- આજકાલ-પ્રીતિ શાહ
મી નળ મજુમદારે મુંબઈ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક્સના વિષયમાં એન્જિનીયરની ડિગ્રી મેળવીને આઈ.આઈ.એમ., કાલકાતામાંથી એમ.બી.એ. કર્યું. એ પછી આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાં રિસ્ક મેનેજમેન્ટ વિભાગમાં ચીફ રિસ્ક ઑફિસર તરીક કાર્યરત મીનળે વિચારેલું કે તે આજીવન બેંકર તરીકે જ નોકરી કરશે, પરંતુ પુત્રીના રોબોટિક્સના શોખે તેના જીવનની દિશા બદલી નાખી. ૫૩ વર્ષના મીનળ જણાવે છે કે પુત્રી જ્યારે આઠમા ધોરણમાં હતી, ત્યારે તે રોબોટિક્સ ટીમમાં સામેલ થઈ. ચાળીસ છોકરાઓ વચ્ચે તે એકમાત્ર છોકરી હતી. પોતે એન્જિનીયરીંગનો અભ્યાસ કર્યો હોવાથી પોતાની પુત્રીને થોડું ટૅક્નૉલૉજીનું માર્ગદર્શન આપ્યું. મીનળને એવું પ્રતીત થવા લાગ્યું કે વ્યવહારિક અને પ્રોજેક્ટ આધારિત શિક્ષણ ટૅક્નૉલૉજી કૌશલ શીખવાથી ઘણું વિશેષ છે. જ્યારે તેની પુત્રી અને તેની ટીમે કચરાના રીસાઈકલ માટેનો એક રોબોટ ડિઝાઈન કર્યો, ત્યારે એની ક્ષમતામાં શ્રદ્ધા વધી.
મીનળ મજુમદારે અનુભવ્યું કે જો યોગ્ય રીતે ટૅક્નૉલૉજી શીખવવામાં આવે, તો એ ક્રાંતિ લાવી શકે તેમ છે. કોવિડ સમયે સ્કૂલોએ ઑનલાઇન અભ્યાસ કરાવ્યો, પરંતુ વંચિત સમુદાયના કેટલાય વિદ્યાર્થીઓ સંસાધનોના અભાવે અભ્યાસ કરી શક્યા નહીં. આથી તેણે ૨૦૨૦માં સલામ બોમ્બે ફાઉન્ડેશન સાથે મળીને આવા વિદ્યાર્થીઓને લેપટોપ મળી રહે તે માટે અઢાર લાખનું ભંડોળ ઊભું કર્યું. તેને લાગ્યું કે માત્ર લેપટોપ આપવું પૂરતું નથી. તેને શીખવવાની વ્યવસ્થા પણ ગોઠવવી જોઈએ. ૨૦૨૧માં મીનળ મજુમદારે પોતાની સફળ કારકિર્દી છોડીને ધ ઈનોવેશન સ્ટોરીની સ્થાપના કરી, જેમાં કોઈ પણ વિદ્યાર્થી પ્રોજેક્ટ આધારિત વિજ્ઞાાન, ટૅક્નૉલૉજી, એન્જિનીયરીંગ અને ગણિત (સ્ટેમ)નું શિક્ષણ મેળવી શકે. એમાં વંચિત સમુદાય પર તેમણે વિશેષ ધ્યાન આપ્યું. પહેલા વર્ષે તેમણે અઢીસો બાળકોને આ પ્રકારનું ગુણવત્તાપૂર્ણ શિક્ષણ આપ્યું. એમાં મોટાભાગનાં બાળકો સરકારી સ્કૂલમાંથી આવતા હતા. તેમને રોબોટિક્સ, એ.આઈ. અને કોડિંગ શીખવાનો વિચાર પણ આવતો નહોતો. મીનળ મજુમદારે પોતાની ઈનોવેશન સ્ટોરીને દિલ્હીની આઈ.આઈ.ટી. અને બંગાલુરુની આઈ.આઈ.એસ.સી. જેવી સંસ્થાઓ સાથે મળીને પ્રોજેક્ટ આધારિત શિક્ષણનો અભ્યાસક્રમ બનાવ્યો. તેઓ હાર્વર્ડ, એમ.આઈ.ટી. અને આઈ.આઈ.ટી. જેવી સંસ્થાઓના શિક્ષકો સાથે કામ કરીને અભ્યાસક્રમમાં સુધારણા કરતા રહે છે.
