Get The App

તુમ બોરિંગ, હમ 'જૉલી'! .

Updated: Nov 29th, 2025

GS TEAM

Google News
Google News
તુમ બોરિંગ, હમ 'જૉલી'!                                    . 1 - image

- બાયોસ્કોપવાલા-મન્નુ શેખચલ્લી

- ફિલ્મની સ્ટોરી શું હતી? એમાં પડવા જેવું નથી. (એ વખતે પણ નહોતું) પરંતુ 'હમજોલી'માં જે રીપીટ વેલ્યુ હતી તે મહેમૂદની કોમેડી હતી

એ ક તો ૧૯૭૦માં આવેલી ફિલ્મ, ઉપરથી સાઉથમાં બનેલી, એમાંય પાછી સાઉથની જ મુવીની રિ-મેક એટલે એનાં કલર કોમ્બિનેશનો જોઇને જ ચક્કર આવી જાય! લીલા કલરની દીવાલો હોય, પીળા કલરના જાડા જાડા થાંભલા હોય અને શોકિંગ પિન્ક કલરના પરદા હોય!

એમાંય બાકી હોય તેમ જિતેન્દ્ર પીળા કલરનું પેન્ટ અને પીળા કલરનું શર્ટ પહેરીને આવે! એક સીનમાં તો લાલ શર્ટ અને લાલ પેન્ટ છે! આવાં ક્રેઝી કપડાં પહેરવાની ક્રેડિટ આમ તો ગોવિંદા લઇ જાય પરંતુ અહીં તો ફિલ્મ કોમેડી ફિલ્મ નથી છતાં આવો 'કોમિક ટચ' ઠેર ઠેર દેખાય છે.

ધન્ય છે!

***

જો કે 'હમજોલી' ફિલ્મને એ સમયે ફિલ્મો થકી 'સ્પોર્ટસ''ને પ્રોત્સાહન આપવા બદલ વિશેષ પુરસ્કાર આપવાની જરૂર હતી! તમને થશે કે યાર, આવી સ્પોર્ટસ ફિલ્મો તો સન ૨૦૦૦ પછી બનવા માંડી, એમાં છેક ૧૯૭૦ની કોઈ ફિલ્મનાં 'સ્પોર્ટસ' હતી જ ક્યાં?

પણ ઊભા રહો. જરા અમારી વાત પણ સાંભળી લો. આ ફિલ્મમાં ત્રણ ત્રણ મહત્ત્વની સ્પોર્ટસ માટે ખાસ સ્પેશીયલાઇઝડ ગાયનો બન્યાં છે! જુઓ, પહેલું જે ગાયન છે તેને તો કેપીએલ યાને કે 'કબડ્ડી પ્રિમિયર લીગ'નું એન્થમ બનાવવા જેવું હતું!

યાદ કરો એ ગાયન 'હોશિયાર ખબરદાર...' જેમાં લીના ચંદાવરકર અને અરુણા ઇરાનીની મહિલા ટીમો સામસામે ગાયન ગાતાં ગાતાં કબડ્ડી રમે છે! એટલું જ નહીં, ગાયન પતે ત્યાં સુધીમાં મેચ પણ પતી જાય છે! એમાંય ગીત ગાતા ગાતાં આશાજી જે રીતે 'તોતોતો...તોતોતો...' કરે છે, એમાં તો સીટ ઉપરથી ઉછળીને છેક સ્ક્રીન સુધી 'અડી' આવવાનાં ઝનૂનો ચડે તેવું હતું!

મજાની વાત એ પણ ખરી કે બન્ને ટીમોની છોકરીઓ ચસોચસ ફીટિંગવાળા પંજાબી ડ્રેસ પહેરીને ટાંટિયાખેંચ રમે છે. (જો કે ટીશર્ટ અને ચડી પહેરાવ્યાં હોત તો ગાયન વધારે પડતું હિટ થઇ જાત.)

