પોડ ટેક્સીનું આગમન : મોટા શહેરો માટે સુવિધારૂપ હશે કે ધોળો હાથી સાબિત થશે

- હોટલાઈન-ભાલચંદ્ર જાની
- પોડ ટેક્સીની સરેરાશ સ્પીડ 60 કિલોમીટર પ્રતિ કલાક રાખવામાં આવશે. પેસેન્જરો એક ગુ્રપ બનાવીને પણ તેમાં પ્રવાસ ખેડી શકશે. અને તેનું ટિકિટ ભાડું દિલ્હી મેટ્રોના જેટલું હશે તેવો અંદાજ મૂકાય છે.
વા હનવહેવારનું એવું કોઇ સાધન, કોઇ યંત્રણા છે જે મુંબઇમાં ન હોય ? ઇલેકટ્રીક ટ્રેનો તો વર્ષોથી ચાલે જ છે. ટેક્સી, રિક્ષા, બેસ્ટની બસો, મેટ્રો ટ્રેન, મોનોરેલ પણ છે. અરે હોવર ક્રાફટ, સ્ટીમ લોંચ, કેટનમારા તથા રોરો સર્વિસ પણ ચાલે છે. હવે આ વિવિધ પ્રકારના ટ્રાન્સપોર્ટ મોડમાં એક અનોખા, અદ્યતન વાહનનો ઉમેરો થવાનો છે. આ નવી ટ્રાન્સપોર્ટ સિસ્ટમનું નામ છે પોડ ટેક્સી. આ એક ઇકો-ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ છે જે હાઇસ્પીડથી ઓપરેટ કરે છે. બીજા શબ્દમાં એમ કહી શકાય કે પોડ ટેક્સી એટલે એવી ઓટોમેટેડ કાર જે ચોક્કસ સંખ્યામાં પ્રવાસીઓને એક સ્થળેથી બીજા સ્થળે લઇ જાય વિદ્યુત અથવા સોલાર પાવરથી પણ ચાલતી પોડ ટેક્સી નહિવત પ્રદૂષણ પેદા કરે છે. આ ડ્રાઇવર વિનાની ઓટોનોમસ કાર ૪ થી ૬ પેસેન્જરને લઇ જવાની સુવિધા ધરાવે છે.
પોડ ટેક્સી એક એવા પ્રકારની વાહન સુવિધા છે જે મેટ્રો કરતા સસ્તામાં અને ઝડપથી સ્થાપિત કરી શકાય છે. નાની ક ેબિન જેવા આકારના પોડ ઓવરહેડ રેલ પર સરકીને પ્રવાસ પૂરો કરે છે. એટલે જ પોડ ટેક્સીને કેટલાંક લોકો જમીનને સમાંતર અધ્ધર પ્રવાસ કરતી (હોરિઝોન્ટલ) લીફ્ટ તરીકે ઓળખાવે છે. દરેક પોડમાં ચારથી છ પેસેન્જરને બેસવાની જગ્યા હોય છે. એક પ્રકારના રોપ-વે જેવી આ સુવિધા વિદ્યુત સંચાલિત હોય છે. તેનું સંચાલન ડ્રાઇવરલેસ પદ્ધતિએ ઇલેકટ્રોનિક સિસ્ટમથી થાય છે. તેમ જ તે જમીનથી પાંચ થી ૧૦ મીટરની ઊંચાઇએ પ્રવાસ ખેડે છે. ચોક્કસ સ્ટેશને પોડ નીચે સ્ટેશન પાસે ઉતરે છે અને પેસેન્જરોની ચઢ-ઉતર પૂરી થાય પછી ફરી નિર્ધારીત ઊંચાઇએ આવેલી રેલ પર આગળ પ્રવાસ ખેડે છે. જે રેલ સિસ્ટમ પર પોડ ટેક્સી સરકે છે તેને 'ગાઇડ-વે' તરીકે ઓળખાવાય છે. સરકારી આંકડા મુજબ પોડ ટેક્સી પ્રોજેક્ટ પાછળ પ્રતિ કિલોમીટરે ૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે એવો અંદાજ છે. જ્યારે મેટ્રો સેવા માટે હાલમાં પ્રતિ કિલોમીટરે ૨૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ બેસે છે.
