કબજિયાત .
- ઉપચાર-મંજૂષા-વિસ્મય ઠાકર
ખો રાક જ્યારે પેટમાં જાય ત્યારે હોજરીથી શરૂ કરી મળદ્ધાર સુધીની માંસપેશીઓમાં એક પ્રકારના તાલબધ્ધ સંકોચનની ક્રિયા થાય છે. જેને આકુંચન લહરી (Peristalsis) કહેવાય. જેનાં કારણે પાચનક્રિયાના ભાગરૂપે ખોરાક નાના આંતરડામાં જાય. સાથે-સાથે મોટાં આંતરડામાં પડયો રહેલો મળ કે કચરો પણ સરકીને નીચે ઊતરે. આ ક્રિયાનું સંવેદન જ્ઞાાનતંતુ (Nerves) બરાબર રીતે ન થાય તો, પેટ પૂરતું સાફ ન આવે. મળ પડયો રહી, સૂકાઈને અટકી રહે. આ સ્થિતિ એટલે કબજિયાત (Constipation).
બ્રિટીશ ડૉક્ટર સર વિલિયમ કબજિયાતને એંશી ટકાથી પણ વધુ રોગોને જન્મ આપનારી માતા કહે છે. અમેરિકન આરોગ્યશાસ્ત્રી જે.એચ.કે લોગ આને ''ઓટોઈન્ટોક્સિકેશન'' એટલે પોતાની મેળે પેદા થતું ઝેર ગણે છે. આંતરડામાં લાંબા સમય સુધી પડી રહેલાં મળમાં સડો (Putrifaction) થતાં પેદા થતું ઝેર (Toxin) લોહીમાં ભળીને જાત-જાતના રોગોને જન્મ આપે છે. જેમકે લીવર, થાઈરોઈડ, અને કાકડાનો સોજો, હરસ, મસા, ભગંદર, આંતરડાનું કેન્સર, હોજરી અને મોમાં ચાંદા પડવા, સાંધાનો વા (ગાઉટ), માથાનો દુઃખાવો, ન્યુરાઈટીસ, અનિદ્રા, મોઢાની દુર્ગંધ, કાયમી થાક, આળસ વગેરે.
આજના ભાગદોડ ભર્યા સમયમાં રોજ એક વખત સવારે નિશ્ચિત સમયે પેટ સાફ થવું જ જોઈએ એવા તનાવમાં નુકસાન કરે એવી રેચક દવાઓના બંધાણી થઈ જતાં માણસોની સંખ્યા ઘણી મોટી છે. વાસ્તવમાં પેટની સફાઈનો આધાર - (૧) કેટલી માત્રામાં ખોરાક લેવાય છે, (૨) ખોરાકમાં રહેલાં રેષા (Fibre) અને પાણીનું પ્રમાણ અને (૩) પાચનક્રિયા પર આધાર રાખે છે. ચાર ટંક ભોજન લેનારને દિવસમાં બે-ત્રણ વખત, બે ટંક ભોજન લેનારને દિવસમાં એક વખત અને ખૂબ ઓછું ખાનાર, ઉપવાસ કરનાર, વૃધ્ધો કે બાળકોને એકાંતરે દિવસે પેટ સાફ આવવું સ્વાભાવિક છે. ભોજન પછી તરત હાજત માટે જવું એ પણ એટલું જ સ્વાભાવિક છે. આવી સ્થિતિને પેટના રોગો કે કબજિયાત સમજવાની ભૂલ ન કરવી.
હવે કબજિયાત નીવારવાના ઉપાય જોઈએ
(૧) મળત્યાગ કરવાના સમયે ટેન્શન, ચિંતાજનક વિચારો ન કરવા. જેથી જ્ઞાાનતંતુ દ્વારા થતાં હાજતના સંવેદનમાં રૂકાવટ થાય. ક્યારેય પણ હાજત જવાની ઈચ્છાને પ્રયત્નપૂર્વક રોકવી નહિ.
(૨) હાજત જવા માટે દેશી કમોડની પધ્ધતિ અપનાવવી - જેમાં પગ વાળીને બેસવાથી પેટ પર દબાણ આવે અને સરળતાથી મળોત્સર્ગ થાય. (વધારે પડતું વજન અને પગના સાંધાના દુઃખાવાની તકલીફ વાળી વ્યક્તિઓ માટે આ સ્થિતિનો નિષેધ છે.) હાજત જતાં પહેલા મળદ્ધારમાં દેશી દિવેલ લગાવવું.