***

કબડ્ડી પછીની સ્પોર્ટસ છે 'ફ્રી સ્ટાઈલ કીક બોક્સિંગ!' જી હા, આનું પણ એક ગાયન છે! આનંદ બક્ષી જાણે પોતે કોચની ભૂમિકામાં આવી ગયા હોય તેમ કડક સૂચનાઓ આપી છે : 'ચલ શુરુ હો જા, ચલા મુક્કા, જમા થપ્પડ, લગા ટક્કર...વન! ટુ! જરા ફિર સે ગિરા નીચે, ફસા ટંગડી, લગા લંગડી...'

જોયું? માત્ર મુખડામાં જ મારામારીના કેટલા 'દાવ' આવી ગયા ? (૧) મુક્કા (૨) થપ્પડ (૩) લગા ટક્કર (૪) ગિરા નીચે (૫) ફસા ટંગડી (૬) લગા લંગડી... યાર, આનાથી સારું કોચિંગ કોણ આપી શકે?

નવાઇ એ વાતની છે કે ૧૯૭૦ પહેલાં અને ૧૯૭૦ પછી હિન્દી સિનેમામાં એકમાત્ર ઘટના એવી છે જ્યાં ફાઈટ માસ્ટર અને ડાન્સ માસ્ટરે ભેગા મળીને કામ કર્યું હોય!

***

હજી ત્રીજી સ્પોર્ટસ છે. અને એ ગાયન તો ફેમસ છે : 'ઢલ ગયા દિન, હો ગઈ શામ...' આમાં જિતેન્દ્ર અને લીના ચંદાવરકર બેડમિંગ્ટન રમે છે! એ પણ રાત્રે, અને એ પણ સ્કોર ગણ્યા વિના! (કેમ કે આખા ગાયનમાં 'લવ-ઓલ' જ છે!)

કાશ, એ સમયે પ્રકાશ પદુકોણે આ ફિલ્મ જોઈ હોત, અને કાશ, એમણે આ ગાયન બેડમિંગ્ટન ચેમ્પિયન થયા પછી દેશમાં પ્રચલિત કર્યું હોત. જો એમ થયું હોત તો આજે બેડમિંગ્ટન, ક્રિકેટ પછીની બીજા નંબરની રમત હોત કે નહીં? (અને ફરી અફસોસ કે આ સ્પોર્ટસમા પણ લીના ચંદાવરકરે આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ સ્કર્ટ-ટીશર્ટ પહેર્યાં નથી! બાકી જિતેન્દ્ર ચડ્ડી પહેરે એમાં કોને રસ હોય?)

***

ફિલ્મની સ્ટોરી શું હતી? એમાં પડવા જેવું નથી. (એ વખતે પણ નહોતું) પરંતુ 'હમજોલી'માં જે રીપીટ વેલ્યુ હતી તે મહેમૂદની કોમેડી હતી. સ્ટોરીમાં કોઈપણ જાતના લોજિક વિના મહેમૂદના બાપા રાજકપૂરની મિમિક્રી કરે છે અને દાદા પૃથ્વીરાજ કપૂરની! એમનું એક ગાયન પણ છે : 'યે કૈસા આયા જમાના...' જેમાં મહેમૂદનો અવાજ કીશોરકુમારે કાઢ્યો છે અને પૃથ્વીરાજ કપૂરના અવાજમાં મહેમૂદ પોતે ખતરનાક રીતે પેરોડી કરી છે.

આજે નવાઈ લાગે કે મહેમૂદે જે રીતે ઉઘાડે છોગ રાજકપૂર અને પૃથ્વીરાજ કપૂરની મિમિક્રી કરી, એ જોઇને રાજ સાહેબ બગડયા હશે કે નહીં?

*** 

મહેમૂદની કોમેડીનાં કુલ ૩૦.૪૦ મિનિટનાં દ્રશ્યો જો કાઢી નાંખો (કેમ કે મૂળ વાર્તા સાથે કોઈ લેવાદેવા નથી) તો 'હમજોલી' ઊંધે માથે પટકાઈ ગઇ હોત. પરંતુ મહેમૂદની કોમેડી સિવાય પણ એક રીપીટ વેલ્યુ હતી. તે હતો મુમતાઝનો ડાન્સ 'ટિક ટિક ટિક મેરા દિલ બોલે...'