મુંબઇ જેવા મોટા શહેરોમાં હવે ઇલેકટ્રીક ટ્રેન કે પબ્લિક બસ સેવાનો ઉપયોગ શ્રીમંત વર્ગના લોકો કરતાં નથી. ટ્રેનોની ભીડ, અસુવિધા, ઘોંઘાટ વગેરે ટાળવા પૈસાપાત્ર લોકો પોતાની કારમાં પ્રવાસ કરે છે. તેથી પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમને આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટેની સુવિધા માનવામાં આવે છે. નાગરિકોના આવા વિચારોને બદલવા જ પહેલાં મેટ્રો અને હવે પોડ ટેક્સી શરૂ કરવા સરકાર કટિબદ્ધ થઇ છે.
હાલમાં એમએમઆરડીએ મુંબઇમાં ૩૩૭ કિ.મીમાં મેટ્રો નેટવર્ક પાથરી રહી છે. તેમાંથી છ મેટ્રો લાઇનો કાર્યરત છે. આ વર્ષમાં અન્ય લાઇનો ચાલુ થશે. એવામાં મેટ્રો સ્ટેશનોથી ઇચ્છિત સ્થળે જવા માટે પ્રવાસીઓને સુવિધા મળે અને મેટ્રો તરફ પ્રવાસીઓનું આકર્ષણ રહે તે માટે એમએમઆરડીએ વિવિધ ઉપાયો અજમાવી રહી છે. તેના જ એક ભાગ તરીકે મેટ્રો સ્ટેશન નજીકના રલવે સ્ટેશનો અને અન્ય વિસ્તારોને જોડવા માટે પોડ ટેક્સી ચાલુ કરવાનો નિર્ણય લેવાયો છે. પોડ ટેક્સી ઉપરાંત કનેક્ટિવિટી માટે રોપ-વે પ્રોજેક્ટનો ડીપીઆર બનાવાતા હોવાની વાત સૂત્રો પાસેથી જાણવા મળી છે. કયા મેટ્રો સ્ટેશનને કયા રેલવે સ્ટેશન સાથે પોડ ટેક્સી વડે કનેક્ટ કરવામાં આવશે તેનો અભ્યાસ કરીને યોજના બનાવવામાં આવશે. સાથે રોપ-વેની યોજના પણ બનશે. આ કામ માટે સલાહકારની નિમણૂક કરવા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હાલમાં જે રીતે ગતિવિધીઓ ચાલી રહી છે એ જોતા લાગે છે કે બાંદ્રા-કુર્લા કૉમ્પ્લેક્સમાં સૌપ્રથમ પૉડ ટેક્સી શરૂ થશે.
મુંબઈના પ્રાઇમ બિઝનેસ હબ તરીકે ઓળખાતા બાંદરા-કુર્લા કામ્પ્લેકસ માં લાંબા સમયથી માસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ શરૂ થવાની રાહ જોવાઈ રહી છે. પાડ ટક્સી- સવસ તરીકે ઓળખાતી આ સવસને તાજેતરમાં જ મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મનેજમેન્ટ ઓથોરિટી તરફથી મંજૂરી મળી છે.
કુલ ૧૦૧૬ કરોડ રૂપિયાના ખર્ચે શરૂ થનારી પાડ ટક્સી-સવસનો ઉપયોગ દરરોજ ચારથી ૬ લાખ મુસાફરો કરશે એવો અંદાજ છે. એમએમઆરડીએના પ્રસ્તાવમાં જણાવાયું હતું કે બીકેસીમાંં પીક અવર્સ સિવાયના ટાઇમમાં મોટી બસો મોટા ભાગે ખાલી જતી હોય છે. તેથી આટોમેટેડ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમનો ઉપયોગ આ વિસ્તારમાં હિતાવહ રહેશે અને ઝીરો-એમિશનને કારણે પ્રદૂષણ પણ નિયંત્રણમાં રહેશે.