ધ ઈનોવેશન સ્ટોરીની વિશેષતા એ છે કે તેઓ સરકારી અને ખાનગી બંને સ્કૂલોના વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ મળે તે માટે પ્રતિબદ્ધ છે. તેઓ એમના વિદ્યાર્થીઓને એમેઝોન ફ્યુચર એન્જિનીયર, કેપજેમિની અને તાતા કેપિટલ જેવાં સંગઠનો સાથેના સહયોગથી અતિઆધુનિક ટૅક્નૉલૉજી અને તેનું માર્ગદર્શન આપે છે જે સામાન્ય રીતે વિદ્યાર્થીઓને માટે મેળવવું મુશ્કેલ હોય છે. બીજી બાજુ સલામ બૉમ્બે, અગસ્ત્ય ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન અને ટીચ ફૉર ઇન્ડિયા જેવાં સંગઠનો સાથે મળીને હોશિયાર જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સાથે જોડાયા, પરંતુ આ બધામાં સૌથી મુશ્કેલ બાબત હોય તો તેમના માતા-પિતાને સમજાવવાનું. તેમને સતત સંશય રહેતો કે રોબોટ બનાવતા શીખવાથી તેમને નોકરી કેવી રીતે મળશે અથવા તો તેમના જીવનમાં શો ફેર પડશે? પરંતુ વિદ્યાર્થીઓએ રોબોટિક્સ કાર્યક્રમમાં અત્યંત રસ દર્શાવ્યો. તેમણે ફર્સ્ટ ટેક ચેલેન્જ નામની વૈશ્વિક રોબોટિક્સ સ્પર્ધામાં બાળકોને ભાગ લેવડાવવાનું નક્કી કર્યું. મીનળ આજે ગર્વથી કહે છે કે સરકારી સ્કૂલના જે બાળકો છ મહિના પહેલાં કમ્પ્યૂટર ચલાવતા શીખ્યા હતા, તેઓ સ્પર્ધાની ફાઈનલ સુધી પહોંચ્યા. ૨૦૨૨માં સ્વીત્ઝર્લેન્ડમાં આયોજિત આંતરરાષ્ટ્રીય રોબોટિક્સ સ્પર્ધા ફર્સ્ટ ગ્લોબલ ચેલેન્જમાં પાંચ વિદ્યાર્થીઓની ટીમ ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી પામી. આ પાંચ બાળકોમાં રીક્ષાચાલકનો દીકરો હતો. તે ઘણી વખત મુસાફરોને એરપોર્ટ મૂકવા આવતો હતો, પરંતુ તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે એક દિવસ પોતાના દીકરાને એરપોર્ટ પર મૂકવા જવાનું થશે. વિદાયની ક્ષણે બધા ભાવુક બની ગયા હતા. છેવટે સ્પર્ધામાં આ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને સુવર્ણચંદ્રક જીતીને આવ્યા. આ માત્ર બાળકો માટે જ નહીં, પણ સમગ્ર સમુદાય માટે ગર્વની ક્ષણ હતી. પાંચમાંથી બે વિદ્યાર્થીઓને ભારતની જાણીતી એન્જિનીયરીંગ કૉલેજોમાં પ્રવેશ મળ્યો. આજે આ ઘટના અન્ય સરકારી સ્કૂલના બાળકો માટે રોલ માડલ બની ગઈ. ધ ઈનોવેશન સ્ટોરીએ પાંચથી બારમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ ડિઝાઈન કર્યા છે. ડિજિટલ સાક્ષરતા અને ગણિત કૌશલ્યથી તેની શરૂઆત થાય છે. ધીમે ધીમે વ્યવહારિક શિક્ષણના માધ્યમથી રોબોટિક્સનો પરિચય અને વેબ એપ ડેવલપમેન્ટનો કોર્સ કરાવવામાં આવે છે. સરકારી સ્કૂલ અને ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓ એકબીજા પાસેથી ઘણું શીખે છે. ધ ઈનોવેશન સ્ટોરીએ અત્યાર સુધીમાં આશરે અગિયાર હજાર વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને સ્વપ્ના જોવાનો આત્મવિશ્વાસ પ્રદાન કર્યો છે. મુંબઈ, બંગાલુરુ અને નોઈડામાં પોતાના કેન્દ્રો સાથે ૨૦૩૦ સુધીમાં દસ લાખ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનું મીનળનું સ્વપ્ન છે. મીનળ મજુમદાર જ્યારે કોઈ બાળકને પ્રથમ રોબોટ બનાવ્યા બાદ ખુશ જુએ છે, ત્યારે વિચારે છે કે તે સાચા રસ્તે છે. તેઓ નિશ્ચિત કરવા માગે છે કે દરેક બાળક પાસે દુનિયાને બદલવા માટે કૌશલ, માનસિકતા અને આત્મવિશ્વાસ હોય છે.
