Get The App

ધમણ, ધામણ અને ધામેણું .

Updated: Nov 29th, 2025

GS TEAM

Google News
Google News
ધમણ, ધામણ અને ધામેણું                         . 1 - image

- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ

- મોટા મોટા બંગલાઓમાં દોમદોમ સાહ્યબી વચ્ચે જે સંવેદનાનો અભાવ જોવા મળે છે. તે સર્વે નિવાસોમાં રહેવું સ્મશાન જેવું છે 

આ જકાલ કેટલાયે શબ્દો વ્યવહારમાંથી ખોવાઈ ગયા છે. 'ધમણ' એટલે ચામડાનું ફેફસું. લુહારકામ કરતા ધમણ-ધામણનું પણ એવું જ છે. કારીગરને જોયો છે? એ જ્યારે લોખંડનાં ઓજારો બનાવે છે કે સમારે છે ત્યારે શું કરે છે? ધમણની બેગ ચલાવી પવનથી આગ ચેતવે છે. લાલચોળ આગને હંમેશાં જીવતી ને જીવતી રાખવાનું કામ ધમણનું છે. ચામડાના બનેલા આ સાધનનો એક છેડો ભઠ્ઠી સાથે જોડાયેલો હોય છે. ધમણ ઊંચી થાય એટલે એ કોથળીમાં હવા ભરાય, જેવો લુહારનો હાથ નમે - દબાય એટલે પવનથી ભઠ્ઠીના અંગારા લાલચોળ થઈ જાય. તેના ઉપર લોખંડ ગરમ થાય...પછી તપેલા એ લોખંડને લુહાર ઘાટ આપે. હવે આપણે એમ કહી શકીએ કે લોખંડના જુદા જુદા પ્રકારનાં શસ્ત્રો બનાવવામાં ધમણ સહાયક છે. ધમણની મદદ વગર કેવળ કારીગરીની કરામત કામ લાગે નહિ...ધમણમાં ભરાતી અને ઠલવાતી હવા નૂતન ઘાટ-સર્જનની ક્ષમતા ધરાવે છે. માણસના ફેફસાંમાં પણ હવાની જ અવરજવર થાય છે - ફેફસાં પણ એક વિશિષ્ટ પ્રકારની ધમણ જ છે. અલબત્ત લુહારની ધમણ નોખા નોખા લોખંડના લોખંડી ઘાટ ઘડે છે, માણસની ધમણે એવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવી જોઈએ કે તેનાય પણ નૂતન વિચાર, નૂતન ઘાટ ઘડવા જોઈએ. જો કશું ન કરે એ માણસ કેવળ ધમણની જેમ જીવે ખરો પણ નવું સર્જન કરે ત્યારે એનું મૂલ્ય વધે. એટલે કબીરે આવા માણસોને 'જૈસે ખાલ લુહાર કી, સાંસ લે બિન પ્રાણ' કહ્યા છે.

મોટા મોટા બંગલાઓમાં દોમદોમ સાહ્યબી વચ્ચે જે સંવેદનાનો અભાવ જોવા મળે છે. તે સર્વે નિવાસોમાં રહેવું સ્મશાન જેવું છે - પરસ્પર હેતભાવ હોવાં જ જોઈએ. એવા હેતભાવ વગરના માણસોનાં ફેફસાં પણ ધમણ જેવાં જ. ધનસંપત્તિ અને ભૌતિક સગવડોથી બંગલો ભલે સજાવ્યો હોય પરંતુ એ બધાની વચ્ચે જો પ્રેમભાવની ઊણપ હોય તો એ સાધનો સાથે જીવતાં યાંત્રિક માણસો માણસો નથી જ, એ લોકો મરેલાં જીવે છે. પ્રેમ અને વિશ્વાસ વગરનું જીવન ખરેખર પાખંડી બની જાય છે. ધમણ પાસેથી બોધપાઠ લેવા જેવો છે. પોતીકા હલનચલનથી જે હવા ઉપયોગમાં લેવાય છે તેમ દરેક માણસે પણ પોતાના ફેફસાં દ્વારા જીવે છે તે સાર્થક કરી બતાવવું જોઈએ. એરણની ઇજ્જત ધમણ વધારે છે.

અજગર કુળની ધામણ પ્રમાણમાં નુકસાન કરનારી નથી. તે 'ધામણ' એટલે સાપની એક પ્રકારની જાત. લાંબી-જાડી મુખેથી પાતળી. પાંચેક ફૂટ લાંબી એ જાત ઝેરી નથી હોતી. ખેતરમાં જોવા મળે. ખેડૂતો ઓળખે. ડરે નહિ એના કલ્લામાં કે મોલમાં વચ્ચે આવે તો લાકડીથી ઉલાળી વેગવી કરી દે. એ ધામણ. 'ધામણિયું' પણ કહેનારા લોકો છે. ધામણ ખેતરનો પાક સાચવે. નુકસાન કરનારા ઊંદરો ને ખાઈ જાય. જીવડાંને પણ ખાય.

