Get The App

દીકરી, મને અંદર આવવાનું નહીં કહે? .

Updated: Nov 29th, 2025

GS TEAM

Google News
Google News
દીકરી, મને અંદર આવવાનું નહીં કહે?                     . 1 - image

- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા

- આજનાં સંતાનોનું લોહી તો એનું એ જ છે કે એમાં લાલાશ ઓછી અને સફેદપણું વધી રહ્યું છે!

અ ને મધરાતે શ્લોકના બારણે ટકોરા પડયા. 'પપ્પાજી આવવાના છે, પણ તેમને આવવાની તો ખાસ્સી વાર છે....કોણ હશે આ મધરાતના મહેમાન ?' શ્લોકનું મન શંકા-કુશંકામાં અટવાયેલું છે. ઇષ્ટિ ભર ઊંઘમાં છે... ફરી કોલબેલ વાગ્યો એટલે ઇષ્ટિએ બૂમ પાડીને કહ્યું : ''અરે શ્લોક, સમયનું પણ ભાન નથી. મનમાં થયું ને આ નીકળી પડયા...ચોક્કસ કોઈ કન્ટ્રીટાઈપ માણસ હશે એને કોના ઘરે કેટલા વાગે જવાય એનું પણ ભાન નથી. શ્લોક જા આવનારને તાત્કાલિક વિદાય કરી દેજે. કામ હોય તો બપોરે આવે એમ કહી દેજે.''

અને શ્લોક પરાણે ઊભો થાય છે...બારણું ખોલે છે...અને પોતાની સામે ઊભેલા એ વૃદ્ધ તરફ શંકિત નજરે જુએ છે... ''ઘરમાં આવો પપ્પા, એટલું પણ નહીં કહે દીકરા ?'' સાનુકૂળ પ્રત્યુત્તરની અપેક્ષાએ શ્લોકના ચહેરા તરફ અનિમેષ નયને તેના પપ્પા નયનકુમાર તાકી રહ્યા હતા.

''પપ્પા, શબ્દ સાંભળીને શ્લોક ચોંક્યો. કશું જ બોલ્યા વગર 'આવો' કહીને એમને અંદર લઈ ગયો. પોતાના પપ્પાને સોફા પર બેસાડી શ્લોકે બૂમ પાડી: ''અરે ઇષ્ટિ, જો તો કોણ આવ્યું છે ? પપ્પાજી આવ્યા છે. જલ્દી બહાર આવ.''

''અરે પણ તું તો કહેતો હતો કે તારા પપ્પા કાલે બપોરે આવવાના છે. અને આજે તો રવિવાર છે. ઓહ ગોડ ! મારો તો રવિવાર બગડયો. મને આવી ખબર હોત તો રામાને રજા પણ ન આપત. ઘરમાં દૂધ પણ નથી અને શાકભાજી પણ નથી. આપણા દેશના લોકોની આ જ તકલીફ છે. નવરા પડયા નથી કે નીકળી પડયા ! ગેસ્ટ એટલે ગમે ત્યારે ટપકી પડવાનો અધિકાર ભોગવનાર વ્યક્તિ. આજે તો ટીવી માણવાનો દિવસ. તારા પપ્પા રિટાયર્ડ છે, પણ એટલું નથી સમજતા કે તેમનો દીકરો અને પુત્રવધૂ આખુ વીક કામ કરીને થાકી ગયા હશે...., નીકળી પડયા બીજાની રજા બગાડવા....

''અરે ઇષ્ટિ, ધીમે બોલ પપ્પા સાંભળી જશે.''

''અરે છોને સાંભળી જાય. એમને ખબર તો પડે કે કોઈના ઘરે ગમે ત્યારે ટપકી ન પડાય. એટિકેટ જેવું કંઈ છે કે નહીં ?''

શ્લોકના પપ્પા બોલ્યા ''દીકરી, મને અંદર આવવાનું નહીં કહે, હું તારો સસરો....શ્લોક મારો પુત્ર છે. હું 'ગેસ્ટ' નથી.''

''હા, એ તો સમજ્યા હવે. શ્લોક તમારા બહુ જ વખાણ કરતો હતો. તમે બહુ ફોરવર્ડ છો, ઉદાર છો, અન્ડરસ્ટેન્ડિંગવાળા છો....વગેરે-વગેરે....હવે તમે જ કહો, મારે તમને ઈમ્પ્રેસ કરવા હોય તો આમ અચાનક આવી ચઢો તો તમને હું ઇમ્પ્રેસ કેવી રીતે કરી શકું ? બાકી હું પણ કલ્ચરમાં ઊણી ઊતરું તેવી નથી. મારા દાદા ડીઆઈજી હતા અને પપ્પા પોલિસ કમિશનર છે.''