મનને ચેન આપતો અમન
કોઈ વ્યક્તિ સ્વસ્થ થઈને પોતાનું જીવન જીવે છે, ખુશ રહે છે તો તેના ભાગીદાર બનીને અમારી સમગ્ર ટીમને સંતોષ અને આનંદનો અનુભવ થાય છે

૨૦ ૧૯ના અહેવાલ પ્રમાણે વિશ્વમાં આશરે એક અબજ લોકો મેન્ટલ ડિસઓરઅડર સાથે જીવી રહ્યા છે. ભારતમાં પુખ્ત ઉંમરની પંદર ટકા વસ્તીને માનસિક સ્વાસ્થ્ય સંબંધી બીમારી જોવા મળે છે. ગરીબી, વધતું શહેરીકરણ, લૈંગિક અસમાનતા, ભેદભાવ, કલંક તેમજ માનસિક બીમારીઓ સાથે જોડાયેલી માન્યતાઓ માનસિક બીમારીમાં વધારો કરે છે. રોગ અને સારવાર વચ્ચેનું અંતર ૭૦થી ૯૨ ટકા છે. કારણ કે મોટાભાગના લોકો તેના પર ધ્યાન નથી આપતા અને ઓળખાય તો સામાજિક ડરને કારણે સારવાર કરાવતા નથી. આવી પરિસ્થિતિ જોતાં ઉત્તરપ્રદેશના કાનપુરમાં ૨૦૨૩માં અમન અગ્રવાલે અનફેઝ્ડ થેરાપી સોલ્યુશનની સ્થાપના કરી અને એમાં સાથ મળ્યો જસનીત કૌરનો.
અનફેઝ્ડ થેરાપી સોલ્યુશનના સ્થાપક અને સી.ઈ.ઓ. અમન અગ્રવાલના પરિવારના નજીકના સભ્ય એક દિવસ અચાનક કોઈને કહ્યા વિના ઘરેથી જતા રહ્યા. ખૂબ શોધખોળ કરવા છતાં મળ્યા નહીં. છેક પાંત્રીસ દિવસ પછી અમૃતસરના સુવર્ણમંદિરમાં તેઓ મળી આવ્યા. જે એમના ઘરથી લગભગ હજાર કિમી. દૂર હતા. આ પાંત્રીસ દિવસનો પરિવારનો સંઘર્ષ, ચિંતા, નકારાત્મક વિચારો પછી તેઓ મળ્યા તો ખરા, પરંતુ તેઓ કોઈને ઓળખી શકતા નહોતા. પોતાના પુત્ર કે પત્નીને પણ ઓળખી શક્યા નહીં. તેમને સારવાર માટે લઈ ગયા ત્યારે ખબર પડી કે તેઓ ગંભીર ડિપ્રેશનમાં હતા. દરરોજની જિંદગીમાં બહુ ખુશ દેખાતા આટલા ગંભીર ડિપ્રેશનમાં! આ જોઈને અમન અગ્રવાલને માનસિક સ્વાસ્થ્ય અને તેની જાગરૂકતાનું મહત્ત્વ સમજાયું. આ જ સમયગાળામાં અમન અગ્રવાલનો એક મિત્રનું સાત વર્ષની રિલેશનશિપ પછી બ્રેક-અપ થયું હતું અને તે આત્મહત્યા કરવાના વિચારમાં હતો તેને અમન અગ્રવાલે સંભાળી લીધો. આજે આ બંને વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું છે, પરંતુ આ ઘટનાઓ પરથી અમન અગ્રવાલે માનસિક સ્વાસ્થ્ય સંબંધી કંપની શરૂ કરવાનું નક્કી કર્યું અને તેમાંથી અનફેઝ્ડ થેરાપી સોલ્યુશનનો જન્મ થયો.
