કસાયેલા મજૂબત શરીર પર માસૂમિયતભર્યો ચહેરો હિન્દી સિનેમાના ઓડિયન્સને હંમેશા આકર્ષક લાગ્યો છે. ઓડિયન્સ જ શા માટે, ધર્મેન્દ્રની સમકાલીન હિરોઈનો પણ એમની પાછળ દીવાની હતી. અલબત્ત, દેખાવ-સફળતા-સ્ટેટસ એ બધું એની જગ્યાએ બરાબર છે, પણ માણસના સમગ્ર વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરવાની વાત આવે ત્યારે બીજાં અનેક પાસાં ધ્યાનમાં લેવા પડે. ધર્મેન્દ્ર એક વ્યક્તિ તરીકે અત્યંત ઉમદા અને હૂંફાળા હતા તે વિશે ઇન્ડસ્ટ્રીમાં અને ઇન્ડસ્ટ્રીની બહાર સતત એકમત રહ્યો છે.
કલાકાર માણસનું જીવન, એમાંય સિનેમા જેવા ક્ષેત્રમાં કાર્યરત હોય તેવા સંવેદનશીલ પુરૂષનું જીવન સંબંધોનોના મામલામાં ઘટનાપ્રચુર હોવાનું. ધર્મેન્દ્રનું પ્રેમજીવન સમૃદ્ધ રહ્યું છે. લાગણીઓના તીવ્ર ચડાવઉતાર વચ્ચે પણ ધર્મન્દ્રએ પોતાના જીવનનો હિસ્સો બનેલી સ્ત્રીઓની અને ખુદની ગરિમા સતત જાળવી રાખી.
મીનાકુમારી ધર્મેન્દ્રના જીવનનું મહત્ત્વનું અંગ હતાં - ઓન સ્ક્રીન અને ઓફ સ્ક્રીન, બન્ને રીતે. તેમણે ૧૯૬૪થી ૧૯૬૮ દરમિયાન સાત ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મો એટલે 'મૈં ભી લડકી હૂં', 'કાજલ', 'પૂર્ણમા', 'ફૂલ ઔર પત્થર', 'ચંદન કા પાલના', 'મઝલી દીદી' અને 'બહારોં કી મંઝિલ'. ૧૯૬૪માં મીનાકુમારી અને ફિલ્મમેકર કમાલ અમરોહીના લગ્નજીવન પર પૂર્ણવિરામ મૂકાયું, અને એ જ વર્ષે મીનાકુમારી અને ધર્મેન્દ્રની પહેલી ફિલ્મ 'મૈં ભી લડકી હૂં' રિલીઝ થઈ.
યાસિર અબ્બાસી દ્વારા અનૂદિત 'યે ઉન દિનોં કી બાત હૈ' નામના અફલાતૂન અંગ્રેજી પુસ્તકમાં નરગીસનો ફર્સ્ટ પર્સનમાં લખાયેલો એક લેખ છે, જેમાં એમણે મીનાકુમારી વિશે હૃદયસ્પર્શી વાતો કરી છે. હિન્દી સિનેેમાની આ બે મહાન અભિનેત્રીઓ એકબીજાની સમકાલીન હતી ને વળી પાક્કી બહેનપણીઓ પણ હતી.
એક વખત સુનીલ દત્ત મદ્રાસમાં 'મૈં ચુપ રહૂંગી' (૧૯૬૨) ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં હતાં. આ એ સમયગાળાની વાત છે જ્યારે 'મધર ઇન્ડિયા' (૧૯૫૭) સહિતની કેટલીય ફિલ્મો રિલીઝ થઈ ચુકી હતી અને નરગીસ, નરગીસ બની ચુક્યાં હતાં. મીનાકુમારીની 'સાહબ, બીબી ઔર ગુલામ' અને 'પાકીઝા' જેવી કરીઅરની શ્રેષ્ઠતમ ફિલ્મો આવવાની હજુ વાર હતી. 'મૈં ચુપ રહૂંગી'નું શેડયુલ લાંબું ચાલવાનું હતું એટલે સુનીલ દત્તે નરગીસને બાળકો સહિત મદ્રાસ તેડાવી લીધાં. સંજય દત્ત તે વખતે અઢી વર્ષના અને નાની નમ્રતા તો માંડ બે મહિનાની હતી.
