Get The App

કારવાં ગુઝર ગયા ગુબાર દેખતે રહ ગયે

Updated: Nov 30th, 2025

GS TEAM

Google News
Google News
કારવાં ગુઝર ગયા ગુબાર દેખતે રહ ગયે 1 - image

- જે વસ્તુ માણસથી છૂપાવવી હોય તેને તેની આંખોની સામે મૂકી દો 

- હોરાઈઝન-ભવેન કચ્છી

- પ્રજ્ઞાચક્ષુ મિત્રએ કહ્યું કે શક્ય છે કે તમારા કરતા હું વધુ જોઈ શકતો હોઉં !  આંખો હૃદયનું પ્રવેશદ્વાર છે 

ઈ જીપ્તમાં એક જૂની કહેવત છે કે જે વસ્તુ માણસથી છુપાવવી હોય, તે તેની આંખ સામે મૂકી દો. પછી તે એને  જોઈ નહીં શકે. તમને યાદ છે તમે તમારી પત્ની કે તમારા પતિનો ચહેરો કેટલા દિવસોથી નથી જોયો? તમને યાદ છે કે તમારી માતા કે પિતાની આંખોમાં આંખો પરોવીને ક્યારથી નથી જોયું. માતા પિતાની આજુબાજુ જ સંતાન હોય છે પણ બધો વ્યવહાર લગભગ તેની સામે એકાદ બે મિનીટ પણ હેતુપૂર્વક જોયા વગર જ થતો હોય છે. પતિ ,પત્ની, માતા પિતા, સંતાનો, પરિચિતો અને સાથી કર્મચારીઓ બધા આટલા નજીક છે, પછી જોવાનું શું? નિકટના સ્વજનો મૃત્યુ પામે છે ત્યારે ખબર પડે છે કે તે હતા. સ્વજનના નિધન પછી યાદ આવે છે કે અરે, આ માણસ આટલો વખત સાથે રહ્યો. પરંતુ પરિચય  તો ન જ થયો ! આથી જ સ્વજનનાં મૃત્યુ પછી માણસ આટલું રુદન કરે છે. તે રડે છે એ મરણને કારણે નહીં, પણ એટલા માટે કે આટલા વર્ષો જેની સાથે હતા તેને આંખ ભરીને જોયા નહીં, તેની ધડકનો સાંભળી ન શક્યા. તે વ્યક્તિને પામી ન શક્યા કદાચ મારી સંકુચિત અને પૂર્વગ્રહ  દ્રષ્ટિને કારણે તેના અન્ય પાસાઓની ભારોભાર અવગણના કરી. પરિચય તો ઠીક જાણે તેનાથી અજાણ્યા રહ્યા, અને  તે જ રીતે વિદાઈ પણ આપી દીધી. ચીજ જેટલી નજીક હોય છે, એટલી જ વધુ નજર બહાર નીકળી જાય છે.

કવિ નીરજ માણસની યાત્રાને કંઈક આ જ રીતે જુએ છે.

હાથ થે મિલે કિ ઝુલ્ફ 

ચાંદકી સંવાર દૂં,

હોઠ થે ખૂલે કિ હર બહારકો 

પૂકાર દૂં,

દર્દ થા દિયા ગયા કિ હર 

દુખીકો પ્યાર દૂં,

ઔર સાંસ યું કિ સ્વર્ગ 

ભૂમિ પર ઉતાર દૂં,

હો સકા ન કુછ મગર,

શામ બન ગઈ સહર, 

વહ ઉઠી લહર કિ ઢહ ગયે 

કિલે બિખર- બિખર 

ઔર હમ ડરે ડરે,

નીર નયનમેં ભરે,

ઓઢકર કફન પડે 

મઝાર દેખતે રહે:

કારવાં ગુઝર ગયા, 

ગુબાર દેખતે રહે

બરકત વિરાણીની ગઝલમાં બરાબર છે કે 'નયનને બંધ રાખીને મેં  તમને જોયા છે' પણ વાસ્તવિકતા એવી હોય છે કે ખુલ્લા નયનોથી પણ આપણે શું નિહાળીએ છીએ ? એક મુક્તકમાં આવી જ કંઇક વેદના છે.