'ધામણ'નો બીજો અર્થ દીકરાને દાયજામાં મળતી ગાય, ભેંસ. કેટલાક લોકો 'ધામેણું' કહેતા હોય છે. વળી તાડ, નાળિયેરી કે ખેજૂરીનાં ઊંચાં લીસ્સાં ઝાડ ઉપર ચઢવા માટે થડને ભરડો દઈને પોતાની કમ્મર ફરતું ચામડાનું જાડું દોરડું વીંટે તેને પણ ધામણ કહે છે. ધામણ એક પ્રકારનું ખડધાન પણ છે. ઉત્તર ગુજરાતના ખેતરોમાં, શેઢા ઉપર ભંઠ જેવું, થોડું ઊંચું જે ખડધાન થાય છે તેને પણ ધામણિયું કહે છે. આમ ધમણ અને ધામણ બંને શબ્દોના અર્થો નોખા નોખા છે. આમ તો આપણે અગાઉ જોયું કે 'ધામણ' એટલે દીકરીને દાયજામાં અપાતું જોટું અથવા પહેલા જ વેતરની દૂધ આપતી ભેંસ અથવા ગાય કે મોટી વાછડી.

આજેય બેન-દીકરીના પહેલા આણામાં પિયરમાંથી ધામેણું આપવાનો રિવાજ ઘણી પશુપાલક જ્ઞાતિમાં આજે છે. આપણી સમાજ વ્યવસ્થા કેટલી ઉત્તમ હતી! લોકો ખેતર અને ઢોર ઉપર જીવન જીવતાં પોતાનો સમગ્ર જીવન વ્યવહાર એ રીતે ગોઠવાતો. નવરાં પડે એટલે વૈશાખમાં લગ્નો થતાં. લગ્નમાં દીકરીને પૈસા-રૂપિયાની જગ્યાએ પોતાના ઘરની ભેંસ-જોટુ દાયજામાં આપતાં. દીકરી પણ એ ભેંસની સહાયથી પોતાનું ઘર ચલાવે, અલગ રહેવાનું આવે તો એના પેટની ચિંતા નહોતી રહેતી જે ભેંસ કે જોટું પિયરમાં હોય, તે દીકરી એને ઓળખતી હોય, ભેંસ-જોટું કે ગાય પણ દીકરીને ઓળખે. પરસ્પરની પ્રીત જળવાયેલી રહે અને દીકરીના ઘર સંસારમાં સહાયક થાય ભેંસ-ગાય. જીવન વ્યવહારો આ રીતે સમાજમાં એક બીજાને ખ્યાલે ગોઠવાતા. એ ભેંસ પ્રમાણમાં વધારે સચવાયેલી એટલે હૃષ્ટપુષ્ટ હોય જાડી ભેંસને એટલા માટે 'ધામણી' કહે છે.

ગામમાં મણિયાને દાયજામાં મળેલી ભેંસે સાત વેતર સુધી પાડીઓ જણી, સાત-સાત ભેંસોનાં મણિયા માલિક બનેલાં. અડીઆંપટી વખતે વેચી મારી પોતાના પ્રસંગો પણ કાઢેલા. એ ભેંસનું નામ પણ કેવું ? ઘરની ભેંસનું નામ 'ઘરવાળી' પડી ગયેલું. 'ઘરવાળી' કહીએ એટલે આખું ગામ ઓળખે કે મણિયાને દાયજામાં મળેલ ધામેણું. 'ધામેણું' આમ સમાજના આર્થિક વ્યવહારમાં ઉપયોગમાં લેવાતું સજીવ નાણું બની રહેતું. એ ધામેણું મુકવા કન્યાનો ભાઈ કે બાપ આવે. ઘરેથી નીકળે ત્યારે એ ગાય-ભેંસને શિંગડે લીલું કપડું બંધાય. ભેંસ-ગાયને કપાળે ચાંલ્લા થાય. કંકુ છંટાય ગોળ-કંસાર ખવડાવાય. પછી સારો દિવસ અને સારું ચોઘડિયું જોઈને તેને દોરીને દીકરીનો ભાઈ કે બાપ છેક દીકરીના સાસરે સુધી મુકી આવે. દીકરી ભાઈને વધાવે ક્યારેક ભાઈની આંગળીએ વીંટી પહેરાવે...આવો રિવાજ. ધામેણુ દઈ આવ્યા કે ધામેણું આપી આવ્યા એમ કહેવાય - પશુ પ્રેમ દ્વારા પણ દીકરીના જીવન સંસારમાં સહાયક બનવાની કેવી અનોખી પ્રથા હતી!