એ જમાનામાં 'આઈટમ સોંગ' જેવો કોઈ શબ્દ પ્રચલિત નહોતો પરંતુ મુમતાઝે આની પહેલાં 'મેરે સનમ'માં પણ આવો એક ગેસ્ટ અપિયરન્સ કર્યો હતો. (યે હૈ રેશમી ઝુલ્ફોં કા અંધેરા) આ ગાયનમાં જોવા જેવી વાત એ છે કે ડાન્સ ચાલી રહ્યો છે એક રેસ્ટોરન્ટમાં, જેનાં ખાણી-પીણીનાં ટેબલોની બરોબર ઉપર 'માળિયા જેવા' ફ્લોર પર એકસ્ટ્રાઓ નાચી રહ્યા છે!

***

એમ તો ફિલ્મનાં દરેક ગાયનોમાં જિતેન્દ્રને નાચતો જોવો એ પણ એક લ્હાવો છે. કેમ કે સારું છે કે જિતેન્દ્રનું ઉપનામ 'જમ્પિંગ જેક' પડી ગયું હતું, બાકી 'ડાન્સ પ્રિન્સ' કે એવું કંઇક નામ હોત તો માથે પડયું હોત.

જિતેન્દ્રના ડાન્સ ગીતોમાં આજે પણ એક ડીટેલ જોવાની મજા પડે છે, તે એ, કે જિતેન્દ્રનો ડાબો પગ હંમેશાં ભોંય પર સ્ટેપ મુજબ એકને બદલે બબ્બે વાર પછડાતો હશે! માર્ક કરજો તમે!

***

અને હા, જિતેન્દ્રએ પોતાના ભાઈ પ્રસન્ન કપૂર સાથે શરૂ કરેલી કંપની 'તિરુપતિ પિકચર્સ'ની આ પહેલી ફિલ્મ હતી. પરંતુ નફામાં તેમણે મહેમૂદને ભાગ આપ્યો કે નહીં, તે જાણવા મળતું નથી.

= 'હમજોલી' ૧૯૬૪માં આવેલી તામિલ ફિલ્મ 'પનાક્કારા કુડુમ્બમ' ફિલ્મની રિ-મેક હતી.

= પ્રોડયુસર તરીકે જિતેન્દ્રની આ પહેલી ફિલ્મ હતી.

= મૂળ તામિલ ફિલ્મમાં મહેમૂદનો ટ્રિપલ રોલ હતો જ નહીં. ટ્રિપલ રોલનો આખો આઇડિયા મહેમૂદનો હતો.

= કહેવાય છે કે મહેમૂદે પોતાના પ્રોડયુસર મિત્ર મિ. સાધુ માટે આ પ્રોજેક્ટ ઊભો કર્યો હતો. મહેમૂદે જ ડિરેકટર, સિનેમેટોગ્રાફર તથા કલાકારોને સાઇન કરી આપ્યા હતા. પરંતુ મિ. સાધુના અચાનક મૃત્યુ પછી જિતેન્દ્રએ પૈસા રોકીને આખો પ્રોજેક્ટ પોતાના હાથમાં લઇ લીધો હતો.

= ફિલ્મના ડિરેકટર ટી.આર.રામન્નાને હિન્દી આવડતું નહોતું. આ કારણે શૂટિંગ વખતે જેને તામિલ તથા હિન્દી બન્ને આવડતું હોય એવો એક 'ડાયલોગ ડિરેકટર' રાખવો પડતો હતો. (સાઉથની અનેક ફિલ્મો આ રીતે બનતી હતી.)

= ૧૯૭૦માં 'હમજોલી' કમાણીની રીતે આઠમા નંબરે રહી હતી.