ના, ના તમે જ કહો શ્લોક જેવા મીડલ કલાસ છોકરાના નસીબમાં મારા જેવી છોકરી હોય ? કાંઈ નહીં, ઘણીવાર ભૂલો કરવાની પણ મજા આવે છે. ''ઇષ્ટિએ બારણામાં ઊભા ઊભા જ સસરા નયનકુમાર સાથે વાત કરતાં કહ્યું.''

પણ શ્લોકના પપ્પા નયનકુમારે સહેજ પણ સ્વસ્થતા ગુમાવ્યા સિવાય કહ્યું : ''બેટા, તારું નામ તો કહે દીકરી.''

''નામ જાણીને શું કરશો ? જૂનવાણી ભારતીય કુટુંબમાં સાસરે આવનાર સ્ત્રી પોતાનું નામ ગુમાવીને જ આવતી હોય છે. વહુઓને નામ નથી હોતાં, પણ શું એવી ભોટ વહુઓની લાઈનમાં બેસું તેવી નથી હોં પપ્પાજી, મારું નામ છે ઇષ્ટિ, અને હું મારી ઇચ્છા પ્રમાણે જ દરેક કાર્ય કરું છું. તમે આવ્યા છો તો બેસો. હું જરા ફ્રેશ થઈને આવું છું, મને રસોઈ બનાવતાં આવડે છે કે નહીં, ઘરકામ કરતાં આવડે છે કે નહીં, વગેરે કન્ટ્રીટાઇપ પ્રશ્નો પછી પૂછજો.''

અને શ્લોકના પપ્પા નયનકુમારે ડ્રોઇંગરૂમમાં ચારે તરફ નજર ફેરવી શાનદાર ઓરડો, મોંઘુંદાટ ફર્નિચર, કલાત્મક વોલ પીસ, લટકતાં ઝુમ્મરો, કિંમતી કારપેટ અને વૈભવી પડદાં....નયનકુમાર તો ભવ્ય રૂમની જાહોજલાલી જોઈને ડઘાઈ જ ગયાં.

ત્યાં જ ફ્રેશ થઈને ઇષ્ટિ પાછી આવી અને નયનકુમારની સામે સોફા પર બેઠી. ''કેમ પપ્પા ડઘાઈ ગયા ને? ડ્રોઇંગરૂમ જોઈને અમારી રહેણી કરણીનો તમને ખ્યાલ આવી જ ગયો હશે. પપ્પાજી શ્લોક તમારા વ્યક્તિત્વના બહુ વખાણ કરતો હતો...હવે તમારી ઉંમર થઈ, પણ પાનખરનો ઠસ્સો જોઈને લાગતું નથી કે તમારો વાસંતી રૂઆબ બેમિસાલ હશે. ખેર, મને યાદ આવ્યું કે તમે શિક્ષક હતા. એટલે જિંદગી તમે ટયૂશન કરીને પૂરી કરી હશે....અમારા લગ્ન પછી શ્લોક તમને અહીં લાવવાનું કહેતો હતો ત્યારે જ મેં કહ્યું હતું કે તમને અમારી સાથે નહીં ફાવે. તમારું લેવલ અમારી રહેણી-કરણી સાથે જરાપણ મેચ નહીં થાય તેવી ચેતવણી મેં શ્લોકને આપી દીધી હતી એટલે જ શ્લોકે તમને અને મમ્મીજીને તાત્કાલિક ના તેડાવ્યાં. અમે સેટલ થયા પછી તમને બોલાવવાના જ હતા. પણ તમે રહ્યા મધ્યમવર્ગીય માણસ....એટલે અમારા વૈભવી જીવનની જાસૂસી કરવા રાહ ના જોઈ શક્યા અને વગર બોલાવે દોડી આવ્યા ખરું ને પપ્પાજી ? મારે તમને ઘણાં બધાં સરપ્રાઇઝ આપવાનાં હતાં પણ વહેલી સવારે તમે મારી ઊંઘ બગાડી એટલે હવે સરપ્રાઇઝ આપવાનો મૂડ ના રહ્યો.''

ઇષ્ટિની વાતો આડા પાટે ચઢતી જોઈને શ્લોકે તેને આગળ બોલતાં અટકાવીને કહ્યું : ''ઇષ્ટિ, વાતો પછી કરજે. પપ્પાજીની ચા-નાસ્તાની વ્યવસ્થા તો કર.''

''શ્લોક, વહેલી સવારે ચા-નાસ્તાની વ્યવસ્થા કેવી રીતે થાય ? દૂધ લાવવાનું છે અને નાસ્તો બનાવવાનો છે. ત્યાં સુધી પપ્પાજીને આપણાં રૂટીન વિશે જરા સમજવી દઉં અને મારી પાકી ઓળખાણ પણ આપી દઉં...''