અશ્રુ વિરહની રાત ખાળી શક્યો નહિ

પાછા નયનના નુરને વાળી શક્યો નહિ

હું જેને કાજે અંધ થયો રોઈ રોઈ

તે આવ્યા ત્યારે એને નિહાળી શક્યો નહિ

થોડા અરસા અગાઉ એક પ્રજ્ઞાચક્ષુ પરિચિત વ્યક્તિએ વિચારતા કરી મૂકે તેવી વાત કરી કે 'ખબર નહીં હું સાચો હોઉં કે ખોટો પણ આજનો માણસ જે રીતે એકલતા અને તનાવ અનુભવે છે. કુટુંબ કલહ અને ઈર્ષા વધતી જાય છે. તેમજ સંવેદના મરી પરવારી ગઈ હોય તેવું લાગે છે તેનું કારણ એ હોઈ શકે કે હું તો પ્રજ્ઞાચક્ષુ છું અને કંઈ જોઈ નથી શકતો પણ મારામાં દ્રષ્ટિ તો કેળવાયેલી છે. હું આંખો વગર પણ દ્રશ્યનાં  સૌન્દર્યને  કલ્પીને જોઈ શકું છું. કોઈ મને ઘટના કે પ્રસંગ કહે તો નજર સામે તે તરવરે છે અને તેને અનુરૂપ કે 'આહ' કે 'વાહ' નીકળી જાય છે. મારા પત્ની જોઈ શકે છે અને અમે હિમાલયના પ્રવાસે જઈએ ત્યારે તે મને પ્રકૃતિનું વર્ણન કરતી જાય અને મારી નજર સામે હિમાલય ખડો થઈ જાય છે. અખબાર અને પુસ્તકનું વાંચન કરે અને તેનાથી એવી ફિલ્મની પટ્ટી બનતી જાય જે હું જ જોઈ અને અનુભવી શકું. મારી પત્નીને મેં ક્યારેય આંખોથી નથી જોઈ પણ હું તેને પ્રત્યેક ક્ષણ જોઈ શકું છું. તેનો અસાધારણ પ્રેમ અનુભવી શકું છું. કદાચ હું તમારા જેવા સાધારણ અને આંખો ધરાવતા કરતા વધુ જોતો હોઈશ તેવું લાગે છે. આજના સમાજની માનસિક અને  પરિવારથી માંડી તમામ સમસ્યા માટે વ્યક્તિ તેની આંખથી અન્ય વ્યક્તિને નિર્મળ સ્નેહ અને પ્રેમથી જોતી નથી તે જ છે. નેતાઓ નાગરિકોની સમસ્યાનો જાત અનુભવ નથી કરતા કે અગાઉના રાજાની જેમ છુપા વેશમાં જાહેરમાં નથી ફરતા એટલે કે આંખો નથી માનતા તેને લીધે જ ભ્રષ્ટાચાર અને સંવેદના વગરનો સમાજ ખડો થાય છે. સ્થૂળ રીતે આંખોથી ન જુઓ તો દ્રષ્ટિ કેળવી શકાય. અમારી જેમ અનુભૂતિ કરતા શીખવું જોઈએ. પ્રજ્ઞાચક્ષુ મિત્ર તેમના પત્નીને લઈને લાંબુ અંતર કાપીને તેમના ઘેરથી રૂબરૂ મળવા આવે ત્યારે મનોમન વિચાર સાથે સવાલ થાય કે 'આ મિત્ર મારી નજીક આવે તો પણ મને જોઈ શકતા નથી તો મને  મળવા આવવાનો શું કામ શ્રમ ઉઠાવતા હશે. ખરેખર તો તેમનો પ્રેમ જોતા મારે તેમને મળવા જવું જોઈએ.' ત્યાં જ  તે  સ્નેહના રણકા સાથે કહે કે 'તમને હૃદયની આરપાર  જોઈ શકું છું, જોવાનું તો મહત્વનું છે તેટલું મળવાનું પણ છે જ ને.'

આપણે ફોટા પણ આપણા પાડીએ છીએ અને ગુ્રપ ફોટો જોઈશું તો પણ સીધો જ આપણો ફોટો એન્લાર્જ કરીને જોઈશું. ભલે તેમ કરીએ. આ સ્વાભાવિક છે પણ તે  પછી આપણી સાથેના આપણા પરિવારજનો, મિત્રો અને સ્નેહીઓની ખુશી અને રોમાંચ પણ નિહાળવા જોઈએ. કહેવાનો મતલબ આંખોથી સમગ્ર અસ્તિત્વનો  એહસાસ કરવાનો છે. ઓશોના કહેવાનું તાત્પર્ય ભાવ જગત સાથે સંકળાયેલું છે. ઘેર બાળક હોય પણ તેના હાવભાવ, કુતુહલ, વિસ્મય, શરારત, નિર્દોષતા અને તેની મસ્તી તેને ખબર ન પડે તેમ આપણી આંખો સ્થિર કરીને માણી ન હોય તેવું બને. બાળક મોટું થાય ત્યારે તેના તોફાન યાદ રહે પણ તે અવસ્થા નજર સામે નથી હોતી. કદાચ કેમેરાની આંખ કલીક  પુરતી વધુ નસીબદાર હોય તેવું શક્ય છે. ઘરમાં યુવા સંતાનની ખુશી, હતાશા, અપેક્ષા તે સતત આપણી આજુબાજુ હોય તો પણ આપણી તેના પર આંખો જ ક્યારેક સ્થિર જ નહિ થતી હોઈ આપણે પામી નથી શકતા. પતિ અને પત્નીએ પણ તેમની જે પણ વય હોય ક્યારેય ખાસ તેને નીરખવાની દ્રષ્ટિ જ નથી માંડી હોતી. વડીલોની કરચલીઓ સુધીના ચહેરાના આપણે સાક્ષી હોવા જોઈએ. 