વળી બાંદરા અને કુર્લા વચ્ચે એલિવેટેડ કોરિડોર પર ઇલેક્ટ્રિક પાવરથી ચાલતી નાની પોડ ટક્સીમાં અડ્વાન્સ્ડ કન્ટ્રોલ સિસ્ટમ, સ્માર્ટ સેન્સર્સ અને રિયલ-ટાઇમ માનિટરિંગ જેવાં ફીચર્સ હશે. એને કારણે ટ્રાવેલ- ટાઇમ સામાન્ય બસ કે રિક્ષાના ટાઇમ કરતાં ઓછો થશે. પાડ ટક્સી ંકુર્લા-બીકેસીમાં ૨૧ સ્ટેશનો પર ઊભી રહેશે.
આ પોડ ટેક્સી સેવાનો રૂટ ૮.૮૦ કિ.મી. લાંબો હશે અને દરેક પોડમાં છ પેસેન્જરને બેસવાની સુવિધા હશે. આ પ્રોજેક્ટને જરૂરી તમામ સરકારી મંજૂરી મળી ગઇ છે. મુંબઇમાં આ પ્રકારનો આધુનિક ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ બી.કે.સી.માં જ શરૂ કરવા પાછળનો ખાસ ઉદ્દેશ છે. આ વિસ્તારમાં અત્યારે જ આખો દિવસ ખૂબ જ ગીચ ટ્રાફિક હોય છે. નજીકના ભવિષ્યમાં અહીં મુંબઇ હાઇકોર્ટનું નવું બિલ્ડીંગ અને બુલેટ ટ્રેન સ્ટેશન શરૂ થયા પછી લોકોની અવરજવર ખૂબ વધી જશે.
બીજી તરફ થાણેમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા ઘોડબંદર રોડ પર ભાયંદરપાડા મેટ્રો સ્ટેશન અને વિહાંગ હિલ્સ સર્કલ વચ્ચે આટોમેટેડ પાડ ટક્સી સિસ્ટમની ટ્રાયલ કરવામાં આવશે, એવું મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે તાજેતરમાં જણાવ્યું છે. થાણેમાં વાહનોની વધતી સંખ્યા અને મર્યાદિત રસ્તાઓ ધ્યાનમાં લેતાં પાડ ટક્સી અને રોપવે જેવા પર્યાય જરૂરી બની ગયા છે. પોડ ટેક્સી અથવા પર્સનલ રેપિડ ટ્રાન્ઝિટ વેહિકલ્સ, ડ્રાઈવરલેસ ઈલેક્ટ્રિક પરિવહન પર્યાય છે જેને પ્રવાસીઓના ઝડપી પરિવહન માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે.
એમએમઆરડીએ પાડ ટક્સી પ્રોજેક્ટની ડિઝાઈન અને અન્ય પાસાઓ માટે વિશેષ અને સ્વતંત્ર એન્જિનિયરિંગ કંપનીની નિમણૂક કરશે. આ દૃષ્ટિકોણ તેને અન્ય પરંપરાગત માળખાકીય પ્રકલ્પો થી જુદો પાડે છે જેનું સંચાલન સામાન્ય સલાહકારો દ્વારા કરવામાં આવે છે. આ સાહસ માટે રૃા. ૧૧૦૦ કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે જેનું વ્યવસ્થાપન બીકેસી ક્લેક્ટ પ્રા. લિ. દ્વારા કરવામાં આવશે.
પોડ ટેક્સી પ્રોજેક્ટને કુર્લા રેલવે સ્ટેશનથી સ્કાયવોક દ્વારા કનેક્ટ કરવામાં આવશે. સેન્ટ્ર્લ રેલવેએ આ સ્કાયવોક બાંધવા માટે કુર્લા વેસ્ટમાં ૧૩૭૦ ચો.મી જમીન આપવાનું નક્કી કર્યું છે. સ્ટેશનથી ૧૦૦ મીટરથી પણ ઓછા અંતરે આવેલી આ જગ્યા હાલમાં પાર્કિંગ માટે વપરાય છે. સ્કાયવોકને લીધે પ્રવાસીઓને ડાયરેક્ટ કનેક્ટિવિટી મળશે.