...અરે હા, પપ્પા જુઓ, આ તમારા શ્લોકને. અહીં આવ્યો ત્યારે સાવ બોઘા જેવો હતો. મેં એને કેવો અલ્ટ્રામોડર્ન બનાવી દીધો છે ! અને હા પપ્પાજી તમારો એક પત્ર મેં સાચવી રાખ્યો છે. મારી સાથે લગ્ન માટે શ્લોકે તમને પત્ર લખ્યો હતો ત્યાર તમે એક અમીરની પુત્રી પ્રત્યે કેટલો બધો નફરતનો ભાવ વ્યક્ત કર્યો હતો. જો તમારામાં ઉદારતા હોત તો અમારા લગ્નને તમે ખેલદિલીપૂર્વક વધાવી લીધાં ન હોત ? પણ ગરીબોનું મન દરિદ્રતાના કૂવા સિવાય બહાર કશું જોઈ જ શકતું નથી. ઇષ્ટિ વાક્બાણ છોડે જ જતી હતી અને શ્લોક લાચાર વદને બધું સાંભળી રહ્યો હતો.

ત્યારે નયનકુમારે સહજભાવે કહ્યું : ''બેટા, પણ મેં શ્લોકને લગ્ન માટે રોક્યો નહોતો. લગ્ન એ માત્ર બે વ્યક્તિઓનું મિલન નથી. કૌટુંબિક જવાબદારીઓ વહેંચી લેવાની પ્રતિજ્ઞા છે. એટલું જ સમજાવવાની કોશિશ કરી હતી. બે પરિવારો સમકક્ષ હોય તો વધારે સારું, એકબીજાનું માન જળવાય. પિતા તરીકે એટલું કહેવાનો પણ મને હક્ક નથી ?''

''પપ્પાજી, વડીલોએ હંમેશા ફરજ બજાવવાની જ તત્પરતા રાખવી જોઈએ. ઘડપણ આવે તો ય માણસ હક્ક ભોગવવાનો ચસ્કો કેમ જતો કરતો નથી, એ જ મને સમજાતું નથી. તેમના જવાનીના દિવસોમાં કર્તવ્યોના બોજથી પુત્ર, પુત્રી કે પુત્રવધુને ગૂંગળાવી મારવાં એ યોગ્ય છે ખરું ? કર્તવ્યના નામે એ શોષણ ન કહેવાય ? પણ તમને એ વાત નહીં સમજાય. કારણ કે તમે એક 'ઇન્ડિઅન ફાધર' છો. દેશી બાપ. ચાલો હવે આરામ કરો. મને પણ ઊંઘ આવે છે. શ્લોક દૂધ લઈ આવશે પછી ચા મળશે. ત્યાં સુધી ભગવાનનું નામ લો. અને શ્લોક તું દૂધ નહીં તૈયાર ચા જ લેતો આવજે. બ્રેટ બટર અને ચા પપ્પાજી માટે સારી રહેશે. ગામડે ક્યાં તેમને બ્રેડ-બટર ખાવા મળતાં હશે, ખરૃં ને પપ્પાજી ?''

થોડીવાર પછી શ્લોક થર્મોસમાં ચા લઈને આવ્યો.... ત્યારે ડાઇનિંગ ટેબલ પર ચા-નાસ્તો કરવા ઈષ્ટિએ નયનકુમારને બોલાવ્યા. નયનકુમારે પોતાની થેલીમાંથી લંચબોક્ષ કાઢ્યું. સૂકી ભાજી અને પૂરી કાઢી ઇષ્ટિ અને શ્લોકની ડીશમાં મૂકી. પણ ઇષ્ટિએ ડીશ ધકેલીને કહ્યું : ''અરે, ના પપ્પાજી હું અને શ્લોક આવો તેલ વાળો નાસ્તો નથી કરતાં. તમે નિરાંતે ખાવ. બ્રેડ બટર તમને નહીં ભાવે એની મને ખાતરી જ હતી. મારું નીચું દેખાડવા માટે જ મમ્મીજીએ તમને પૂરી-શાકનો ડબ્બો ભરી આપ્યો હશે. એવું મને લાગે છે.''શ્લોક બિચારો લાચાર થઈને નાસ્તા તરફ રહ્યો હતો એને મમ્મીના હાથમાં પૂરી-શાક ખાવા હતાં પણ ઇષ્ટિ, તેને ખાવા દે ખરી ? નયનકુમારે પૂરી-શાક ખાઈને ચા પીધી. પછી કહ્યું : ''વહુ બેટા, હવે હું સવારે જમીશ નહીં. તમારા અને શ્લોક બન્ને જણા માટે જ રસોઈ બનાવજો.''