નરગીસે નોંધ્યું કે મીનાકુમારીને બાળકો અત્યંત પ્રિય છે. એક દિવસ લંચબ્રેક વખતે નરગીસે પૂછયું, 'મીના, તને બાળકો આટલાં વહાલાં છે તો તને ખુદને મા બનવાનું મન નથી થતું?' મીનાકુમારીએ જવાબ આપ્યો, 'એવી કઈ ી હશે જેને મા બનવાનું મન ન થતું હોય?' આટલું બોલતાં એની આંખો ભરાઈ આવી. તે રાત્રે હોટલમાં મીનાકુમારીના કમરામાંથી મારપીટ અને રોકક્કળના અવાજો સંભળાતા હતા.
એમના ફિલ્મમેકર પતિ કમાલ અમરોહી તે વખતે ચેન્નાઈ આવી ગયેલા. બીજા દિવસે તબિયત સારી ન હોવાનું બહાનું કાઢીને મીનાકુમારી શૂટિંગ કરવા ન ગયાં.
એક વાર નરગીસે કમાલ અમરોહીના સેક્રેટરી બકર અલીને પકડીને ધધડાવ્યો: 'તમારે લોકોએ મીનાને મારી નાખવી છે? તમારા માટે એ બિચારી રાત-દિવસ મહેનત કરે છે. ક્યાં સુધી બેઠાં બેઠાં એના હાથના રોટલા ખાવા છે?'
મુંબઈ પાછાં ફર્યા બાદ બન્ને અભિનેત્રીઓ પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ. નરગીસના કાને જોકે મીનાકુમારી વિશે જાતજાતની વાતો પડયા કરતી. એક વાર ખબર પડી કે એ પતિનું ઘર છોડીને બહેનને ત્યાં રહેવા જતાં રહ્યાં છે. એક વાર કોઈ ફિલ્મના સેટ પર બકર અલી સાથે મીનાકુમારીનો ભયંકર ઝઘડો થઈ ગયો હતો. મીનાકુમારી ખૂબ દારૂ પીવા લાગ્યાં છે તેવી વાતો પણ સતત સંભળાયા કરતી. એક વાર એમને જાન્ડિસ (કમળો) થઈ ગયો. નરગીસ ખબરઅંતર પૂછવા હોસ્પિટલ ગયાં. હિંમત કરીને એમણે કહી દીધું, 'મીના, તું હવે આઝાદ છે, પણ આઝાદીનો ઉપયોગ તું દારૂ પી-પીને ખુદને ખતમ કરવામાં કરીશ તો એનો શો મતલબ છે?'
મીનાકુમારીએ પોતાનું હૈયું ઠાલવ્યું. કહે, 'બાજી, ધીરજની પણ કોઈ સીમા હોય છે. કમાલસાહેબના સેક્રેટરીની હિંમત કેવી રીત થઈ મારા પર હાથ ઉપાડવાની? મેં કમાલસાહેબને તરત આ બનાવ વિશે જાણ કરી હતી. મને એમ કે આ સાંભળીને તેઓ બધાં કામ પડતાં મૂકીને મારી પાસે દોડી આવશે ને બકર અલીને એ જ વખતે નોકરીમાંથી કાઢી મૂકશે. એને બદલે એમણે શું કહ્યું, ખબર છે? કહે, 'તું ઘરે આવ, પછી હું નિર્ણય લઈશ.' નિર્ણય લેવા માટે હજુ શું બાકી રહી ગયું હતું? એટલે નિર્ણય એમણે નહીં, પણ મેં લીધો કે આ માણસના ઘરમાં હવે હું ક્યારેય પગ નહીં મૂકું.'
'તો હવે પોતાની જાત સાથે આવો દુર્વ્યવહાર કરવાનું બંધ કર,' નરગીસે કહ્યું, 'તારે તો હવે જિંદગી ભરપૂરપણે જીવવાની હોય...'