આ પ્રોજેક્ટને બાંદરા અને કુર્લા સ્ટેશનો સાથે કનેક્ટ કરવાનો હોવાથી ત્યાં ઓટોમેટેડ રેપિડ ટ્રાન્ઝિટ સ્ટેશન ઉભા કરવા આવશ્યક છે. જોકે સ્ટેશન પરિસરમાં પૂરતી જગ્યા ન મળવાને કારણે કુર્લા સ્ટેશનથી દૂર ૨૦૦ મીટર અંતરે આ સ્ટેશન ઉભું કરવામાં આવશે. તેથી તેને કુર્લા રેલવે સ્ટેશન સાથે કનેક્ટ કરવા માટે સ્કાયવોક બાંધવાનું નક્કી કરાયું છે. સ્કાયવોકના લેન્ડિંગ માટે સેન્ટ્રલ રેલવેની જગ્યાનો વપરાશ થશે, તેવી શક્યતા રેલવે અધિકારીઓએ જણાવી હતી.
રેલ લેન્ડ ઓથોરિટીએ ૧૦ ટકા એટલે કે અંદાજે ચાર હજાર ચો.મી જમીન એમએમઆરડીએને આપવા પરવાનગી આપી છે. આ પોડ ટેક્સી સ્ટેશનને બાંદરા સ્ટેશન નજીકના સ્કાયવોક સાથે પણ જોડવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. એમએમઆરડીએના એક અધિકારીએ જણાવ્યું હતું કે જે રીતે રેલવે સ્ટેશનોને સ્કાયવોક વડે મેટ્રો સ્ટેશન સાથે કનેક્ટ કરાયા છે, તેવી જ રીતે પોડ ટેક્સેી સ્ટેશન બાંદરા અને કુર્લા રેલવે સ્ટેશન સાથે જોડવામાં આવશે. વર્તમાનમાં કુર્લા સ્ટેશનેથી બીકેસી પહોંચવું એ લોકો માટ માથાનો દુખાવો છે. પોડ ટેક્સી શરૂ થવાથી ટ્રાફિક ઓછો થશ તેવી ધારણા અધિકારીએ વ્યક્ત કરી હતી. એમએમઆરડીએએ આ પ્રોજેક્ટને પબ્લિક-પ્રાઇવેટ ભાગીદારી મોડલ પર જ તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. કુર્લાની જેમ બાંદરા સ્ટેશન નજીક પણ પોડ ટેક્સી સ્ટેશન ઉભું કરવું શક્ય ન હોવાથી રેલ લેન્ડની જમીન પસંદ કરવામાં આવી છે. કુર્લાથી બીકેસી સુધીનું પોડ ટેક્સીનું અંદાજિત ભાડું પ્રતિ કિ.મી ૨૧ રૂપિયા હશે.
કેન્દ્રના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નિતિન ગડકરીએ દેશના વિવિધ ક્ષેત્રમાં પોડ ટેક્સીની યોજના સાંગોપાંગ પાર પડે એટલા માટે ટાસ્ક ફોર્સની રચના કરવાનું સૂચન કર્યું છે. નીતિ આયોગ અને નેશનલ હાઇવે ઓથોરિટીએ મળીને પબ્લિક રેપિડ ટ્રાન્ઝિસ્ટ સિસ્ટમ માટેના ધારા ધોરણ નક્કી કરવા એક કમિટિનું ગઠન કરવાનું નક્કી કર્યું છે. આ માટે રેલવેના નિવૃત્ત સેફટી કમિશ્નર ધરમ અધિકારીના વડપણ હેઠળ રેલવે બોર્ડના અન્ય અધિકારી સાથે અલગ સમિતિ બનાવવામાં આવશે, જોવાની વાત એ છે કે આ પ્રકારે નિષ્ણાતોની અલગ સમિતિ બનાવી પોડ ટેક્સીના સંચાલન માટે ચોક્કસ નીતિ-નિયમો તૈયાર કરનાર ભારત સર્વપ્રથમ દેશ હશે, કારણ કે વિશ્વમાં અત્યારે જે થોડા દેશોમાં પોડ ટેક્સીનું સંચાલન થાય છે ત્યાં કોઇ અલાયદા નિયમો નથી.