સદગુરુ તેના પ્રિય શિષ્યને સતત આંખો માંડીને જે પ્રેમ ભરી રીતે નીરખે ત્યારે તે શક્તિપાત બની જતો હોય છે. શિષ્યની આંખો થોડી ક્ષણો મળે પણ પછી તેજ વર્તુળ દ્રષ્ટિ સામે તે આંખો ઝુકી જતી હોય છે. સાત્વિક વ્યક્તિની આંખો ફરી વળે તેમાં ત્યાં ઉપસ્થિત તમામ માટે કૃપાદ્રષ્ટિ અને કરુણાના આંદોલનોનું વર્તુળ રચાતું હોય છે. સ્થૂળ અને સુક્ષ્મ દ્રષ્ટિની આગવી દુનિયા છે. કોઈની આંખોમાં દ્રશ્ય એ જ હોય ઝેરનું અંજન હોય અને બીજાની આંખમાં અમૃતનું અંજન હોય. આપણે પ્રેમ અને સંવેદના સાથે કોઈને ન જોઈએ તો નકારાત્મક લાગણીથી તો તેને ન જ નિહાળવી જોઈએ.

અત્યારે તો વ્યક્તિ તેના ભાગદોડ જીવનમાં અમુક વય પછી તેમનાં આપ્તજનોને  નિહાળવાથી તો દુર પણ પોતાના જ ચહેરાને અરીસા સામે બે મિનીટ ઉભા રહીને જુએ તો કદાચ આશ્ચર્ય અનુભવે કે 'ઓહ ..હું આવો (કે આવી) છું. પુરુષ શેવિંગ કરે ત્યારે કે મહિલા તૈયાર થતી હોય ત્યારે તે ક્રિયા પર જ તેની નજર હોય છે. માત્ર તમારો ચહેરો જોવા માટે અરીસા સામે થોભ્યા છો ખરા. અચાનક તમને જાણે તમારો  પરિચય થશે. કોઈ વખત વધતી ઉંમર ચાડી ખાતી હોય તેવું પણ અનુભવશો. તેમાં પણ તમે તમારી જાતને પુરા કદમાં અરીસા સામે ક્યારે નિહાળ્યા? આપણે આવી મનોસ્થિતિમાં આપણા નિકટજનોને ને તો કઈ રીતે આંખોમાં સમાવીએ.

જે ચીજને સંતાડવી હોય કે નજરથી દુર રાખવી હોય તેને નજર સામે જ મૂકી દો. આપણે તેને ક્યારેય નહીં જોઈએ. કદાચ આ જ કારણે નજરની સામે કોઈનો પ્રેમ છે તો પણ આપણને દેખાતો નથી. તેમાં શું તે તો હોય જ, હું તેનો અધિકારું છું તેવી 'ટેકન ફોર ગ્રાન્ટેડ જેવી' માનસિકતા સર્જાઈ છે અને આપણે પરમ સુખની લાગણીથી દુર થઇ જઈએ છીએ. સમજ વગરની  વ્યક્તિ બે  વખત  દુ:ખી થાય છે. એક તો તેને ગમતી સ્થિતિ પ્રાપ્ત ન થાય ત્યારે અને બીજી વખત તે ગમતી સ્થિતિ મેળવી લે તે પછી પણ દુ:ખી જ રહે છે કેમ કે આંખો અને દ્રષ્ટિનો અભાવ કે વિકાર છે. આંખો એ હૃદયનું પ્રવેશદ્વાર છે. 'અંખીયો  કે ઝરોખો સે'

શું જુઓ છો અને કઈ રીતે જુઓ છો તેવી દુનિયા તમારી નજર સમક્ષ ખડી થાય છે. પરિવારની સ્વર્ગસ્થ વ્યક્તિના ફોટા જોતા એવો વિચાર જરૂર આવે કે મારા સદગત સ્વજન આવા દેખાતા હતા. હમમ ..હવે આપણી આંખો તેના પર પડી. 

જ્ઞાનપોસ્ટ 

આખુ પ્લે સ્ટોર શોધી કાઢયું પણ...એ ગેમ ન મળી જે લોકો રમે છે.