ઇષ્ટિએ તરત જ તડાક દઈને જવાબ આપ્યો : ''પપ્પાજી, પ્લીઝ તમારે મને વહુબેટા કહીને મારી જવાબદારીઓનું ભાન કરાવવાની જરૂર નથી. મને ઇષ્ટિ કહીને જ બોલાવો. 'વહુબેટા'ના જમાના ગયા. વહુને અડધી રાત્રે પરેશાન કરવાની અને પછી બેટા કહેવાનું એ કેટલું બધું કોન્ટ્રાડીકટરી લાગે છે. સારું થયું તમે જમી લીધું. આજે સન્ડે છે એટલે અમે બહાર જમવા જઈએ છીએ પણ તમે આવ્યા છો એટલે શ્લોક ઓનલાઈન ઓર્ડર આપી દેશે એટલે અમે બે સાથે લંચ કરી લઈશું.'' કહીને ઈષ્ટિ તેના બેડરૂમમાં ચાલી ગઈ.

શ્લોક કશું બોલે એ પહેલાં જ તેના પપ્પા નયનકુમાર બોલ્યા : ''શ્લોક, હું તારી મનોદશા સમજી શકું છું. તારા લગ્ન ઇષ્ટિ સાથે થયા પછી મને એની સામે આ જ વાંધો હતો. ઇષ્ટિ કદાચ તને રિઝવી શકે, પણ એક વૃદ્ધ માતા અને રિટાયર્ડ પિતાને સુખી કરવા તત્પર ના જ હોય. એટલે મેં તને ઇષ્ટિ સાથે લગ્ન ન કરવા સમજાવ્યો હતો. પણ તું સાચી વાત સમજવા તૈયાર ન થયો અને તેં અમારી સાથેનો સંબંધ પણ કાપી નાખ્યો. મારી નાદુરસ્ત તબિયત હોવા છતાં મેં રાત-દિવસ જોયા વગર નિવૃત્તિના સમયે પણ ટયૂશનો કરવાનું ચાલુ રાખ્યું છે. તારાં મમ્મી પણ ખૂબ જ બીમાર થઈ ગયાં છે. તને અને ઇષ્ટિને બહુ યાદ કરે છે. તેની સેવા તારે અને ઇષ્ટિએ કરવી જોઈએ...તેને પ્રેમની જરૂર છે. તારી મમ્મીને અહીં શહેરમાં લાવી સારા ડૉક્ટરને બતાવવાની જરૂર છે. તે પણ મારી સાથે જ અહીં આવવાની હતી પણ મેં તેને અહીં આવતાં રોકી. મેં કહ્યું મને પહેલાં જઈને જોઈ આવવા દે. શ્લોકનું ઘર પછી તને લઈ જઈશ. બેટા, તારી મમ્મીની સારવાર માટે થોડાં પૈસાની પણ જરૂર હતી.''

'પણ પપ્પા, મારી પાસે કોઈ બચત નથી. ઇષ્ટિનો હાથ છૂટો હોવાને કારણે હું દેવાદાર થઈ ગયો છું છતાં....શ્લોકને આગળ બોલતો અટકાવી દેતાં નયનકુમારે કહ્યું : ''બેટા, હું તારી પત્નીની ખાનદાનીની ચકાસણી કરવા માટે જ આવ્યો હતો. કાંઈ વાંધો નહીં. મારા દિલોજાન દોસ્ત તારા સમીર અંકલ છે, એમણે તેમનું મકાન ગીરો મૂકીને મને પૈસા આપવાનું કહ્યું છે...નક્કી જ છે પણ હું એક ચાન્સ લેવા જ તારી પાસે આવ્યો હતો, રખે ને તું મદદ કરે તો સમીર અંકલનું ઘર ગીરે મૂકવું ન પડે. લોહી એનું એ જ છે પણ તેનો રંગ લાલને બદલે સફેદ થઈ ગયો છે. માણસોના હૈયાં ધબકે છે, પણ એમાં ઉષ્મા નથી. થીજેલી લાગણીઓ શ્લોક તને અને ઇષ્ટિને મુબારક. હું અત્યારે જ સમીર અંકલને ઘેર જઈશ પછી ત્યાંથી સીધો આપણે ગામ જતો રહીશ. પપ્પાજી જાય છે એવા સમાચાર ઇષ્ટિને આપી દે, એટલે એનું ટેન્શન ઓછું થાય.'''

નયનકુમારની વાત સાંભળી ઇષ્ટિ તરત બહાર દોડી આવી. ''બસ. પપ્પા જઉં છે તમારે ? શ્લોક હું નહોતી કહેતી તારા પપ્પાને આપણા ઘરે નહીં ફાવે. આવજો પપ્પા, ફરી આવો ત્યારે સોમવારનું કહીને રવિવારે ના ટપકી પડતાં. એપોઈન્ટમેન્ટ લઈને આવજો. બાય.''