હવે તો મુંબઇની માફક યુ.પી.ના નૉયડા સેકટરમાં પણ પોડ ટેક્સીના ધમધમાટ માટે યોગી સરકાર અધીરી બની છે. જેવાર ઇન્ટરનેશનલ એરપોર્ટથી નોયડા ફિલ્મ સીટી સુધીની સેવા શરૂ કરવાની પ્રારંભિક તૈયારીઓ થઇ રહી છે. યમુના એક્સપ્રેસ વે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરીટીની મંજૂરી મળ્યા બાદ આ પ્રોજેક્ટ ઝડપથી આગળ વધશે તેમ લાગે છે. પોડ ટેક્સી સિસ્ટમનો ફાયદો એ છે કે તે ગમે તેવા ગીચ રસ્તા કે હાઇવે પર પણ ઊંચાઇએ ઇલેવેટેડ રેલ પર ઓપરેટ થઇ શકે છે. નૉયડાની પોડ ટેક્સીનો રૂટ ૧૪.૬ કિ.મી. લાંબો હશે. તેનો માર્ગ હેન્ડીક્રાફ્ટ પાર્ક, એપરલ પાર્ક, એમએસએમઇ પાર્ક, ઇન્ડસ્ટ્રીયલ યુનિટ સેકટર-૩૨, ટૉય પાર્ક સેકટર ૩૩ અને અંતમાં સેકટર-૨૧માં ફિલ્મ સીટી પાસે પૂરો થશે. આ રીતે કુલ ૧૨ સ્ટેશનોને સાંકળી લેતી મુસાફરી પોડ ટેક્સી ૨૦ મિનિટમાં પૂરી કરશે.
સત્તાવાળાની યોજના એવી છે કે કુલ ૬૯૦ પોડ્સને તબક્કાવાર સિસ્ટમમાં જોતરવામાં આવશે. શરૂઆતમાં ૧૦૧ પોડ્સ હશે. કુલ મળીને ૩૭,૦૦૦ પેસેન્જરો દૈનિક પ્રવાસ ખેડી શકશે. એક અંદાજ પ્રમાણે આ પોડ ટેક્સી સેવાના પ્રોજેક્ટને અમલી બનાવવા કુલ રૃા.૮૧૦ કરોડ ખર્ચવામાં આવશે. પૂર્વ અનુમાન પ્રમાણે જો આ પ્રોજેક્ટ ૨૦૨૬ના અંત પહેલાં પૂરો થશે તો યુ.પી. દેશમાં સર્વપ્રથમ પોડ ટેક્સી સેવા ધરાવનાર રાજ્ય હશે.
પોડ ટેક્સીની સરેરાશ સ્પીડ ૬૦ કિલોમીટર પ્રતિ કલાક રાખવામાં આવશે. પેસેન્જરો એક ગુ્રપ રીતે પણ તેમાં પ્રવાસ ખેડી શકશે. અને તેનું ટિકિટ ભાડું દિલ્હી મેટ્રોના જેટલું હશે તેવો અંદાજ મૂકાય છે.
એવા અહેવાલ પણ મળ્યાં છે કે વડોદરામાં પણ પોડ ટેક્સી શરૂ થવાની છે. આ માટે જરૂરી ઇલેવેટેડ રેલ સિસ્ટમ (ટેકસી લેન) ઉભી કરવાનું કામ ૮૦ ટકા પુરું થઇ ગયું છે.
મુંબઈ-દિલ્હીની માફક રાજસ્થાન સરકાર પણ અજમેર શહેરમાં પોડ ટેક્સીના પગરણ કરાવવા તૈયાર થઈ છે. અજમેર સ્ટેશનથી શરીફ દરગાહ સુધીનું ૪.૭ કિ.મી.નું અંતર પોડ ટેક્સી દ્વારા કાપી શકાય તેવી યોજના આકાર લઈ રહી છે. આગળ જતાં જયપુર, દહેરાદુન, ગુરગામ તથા તિરુઅનંતપુરમ શહેર પણ પોડ ટેક્સીને આવકારવા તૈયાર થયાં છે.