(૩) સર્વ રસાયનોમાં શ્રેષ્ઠ એવાં જળનો પર્યાપ્ત માત્રામાં ઉપયોગ કરવો. (એટલે કે રોજના આઠથી દસ પ્યાલા પાણી પીવું.) સવારે ઊઠીને બે-ત્રણ પ્યાલા હુંફાળું-ગરમ કરેલું પાણી નરણા કોઠે પીવું. પછી હાજત માટે જવું. (૪) દાડમ, લસણ, કંદમૂળ, મેંદાનો ઉપયોગ વધુ માત્રામાં કરવાથી કબજિયાત થાય. વિટામીનની દવાઓ જેમાં આયર્ન (લોહતત્વ) હોય, ઉઘરસની દવાઓ (કોડિનયુક્ત), ઊંઘની અને મનને શાંત કરતી દવાઓ તથા પેઈનકિલર્સના ઉપયોગથી પણ કબજિયાત થઈ શકે. જેથી આ પ્રકારની ઔષધિઓ વિવેકપૂર્વક લેવી.
(૫) પોલિશ કરેલા ચોખા, ફોતરા કાઢી નાખેલી દાળ, થૂલુ કાઢી નાખેલા ઘઉંનો વપરાશ બંધ કરવો. એની જગ્યાએ હાથ-છડના ચોખા, ફોતરાવાળી દાળ અને ઘઉંનો કરકરો લોટ વાપરવાનો આગ્રહ રાખવો. એમ કરવાથી ખોરાકમાં રેષા (ખૈમિી) અને વિટામીન 'મ્૧' નું પ્રમાણ જળવાય છે. ઉપરાંત લીલાં શાકભાજી અને તાજાં ફળોનો ઉપયોગ છાલ સાથે કરવાથી સારા એવા પ્રમાણમાં રેષા મળી રહે છે. દિવસ દરમ્યાન ખોરાકમાં ત્રીસથી ચાળિસ ગ્રામ જેટલાં રેષા લેવાં જરૂરી છે.
(૬) ઉતાવળે ખાવાની ટેવ બરાબર નથી. શાંતિપૂર્વક, એકાગ્રચિત્તે, સંતોષથી ભોજન લેવું. ભોજન દરમ્યાન અને ભોજન પછી તરત વધુ પડતું પાણી ન પીવું. જેથી પચનક્રિયા મંદ થઈ અપચો થાય. ભોજન પછી તલ, ધાણાની દાળ, ગળ્યા આમળા, વરિયાળી જેવા મુખવાસનો ઉપયોગ કરવો.
(૭) બેઠાડું જીવન ત્યાગી, સરળ અને સાદા વ્યાયમને અપનાવવો. સવાર-સાંજ ભોજનના કલાક પછી અડધો કલાક શાંતિપૂર્વક ચાલવાની ટેવ કેળવવી. યથાશક્તિ મુજબ એરોબિક કસરતો કરવી. યોગાસનો જેવા કે ઉત્તાનપાદાસન, શલભાસન, પશ્ચિમોત્તાનાસન, વજ્રાસન, સર્વાંગાસન જાણકારની સલાહ મુજબ કરવા. જેનાથી પેટન સ્નાયુઓ મજબુત થશે અને આંતરડાની કાર્યક્ષમતા વધશે.
(૮) અડધો કલાક પાણીમાં પલાળી રાખેલા બે થી ત્રણ નંગ અંજીર બપોરના ભોજન પછી અને વીસ દાણા કાળી સૂકી દ્રાક્ષ અડધો કલાક પાણીમાં પલાળી રાખી, ખૂબ ચાવી-ચાવીને રાત્રિ ભોજન પછી લેવાં. (૯) કબજિયાત દૂર કરવા અઠવાડિયે એક વખત કરી શકાય એવો નિર્દોર્ષ પ્રયોગ : ઈસબગુલ, આમળા, વરિયાળી સમભાગે, દેશી દિવેલમાં શેકેલી હરડે અડધા ભાગે, મીંઢિઆવળ, સંચળ, અજમો દસમા ભાગે. આ બધાં દ્રવ્યોના ચૂર્ણોના મિશ્રણમાંથી એક ચમચી રાત્રે સૂતી વખથે હૂંફાળા પાણી સાથે લેવાથી પેટ સાફ આવશે.