નરગીસ લખે છે: '...અને આ તબક્કે મીનાના જીવનમાં એક નવી વ્યક્તિનો પ્રવેશ થયો - ધર્મેન્દ્ર. આ સંબંધથી એ એટલી બધી ખુશ હતી જાણે આખી દુનિયાની દોલત એને મળી ન ગઈ હોય! એને ખુશ જોઈને હું ખૂબ રાજી થતી. મીનાએ જિંદગીમાં જો કોઈ પુરૂષને અત્યંત તીવ્રતાથી, ભરપૂર પેશનથી પ્રેમ કર્યો હોય તો એ છે ધર્મેન્દ્ર. મીના જીવનમાં એક જ વાર પ્રેમમાં ગાંડી ગાંડી થઈ હતી, અને તે ધર્મેન્દ્ર માટે.'
ધર્મેન્દ્ર ખુદ શું કહે છે આ સંબંધ વિશે? 'યે ઉન દિનોં કી બાત હૈ' પુસ્તકમાં ધર્મેન્દ્રનો પ્રથમ પુરૂષ એકવચનમાં લખાયેલો લેખ પણ છે. ધર્મેન્દ્ર લખે છે: 'સૌથી પહેલાં મારું નામ સાયરા બાનો સાથે જોડાયું હતું. એ જમાનામાં એ 'બ્યુટી ક્વીન' કહેવાતી. મને સાયરા બાનો માટે ખૂબ માન હતું, કેમ કે એ દિલીપકુમારની પત્ની હતી. 'બ્યુટી ક્વીન' પછી મારી દોસ્તી 'ટ્રેજેડી ક્વીન' મીનાકુમારી સાથે થઈ. અમારી મૈત્રી ધીમે ધીમે ગાઢ બનતી ગઈ, પણ કદી અંદેશો જ ન આવ્યો કે એક દિવસ એ... બસ, આ વાતને અહીં જ અટકાવી દઈએ.'
ધર્મેન્દ્ર જે ન કહ્યું તે નરગીસે પોતાના લેખમાં લખ્યું છે: 'ધર્મેન્દ્ર સાથે સંબંધ એ મીનાના જીવનનો સૌથી ખૂબસૂરત તબક્કો હતો, પણ આ સારા દિવસો ટક્યા નહીં. ધર્મેન્દ્ર અને મીના વચ્ચે કોઈક મુદ્દે ગેરસમજ થઈ અને બન્ને એકબીજાથી દૂર થતાં ગયાં. ધર્મેન્દ્ર એના જીવનમાંથી બહાર નીકળી ગયો અને મીનાનું દિલ તૂટી ગયું. એનાથી સંબંધવિચ્છેદ સહન ન થયો. એણે ખુદને સંપૂર્ણપણે દારૂમાં ડૂબાડી દીધી. એ આત્મવિનાશના રસ્તે નીકળી ચૂકી હતી. ધર્મેન્દ્ર સાથેનો સંબંધ તૂટયા પછી એને જીવવામાં કોઈ રસ જ રહ્યો નહોતો.'
મીનાકુમારી ૩૮ વર્ષની કાચી વયે મૃત્યુ પામ્યાં. એમના મોતનો અદ્રશ્ય અને સૂક્ષ્મ ભાર ધર્મેન્દ્રએ કદાચ જીવનની અંતિમ ક્ષણ સુધી અનુભવ્યો હશે...
શો-સ્ટોપર
આજે જે રીતે કેટલીક ફિલ્મોમાં સ્ત્રીઓને પેશ કરવા કરવામાં આવે છે... આ તો નર્યું ગાંડપણ જ છે. જૂની ફિલ્મોમાં જે વર્તન વિલન કરતા એ આજની ફિલ્મોમાં હીરો કરે છે. જો સારી ફિલ્મોમાંથી લોકોને પ્રેરણા મળતી હોય, તો ખરાબ ફિલ્મોનો પ્રભાવ પણ પડે જ.
- ફરહાન અખ્તર