અત્રે એ પણ જણાવી દઈએ કે વિશ્વના બીજા દેશોમાં મેટ્રો ટ્રેનને જેટલી સફળતા મળી છે, આવકાર મળ્યો છે એટલું પોડ ટેક્સીનું પ્રચલન વધ્યું નથી. અમેરિકાના વેસ્ટ વર્જિનિયામાં મોર્ગનટાઉનમાં વિશ્વની પ્રથમ પોડટેક્સી ૧૯૭૫માં શરૂ થઈ હતી. યુ.એ.ઈ. (સંયુક્ત આરબ અમીરાત)ના મસદર શહેરમાં, દક્ષિણ કોરિયાના સનચેન શહેરમાં તથા લંડનના હિથ્રો ઓરપોર્ટના વિવિધ હિસ્સાને સાંકળતી પોટ ટેક્સી પણ પ્રખ્યાત છે. સિંગાપુરમાં ૨૦૨૧થી એરપોર્ટ ટર્મિનલ અને પાર્કિંગ એરિયા તથા અન્ય વિસ્તારને સાંકળતી પોડ ટેક્સી સેવા ચેંગડુ ત્યાનફુ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉપલબ્ધ છે. જાપાન અને દુબઈમાં પણ આ સેવા શરૂ કરવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે.
છેલ્લાં છ મહિનામાં પોડ ટેક્સીના પ્રોજેક્ટમાં રસ દાખવનારી વિશ્વની ઘણી કંપનીઓ નવી દિલ્હીના આંટાફેરા મારે છે. સ્કાય ટ્રૅન નામની એક કંપની 'નાસા'ની ટેકનોલોજી પાર્ટનર છે તેણે મુંબઇ અને દિલ્હીમાં પોડ ટેક્સી પ્રોજેક્ટ માટે રસ દાખવ્યો છે. બીજી ચાર વિદેશી કંપનીઓમાં ચીન પણ ભારતમાં પોડ ટેક્સી ચાલું કરવા અધીરું બન્યું છે.
પોડ ટેક્સીની વાતો જેટલી રોચક અને દેખાવ રૂપાળો લાગે છે એટલો આ આધુનિક સેવામાં દમ નથી. તેવું મુંબઇના એક નિષ્ણાત ઇજનેરે જણાવ્યું હતું. એક ટ્રાન્સપોર્ટ એક્સપર્ટે જણાવ્યું તેમ મુંબઇમાં પોડટેક્સી સેવા શરૂ થશે તો વખત જતાં એ પણ મોનોરેલની જેમ ધોળો હાથી, નિષ્ફળ પ્રયાસ સાબિત થશે.
પોડ ટેક્સીનું સંચાલન જ કંઇક એ રીતનું હોય છે કે દરેક પેસેન્જરને એ સરળ-સુગમ, ઝડપી નથી લાગતું. જેમ કે પોડ ટેક્સી જ્યાંથી શરૂ થતી હોય ત્યાં તમારી સાથે પોડમાં પ્રવાસ ખેડી શકે તેવા યાત્રીઓ મળી રહે ત્યાં સુધી તમારે રાહ જોવી પડે છે. વળી તમારે જે સ્થળે સીધા જવું હોય ત્યાં સીધેસીધા પહોંચી જવાને બદલે તમારે ટેક્સીરૂટ હોય એ મુંજબ જ પ્રવાસ ખેડવો પડે. તમારી સાથે પ્રવાસ ખેડનાર યાત્રીનું સ્ટેશન આવે ત્યારે તમારે પણ ખોટી થવું પડે.
પોડ ટેક્સીની તરફદારી કરનાર મહારાષ્ટ્ર સરકારના પ્રધાનો એવી દલીલ કરે છે કે આ વાહનથી લાસ્ટ માઇલ કનેકટીવીટી મળે છે. અર્થાત તમારે નિશ્ચિત શહેરના ખૂણેખૂણામાં જ્યાં જવું હોય ત્યાં જઇ શકાય છેે. પરંતુ આ દલીલ ખોટી છે. પોડ ટેક્સી માત્ર ટૂંકા અંતરના મર્યાદિત વ્યાપમાં જ ઓપરેટ થઇ શકે છે. ખરી રીતે કોઇ પણ શહેરના દરેક ખૂણે પહોંચવા માટે પબ્લિક બસ જ સૌથી શ્રેષ્ઠ વાહન છે. વળી બસ સેવા મેટ્રો કે પોડ ટેક્સી કરતા ઓછા ખર્ચે ચલાવી શકાય છે. આવા અનેક નકારાત્મક પાસાને કારણે જ ઘણા શહેરોમાં પોડ ટેક્સીના પ્રોજેક્ટ પડતા મૂકાયા છે. મુંબઇ, દિલ્હી કે રાજસ્થાનમાં આગળ જતાં શું થશે એ તો ભવિષ્યમાં ખબર પડશે.