અનફેઝ્ડ થેરાપી સોલ્યુશનના સહસ્થાપક જસનીત કૌર મનોવૈજ્ઞાાનિક છે અને માનસિક સ્વાસ્થ્ય અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનું મહત્ત્વનું કામ કરે છે. તેઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને વધુ ને વધુ લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. ચાર મહિના જેટલા ઓછા સમયમાં આશરે સવા બે લાખથી વધુ લોકોનો સક્રિય સમુદાય બની ગયો છે. નિયમિત અભિયાન અને વર્કશોપને કારણે લોકોમાં ઝડપથી જાગૃતિ આવી રહી છે. તેઓ માને છે કે બધા ઘા શરીર પર કે દેખાય તેવા નથી હોતા. જે ઘા મન પર લાગ્યા છે, દેખાતા નથી, ભાવનાત્મક છે તેને રૂઝવવાની કોશિશ તેઓ કરે છે. આજના સમયમાં દરેક વ્યક્તિને તેના કામના સ્થળ પર કે વ્યક્તિગત જીવનમાં ઘણા પડકારોનો સામનો કરવો પડે છે અને તેથી વ્યક્તિ ડિપ્રેશન, એન્ઝાયટી, સ્ટ્રેસ અનુભવે છે.
તેઓ નકારાત્મક વિચારો આવતા હોય તો કોગ્નીટીવ બીહેવીયરલ થેરાપી, તણાવ ઓછો થાય અને વર્તમાનમાં જાગૃતિ આવે તે માટે માઈન્ડફુલનેસ બેઝ્ડ થેરાપી, પડકારો સામે સમાધાન કરવા માટે સોલ્યુશન-ફોક્સ થેરાપી અપનાવે છે. રીલેશનશિપ કાઉન્સેલિંગ અને ટ્રોમા-ઇન્ફર્મ થેરાપી પણ આપે છે. જેનાથી વ્યક્તિને પોતાના અનુભવો વિશે વિચારવા માટે સહાયક વાતાવરણ મળે છે. પ્રત્યેક થેરાપી માટે અત્યંત સાવધાની રાખવામાં આવે છે અને જરૂર પ્રમાણે ઉપયોગ કરવામાં આવે છે. તેઓ એવી થેરાપી આપવા માગે છે કે ગ્રાહકોને સંતોષ થાય, ગ્રાહક દ્વારા જે પૈસા આપવામાં આવે છે તે દરેક પૈસાનું તેને અધિકતમ મૂલ્ય મળે તેવું અમન અગ્રવાલ ઇચ્છે છે. ગ્રાહકને એમ લાગવું જોઈએ કે તેણે ચૂકવેલા પૈસા મૂડીરોકાણ છે, ખર્ચ નહીં અને એક વાર સફળતા મળશે પછી પૈસા તો આપોઆપ આવવાના જ છે તેવું અમનનું માનવું છે. તેમણે અત્યાર સુધી બહારથી ફંડિંગ મેળવ્યું નથી. માનસિક સ્વાસ્થ્યમાં તેમને આર્થિક મુશ્કેલી કરતાં વધુ સામાજિક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો છે.
સમાજમાં ફેલાયેલી ગેરસમજને કારણે લોકો માર્ગદર્શન અને મદદ માગતા ખચકાય છે. ભારતમાં એક લાખ વ્યક્તિએ માત્ર ૦.૩ મનોચિકિત્સકો છે. તેથી અમન અગ્રવાલનું લક્ષ્ય શૈક્ષણિક સામગ્રી અને જાગૃતિ ફેલાવીને લોકો સુધી પહોંચવાનું છે. ઑનલાઇન થેરાપી દ્વારા તેઓ બહુ ઓછા સમયમાં લાખો લોકો સુધી પહોંચી શક્યા છે. તેઓએ અત્યારે સ્કૂલ, કાલેજ અને કોર્પોરેટ ક્ષેત્ર સાથે કામ શરૂ કર્યું છે. તેઓ દરેક જગ્યાએ દરેક વ્યક્તિને સર્વશ્રેષ્ઠ સેવા આપવા તૈયાર છે. જો તમે સ્વસ્થ ન હો તો મદદ માગવામાં કશું ખોટું નથી. શરીરના કોઈ અંગમાં દર્દ થાય તો ડૉક્ટરને બતાવવામાં સંકોચ થતો નથી તો માનસિક દર્દમાં ખચકાટ શા માટે? મન તો શરીરના બધા અંગોને સંભાળે છે. આ ક્ષેત્રમાં કામ કર્યા પછી અમનને પોતાના જીવન વિશે કોઈ ફરિયાદ નથી. કોઈ વ્યક્તિ સ્વસ્થ થઈને પોતાનું જીવન જીવે છે, ખુશ રહે છે તો તેના ભાગીદાર બનીને અમારી સમગ્ર ટીમને સંતોષ અને આનંદનો અનુભવ થાય છે.


